‘ મૈ કોઈ બર્ફ નહીં જો પીઘલ જાઉંગા , મૈ કોઈ હર્ફ નહીં જો બદલ જાઉંગા ‘

Featured

સુપરહિટ ફિલ્મ ‘ શોલે ‘ તો તમને યાદ જ હશે અને એના બધા સુપરહિટ ગીતો પણ . એ શોલેમાં આર. ડી. બર્મને      કિશોરકુમાર , ભુપીન્દર , મન્નાડે અને એક બીજા ગાયક સાથે ‘ ચાંદ સા કોઈ ચહેરા ‘ એવી એક કવ્વાલી રેકોર્ડ કરેલી પણ થયું એવું કે ફિલ્મ ઓલરેડી 3 કલાક જેટલી લાંબી થઈ ગયેલી એટલે એ કવ્વાલી રેકોર્ડ તો થઈ પણ એના પર શૂટિંગ થયું જ નહીં પણ જે રીતે શોલે અને એના ગીતો હીટ થયેલા એ જોતાં જો એ કવ્વાલી ફિલ્મમાં હોત તો એ પણ હીટ જ થઈ હોત અને સાથે સાથે હીટ થઈ જાત એ અન્ય ગાયક પણ .. !!! જે બીજું કોઈ નહીં પણ આપણા સૌના માનીતા ગીતકાર આનંદ બક્ષી હતા ..!!!! જો કે આ ગીત ભલે ફિલ્માંકન ના થયું પણ રેકોર્ડ થયું હોવાથી આજે પણ તમે યુટ્યુબ પર સાંભળી શકો છો . હમણાં 30 માર્ચે જેમની મૃત્યુતિથી ગઈ એવા આનંદ બક્ષી એ લખેલા હિન્દી ફિલ્મોના ગીતો વગર તો બૉલીવુડ ફિલ્મોની કલ્પના કરવી જ મુશ્કેલ છે પણ મજાની વાત  એ છે કે આનંદ બક્ષીની ગીતકાર તરીકેની આખીએ કેરિયર આ આગળ વર્ણવ્યો એવા જ પ્રસંગોથી ભરપૂર રહી છે . શરૂઆતી જિંદગીમાં જ્યારે બક્ષી ખાલી સમયમાં ગીતો લખતા ત્યારે એ ગીતો તેઓ મિત્રો સમક્ષ ગાતા પણ ખરા અને આમ પણ બક્ષી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવ્યા જ હતા ગાયક કલાકાર બનવા માટે પણ નસીબનું ચક્ર એમને ગીતકાર બનવા તરફ લઈ ગયું . જો કે શોલે પહેલા એમણે 1972 માં ‘ મોમ કી ગુડિયા ‘ ફિલ્મમાં લત્તા સાથે એક યુગલ અને એક સોલો સોંગ ગાયેલું .

1950 માં જયારે આનંદ બક્ષી સેનામાં હતા ત્યારે એમણે ખુદ માટે એક ઘોષણાપત્ર લખેલું કે ‘ દરેકની જિંદગીનો એક મકસદ હોવો જોઈએ અને હું આનંદ બક્ષી ઘોષણા કરું છું કે મારી જિંદગીનો મકસદ છે કલાકાર બનવાનો અને એ માટે હું ફિલ્મ , રેડિયો , થિયેટર બધે જ જઈશ અને ગીતકાર , ગાયક કે દિગ્દર્શક જે શક્ય હશે એ બનીશ – પણ બનીશ ખરો ‘ .. કટ ટુ 1988 .. બહુ નહીં પણ લગભગ 38 વર્ષ પછી આનંદ બક્ષી        એ ઘોષણાપત્રમાં એક ઉમેરો કરે છે કે ‘ મકસદ પૂરો થયો – હું સફળ ગીતકાર બની ગયો છું પણ આ બનવામાં મે મારો આત્મવિશ્વાસ ખોયો છે , ભૂલો કરી છે ભગવાન મને એ ભૂલો સુધારવાની તક આપે ‘ સફળ થયા પછી પણ કશુંક બદલાયાની અનુભૂતિ આનંદ બક્ષીના શબ્દોમાં છે તો એવા જ સરળ શબ્દો પોતાના ગીતોમાં વાપરતા હોવાથી જ તો બક્ષી હીટ નહીં પણ સુપરહિટ બનેલા ને ..?? ‘ શમા કહે પરવાને સે પરે ચલા જા , મેરી તરહ જલ જાયેગા યહાં નહીં આ ‘ જેવા ગંભીર શબ્દોને પણ સરળતાથી લખી જાણતા બક્ષીની આ જ તો ખાસિયત હતી . 1958માં મુંબઇમાં સ્ટ્રગલ કરી રહેલા બક્ષી એકવાર હીરો ભગવાનદાદાની સાથે એમની  ફિલ્મ ‘ ભલા આદમી ‘ ના પ્રોડ્યુસર બ્રિજ મોહનની ઓફિસમાં બેઠેલા . ફિલ્મનો ગીતકાર ક્યાંક ગુમ થઈ ગયેલો તો ભગવાનદાદાએ બક્ષીને પૂછ્યું કે તુ શું કરે ? બક્ષી કહે ગીતકાર છું . ભગવાન કહે તો ગીત લખી બતાવ , અને બક્ષીએ પંદર દિવસમાં જ ચાર ગીતો લખી આપ્યા અને આમ શરૂ થઈ બક્ષીની સફર . જો કે આ હિન્દી ફિલમજગતમાં આવવાની બક્ષીની બીજી ટ્રાય હતી આ પહેલા એક નિષ્ફળ પ્રયાસ કરેલો પણ એમાં ફેલ થાય એટલે નેવીમાં જોડાઈ ગયેલા પણ જીવ તો ફિલ્મોમાં જ હતો એટલે નેવીની નોકરી છોડીને બીજી ટ્રાય માટે આવ્યા મુંબઈ . જો કે નાની મોટી ફિલ્મોના ગીતો લખવાની અને સફળ થવાની બક્ષીની સ્ટ્રગલ લાંબી ચાલી અને છેક 1965 માં ‘ જબ જબ ફૂલ ખીલે ‘ ના ‘ પરદેશિયોસે ના અખિયા મીલાના ‘ ને ‘ યે સમા સમા હૈ એ પ્યાર કા ‘ જેવા સુપરહિટ ગીતો આપીને બક્ષીએ આખરે સફળ ગીતકારનું નામ બનાવ્યું . જો કે વચ્ચે વચ્ચે ‘ મેરે મહેબૂબ કયામત હોગી , આજ રુસવા તેરી ગલિયોમે મુહોબ્બત હોગી ‘ જેવા એકલદોકલ હીટ ગીત આવતા રહેલા પણ ફૂલ હીટ આલબમ તો ‘ જબ જબ ફૂલ ખીલે ‘જ હતું .

                                            મજાની વાત એ છે કે શશીકપૂરની કેરિયર ઓલમોસ્ટ પૂરી થવા પર હતી અને ‘ ફૂલ ખીલે ‘ એ જાદુ કર્યો . એમ તો ખાલી શશી જ શું કામ આનંદ બક્ષીના ગીતો એ સન્ની દેઓલ , જેકી શ્રોફ , કમલાહસન , ઋષિકપૂર , શાહરુખ જેવા કલાકારોની પ્રથમ ફિલ્મના હીટ ગીતો પણ લખેલા તો રાજેશખન્ના જે ફિલ્મથી સાચા અર્થમાં સુપર સ્ટાર બન્યો એ આરાધના ના ગીતો પણ આનંદ બક્ષીના જ હતા . આગળ પંદર દિવસ જેવા ટૂંકા ગાળામાં ચાર ગીતો લખ્યાની વાત પરથી યાદ આવ્યું કે આનંદ બક્ષીએ તો આઠ કલાકમાં ગીત લખ્યાનું પણ છે . મજરૂહ જેવા શાયરોની ઉપસ્થિતિમાં આનદ બક્ષીએ પોતાની જગ્યા બનાવી એનું એક બીજું કારણ એ પણ હતું કે બક્ષિના ગીતો સમજવામાં સરળ હતા . કોઈ ભારેખમ શબ્દો નહીં છતાં કહેવાનું કહેવાય જાય એવા. બક્ષીએ ખુદે પોતાની સફળતામાં આ સરળ શબ્દોનો બહુ ફાળો છે એ સ્વીકારેલું . બક્ષીએ કહેલું કે હું માત્ર આઠ ચોપડી જ ભણેલો એટલે હિંદીના માતબર શબ્દો મને બહુ આવડતા નહીં એટલે મે બોલચાલની સામાન્ય ભાષામાં વપરાતા શબ્દો મારા ગીતોમાં વાપર્યા અને ભગવાનની કૃપા કે લોકો એ શબ્દો પોતે જ બોલતા હોય એવા લાગવાથી એને વધાવી લીધા .

                                       બાકી બક્ષી એ બધા જ પ્રકારના ગીતો લખ્યા છે અને એ ગીતો હિટ રહ્યા છે અને આજેપણ લોકો વારંવાર સાંભળે છે . ‘ આપ યહાં આયે કિસ લિયે ? ‘ કે પછી ‘ બાગો મે બહાર હૈ .. હા હૈ ‘ કે પછી ‘ અચ્છા તો હમ ચલતે હૈ ‘ જેવા સવાલ-જવાબવાળા ગીતો લખતા પહેલા પણ બક્ષીએ 1962 માં ‘ કાલા સમંદર ‘ માં નાયક – નાયિકાના સવાલ જવાબવાળી એક કવ્વાલી આવી જ લખેલી જેના શબ્દો હતા ‘ મેરી તસવીર લેકર કયા કરોગે ? ‘તો ‘ ફૂલ બને અંગારે ‘ માં ચીને ભારત પર કરેલા આક્રમણની પૃષ્ઠભૂમિ પર દેશભક્તિનું ગીત લખેલું જેના શબ્દો હતા  ‘ વતન પર જો ફીદા હોગા અમર વો નૌજવાં હોગા ‘ તો આ જ ફિલ્મમાં ‘ ચાંદ આહે ભરેગા ફૂલ દિલ થયાં લેંગે , હુસ્ન કી બાત ચલી તો સબ તેરા નામ લેંગે ‘ જેવુ રોમેન્ટિક ગીત પણ આપેલું . આ જ ચાંદ ને આગળ વધારતા ‘ હિમાલય કી ગોદ મે ‘ માં ‘ ચાંદ સી મહેબૂબા હો મેરી કબ ‘ લખ્યું તો ‘ જબ જબ ફૂલ ખીલે ‘ નું ‘ એક થા ગુલ ઓર એક થી બુલબુલ ‘ જેવુ ભાવવાહી ગીત પણ આપ્યું . ‘ આયે દિન બહાર માં ‘ દિલ તોડતી પ્રિયતમાને શ્રાપ આપતું ‘ મેરે દુશ્મન તું મેરી દોસ્તી કો તરસે ‘ હોય કે પછી ‘ અમરપ્રેમ ‘ નું ઘણી સમસ્યા એવી હોય છે કે જેનો કોઈ ઉકેલ નથી એવા ભાવવાળું ‘ ચિનગારી કોઈ ભડકે તો સાવન ઉસે બુજાયે , સાવન જો આગ લગાએ ઉસે કૌન બુજાયે ‘ હોય કે પછી આવું જ એક બીજું ‘ કુછ તો લૉગ કહેંગે , લોગો કા કામ હૈ કહેના ‘ વાળું ફિલોસૉફિકલ સોંગ હોય કે દિલ તૂટવાની ઘટનાને એકદમ પોઝિટિવ લેતું સોંગ ‘ યે કયા હુઆ કૈસે હુઆ કબ હુઆ કયું હુઆ ‘ ની એક એક લાઇન કે પછી ‘ આરાધના ‘ માં જીવનથી હારેલી શર્મિલાને પોરસ ચડાવતું ‘ કાહે કો રોયે સફલ હોગી તેરી આરાધના ‘  કે ‘ મિલન ‘ નું મધુર ‘ રામ કરે ઐસા હો જાયે મેરી નિંદિયા તુજે લગ જાયે ‘ હોય કે આ લખનારનું ઓલટાઈમ ફેવરિટ ‘ આપ કી કસમ  ‘ નું ‘ જિંદગી કે સફર મે ગુજર જાતે હૈ જો મકામ વો ફીર નહીં આતે  ‘ હોય ..!!! બક્ષી ના લગભગ 3500 થી વધુ ગીતો છે અને એમાંથી મોટાભાગના ઉપર લખ્યા એમ વિધવિધ વિષયો પર લખાયેલા છે . અને મજાની વાત એ છે કે રિમિક્ષના જમાનામાં આજે પણ નવી પેઢીને આ ગીતો ગમે છે અને એટલે તો રાજેશ ખન્ના  કે ધર્મેન્દ્રના જમાનાની સાથે સાથે બક્ષીજી ના નવા જમાના ના અમિતાભ સાથે ‘ હમ ‘ , શાહરુખ ‘ દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે ‘ , અક્ષય સાથે ‘ મોહરા ‘,અનિલ કપૂર સાથે  ‘ તાલ ‘ , સુભાષ ઘાઈ  સાથે ‘સૌદાગર ‘ , સની દેઓલ સાથે ‘ ગદર : એક પ્રેમકથા ‘  જેવી ફિલ્મોના ગીતો  લોકપ્રિય હતા અને છે . બક્ષીના ગીતોએ આર. ડી બર્મન  , કુમાર શાનું , ઉદિત નારાયણ , એસ. પી. બાલા જેવા ઘણા ગાયક – સંગીતકારોની  સફળતામાં સીડીનું કામ કરેલું . બક્ષીએ પોતાના માટે લખેલું કેટલું સાચું છે કે ‘ મૈ કોઈ બરફ નહીં જો પીઘલ જાઉંગા , મૈ કોઈ હરફ નહીં જો બદલ જાઉંગા ‘ !! ( akurjt@gmail.com  )

  • અજય ઉપાધ્યાય ( ગાંધીનગર સમાચાર – કૉલમ ” રઝળપાટ ” 7 એપ્રિલ 2024 )

જળ એ જ જીવન છે .. પણ સમજો તો ……..!!!!!!!

કર્ણાટકના સી. એમ. સિદ્ધારમૈયાએ કહેવું પડ્યું કે બેંગલોર રોજના ૫૦૦ મિલિયન લિટર પાણીની ઘટ ભોગવી રહ્યું છે જે શહેરના દૈનિક જળપુરવઠાનો આમ તો માત્ર પાંચમો ભાગ જ છે છતાં પણ તમે સમાચારો જોયા હશે કે આ પાંચમા ભાગની તંગી પણ બેંગલોરમાં કેવું જળસંકટ લાવી છે . પાણીની તંગીનો સામનો કરી રહેલા લોકોના પાણી બચાવવા કરતાં પાણી ક્યાંથી મેળવવું એના પ્રયાસો કરતાં અહેવાલો અને દ્રશ્યો જોઈને મને ને તમને એક જ બીક લાગી હશે કે કાલ સવારે ના કરે નારાયણ ને આપણે પણ આ જ સ્થિતિમાં ફસાઈ જઈએ તો શું થાય ? યસ યસ .. પાણી વગરના જગતની કલ્પના જ રૂવાડા ઊભા કરી દેવા માટે કાફી છે પણ એટલી જ ભયાનક કલ્પના થઈ શકે ઓછું પાણી મળવા અંગેની . જી હા , ‘ પાણી બચાવો ‘..’ પાણી બચાવો ‘ ના નારાઓ બહુ ગજવીએ છીએ પણ ખરેખર આપણે કેટલું પાણી બચાવીએ છીએ એ તો મારો ને તમારો આતમરામ જાણે ..?  પાણીની તંગીના અગાઉના લેખમાં લખેલું કે ૨૦૨૫ સુધીમાં વિશ્વના ઘણા દેશો પાણીની અભૂતપૂર્વ તંગી ભોગવતા હશે અને ભારતમાં તો પરિસ્થિતિ વધુ ગંભીર એટલા માટે થવાની કેમકે વિશ્વની ૧૮% જેટલી વસ્તી ધરાવતા હિન્દુસ્તાનમાં પીવાના પાણીના સોર્સ માત્ર ને માત્ર ૪% જ છે . !!!

વાત ૨૦૨૫ની થઈ રહી છે પણ ૨૦૨૪ની શરૂઆતમાં બેંગલોર જેવા ભયાનક દ્રશ્યો જોવાના દિવસો આવી ગયા છે . આ વાંચતાં હશો એના બે દિવસ પહેલા ૨૨ માર્ચે વિશ્વ જળ દિવસ ઉજવાઇ ગયો . આમ તો પૃથ્વીનો લગભગ ૩/૪ ભાગ પાણી જ પાણી છે પણ એમાંથી પીવાલાયક તો માત્ર ૧% કે એનાથી પણ ઓછું છે અને સામે એને વાપરનાર વસ્તી કુદકે ને ભૂસકે વધી રહી છે . વસ્તીવધારો એ આમ પણ બધી રીતની વિકરાળ સમસ્યા તો છે જ પણ પાણીની બાબતમાં એવું છે કે એ જીવન જરૂરિયાતની અને સાવ ફરજિયાત કહી શકાય એવી વસ્તુ છે . વસ્તીવધારાની સામે વોટર રિસોર્સિસ એટલા વધ્યા નથી . ઊલટાનું જે છે એના પણ આપણે બેદરકારીને લીધે અને બેફામ બગાડને લીધે ઓલમોસ્ટ તળિયા લાવી દેવાની શરૂઆત કરી દીધી છે . આવનારી પેઢી માટે જળ બચાવો ના બણગાં ફૂંકવા તો પછીની વાત છે પહેલા આપણી પેઢી માટે તો જળ બચાવી જાણો . એ કરશો તો આગલી પેઢીઓ બે ટીપાં પાણી પામશે .  

                              સેન્ટ્રલ વોટર કમિશનના આંકડા કહે છે કે દેશના જળાશયોમાં ફેબ્રુઆરી સુધીમાં સંગ્રહ થયેલા પાણીનો જથ્થો ૪૭% થઈ ગયો છે જે ગયા વર્ષે આ જ સમયગાળામાં લગભગ ૮૦% જેવો હતો . મતલબ કે પાણીનો વપરાશ કે બગાડ ઓલમોસ્ટ ડબલ થઈ ગયો છે . એક તૃતીયાંશ કરતાં વધુ જળાશયોમાં તેમની ક્ષમતાના 40 ટકા કરતાં ઓછું પાણી છે. દેશના 150 મોટા જળાશયો તેમની ક્ષમતા કરતા લગભગ 50 ટકા ઓછા ભરાયા છે અને એમાં પણ દક્ષિણના રાજ્યોની સંખ્યા વધુ છે . બેંગલોરના જળસંકટના અનેકો કારણોમાં એક કારણ આ ઓછો વરસાદ પણ છે જ . જો કે એ સિવાય પણ બીજા કારણો જેવા કે પથરાળ જમીન અને પાણીનો બગાડ પણ છે જ . નિષ્ણાતોની માનીએ તો ૧૯૫૧માં જ્યાં દરેક વ્યક્તિને પ્રતિવર્ષ સરેરાશ ૫૧૭૭ ધનમીટર , ૨૦૦૧માં ૧૮૨૦ ઘનમિટર પાણી મળતું હતું ત્યાં  ૨૦૨૫માં દરેક વ્યક્તિને પ્રતિવર્ષ માત્ર ૧૩૪૧ ઘનમીટર પાણી જ મળશે જ્યારે ૨૦૫૦ની આસપાસ આ આંકડો ૧૧૪૦ ઘનમીટર થઈ જવાનો . આ ઘનમીટરની માયજાળમાં જો ખબર ના પડે તો પણ એટલું તો સમજાઈ જ જશે કે વર્ષ દર વર્ષ ઓછું પાણી જ વાપરવા મળવાનું છે એટલે ‘ જળ એ જ જીવન છે ‘ કે ‘ પાણી બચાવો , પાણી તમને બચાવશે ‘ એવા સૂત્રો પોકારવાને બદલે ખરેખર પાણી બચાવવાની તાતી જરૂરિયાત છે જ .

                                     ભારત કૃષિપ્રધાન દેશ છે એટલે સ્વાભાવિક છે કે પાણીના સંગ્રહનો મોટો હિસ્સો ખેતીવાડીમાં વપરાઇ જાય છે . ઉનાળો આવતા પાક બચાવવા માટે પાણી છોડવું એ જરૂરિયાત તો છે જ પણ એ કૃષિપ્રધાન દેશ માટે અગત્યનું પણ છે જ . રહી વાત ઘરવપરાશના પાણીની .  અસલી પેચ અહી જ ફસાયેલો છે . ડાયનાસોરના જમાનામાં જે વોટર રિસોર્સિસ હતા લગભગ લગભગ એ અને એટલા જ રિસોર્સિસ આજે પણ છે . સામે વાપરનારાઓ વધ્યા છે અને એનાથી પણ અગત્યની અને ગંભીર વાત કે પાણીનો સંગ્રહ કરવાના પ્રયત્નો ઘણા થઈ રહ્યા છે પણ હજુ એ બધા પૂરતા નથી જ . અને સૌથી ગંભીર અને અગત્યની વાત કે પાણી બચાવો એવા નારા બોલવા અને એનો અમલ કરવો એ બંને બાબતમાં વી ધ પીપલ હજુ જોઈએ એટલા જાગૃત થયા જ નથી . સરકારી આંકડાઓ કહે છે કે આ વર્ષે સંગ્રહ કરેલ જળનું સ્તર આગલા વર્ષોની સરખામણીમાં પાંચ ગણું નીચે કે ઓછું છે . પાણીની તંગી થાય ને સફાળા ડોલચા અને ડોલો લઈને આમતેમ દોડવા મંડીએ એવી માનસિકતા છોડવી પડશે . ‘ આપણાં એક ના પાણી બચાવવાથી શું થશે ? ‘ આવી માનસિકતા પણ છોડવી પડશે . પાણીનો બગાડ કોઈ સમૂહ નહીં પણ એક પછી એક લોકો અટકાવશે તો જ પાણીના વધ્યા ઘટયા રિસોર્સિસ સલામત રહેશે અને આવનારી પેઢીઓને એનો લાભ મળશે.

                                  આપણો પાણીનો સોર્સ મોટાભાગે વરસાના પાણી પર આધારિત છે હવે ક્લાયમેટ ચેન્જના જમાનામાં વરસાદ ક્યારે વધુ અને ક્યારે ઓછો આવે એ કહી શકાતું છે જ નહીં એવામાં જે પણ પાણી ઉપલબ્ધ થાય એનો વ્યવસ્થિત સંગ્રહ કરવું જેટલું અગત્યનું છે એટલું જ અગત્યનું છે એ પાણીનો બગાડ કર્યા વગર ઉપયોગ થાય . પાણીની તંગી માટે જે તે સરકારને દોષ દેવો વાજબી છે કેમકે પ્રજાને એટલીસ્ટ પીવાનું પાણી બરાબર મળી રહે એ વ્યવસ્થા કરવાનું કામ સરકારનું જ છે પણ સાથે સાથે આપણે પણ મળતા પાણીનો બગાડ અટકાવવાની જવાબદારી સ્વીકારવી પડશે . અમથે અમથા વાહનો ધોવા કે પાલતું કુતરા નવડાવવા કે કોઈ જ કારણ વગર શેરીઓને – ધાબાઓને અમસ્તા જ ધોઈ કાઢવામાં વપરાતા ( ઇન્ફેકટ વેડફાતા ) પાણીના ટીપે ટીપાનો બચાવ કરવો જરૂરી છે . પાણી હોય ત્યારે એય ને  બિન્દાસ જલસા કરો અને ના હોય ત્યારે કોર્પોરેશનની ઓફિસમાં જઈને માટલાં ફોડો કે સરકારના નામે કકળાટ કરો એવું ના કરવું પડે એ માટે પણ પાણીનો ખોટો બગાડ અટકાવવો જોઈએ . જરૂર ના હોય તો નળને બંધ કરતા શીખવું પડશે – પછી ભલેને હજુ પાણી બંધ થવામાં વાર હોય તો પણ ..!! તળાવો – નહેરો – ડેમો કે પછી ઘરેલુ પાઈપલાઈનોમાંથી પાણીની ચોરી કરતા લોકો પર આકરી અને કડક કાર્યવાહી થવી જોઈએ તો શહેરો કે ગામડાઓમાં પાણીનો બગાડ કરનારાઓ પર કાનૂની કાર્યવાહી કરવી જોઈએ પછી ચાહે એ કોઈ પણ હોય …!! પાણીના મીટર આવતીકાલની નહીં પણ આજની જરૂરિયાત છે અને એને વહેલી તકે બધે જ ફરજિયાત કરવા જોઈએ જ . પાણીની તંગીથી ખાલી જીવનજરૂરિયાત પર નહીં પણ વીજળીના ઉત્પાદન પર પણ અસર પડે છે એ ના ભુલાવું જોઈએ . વીજળીની સાથે સાથે પાણી વ્યક્તિગત સ્વચ્છતતા માટે પણ જરૂરી છે . પાણીની તંગીને લીધે સ્વચ્છતાના અભાવે દેશમાં લાખો લોકો દર વર્ષે જીવ ગુમાવે છે . ફ્લેટોના જમાનામાં પાણી સંગ્રહ કરો કે ટાંકા ભરો કે વરસાદી પાણીનો સંગ્રહ કરો એ તો હવે મુશ્કેલ થતું જાય છે એવામાં એક જ વિકલ્પ બચે છે કે જે પણ પાણીનો સંગ્રહ છે અને જે કાઇપણ પાણીના સ્ત્રોત્ર છે એનો ડહાપણપૂર્વક ઉપયોગ કરીએ . ઘરવપરાશમાં તો જરૂરી છે જ પણ સાથે સાથે ખેતીમાં પાણીના ઓછા વપરાશની પધ્ધતિઓ વાપરીએ . વરુણદેવતા રીઝે ત્યારે કે રૂઠે ત્યારે પાણીના હાથવગા જથ્થાને બરાબર વાપરી જાણીએ એ જરૂરી બની ગયું છે . હવે આ બાબતે જાગૃત થવા માટેનો કોઈ સમય બાકી નથી રહ્યો . આજે બેગલોર છે તો કાલે તમારું શહેર કે ગામ પણ હોય શકે છે એટલે નિષ્ણાતો કહે છે એમ આગામી વિશ્વયુધ્ધ પાણી માટે થાય એ પહેલા જાગીએ તો સારું ..!!! (akurjt@gmail.com )

  • અજય ઉપાધ્યાય ( ગાંધીનગર સમાચાર કૉલમ ” રઝળપાટ ” ૨૪ માર્ચ ૨૪ )
  • image : India Today

આપકો ઘબરાના નહીં હૈ !!!!!!

Featured

આપકો ઘબરાના નહીં હૈ !!!!!!

અલ્યાવ ટાઇટલ વાંચીને એમ ના સમજતા કે પાકિસ્તાનના બખડજંતર ઉપર જેલવાસી ઇમરાનખાનની કોઈ વાત છે , અસલમાં વાત છે આ લેખ વાંચતાં હશો એના એક દિવસ પછી શરૂ થતી બોર્ડ એક્ઝામની ..!!!! હવે તમે એમ કહેશો કે એલા ભાઈ દર વર્ષે બોર્ડની એક્ઝામ આવે છે અને તમ લેખકોના લખાણો ચાલુ થઈ જાય છે .. રહેમ કરો કે ..???? તો બંધુઓ અને ભગિનીઓ એમાં એવું છે કે બોર્ડ અને બોર્ડની પરીક્ષાયુનો હાઉ જ એવો છે ને કે જેટલી ધરપત અને હિમત પરીક્ષાર્થીઓને આપીએ એટલી ઓછી પડે .. લીટરલી..!!!!! જી હા , એક જમાનામાં બોર્ડની પરીક્ષાનો જે હાઉ અને બીક હતી બિલકુલ એટલી જ અને એવી જ ધાક આજે પણ આ પરિક્ષાઓની છે .. છે અને છે જ ..ઇન્ફેકટ સ્પર્ધાઓના જમાનામાં એનાથી પણ વધુ છે એમ કહેવું અતિશયોક્તિ નથી !!!! હવે તો જમાનો વધુ કોમપીટેશનનો થઈ ગયો છે એટલે પાસ થવાનું પ્રેશર ‘ થ્રી ઈડિયટ ‘ ના ડાયલોગની જેમ દિમાગમાં નહીં પણ દિલમાં ડેમેજ કરી મૂકે એવું હોય છે . આમ તો ૨૫ માર્ચે હોળી-ધૂળેટી છે પણ જો એ પહેલા પૂરી થયેલી પરીક્ષામાં પેપર સારા ના ગયા તો ધૂળેટી બેરંગ વિતવાની એવી ચિંતા દરેક પરિક્ષાર્થીને હોવાની જ ..!!!

અને હોવી પણ જોઈએ જ . કેમ કે આજકાલ શિક્ષણજગત જ આવી પરીક્ષાયુની ઇર્દગિર્દ ફરતું થઈ ગયું હોય એવી આપણી શિક્ષણ વ્યવસ્થા બની ગઈ છે . હવે બની ગઈ છે કે પછી વધુ કમાવાની લાલચમાં કહેવાતા શિક્ષણવિદો એ બનાવી નાખી છે એ પાછો ચર્ચાનો અને વિવાદોનો વિષય છે પણ દરેક પરીક્ષાર્થીઓ એને બાજુ પર રાખીને એક વાત ખાસ કંઠસ્થ કરી લો કે કોઈપણ પરીક્ષા છેલ્લી પરીક્ષા નથી હોતી કે એમ કહો ને કે આ પરીક્ષામાં માનો કે ધાર્યું પરિણામ ના લાવી શકો તો એવું નથી કે જિંદગીના બધા જ દરવાજા બંધ થઈ ગયા છે ..!!! ના મુન્ના ના.. એવું હરગીઝ છે જ નહીં .  ધેર ઈઝ ઓલવેઝ એ સેકન્ડ ચાંસ ..!!! અરે સેકન્ડ હોય ..? હવે તો થર્ડ અને ફોર્થ ચાન્સીસ પણ મળે જ છે ..!!!!  જી હા , મહેનત કરવી તમારા હાથમાં છે .. ક્યારેક એવું પણ બને કે મહેનત ઓછી પડે કે ક્યારેક એવું પણ બને કે નસીબ સાથ ના આપે અને મહેનતનુ ધાર્યું પરિણામ ના પણ મળે પણ એનો અર્થ એવો હરગીઝ છે જ નહીં કે હિમત હારી જવી .. કે પછી ‘ ઓહહ આ છેલ્લી પરીક્ષા હતી કે શું ? ‘ એવું વિચારીને નાસીપાસ થઈ જવું . “ ઓર ભી ઇમ્તિહાન હૈ જિંદગી મે ‘ આવુ કઈક વિચારીને બીજા મોકાની રાહ જોવાની અને એ મોકાની બરાબર અને ભરપૂર તૈયારીઓ કરવાની ..!!!!

                             એક જમાનો એવો હતો કે ૧૦-૧૨ ની પરીક્ષા આપતું બાળક જેના ઘરમાં હોય એ ઘર બાળક દસમામા હોય તો એક વર્ષ અને બારમામાં હોય તો નવમાં ધોરણ થી ઓલમોસ્ટ ઓલમોસ્ટ ગંભીર વાતાવરણવાળું બની જતું . જો કે આજકાલ પણ આવા માહોલમાં કાઇ ખાસ ફરક નથી પડ્યો . હા એ જરૂર છે કે પહેલા કેરિયરના સ્કોપ ઓછા હતા અને આજે શું છે કે ‘ ૧૦-૧૨ માં નાપાસ થયા છો .. મૂંઝાશો નહીં .. આમારો આ કોર્સ કરીને પગભગર થાવ “ જેવી  જાહેરાતોથી છાપાઓ ઉભરાય છે . પેલું કહે છે ને કે એક બારણું બંધ થાય તો ભગવાન બીજું બારણું ખોલી આપે છે એ હિસાબે આજકાલ તો માનો કે નાપાસ થવાય તો ઘણી બધી એવી લાઈનો છે કે જેની મદદથી તમે ફરી પાસ પણ થઈ શકો છો કે બીજો કોઈ કોર્સ કરીને આગળ વધી શકો છો . હવે આવી મહાન મોટીવેશનલ  લાઈનો વાંચીને એમ ના વિચારતા કે વાંધો નહી નાપાસ થઈ તો !!!!!! હરગીઝ વાત એવી તો નથી જ કેમકે ૧૦-૧૨ ની પરીક્ષાનું પરિણામ આગળની કેરિયાર માટે અગત્યનું તો છે જ . કદાચ એવું છે કે ૧૦ના પરિણામ કરતાં ૧૨ના પરિણામની અગત્યતા વધુ છે એટલે આ બન્ને પરીક્ષામાં પાસ થવું જરૂરી છે જ પણ વાત અહી માનો કે ધાર્યું પરિણામ ના આવે તો શું ? એની છે .

                      આ લખું છું ત્યારે જ આજના વર્તમાનપત્રમાં પરીક્ષામાં નાપાસ થવાની બીકે આપઘાત કરેલ બે બાળકોના સમાચાર છે . દુખદ છે અને વિચારવા લાયક પણ છે . આવા બનાવો એ વાતનો સંકેત છે કે બાળકના દિલોદિમાગ પર પરીક્ષાનો હાઉ અને પરીક્ષામાં પાસ થવાનું પ્રેશર કયા હદ સુધી વ્યાપી ગયું હશે . આવા બનાવો પાછળ આપણી શિક્ષણ વ્યવસ્થાનો વાંક તો છે જ પણ સાથે સાથે વાંક એ વાલીઓનો પણ છે કે જેઓ બાળક પર સતત સફળ થવાનું – ટકાઓ લાવવાનું પ્રેશર નાખ્યા કરે છે . પોતાના બાળકની કેપેસિટી સમજ્યા વગર ડૉક્ટર કે એન્જિનિયર બનાવવાની જીદ પકડીને બાળક પર ભણવાના નામે પ્રેશર ફેંક્યા કરતાં આવા વાલીઓ પછી આવા બનાવો પછી પસ્તાવો કરતાં હોય છે . કહેવાનો અર્થ હરગીઝ એવો નથી કે બાળકને પરીક્ષા માટે તૈયાર ના કરવું પણ સાથે સાથે એ વાતનું પણ ધ્યાન રાખવું પડે કે બાળક ખરેખર કેટલું હોશિયાર છે અને એ હોશિયારીને કયા તો તમારે વધારવી પડે કે પછી એની ગ્રહણ કરવાની લીમીટને ધ્યાનમાં રાખીને આગળ વધવું પડે . એક વાલી તરીકે હું ને તમે હમેશા બાળકના સારા ભવિષ્યની ચિંતા જ કરવાના એની ના નહીં અને આ સ્પર્ધાત્મક જમાનામાં બાળકને આવનારી સ્પર્ધાઓથી તૈયાર કરવું એ જ વાલી તરીકે આપણો ધ્યેય હોવાનો એની ના નહીં પણ પછી એ ધ્યેય પ્રેશરમાં બદલી ના જાય એનું ધ્યાન રાખવું એ પણ વાલી તરીકે આપણી ફરજ છે .

                                પરીક્ષાઓ અભ્યાસકાળમાં આવતી રહેવાની અને એને પાસ કરવાની પણ જરૂરિયાત રહેવાની જ . એવું કાઇ થોડું છે કે ૧૦ પાસ કર્યા પછી આગળ કોઈ પરીક્ષા આવશે જ નહીં ..?? અને શું છે કે કભી હાર તો કભી જીત ની જેમ ક્યારેક ફેલ પણ થવાશે . એટલે પરીક્ષાને વર્ષભર તમે શું  ભણ્યા ? એનું એક મૂલ્યાંકન તરીકે દિમાગમાં લઈને જો પરીક્ષાસ્થળમાં જશો તો પરિણામ ભલે જે આવે તે પણ પેલું અજ્ઞાત પ્રેશર તમારા પર હાવી નહીં થાય . કેમ કે બને છે એવું કે ઘણાબધા વિદ્યાર્થીઓ બરાબર પરીક્ષા ટાણે જ આવડતું હોવા છતાં ઘણું લખવાનું ભૂલી જતાં હોય છે અને એનું કારણ બીજું કાઇ નહીં પણ પરીક્ષાનું પ્લસ બીજા પ્રેશર જ છે . તમને ભલે ના દેખાય પણ એક પરીક્ષાર્થી પર વાલીની અપેક્ષા પર ખરા ઉતારવાનું પ્રેશર .. પાસ થવાનું પ્રેશર .. પર્ફોર્મન્સનું પ્રેશર .. બીજાથી સારો દેખાય કરવાનું પ્રેશર .. આવા અનેકો પ્રેશર પરીક્ષા સમયે કામ કરતાં હોય છે . ‘ અને આ બધાથી શિરમોર એવા ‘ યાદ રહેશે કે નહિ ? પરીક્ષા ટાઈમે ભૂલાય તો નહિ જાય ને ? ૩ કે સાડા ત્રણ કલાકમાં લખાશે તો ખરું ને ?….આવા કોઈને કહી ના શકે એવા પોતાની અંદર વલોપાત કરતાં પ્રેક્ષરો તો ખરા જ ..!!!!  એવામાં પરીક્ષા આપવા જતાં તમારા લાડલા કે લાડલી ને માત્ર એટલું જ કહેવાનું કે ‘ આપ કો ઘબરાના નહીં હૈ ‘ ..!!! જી હા , સધિયારો કે હિમત જ પરીક્ષાર્થી માટે રામબાણ ઈલાજ છે સારા પરફોર્મન્સ નો ..!!!! ‘ તને આવડે એટલું લખજે .. અને હા , નાપાસ થવાની કે ઓછા માર્ક કે ટકાની ચિંતા કરીશ નહીં ..” પરીક્ષા આપવા જનારને આવું કહેવું જરૂરી છે . જીવનમાં સફળ થવા માટે ચોક્કસપણે પરીક્ષાઓ આપવી જ પડે અને એને પાસ પણ કરવી જ પડે . આપણી શિક્ષણ વ્યવસ્થામાં પરીક્ષાઓ ભવિષ્યના સોનેરી રાહ માટે નડતરની સાથે સાથે સગવડ પણ છે અને દરેક વાલી એમ જ ઈચ્છે કે એનું સંતાન પાસ થાય .. સારા ટકા લાવે .. આગળ વધે ..!!! પણ.. પણ.. પણ.. આવી આકાંક્ષાઓ અને અપેક્ષાઓ વચ્ચે બાળકની મનોસ્થિતિ પર સતત નજર રાખતા રહેવું .. એની પ્રગતિ પર ધ્યાન રાખતા રહેવું .. એને અભ્યાસ અંગે બધી જ સવલતો આપ્યા પછી પણ એની સફળ થવાની ક્ષમતા ચેક કરતાં રહેવી .. અને ખાસ તો જ્યાં ને જ્યારે જરૂર લાગે ત્યારે પરીક્ષાના હાઉ ને ઓછો કરવામાં મદદ કરવી અને બાળકે પણ સકારાત્મક રહીને .. કદાચ ફેલ થવાય તો વધુ મહેનતની તૈયારી રાખીને .. પરિણામ ચાહે કોઈપણ આવે પણ બિલકુલ નાસીપાસ નહીં થાવ જ એવી ખુદ ને ખાતરી આપીને ‘ આઈ વિલ ગિવ માય બેસ્ટ ‘ આવા એટિટ્યૂટ થી પરિક્ષાખંડમાં દાખલ થવાનું ….તો ॥  આજે નહીં તો કાલે સફળતા મળવાની જ !!! ( akurjt@gmail.com )

  • અજય ઉપાધ્યાય ( ગાંધીનગર સમાચાર કૉલમ ” રઝળપાટ ” ૧૧ માર્ચ ૨૦૨૪

એમ.પી. , રાજસ્થાન , છત્તીસગઢ  : એડવાન્ટેજ ભાજપ !!!!

  “ મને મોદીજી નહીં પણ મોદી જ કહો અને આ જીત ભાજપના કર્મઠ કાર્યકર્તાઓની છે ‘ આ લખાય છે ત્યારે શુક્રવાર સુધીમાં રાજસ્થાન , મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપના ભવ્ય વિજયને ઓલમોસ્ટ એક વીક થવા આવ્યું છે પણ કદાચ પહેલીવાર એવું બન્યું છે કે હજુ સુધી ભાજપ આ ત્રણેય રાજ્યોમાં મુખ્યમંત્રી જાહેર કરી શકી નથી . ખેર, શરૂઆતમાં જે વાક્ય લખ્યું એ દિલ્હીમાં ગુરુવારે થયેલી સંસદીયદળની બેઠકમાં નરેન્દ્ર મોદી બોલેલા . મોદીસાહેબ ભલે એમ કહે કે આ જીત મારી નહીં પણ કાર્યકર્તાઓની છે પણ હકીકત એ છે કે નો ડાઉટ ભાજપના મહેનતુ અને કર્મનિષ્ઠ કાર્યકર્તાઓની મહેનતનુ આ પરિણામ તો છે જ પણ સાથે સાથે એ પણ ના ભુલાવું જોઈએ કે વધુ એકવાર મોદીના ચહેરા પર ભાજપ ૨૦૨૪ની ધારાસભાની ચૂંટણી માટે ત્રણ અગત્યના કહી શકાય એવા રાજ્યોમાં વિજય હાંસિલ કરી શકી છે . અને આ વાતનો કોઈ ઇનકાર કરી શકે એમ નથી જ . નરેન્દ્ર મોદીની આ નમ્રતા છે કે તેઓ સંસદીયદળની બેઠકમાં એમ કહે છે કે કોઈ એક વ્યક્તિની ક્યારેય જીત હોતી નથી કે કોઈ એક વ્યક્તિને ક્રેડિટ ના આપતા આ બધાની મહેનતનુ પરિણામ છે અને એટલે આની ક્રેડિટ સંપૂર્ણપણે કાર્યકર્તાઓને જવું જોઈએ .

    રાજકીય વિશ્લેષકો અને ચૂંટણીના ચક્રવ્યૂહના ખેરખાઓ પરિણામના આટલા દિવસો પછી પણ ટકો ખંજવાળતા હશે કે આવું થયું જ કેવી રીતે ? કેમ કે ચૂંટણી પહેલા અને પછીના ઘણા બધા અવલોકનો કે ધારણાઓમાં રાજસ્થાન વિષે ચિત્ર સ્પષ્ટ નહોતું તો ઘણા બધા મધ્યપ્રદેશમાં કસોકસની લડાઈ બતાવતા હતા અને જે રાજ્ય સરપ્રાઈઝ પેકેટ તરીકે ધમાકો કરી ગયું એ છત્તીસગઢમાં તો કોઈ ભાજપની સરકારની વાત પણ નહોતા કરતાં . આવી વિકટ સ્થિતિમાં ( ઓફકોર્સ ભાજપ માટે જ તો ) રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં જીત હાંસિલ કરવી અને એ પણ કોઈ નાનીસૂની જીત નહીં પણ ઓલમોસ્ટ લેન્ડસલાઇડ કહી શકાય એવી વિક્ટરી હાંસિલ કરવી અને એનાથી પણ ઉપર બધાના અવલોકનો અને ટાઈ-શૂટવાળા રાજકીય વિશ્લેષકોને ધડમૂળમાંથી ખોટા પાડીને છત્તીસગઢમાં કલ્પનાતીત વિજય હાંસિલ કરવો એ ભાજપ માટે ખાલી વિજય નહીં પણ આવનારી મહત્વની કહી શકાય એવી ૨૦૨૪ની સંસદ ચૂંટણી માટે બહુ મોટો મોરલ બુસ્ટર ડોઝ સાબિત થઈ શકે છે .

                         અને ભલે ને એના પર મીમ્સ બનતા હોય પણ વિરોધીઓએ કાન પકડીને ૧૦૦ વાર ઉઠ બેસ કરતાં કરતાં જોરજોરથી આ ચિલ્લાવવું જ પડશે કે ‘ મોદી હૈ તો મુમકીન હૈ ‘..!!! યસ . આ ત્રણેય રાજ્યોમાં પ્રચંડ વિજયના મુખ્ય કર્ણધાર તો મોદી જ કહેવાય અને આ વાત તો હવે છુપા અવાજે વિપક્ષો પણ બોલતા થાય છે . નો ડાઉટ મધ્યપ્રદેશમાં શિવરાજનું કામ બોલતું હતું એ ઉપરાંત ‘ લાડલી બહેનાં ‘ જેવી જેમ ચેન્જર યોજનાએ પણ ભાગ ભજવ્યો જ હતો પણ એની સાથે સાથે એન્ટી ઇન્કમબંસીની બીક પણ ભાજપને લાગી જ રહી હતી . પણ ભાજપના માઇક્રો પ્લાનિંગે ફરી એકવાર એમપી જાળવી રાખ્યું . શિવરાજને ૨૦૧૮ માં ગાદીએ બેસાડવામાં જેમનો મોટો ફાળો હતો એ સિંધિયા અને તોમર જેવા કદાવર નેતાઓએ દિલ્હીથી આવીને શિવરાજને ગ્રાઉન્ડ સ્પોર્ટ પૂરો પાડ્યો .  મોદી દરેક રેલીમાં જેની વારંવાર વાત કરે છે એ યુવાશક્તિ અને નારીશક્તિએ મધ્યપ્રદેશના પરિણામોમાં બહુ મોટો ભાગ ભજવ્યો . અને એની પાછળ શિવરાજની મહિલાલક્ષી વિવિધ યોજનાઓ તો હતી જ પણ મોદી સરકારે મહિલાઓ માટે શરૂ કરેલી અનેકો યોજનાઓનો મહિલાઓને મળેલો લાભ પણ હતો જ . એમપી માં ચૂંટણીના છ મહિના પહેલા સો ટકા શિવરાજ વિરુધ્ધ એન્ટી ઇન્કમબંસી હતી જ પણ મોદીની ‘ ગેરન્ટીવાળી ‘ રેલીઓએ આખો સીનારિયો પલટી નાખ્યો અને બાકીનું કામ ભાજપે મહિલાઓને પોતાની સાથે જોડવાના કરેલા કાર્યક્રમો અને યોજનાઓએ પૂરું કર્યું .

                                        રાજસ્થાનમાં પણ વિજયી આંકડાઓમાં મહિલાઓએ ભાગ ભજવ્યો પણ અહી કારણ જરા ઊલટું હતું – ખાસ કરીને કોંગ્રેસ અને અશોક ગેહલોત માટે . નો ડાઉટ ત્યાં પણ ગેહલોત સરકારે ખૂબ સારી યોજનાઓ અમલમાં મૂકેલી પણ થયું એવું કે ગહલોત સરકાર અંદર અંદરના ડખાઓમાં પોતાની આ કલ્યાણકારી યોજનાઓ લોકો સુધી પહોંચાડી શકી નહીં એટલું જ નહીં પણ સરકારની શરૂઆતથી જ મહિલા પરના અત્યાચારોમાં અટવાયેલી ગેહલોત સરકારની આ કમજોર કડીનો ભાજપે ફાયદો ઉઠાવ્યો અને રાજ્યમાં મહિલાઑ પરના અત્યાચારને મુદ્દો બનાવ્યો એટલું નહીં પણ રાજ્યમાં કનૈયાલાલ હત્યાકાંડ પછીના તોફાનો અને પેપર લીકને પણ મુદ્દો બનાવ્યો . તો સામે ગેહલોત એકલે હાથે લડતા હોય એમ પાર્ટીનો સાથ ઓછો મળ્યો એટલું જ નહીં પણ શિવરાજની જેમ જ ગેહલોતના ઘણા ધારાસભ્યો વિરુધ્ધ એન્ટી ઇન્કમબંસીની ફરિયાદ હોવા છતાં એમને ટિકિટ આપી એ નિર્ણાયક સાબિત થયું . આમ પણ રાજસ્થાન દર પાંચ વર્ષે સરકાર બદલવા માટે જાણીતું છે એટલે મોદી કોઈ નામની ઘોષણા કર્યા વગર માત્ર ને માત્ર પોતાના નામે – કમળના નામે મત માંગ્યા અને રેસ્ટ ઈઝ ધ હિસ્ટ્રી .

                                     જો કે સાચી હિસ્ટ્રી તો છત્તીસગઢમાં થઈ કેમકે લગભગ કોઈને બધેલ હારશે એવી આશા નહોતી અને એનું કારણ એમનું કામ હતું પણ એ જ અતિ આત્મવિશ્વાસ બધેલને હરાવવામાં નિમિત બન્યો એમ વિશ્લેષકોને લાગે છે પણ હકીકત એ છે કે ભાજપે આદીવાસી પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું . ભાજપે મા. દ્રૌપદી મુરમુંજી આદીવાસી છે એ વાત લોકો સુધી પહોંચાડી એટલું જ નહીં પણ આદિવાસીમાં જે ત્રણ ફાંટા છે – આદીવાસી , હિન્દુ આદીવાસી અને ઈસાઈ આદીવાસી , આ ત્રણમાં બધેલની સરકારમાં પડેલી ખાઈઓને ટાર્ગેટ કરી એટલું જ નહીં પણ બધેલે ‘ હું જીતી રહ્યો છું ‘ એવી જે છબી બનાવેલી એનાથી એડ્વાન્સમાં ચેતીને એ છબીને તોડવા બધેલના ભ્રષ્ટાચાર ખુલ્લા પાડવા જેવી રણનીતિ બનાવી જે કામયાબ રહી . ગ્રાઉન્ડ લેવલે પ્રજામાં જે અસંતોષ હતો પછી ચાહે તે ધાર્મિક હોય કે કિસાનલક્ષી હોય કે પછી ધાનલક્ષી  હોય એને ભાજપે બરાબર એડ્રેસ કર્યો અને લોકો સુધી પોતાની વાત અને વાયદા પહોંચાડ્યા . ધાનની કિમત , પાછલા બે વર્ષોનું બોનસ અને જમીન મુદ્દાને પોતાના ઘોષણાપત્રમાં રાખીને ભાજપે બધેલને ઊંઘતા ઝડપી લીધા એમ કહી શકાય અને બાકીનું કામ ‘ મોદી ની ગેરંટી ‘ એ પૂરું કર્યું . ઇન્ફેકટ ત્રણેય રાજ્યોમાં આ ‘ મોદી કી ગેરંટી ‘ બધા વિપક્ષો પર હાવી રહી .

                                આટલું વાંચ્યા પછી કોઈને એમ થાય કે આવું જ હતું તો તેલંગાણામાં ભાજપ કેમ હાર્યું ? તો સૌપ્રથમ તો તેલંગાણામાં ભાજપ ભલે સત્તામાં આવ્યું નહીં પણ ગયા વખતની એક સીટની જગ્યાએ આ વખતે ભાજપ આઠ સીટ પર જીત્યું છે અને આવનાર દિવસો માટે પોતાનો પગ મજબૂત કર્યો જ છે . પણ ભાજપે દક્ષિણના રાજ્યોમાં હજુ વધુ અને વધુ સમય મહેનત કરવી પડશે એ નક્કી છે . તેલંગાણાની જીત કોંગ્રેસ માટે રાહતરૂપ તો છે જ પણ ત્રણ રાજ્યોમાં હાર ઈન્ડિયા એલાયન્સમાં એનું કદ ઘટાડશે એ નક્કી છે . હજુ સુધી ભાજપે જીતેલા ત્રણેય રાજ્યોના મુખ્યમંત્રીઓ ઘોષિત નથી કર્યા અને એનું એક કારણ એ પણ હોય શકે કે પોતાની નીતિઓ મુજબ ભાજપ કોઈ નવા જ ચહેરાઓને આ હોદ્દા પર બેસાડવાનું વિચારતો હોય કેમકે ૨૦૨૩માં મળેલી આ જવલંત જીતને ભાજપ અને મોદી ૨૦૨૪ની ચૂંટણીમાં મતપેટીઓમાં કન્વર્ટ ચોક્કસ કરવા માંગશે અને એટલા માટે પણ આ ત્રણેય રાજ્યોમાં આવનાર પાંચેક મહિના દૂર રહેલી ૨૦૨૪ની પાર્લામેન્ટ ચૂંટણી પહેલા ભાજપ પોતે આપેલા વાયદાઓ તો પૂરા કરશે જ પણ સાથે સાથે પ્રજામાં ભાજપનો આ જ વિશ્વાસ ટકાવી રાખવાની કોશિશ કરશે કેમકે અત્યારે એડવાન્ટેજ ભાજપને છે ..!!!                  (akurjt@gmail.com )

  • અજય ઉપાધ્યાય ( ગાંધીનગર સમાચાર – કૉલમ ” રઝળપાટ ” ૧૦ ડિસેમ્બર ૨૦૨૩ )

વન ડે ક્રિકેટને મળ્યો નવો પ્રાણવાયુ !!!!

ક્રિકેટનો મહાકુંભ એવો વર્લ્ડકપ પૂરો થઈ ગયો . સતત જીત સાથે ફાઇનલમાં પ્રવેશેલી ભારતીય ટીમનો ઘોડો દશેરાએ ના દોડ્યો એ હકીકત છે પણ જે રીતે ભારતીય ટીમ ફાઇનલ સુધી રમી એ માટે સેલ્યુટ તો બનતા હૈ . બાકી તો ‘ શ્રેયસને ના રમાડાય ‘ કે ‘ રોહિતે આવો શૉટ રમાય જ નહીં ‘ કે ‘ કોહલી ધીમું રમ્યો ‘ કે ‘ સૂર્યા કરતાં ઇશાનને રમાંડવાની જરૂર હતી ‘ કે ‘ ફાઇનલ ના જીતો તો બધી જીત નકામી ‘ આવી ફીશીયારીઓ સોશિયલ મીડિયા પર કરવી સહેલી છે અને એકચ્યુલી મેદાનમાં ઊતરવું અલગ વાત છે એમાં દરેક ક્રિકેટરસિક હા પડશે જ . જિંદગીમાં ક્યારેય બેટ ના પકડયું હોય એવા પણ પાનના ગલ્લે કે સોશિયલ મીડિયાના ચોરે રોહિત-કોહલીને સલાહું ઠોકતા હોય ત્યારે એમની દયા આવે . હાર એ હાર છે અને જીત એ જીત આટલો સાદો નિયમ કોઈપણ રમતમાં કેન્દ્રમાં છે અને એટલે જ જીતતા રહીને હાર સુધી પહોંચેલી ભારતીય ટીમને સલામ છે . સોશિયલ મીડિયા પર ‘ પનોતી ‘ જેવી રીલો બનાવવી સહેલી છે પણ ફાઇનલ સુધી વટથી પહોંચેલી ભારતીય ટીમ માટે પ્રાઉડ ફિલ કરવું અલગ વાત છે . એક આડવાત કે એમ તો ફાઇનલમાં અનેકો એક્ટરો , પોલિટીશિયનો કે જાણીતા લોકો હાજર હતા જ તો શું એ બધા પણ પનોતી હતા ??? વાત અહી કોઈ વ્યક્તિવિશેષની નહીં પણ સોશિયલ મીડિયા પર ફાંકા-ફોજદારી કરતાં સો-કોલ્ડ વિશ્લેષકોની રમત પ્રત્યેની સમજદારીની થઈ રહી છે .  ખેર આપણે પણ ‘ સો કોલ્ડ એનાલીસીસ ‘ માં વધુ એક નો ઉમેરો ના કરતાં આ લેખમાં આપણે વાત કરીશું આઇસીસી ક્રિકેટ વર્લ્ડકપની સફળતાને લીધે ક્રિકેટના જ એક એવા ફોર્મેટને મળેલા નવજીવનની  કે  જે ક્રિકેટરસિકોના દિલમાંથી ધીરે ધીરે ભુલાતું જતું હતું .

અને સૌથી મોટી અને જેને ‘ ગેમ ચેન્જિંગ ‘ મોમેન્ટ કહી શકાય એવી કોઈ વાત આ વર્લ્ડકપ સાથે જોડાઈ તો એ હતી ‘ વન ડે ‘ ફોર્મેટની દર્શકોના દિલમાં વાપસી ..!!! જી હા , ૨૦-૨૦  ફટાફટ ક્રિકેટની વધતી જતી લોકપ્રિયતા વચ્ચે ૫૦ ઓવરની અને અમુક અંશે કંટાળાજનક બની જતું આ ફોર્મેટ અને એના ભવિષ્ય વિષે દર્શકો અને ક્રિકેટ એડમીનોમાં પણ શંકા હતી એવામાં વનડે વર્લ્ડકપની સ્ટેડિયમમાં જઈને જોનાર દર્શકોની સંખ્યા અને ઓનલાઈન જોનાર દર્શકોની અધધધ સંખ્યા પછી એક વાત સારી થઈ કે ‘ વન ડે આર હીઅર ટુ સ્ટે “ ..!! જી હા અને કઈક આવી જ વાતનો પડઘો વિશ્વકપ વિજેતા ઓસીઝ કેપ્ટન કમીન્સે વિશ્વવિજેતા બન્યા પછીની પ્રેસ કોન્ફરન્સમાં પણ પાડ્યો . કમિન્સ ઉવાચ કે ‘ કદાચ અમે જીત્યા એટલે હોય શકે પણ હું ફરીથી વન ડે ક્રિકેટના પ્રેમમાં પડી ગયો છું અને મને વિશ્વાસ છે કે વન ડે ક્રિકેટ લાંબા સમય સુધી રહેશે “ આ વાક્યની એટલા માટે અગત્યતા છે કે વર્લ્ડકપ શરૂ થતાં પહેલા એમસીસી ના પ્રેસિડન્ટ માર્ક નિકોલસે કહેલું કે બે વર્લ્ડકપ વચ્ચે વન ડે રમાડો જ નહીં . વન ડે માત્ર વર્લ્ડકપ માટે જ રાખો ‘ એનું કહેવું હતું કે બ્રોડકસ્ટર અને સ્પોન્સરના જમાનામાં વનડે માં સ્ટેડિયમ ભરવા મુશ્કેલ થતાં જાય છે અને સરવાળે આર્થિક તકલીફો વધે છે . જો કે ગ્રેટ વિવ રિચર્ડસનું કહેવું હતું કે ટેસ્ટ ક્રિકેટ પછી વન ડે એ ક્રિકેટનું એવું બીજું અગત્યનું ફોર્મેટ છે કે જેમાં ખેલાડીની સ્કિલની કસોટી થાય છે . પણ નિકોલસના દાવાનો છેદ ઉડાડતા હોય એમ ભારત-ઓસ્ટ્રેલિયાની ફાઇનલ મેચ સ્ટેડિયમમાં તો એક લાખ લોકોએ જોઈ જ પણ એનાથી અનેકગણી વધારે સંખ્યામાં એટલે કે લગભગ ૬ કરોડ લોકોએ ડિઝની હોટસ્ટાર પર જોઈ .!!! કૂલ ૧૨ લાખથી વધુ દર્શકોએ સ્ટેડિયમમાં બેસીને મેચ જોઈ જે અત્યાર સુધીની બધી આઇસીસી ઇવેન્ટમાં સૌથી વધુ આંકડો છે . હા , શરૂઆતની મેચોમાં ટિકિટોના વેચાણની અવ્યવસ્થાના પાપે ઓછી હાજરી દેખાયેલી પણ એ સિવાય ભારતની મેચોમાં તો ઠીક પણ ભારત સિવાયની ઘણી મેચોમાં દર્શકોની હાજરી અને ઉત્સાહ બંને નોંધપાત્ર હતા જ .

                                એમ કહી શકાય કે ક્રિકેટરસિકોના દિલમાંથી ધીરે ધીરે દૂર થઈ જતાં વન-ડે ફોર્મેટને નવો પ્રાણવાયુ આપ્યો આ ક્રિકેટ વર્લ્ડકપે ..!!! જી હા શમિની આગઝરતી બોલિંગ હોય કે મેક્સવેલના લંગડાતાં પગે ફટકારેલા વિજયી રન હોય કે પછી મુંબઈની ગરમીમાં કલાસનના એ ૧૦૯ હોય કે પછી ચોકર ગણાયેલા સાઉથ આફ્રિકાની વિજયી દોટ હોય કે પછી ઠંડે કલેજે સેમી સુધી પહોંચેલી ન્યુઝીલેન્ડની ટીમ હોય કે પછી કરંટ વિશ્વવિજેતા ઇંગ્લેન્ડનો લીટરલી દયાજનક દેખાવ હોય કે પછી નેધરલેન્ડ જેવી ટીમે આફ્રિકાને રગદોળી નાખ્યા હોય કે પછી અફઘાનિસ્તાને ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન જેવી બે જાયન્ટ ટીમોને ધૂળ ચાટતી કરી દીધી હોય કે પછી છેક ફાઇનલ સુધી અજેય રહેલી ભારતની ટીમ હોય . દર્શકોને લગભગ ઘણા બધા મેચોમાં ૨૦-૨૦ જેવી એ દિલધડક રસાકસી જોવા મળી . વન ડે ફોર્મેટની મજા એ છે કે ખેલાડીને અને ટીમને ખિલવા માટે પૂરતી ઓવરો મળી રહે છે . ધબડકામાંથી ઊભી થઈ શકે છે ( જેમ હેડ અને લબુ ની જોડીએ ભારત સામે ફાઇનલમાં કરેલું ) કે પછી જામી ગયેલી બેટિંગ જોડીને ઉખાડવા માટે પૂરતો સમય મળી રહે છે એટલું જ નહીં પણ ટૂર્નામેન્ટમાં આગળ આવવા માટે પણ તક મળી રહે છે , અને આ વર્લ્ડકપમાં વિજેતા બનેલ ઓસ્ટ્રેલીયા એનું સૌથી મોટું ઉદાહરણ છે . ઓલમોસ્ટ તળિયે પડેલું ઓસીઝ એક પછી એક વિજયો સાથે ટ્રોફી સુધી પહોંચી ગયું એની પાછળ પણ ૫૦-૫૦ ઓવરની લાંબી અવધિનો ફાળો જ છે . એવું નહોતું કે આ પહેલાના વર્લ્ડકપ સફળ નહોતા થયા પણ હકીકત એ છે કે બે વર્લ્ડકપ વચ્ચેના સમયમાં વન-ડે ક્રિકેટની લોકપ્રિયતા ધીમે ધીમે ઓછી થતી જતી હતી .

                                         સાઉથ આફ્રિકાના ગ્રીમ સ્મિથે કહેલું કે વર્લ્ડકપની રમતપ્રેમીઓના દિલમાં હમેશા એક જગ્યા છે પણ એનો આધાર એના પર છે કે બે વર્લ્ડકપ વચ્ચે કેટલા વન ડે રમાય છે અને એમાં તમે કેટલી ઉત્તેજના રમતની અને દર્શકોની દ્રષ્ટિએ ઊભી કરી શકો છો . એક હકીકત છે કે વર્લ્ડકપની મેચોમાં આટલી મોટી સંખ્યામાં આવેલા દર્શકોને બાદ કરી દો તો મોટાભાગની દ્વિપક્ષીય ( બે દેશો વચ્ચે રમાતી ) વન ડે સિરીઝમાં દર્શકોનો ઉત્સાહ ઓછો જ હોય છે . એનું બીજું એક કારણ ૮-૯ કલાક જેવો લાંબો સમય અને એ માટે પાછું સ્ટેડિયમમાં બે કલાક વહેલું આવવું પડે અને બપોરે ચાલુ થતી ડે-નાઈટ મેચો પણ છે . આ વર્લ્ડકપની ઓપનિંગ મેચમાં જ જોવા મળ્યું કે મેચ શરૂ થવાના સમયે ખરા બપોરે દર્શકોની સંખ્યા કરતાં ઢળતી સાંજે દર્શકો વધુ હતા . અને વન ડે ના સર્વાઇવલ માટે આ અગાઉ પણ ઘણી ચિંતા થઈ છે . રવિ શાસ્ત્રીએ સુજાવ આપેલો કે ૨૦-૨૦ની ૪-૫ કલાકમાં પૂરી થતી જેમ સામે ૫૦-૫૦ની લોંગ ગેમમાં દર્શકોને વધુ સંખ્યામાં સ્ટેડિયમમાં ખેચી લાવવા માટે વન ડે માં પાવરપ્લેનો ગાળો ઓછો કરીને ૪૦-૪૦ ઓવરની મેચ રમાડવી જોઈએ . અગાઉ સચિન તેંડુલકરે પણ વન-ડે ની ઘટતી લોકપ્રિયતાને નજરમાં રાખીને કહેલું કે ૨૫-૨૫ ઓવરની ચાર ઇનિંગ રમાડવી જોઈએ કે જેથી દર્શકોનો ઉત્સાહ ટકી રહે . ૧૦ ટીમો વચ્ચેની લાંબા સમય લઈ જતી આ ટૂર્નામેન્ટમાં દર્શકો આવશે કે નહીં એની આઇસીસીને પણ ચિંતા તો હતી જ  પણ મજાની વાત એ થઈ કે આઇસીસીની ઇવેંટ સાઇકલ ૨૦૧૫ થી ૨૦૨૩ માટે મીડિયા અને બ્રોડકાસ્ટિંગ રાઇટ વહેચાયેલા એનો અંત ૨૦૨૩ના વર્લ્ડકપની દર્શકો અને એડવર્ટાઈઝર્સની દ્રષ્ટિએ સફળતા સાથે આવ્યો છે એને લીધે હવે પછી આઇસીસીના નેક્સ્ટ શેડ્યૂલ ૨૦૨૪થી ૨૦૩૧ માટે આઇસીસી , બ્રોડકાસ્ટર અને એડવર્ટાઈઝર બધામાં ઉત્સાહ છે કેમકે આ સમયમાં આઇસીસી કૂલ ૮ ટુર્નામેન્ટ યોજવાનું છે અને એમાંથી ચાર ટુર્નામેન્ટ ૫૦ ઓવરના ફોર્મેટની છે . ૨૦-૨૦ હોય કે વન-ડે હોય કે ટેસ્ટ ક્રિકેટ હોય બધાની પોતપોતાની આગવી બ્યુટી છે અને આ બધા જ ફોર્મેટના પોતપોતાનાં ખેલાડીઓ છે . ક્રિકેટમાં કોઈ એક જ ફોર્મેટ સક્સેસ થાય અને બીજા ઓછા સફળ થાય કે અચાનક પોતાનો ચાર્મ ગુમાવવા માંડે તો રમતને અને ખેલાડીને અને અંતે એ રમતના ફોર્મેટને ચાહનારાઓને નુકશાન છે અને એટલે જ લગભગ બધા જ ક્રિકેટીંગ નેશનમાં રમાતી આઈપીએલ ટાઈપની ફટાફટ ક્રિકેટની લોકભોગ્ય સ્પર્ધાઓ વચ્ચે વન-ડે ફોર્મેટને જીવંત રાખવા માટેની ચિંતા કરતી આઇસીસી કે જે તે દેશની ક્રિકેટીંગ બોડીને ભારતમાં રમાયેલી અને દર્શકોનો પ્યાર મેળવેલી આઇસીસી મેન્સ ક્રિકેટ વર્લ્ડકપ ૨૦૨૩ની સફળતાથી પેટ કમીન્સની જેમ જ એક વાતની રાહત થઈ હશે કે ક્રિકેટનું આ મજાનું ફોર્મેટ હજુ એમ વિલિપ્ત નહીં થાય ..!! (akurjt@gmail.com )

  • અજય ઉપાધ્યાય ( ગાંધીનગર સમાચાર – કૉલમ ” રઝળપાટ ” ૨૬ નવેમ્બર ૨૦૨૩ )

‘ સરદાર ઓફ સ્પિન ‘ ની વિદાઇ …!!!!

Featured

‘ સરદાર ઓફ સ્પિન ‘ ની  વિદાઇ …!!!!

વન ડે જીતવા માટે 14 બોલમાં માત્ર 23 રનની જરૂર .. બન્ને ટીમો ત્રણ મેચની સિરીઝમાં એક એક મેચ જીતી ગયેલી , મતલબ આ મેચ જે જીતે એ સીરિઝ જીતી જાય .. એક પરંપરાગત કટ્ટર હરીફ સામે ઐતિહાસિક કહી શકાય એવો શ્રેણીવિજય ઓલમોસ્ટ હાથવેતમાં , આવો મોકો કોઈ ટીમ કે કેપ્ટન ચૂકે જ નહીં .. પણ.. પણ..પણ હરીફ ટીમની દાનત હતી ખોરી ..!! સામેની ટીમના ફાસ્ટ બોલરે એક જ ઓવરમાં ઘાતક કહી શકાય એવા 4 બાઉન્સર / શોર્ટ પિચ બોલ નાખ્યા , એમાંના એક-બે તો બેટ્સમેનના માથાની નજીકથી જ ગયા . નિયમ મુજબ વાઈડ બોલ મળે અથવા તો બોલર ને હટાવી દેવો પડે પણ અમ્પાયર જાણે કે કાઇ જાણતા જ નથી એમ એકપણ બોલને વાઈડ ના આપ્યો . જીત હાથવેંતમાં હતી પણ અમ્પાયરની આડોડાઈ અને હરીફ ટીમની ખેલદિલી વગરની રમતના પ્રતાપે કપ્તાન થયા ગુસ્સે અને જીતની નજીક હોવા છતાં વિરોધ પ્રગટ કરીને પોતાના બેટ્સમેનોને બોલાવી લીધા પેવેલીયનમાં પાછા . મેચ ભલે ગુમાવ્યો પણ એ કપ્તાનના આ વર્તનના વખાણ પણ થયા અને ટીકા પણ . રમતના સન્માન અર્થે લેવાયેલ આવું પગલું આજની તારીખમાં પણ એકમેવ છે . દિવસ હતો 3 નવેમ્બર 1978 . હરીફ ટીમ હતી પાકિસ્તાન , અવળચંડા અમ્પાયર હતા પાકિસ્તાનના જ જાવેદ અખ્તર અને ખિજર હયાત ( ત્યારે હજુ ન્યૂટ્રલ અમ્પાયરિંગની શરૂઆત નહોતી થઈ, જે દેશમાં મેચ રમાય એના જ અમ્પાયર રહેતા ) , બોલર સરફરાઝ નવાઝના ઘાતક બાઉન્સર્સથી બચી ગયેલ બેટ્સમેન હતા અંશુમન ગાયકવાડ અને આવું બોલ્ડ ડિસિસન લેનાર એ કપ્તાન હતા બિશનસિંહ બેદી ..!!

ક્રિકેટ વર્લ્ડકપ 2023 પોતાની અર્ધી મંજીલે પહોંચી ગયો છે અને એમાં પણ આગળ જે બનાવ લખ્યો એમાં નામોશી મેળવી ચૂકેલ પાકિસ્તાન ટીમની 2023 ના વર્લ્ડકપની દશા પર બીજા દેશમાં તો ઠીક પણ એના દેશમાં પણ છાજિયા લેવાય રહ્યા છે ત્યારે એ જ પાકિસ્તાનમાં આવું અભૂતપૂર્વ ડેરીંગ દેખાડનાર બિશનસિંહ બેદીએ આપણા વચ્ચેથી વિદાય લીધી છે . એક સમયે બેદી , પ્રસન્ના , વેંકટરાઘવન અને ચંદ્રશેખરની સ્પિન ચોકડીના પ્રતાપે ભારતીય ક્રિકેટ ટીમ ભલભલી વિદેશી ટીમોના છોતરાં કાઢી નાખતી હતી એ ચોકડીનો એક ચમકતો તારલો એટલે કે બિશનસિંહ બેદી 77 વર્ષની વયે આપણી વચ્ચેથી વિદાય થયા એ સમાચારની નોંધ કદાચ વર્લ્ડકપના માહોલમાં ઓછી લેવાઈ હોય એવું લાગતું હોય તો એનું એક કારણ એ પણ છે કે આજની પેઢીને ઉપર ગણાવ્યા એ ચારે ચાર નિશંક વર્લ્ડકલાસ કહી શકાય એવા સ્પિનર્સ વિષે ઓછું જાણવા મળ્યું હશે . કોઈપણ ક્રિકેટ શોખીનને કદાચ એ ખબર હશે કે બેદી , પ્રસન્ના , વેંકટ અને ચંદ્રાની ક્રિકેટના મેદાન પર આણ પ્રવર્તતી હતી પણ એ કેવી અને હરીફ ટીમોમાં એમનો કેવો ખોફ હતો એ વિષે આજના ફાસ્ટ અને ફટાફટ ક્રિકેટના યુગમાં ઓછું લખાયું હશે. અસલમાં 60ના દશકમાં 1964 થી 1966 વચ્ચે આ ચારે ચાર દીગજજોએ ક્રિકેટમાં પદાર્પણ કરેલું અને લગભગ દોઢ દાયકા સુધી પોતાની ટેલેન્ટથી દુનિયાભરના ક્રિકેટરોને પિચ પર નચાવેલા જો કે બેદીનું ક્રિકેટમાં પદાર્પણ આ ચોકડીમાં સૌથી છેલ્લે થયેલું પણ પહેલા ઉત્તમ સ્પિનર પછીથી શાનદાર કેપ્ટન અને અંતમાં એક સ્ટ્રીક એડમિનિસ્ટ્રેટર તરીકે બેદી ક્રિકેટ જગતમાં હમેશા યાદ રહેશે  એમાં કોઈ બેમત નથી .

                          સ્પિનરની સૌથી મોટી તાકાત હોય છે દડાને ફ્લાઇટ આપવાની અને મોટાભાગના સ્પિનર્સ ફ્લાઇટ સમજી વિચારીને જ આપે પણ બેદી એક એવા દિલેર સ્પિનર હતા કે દડાને વધુમાં વધુ ફ્લાઇટ આપતા . નો ડાઉટ એમાં ધોલાઈ થવાની બહુ શક્યતા રહે પણ બેદીનું એ જ શસ્ત્ર હતું એમ કહી શકાય . ફિંગર સ્પિનરની ખાસિયત મુજબ બેદી બેટ્સમેનને ફ્લાઇટ વડે લલચાવીને ક્રિઝની બહાર કાઢવામાં કે પછી આંગળીઓથી દડાને ઘુમાવીને બેટ્સમેનને છક્કડ ખવરાવવામાં માહીર હતા . બેદી સ્વભાવે નીડર હતા અને એ જ સ્વભાવનો પડઘો એમના વર્તનની જેમ જ એમની બોલિંગમાં પણ પડતો . સિક્સ પડે કે ફોર એનાથી ગભરાયા વગર ફ્લાઇટ અને ટર્નના જાદુથી વિકેટ લીધે જ છૂટકો કરતાં . બેદી કેટલા મહાન હતા એ વાતનો પુરાવો એના પરથી મળે કે જ્યારે માત્ર ટેસ્ટ ક્રિકેટ જ રમાતુ હતું એવા સમયમાં બેદીએ 67 ટેસ્ટમેચોમા 266 વિકેટો લીધેલી . ટેસ્ટમાં સૌપ્રથમ 200 વિકેટ લેનાર એ પહેલા ભારતીય બોલર હતા . ભલે તમને આજના સંદર્ભમાં આ આંકડો ઓછો લાગતો હોય પણ અત્યાર સુધીમાં માત્ર સાત જ ભારતીય બોલર આ આંકડાને વટાવી શક્યા છે અને આ આંકડો પણ એવા સમયનો છે કે જ્યારે આજની જેમ બેક ટુ બેક ટેસ્ટ મેચીસ નહોતા રમાતા મતલબ કે બેદીના એ પંદરેક વર્ષના ક્રિકેટીંગ સફરમાં માત્ર 67 જ ટેસ્ટ રમાયેલ અને એમાં બેદીનો આ રેકોર્ડ . સલામ તો બનતા હૈ ..!!!

                         અત્યારે 50-50 ઓવરનો વન ડે વર્લ્ડકપ ચાલી રહ્યો છે પણ એ સમયે 60 ઓવરનો વન ડે રમાતો એવા સમયે એક બોલરને 12 ઓવર મળતી એવામાં 1975ના પ્રથમ વર્લ્ડકપની પૂર્વ આફ્રિકા સામેની મેચમાં રમતી વખતે બિશન બેદીની બોલિંગ એનાલિસિસ હતી 12 ઓવર 8 મેઈડન 6 રન અને એક વિકેટ..!!!! એટલું જ નહીં પણ 1977માં ઓસ્ટ્રેલીયા સામેની સિરીઝમાં રેકોર્ડ 31 વિકેટ લેવાનો કીર્તિમાન તો બેદીના નામે છે જ પણ 69-70 માં ઓસ્ટ્રેલીયા સામેની સિરીઝમાં 21 વિકેટ , 72-73 માં ઈંગ્લેન્ડ સામે 25 , 76-77 માં ન્યુઝીલેન્ડ સામે 22 જેવા દમદાર બોલિંગ ફિગર્સ પણ બેદીના કાંડાની જ કરામત છે . બેદી બોલર તરીકે તો જાનદાર હતા જ પણ 1976 થી 1978 સુધીના બે વર્ષના ગાળા માટે 22 ટેસ્ટમાં કેપ્ટન રહેલા બેદીએ ટીમમાં એક જબરદસ્ત જીતવાનો જજબો ઊભો કરેલો અને 6 ટેસ્ટ જીતેલા પણ એટલું જ નહીં પણ ૧૯૭૬માં પોર્ટ ઑફ સ્પેનમાં બેદીના સુકાનમાં ભારતે વેસ્ટ ઇન્ડીઝ સામે ૪૦૩ રનનો ટાર્ગેટ ચેઝ કરીને વિશ્ર્વવિક્રમ રચ્યો હતો. એ રેકૉર્ડ ૨૭ વર્ષ સુધી રહ્યો હતો. એ સિવાય રણજી ટ્રોફીમાં દિલ્હી તેમના નેતૃત્વમાં ચાર વાર ફાઇનલમાં પહોંચ્યું હતું જેમાંથી બે ફાઇનલ જીત્યું હતું. વિવાદને અને બેદીને પરસ્પરનો સંબંધ હતો એમ કહેવાય . ક્રિકેટમાંથી નિવૃત થાય પછી બેદી કોમેન્ટરેટર અને કોચ તરીકે પણ સફળ રહેલા જો કે બેદીના વિવાદિત નિવેદનો પણ હતા જ જેમકે બેદી મુરલીધરનને સ્પિનર માનતા જ નહોતા કે ગાંગુલીની આકરી ટીકા કરતાં હતા તો ન્યુઝિલેન્ડમાં આસાનીથી મેચ હારી ગયેલી ભારતીય ટીમના મેનેજર તરીકે તેમણે ટીમને પ્રશાંત મહાસાગરમાં નાખી દેવાની વાત કરીને વિવાદ જગાવેલો જોકે પછી એમણે પોતાના બયાનને ખોટી રીતે રજૂ કરાયેલું એમ કહેલું . એ જ રીતે ઇંગ્લેન્ડનો ફાસ્ટ બોલર જોન લીવર બોલની કન્ડિશન બદલવા વેસેલીન ઘસતો હતો એ કાંડનો પર્દાફાશ પણ બેદીએ જ કરેલો . જો કે ક્રિકેટર તરીકે નિવૃત થયા પછીથી બેદી કોચિંગ , પસંદગીકર્તા અને મેનેજર તરીકે પણ કાર્યરત રહ્યા,  એ સમયે બોર્ડ સામે લડીને એમણે ક્રિકેટરોના મહેનતાણામાં વધારો કરાવેલો એટલું જ નહીં પણ ક્રિકેટરોને મોટા કોન્ટ્રાક્ટ અપાવવાની પણ શરૂઆત કરેલી . તમને જાણીને નવાઈ લાગશે પણ કપિલદેવની આગેવાનીમાં 1975ની વર્લ્ડકપ વિજેતા ટીમની પસંદગી કરનાર સમિતિમાં બેદી પણ હતા . કપિલને વિશ્વવિજેતા ટીમનો કેપ્ટન જ એમણે બનાવેલો તો વર્લ્ડકપ જીત્યાંનાં એક વર્ષ પછી દિલ્હીમાં ઈંગ્લેન્ડ સામે ભારત હારી ગયું તો એ જ બેદીએ કપિલને ટીમમાંથી પડતો પણ મૂકેલો . એ જ રીતે વેસ્ટ ઈન્ડિઝ ઓસ્ટ્રેલીયા , ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન સામે હાર પછી એમની જગ્યાએ ગાવસ્કરને કેપ્ટન બનાવાયેલ. સ્પિન બોલિંગના જાદુગર , કડક કોચ , સફળ કેપ્ટન , નવોદિત ખેલાડીઓને પોતાના ખર્ચે વિદેશમાં ટ્રેનીગ અપાવનાર અને સ્પષ્ટવક્તા તરીકે ‘ પદ્મશ્રી ‘ બેદી સદાયે ક્રિકેટરસિકોને યાદ રહેશે   (akurjt@gmail.com

  • અજય ઉપાધ્યાય ( ગાંધીનગર સમાચાર – કૉલમ ” રઝળપાટ ” 29 ઓકટોબર 2023 )

શાંતિ અને માનવાધિકારો માટે જેલમાં બંધ “ નોબેલ “ વિજેતા !!!

આ તમે વાંચતાંહશો એના પંદરેક દિવસ પહેલા 21 મી સપ્ટેમ્બરે ‘ વિશ્વ શાંતિ દિવસ ‘ ઉજવાયો . વિશ્વમાંશાંતિ બની રહે અને લોકો એકબીજા સાથે હળીમળીને રહે ને વિશ્વભરના લોકોમાં શાંતિ જળવાઈરહે એ આ દિવસની ઉજવણીનો મૂળભૂત હેતુ છે . પણ જગતમાં શાંતિ કયા ? રોજ અખબાર ખોલો કેટીવી ન્યૂઝ ચાલુ કરો તો દુનિયાભરમાં કાપાકાપી સિવાય કોઈ વાત છે જ નહીં ? રશિયા યુક્રેનહારે ઝગડી રહ્યું છે તો ચીન ભારત સામે ખાંડાં ખખડાવી રહ્યું છે . દૂર આફ્રિકન દેશોમાંઆંતરવિગ્રહો કોઈ નવી વાત નથી તો આરબદેશોમાં વર્ચસ્વની લડાઈ ચરમસીમા પર છે અને આ બધાવચ્ચે નાગરિકનો મૂળભૂત હક્ક એવી શાંતિ ક્યાંક ખોવાતી જાય છે . માનવાધિકાર જેવી વસ્તુમાત્ર પુસ્તકોમાં શબ્દો બનીને રહી ગઈ છે . એવું નથી કે મને ને તમને શાંતિની ખેવના નથીપણ છે શું કે સત્તા , સંપતિ અને સુપેરિયાલિટીની લડાઈ મને ને તમને શાંતિથી બેસવા નથીદેતી . સંપતિની લડાઇઓ તો ઠીક છે કે એક હદ સુધી આવીને અટકી જતી હોય છે પણ સત્તાની લડાઈઅને સત્તાને લીધે લડાતી લડાઈના શિકાર હું ને તમે વર્ષોથી બનતા આવ્યા છીએ . એવામાં શાંતિનાપ્રયાસોને વેગ આપે એવા કોઈ સમાચારો વાંચવા મળે તો જીવને ટાઢક વળે છે .

અને આવા જ સમાચાર મળ્યા આ વર્ષના નોબેલ શાંતિ પુરસ્કારના જાહેર થવા સાથે જ . સી , ઘણીવાર એમ લાગે કે આ એવોર્ડ-ફેવોર્ડ નકામી વસ્તુઓ છે અને માત્ર ને માત્ર પ્રસિધ્ધિ માટે રચાતો ખેલ છે પણ વર્ષ 2023ના શાંતિ માટેના નોબેલ પુરસ્કારના વિજેતાની વાત વાંચીને એમ થાય કે જો આ એવોર્ડ કે સન્માન આ વ્યક્તિને ના મળ્યું હોત તો કદાચ આપણે એના શાંતિ માટેના સંઘર્ષને ક્યારેય જાણી જ ન શક્યા હોત . જી હા અખબારના કોઈક ખૂણે છપાઈને આંખ સામેથી પસાર થયેલા આ સમાચાર એટલા માટે પણ જાણવા જરૂરી છે કે આજે દુનિયામાં શાંતિ માટેની લડાઈ કયા કયા અને કેવી કેવી કઠિન પરિસ્થિતિમાં પણ લડાઈ રહી છે . તો વાત એમ છે કે નૉર્વેની નોબેલ કમિટીએ ઈરાનની માનવાધિકાર મહિલા કાર્યકર્તા નરગિસ મોહમ્મદીને વર્ષ 2023નો નોબેલ શાંતિ પુરસ્કાર આપ્યો છે . તમને કદાચ ‘ ઓક ‘ ટાઈપ લાગતાં આ સમાચારમાં ઘણીબધી વાતો નોંધવા જેવી અને માનવજાતને શાંતિ મેળવવાની મૂળભૂત લાગણીને વેગ આપનારી છે.

                       નરગિસ મોહમ્મદી ની શાંતિ માટેની કપરી લડાઈ વિષે જાણતા પહેલા એની નોંધ લેવી અગત્યની છે કે નરગિસ મોહમ્મદી એક મહિલા છે અને ઈરાન જેવા ધાર્મિક કટ્ટર દેશમાં શાંતિ માટેની આહલેક જગાવે છે . કરૂણ વાત એ છે કે શાંતિ પુરસ્કારની જાહેરાત વખતે પણ નરગિસ મોહમ્મદી જેલમાં બંધ છે . ગયા નવેમ્બરમાં ઇરાનમાં વર્ષ 2019માં થયેલી હિંસામાં મોત પામેલી મહિલાના સ્મારકની મુલાકાત વખતે ધરપકડ પામીને જેલમાં બંધ થયેલા નરગિસ મોહમ્મદીને જેલમાં એક વર્ષ થવા આવશે . અને એટલે જ એવોર્ડ જાહેર કરતી વખતે નોબેલ સમિતિએ આશા વ્યક્ત કરી છે કે માનવાધિકારની આ લડવૈયાને જલદી જ મુક્તિ મળવી જોઈએ . જો કે જેલ નરગિસ મોહમ્મદી માટે કોઈ નવી વાત નથી . 21 એપ્રિલ 1972 માં જન્મેલ 51 વર્ષની નરગિસ મોહમ્મદીની અત્યાર સુધીમાં 13 વખત એની ધરપકડ થઈ ચૂકી છે અને ટોટલ 31 વર્ષની જેલ સજા અને 154 કોરડાની સજા પણ ફટકારી દેવામાં આવેલી છે એવી નરગિસ મોહમ્મદી મૂળ તો ફિઝિક્સની વિદ્યાર્થી રહી છે અને ઇંજિનિયર છે પણ વિદ્યાર્થીકાળથી જ તેમના લેખો આંતરરાષ્ટ્રીય અખબારોમાં અને યુનિવર્સિટીના મેગેઝીનમાં છપાતા રહ્યા છે આ ઉપરાંત નરગિસ મોહમ્મદી એક પત્રકાર તરીકે પણ કામ કરી ચૂક્યા છે અને તેમણે રીફોર્મ્સ , ધ સ્ટ્રેટેજી એન્ડ ટેક્ટિક્સ જેવા પોલિટિકલ નિબંધો પણ લખ્યા છે . પોતાના વિદ્યાર્થીકાળમાં પણ શાસન વિરુધ્ધના લેખો માટે જેલ ભોગવી ચૂક્યા છે .

                     મહિલાઓના અધિકારો માટે નાનીમોટી લડત લડતા નરગિસ મોહમ્મદી એવા સમયે ઇરાનમાં પ્રચલિત થયા કે જ્યારે તેમણે 2003માં ઇરાનના જ આવા જ બીજા નોબેલ પ્રાઇઝ વિજેતા શીરીન એબાદીની અધ્યક્ષતાવાળા માનવાધિકાર સંગઠન ‘ ડિફેન્ડર્સ ઓફ હ્યુમન રાઇટ સેન્ટર ‘ જોઇન કર્યું કે જેના તેઓ હાલમાં ઉપાધ્યક્ષ છે . હાલના રાષ્ટ્રપતિની વિવાદિત ચૂંટણી વખતના ટકરાવ પછીથી એબાદીએ ઈરાન છોડ્યા પછીથી હવે નરગિસ મોહમ્મદી જ ઇરાનમાં મહિલાઓના અધિકારોની અને મૃત્યુદંડ નાબૂદ કરવાની લડાઈ એકલપંડે ચલાવી રહ્યા છે . 2011માં જેલમાં બંધ કાર્યકરોના પરિવારોને મદદ કરવાના આરોપસર પહેલીવાર જેલમાં કેદ કરાયેલા નરગિસ મોહમ્મદી આજે પણ એ જ લડાઈ બદલ જેલમાં બંધ છે અને એટલે જ નોબેલ પ્રાઇઝ ડિકલેર કરતી વખતે કમિટીએ આશા વ્યક્ત કરેલી કે શાંતિનો આ સર્વોચ્ચ પુરસ્કાર નરગિસ મોહમ્મદીની માનવતા માટેની લડાઈને સાર્થક કરશે એટલું જ નહીં પણ અમને આશા છે કે ઈરાન સરકાર શાંતિના આ દૂતની લાગણીઓ વિશાળ માનવસમૂહના લાભાર્થે સ્વીકારશે અને દેશમાં શાંતિનો સૂર્યોદય થશે . નરગીસને આ પહેલા 2009 માં પ્રખ્યાત શાંતિ સમર્થક એલેક્ઝાન્ડર ના નામ પર અપાતો એલેક્ઝાન્ડર એવોર્ડ , 2011 માં સ્વીડિશ સરકારનો હ્યુમન રાઇટ એવોર્ડ , 2016 માં હ્યુમન રાઇટ્સ એવોર્ડ સહિત અઢળક એવોર્ડસ મળી ચૂક્યા છે એટલું જ નહીં પણ 2022 માં બીબીસી એ એને વિશ્વની 100 પ્રેરક મહિલાઓમાં પણ સમાવેલી .

                         . નરગિસ મોહમ્મદીએ 2016 મે મહિનામાં “મૃત્યુદંડની નાબૂદી માટે ઝુંબેશ ચલાવતી માનવ અધિકાર ચળવળ” શરૂ કરી હતી જેનાથી ફફડી ગયેલી સરકારે તેમને 16 વર્ષની સજા ફટકારી છે અને એટલે જ આજે પણ તેહરાનની કુખ્યાત એવિન જેલમાં નરગિસ મોહમ્મદી બંધ છે. એક મહિલા અમીનીની ઈરાનની નૈતિકતા પોલીસ દ્વારા ધરપકડ થઈ અને પછી પોલીસ કસ્ટડીમાં જ એનું મોત થયું એ પછી ઇરાનમાં ફાટી નીકળેલા વિરોધ પ્રદર્શનોમાં લગભગ 500 સુરક્ષકર્મી માર્યા ગયા અને લગભગ 22000 જેટલા લોકોની ધરપકડ થઈ . કટ્ટરપંથીઓના દમનની બીક રાખ્યા વગર , જેલમાં જવાનો ડર રાખ્યા વગર શાસન સામે લડનાર નરગિસ મોહમ્મદીની મહત્તા એટલા માટે પણ વધી જાય છે 2010 માં જ્યારે એબાદીને ઑસ્ટ્રિયાનો પ્રતિષ્ઠિત ‘ ફેલિકસ એમાંકોરા હ્યુમન રાઇટ્સ એવોર્ડ ‘ મળ્યો ત્યારે એમણે એમ કહેલું કે મારા કરતાં આ એવોર્ડનું વધુ હકદાર કોઈ હોય તો એ નરગિસ મોહમ્મદી છે . ખેર , વાત અહી એવોર્ડ કરતાં સત્તા અને સત્તાના દમન સામે લાદતી એક નારીની થઈ રહી છે અને આ એવોર્ડ પણ એવી આશા આપી જાય છે કે કોઈ એક દેશમાં ચાલતી લડતની જગતને જાણ થાય . એવોર્ડ સમિતિએ એ પણ કહ્યું છે કે એવોર્ડથી આ લડતને કેટલો ફાયદો થશે એ ખબર નથી પણ આ એવોર્ડ આ લડતને માન્યતા જરૂર આપશે એ નક્કી છે અને વિશ્વપ્રસિધ્ધ આ એવોર્ડની અસર સરકાર પર પણ પડવી જ જોઈએ એવી આશા છે . નોબેલ કમિટી તો ત્યાં સુધી કહે છે કે નરગિસ મોહમ્મદીની લડતને માન્યતા આપીને એમને જેલમુક્ત કરવા જોઈએ કે જેથી ડિસેમ્બરમાં યોજાનારી એવોર્ડ સેરેમનીમાં હજાર રહીને એ આ ગૌરવવંત પુરસ્કાર મેળવીને માનવજાતને શાંતિ માટેની જંગ જારી રાખવાની આશા જગાડી શકે . ..!!!!! (akurjt@gmail.com )

વિસામો :

વર્ષ 2023 નો મેડિસન માટેનો નોબેલ પુરસ્કાર કેટલિન કેરિકો અને ડ્રુ વેઇસમેનને મળ્યો . તેમણે mRNA ટેકનોલોજી ની શોધ કરી કે જેને લીધે કોરોનાની રસી બની અને આપણે કાળમુખા કોરોના સામે લડત કરવામાં સફળ રહ્યા .

image courtesy : hindustan news hub

કોણ બની શકે છે ‘ વિશ્વ વિજેતા ‘ ?..!!!!

Featured

કોણ બની શકે છે ‘ વિશ્વ વિજેતા ‘ ?..!!!!

“ ૨૦૨૩ના વન ડે વર્લ્ડકપમાં સૌથી વધુ રન કરશે જોની બેરિસ્ટો અને સૌથી વધુ વિકેટ લેશે આદિલ રશીદ “ આ ભવિષ્યવાણી છે ઇંગ્લેન્ડના સ્ટાર બેટ્સમેન જો રુટ ની ..!!! અહી ‘ કરશે ‘ ની જગ્યાએ ‘ કરી શકે છે ‘ એમ રાખીને વાંચીએ તો પણ રુટ સાવ ખોટો નથી કેમકે ઈંગ્લેન્ડ ડિફેન્ડિંગ ચેમ્પિયન છે અને જો ક્રિકેટ વિશ્વના નિષ્ણાતોની ‘ કોણ જીતશે વર્લ્ડકપ ૨૦૨૩ ? ‘ વાળા નિવેદનો કમ શક્યતાઓ ચકાસો તો બધાના પ્રીડક્શનમાં લાસ્ટ ફોર ટીમોમાં એક નામ કોમન આવે છે અને એ છે ઈંગ્લેન્ડ ..!!!! થોડા સમય પહેલાના લેખમાં આપણે ભારતની વર્લ્ડકપ જીતવાની શક્યતા પર વાંચેલું અને એ જ લેખમાં આપેલા પ્રોમિસ મુજબ આજે આપણે ભારત સિવાય કઈ  ટીમ એવી છે કે જેના પર હું ને તમે પૈસા લગાવી શકીએ છીએ ? સોરી આપણે અહી કોઈ સટ્ટેબાજીની નહીં પણ ‘ કોણ  જીતી શકે છે વર્લ્ડકપ ?’ થી લઈને ‘ શું છે ભારત સિવાયની ટીમોની તૈયારી ? ‘ અથવા ન્યૂઝ ચેનલ્સની ભાષામાં ‘ કૌન હો શકતા હૈ ક્રિકેટ કા કિંગ ? ‘ પર એક નજર નાખીશું .  

જો રુટ તો બરાબર છે કે પોતાના દેશની ટીમના વખાણ કરે કે એને આગળ રાખે પણ હકીકત એ છે કે ઇંગ્લેન્ડની ટીમ વર્લ્ડકપ જીતવાની અગ્રિમ દાવેદાર છે એમાં કોઈ બેમત નથી . ભલે ને અત્યારે ભારત વનડે રેટિંગમાં પહેલા નંબર પર હોય પણ વન ડે માટે જે લેથલ કોમ્બિનેશન જોઈએ એ ઈંગ્લેન્ડ પાસે પરફેક્ટ છે એટલું જ નહીં પણ છેલ્લા થોડા વર્ષોથી ઇંગ્લેન્ડે વન ડે રમવાનો એક નવો જ એપ્રોચ તૈયાર કર્યો છે એવામાં મલાન , રુટ , બેરિસ્ટો , લિવિંગસ્ટોન અને બેનસ્ટોક ને વૂડ જેવી સ્ટાર સ્ટડેડ  ઇંગ્લિશ ટીમ કોઈ ચમત્કાર ના કરે તો જ નવાઈ લાગશે . ઓસી લીજેન્ડ મેકગ્રાનું માનીએ તો છેલ્લા થોડા વર્ષોથી આઇસીસી ટુર્નામેન્ટ્સમાં ઈંગ્લેન્ડ અને ઑસ્ટ્રેલિયાનું પ્રભુત્વ રહ્યું છે . ભલે અત્યારે ચાલી રહેલી ભારત-ઓસ્ટ્રેલીયા સિરીઝમાં સ્ટાર બોલરોની ગેરહાજરીમાં ઓસ્ટ્રેલીયા હારી ગયું હોય પણ જેમ જો રુટ ઈંગ્લેન્ડ માટે કહી રહ્યો છે એમ જ ઓસ્ટ્રેલીયા માટે પણ કહી શકાય એમ છે અને ક્રિકેટ જગતના લગભગ બધા જ દીગજજૉએ લાસ્ટ ફોરમાં ઇંગ્લેન્ડની જેમ જ ઓસ્ટ્રેલિયાને પણ રાખેલું છે જ અને આમ પણ ઓસ્ટ્રેલીયા પરિષથીતી મુજબ પોતાને અનુકૂળ બનાવવામાં માહિર ટીમ છે અને વર્લ્ડકપ પહેલા રમાઈ રહેલી વન ડે સિરિઝથી એમને વર્લ્ડકપ માટેના પરફેક્ટ કોમ્બિનેશન રાખવાનો રસ્તો મળી જવાનો છે અને બીજું કે ઓસ્ટ્રેલિયાને આવી મોટી ટુર્નામેન્ટ રમવાનો બીજી બધી ટીમો કરતાં વધુ અનુભવ છે . એટલે વાત જ્યારે મોટી ટૂર્નામેન્ટની આવે ત્યારે કમિન્સ , ગ્રીન , વોર્નર , માર્શ , સટોયનીસ જેવા સ્ટાર ખેલાડીઓથી ભરેલ ઓસ્ટ્રેલિયાને ક્યારેય નજરઅંદાજ કરી શકાય નહીં જ એવામાં વર્લ્ડકપ જીતવાના પ્રખર ડાવેદારોમાં ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાને સમાવનારા વિવેચકો , પ્રશંશકો કે ચાહકો બિલકુલ ખોટા નથી પાડવાના એવું અત્યારે તો લાગી રહ્યું છે .

                     આગળ ઓસ્ટ્રેલીયા-ઈંગ્લેન્ડના વખાણ વાંચીને તમને એમ થશે કે તો શું બાકીની ટીમો વડાપાઉ ખાવા ભારત આવવાની ? તો જવાબ છે ‘ ના એવું હરગીઝ નથી જ ‘ શરૂઆત પાકિસ્તાનથી કરીએ તો  એશિયાકપમાં કરારી હાર પછી નો ડાઉટ બાબર એન્ડ કંપની પર પસ્તાળ પડી રહી છે પણ એ ના ભૂલો કે વર્લ્ડકપ ઉપમહાદ્વીપમાં થઈ રહ્યો છે અને પાકિસ્તાનને ઓલમોસ્ટ ઓલમોસ્ટ ઘરેલુ કન્ડિશન જ રમવા મળવાની છે જે એના માટે ફાયદાકારક બની શકે છે એટલું જ નહીં પણ પાકિસ્તાન ટીમનો મોટી ટૂર્નામેન્ટમાં ઇતિહાસ રહ્યો છે કે એ હમેશા અંડરડોગ તરીકે જ શરૂઆત કરે છે અને શરૂઆતી નિષ્ફળતા પછી ટીમ વધુ એકજુટ થઈને આગળ વધે છે એવામાં બાબર એન્ડ કંપની સો મતભેદો ભુલાવીને પણ વર્લ્ડકપના ટાઇટલ માટે જી જાન લગાવી દેશે એ નક્કી છે . પાક પાસે ફકર , બાબર , રિઝવાન જેવા શાનદાર બેટ્સમેનો અને આફ્રિદી , રઉફ જેવા બેસ્ટ બોલર્સ છે . બીજું કે ભારત સામે છેલ્લા ઘણા વર્ષોથી હાર મળવાથી હવે આ વખતે પણ એમને હારવાનું બહુ ટેન્શન નહીં જ હોય એટલે એ બાકીની ટીમો સામે સારું પ્રદર્શન કરવા સક્ષમ છે જ . લગભગ ક્રિકેટ સમીક્ષકોએ ભારત, ઓસ્ટ્રેલીયા અને ઇંગ્લેન્ડની સાથે સાથે પાકિસ્તાનને પણ લાસ્ટ ફોરમાં સ્થાન આપ્યું છે એ જ એ વાતનો પુરાવો છે કે ભલે અંદરૂની મતભેદો ગમે એટલે હોય છતાં ખરે ટાંકણે વિનિંગ પરફોર્મન્સ માટે પાકિસ્તાન જાણીતું છે .

                          ઇરફાનના હિસાબે લાસ્ટ ફોર આ મુજબ હોય શકે છે : ભારત , આફ્રિકા , ઈંગ્લેન્ડ , ઓસ્ટ્રેલીયા . આફ્રિકન બેટ્સમેન હાશિમ અમલાના મતે લાસ્ટ ફોર ભારત , પાકિસ્તાન , આફ્રિકા , ઈંગ્લેન્ડ હોય શકે છે . ઈંટ મિન્સ કે છેલ્લા થોડા વખતથી ક્રિકેટવિશ્વમાં પહેલા જેવી નામના ના ધરાવતું સાઉથ આફ્રિકા પણ રેસમાં તો છે જ . અમલા માને છે કે મોટાભાગના સાઉથ આફ્રિકન પ્લેયર આઈપીએલમાં રમે છે અને આને લીધે ભારતીય પીચો પર વર્લ્ડકપમાં એમનો દેખાવ સારો રહેશે . જો કે સ્ટ્રોંગ બોલિંગ લાઇનપ ધરાવતી આફ્રિકન ટીમ જો રિધમમાં આવશે તો ચોક્કસ ટૂર્નામેન્ટમાં ઉલટફેર કરવા સક્ષમ તો છે જ અને ટીમના લગભગ બધા જ ખેલાડીઓને આઈપીએલમાં રમવાનો અનુભવ કામ લાગશે જો કે અગાઉના આર્ટિકલમાં લખેલું એમ ઓકટોબર-નવેમ્બરમાં ભારતનું વાતાવરણ એપ્રિલ-મે કરતાં અલગ હોય છે એમ છતાંપણ આઈપીએલનો અનુભવ કામમાં તો લાગશે જ . અને આવા જ આઈપીએલ અનુભવનો લાભ ન્યુઝીલેન્ડને પણ મળશે . અત્યાર સુધી ક્રિકેટ દિગ્ગજોએ જેટલા પણ લાસ્ટ ફોર પ્રીડિક્ટ કર્યા છે એમાં ક્યાંય પણ ન્યૂઝીલેન્ડનું નામ નથી . જાણે કે ક્રિકેટ પંડિતો માત્ર ૪-૫ ટીમોને જ દાવેદાર માને છે પણ એ ના ભુલશો કે ન્યુઝીલેન્ડ ભલભલાનું ગણિત બગાડી શકે એમ છે . યાદ રહે ન્યુઝીલેન્ડ ૨૦૧૫-૨૦૧૯ના વર્લ્ડકપનું ફાઇનલિસ્ટ રહી ચૂક્યું છે અને બે વાર હોઠે આવેલો વિજયનો કોળિયો છીનવાઇ ગયાનું દુખ ભૂલીને વિલિયમસન્સની આગેવાનીમાં ન્યુઝીલેન્ડ આ વર્લ્ડકપ જીતવાનું દાવેદાર છે જ .

                          મોટાભાગે ઉપર ચર્ચા કરી એ જ ટીમો લાસ્ટ ફોરમાં આવવાની વધુ શક્યતા છે પણ આ તો વર્લ્ડકપ છે અને આ વખતે ગ્રૂપવાઇઝ રમાતો નથી એવામાં કોઈ એક મેચની હાર પાસું પલટી શકે છે એવામાં અફઘાનિસ્તાન – નેધરલેન્ડ – શ્રીલંકા અને બાંગ્લાદેશ જેવી ટીમો અણધારી હારનો લાફો કોઈ દાવેદાર ટીમને મારીને ગણિત બગાડી શકે છે . અફઘાની ખેલાડીઓને પણ ભારતમાં અને વિશ્વભરમાં રમવાનો અનુભવ છે જે પ્લસ પોઈન્ટ ગણી શકાય તો આવું જ કાઈક હું નેધરલેન્ડની ટીમ માટે પણ કહીશ . ભલે નેધરલેન્ડ પાસે અનુભવ ઓછો હોય પણ અફઘાનની જેમ જ ડચ ટીમને પણ હલકામાં લેવું અઘરું પડી શકે છે . શ્રીલંકા અને બાંગ્લાદેશ બન્ને ટીમોને પણ ઘર જેવી કન્ડિશનમાં રમવાનો લાભ મળશે એટલું જ નહીં પણ બન્ને ટીમો પણ પોતાના ‘ નેવર સે ડાઈ ‘ એટિટ્યૂટ માટે જાણીતી છે પણ મારા હિસાબે બન્ને ટીમોમાં સાતત્યનો અભાવ છે અને અધુરામાં પૂરું બન્ને ટીમો ચેન્જિંગ પિરિયડમાંથી પસાર થઈ રહી છે એવામાં એકલદોકલ ચમકારા સિવાય આ બન્ને ટીમો કશું ખાસ કરી શકશે નહીં એવું લાગે છે . બાકી કપિલદેવે કહ્યું એમ જે તે દિવસે કોણ કેટલું સારું રમે છે એના પર જ હાર-જીત થતી હોય છે એવામાં લાસ્ટ ફોરમાં કોઈ સરપ્રાઈઝ એન્ટ્રી પણ જોવા મળી શકે છે અને લાસ્ટ ફોર સિવાયનું પણ કોઈ ટ્રોફી ઊંચકી શકે છે .. આફ્ટરઓલ ક્રિકેટ ઈઝ એ ફન્ની ગેમ ..!!!!! (akurjt@gmail.com )

  • અજય ઉપાધ્યાય ( ગાંધીનગર સમાચાર – કૉલમ ” રઝળપાટ ” ૧ ઓકટોબર ૨૦૨૩ )

સુપરહિટ….બ્લોકબસ્ટર ‘ એટલી ‘ ..!!!!

Featured

સુપરહિટ….બ્લોકબસ્ટર ‘ એટલી ‘ ..!!!!

હવે તો કોઈને કદાચ યાદ પણ ક્યાંથી હશે પણ આજથી લગભગ ૩-૪ કે એનાથી પણ પહેલા એક ફોટો બહુ વાયરલ થયેલો જેમાં એક ખૂબસૂરત રૂપાળી પત્ની અને કાળો પતિ સજોડે ઉભેલા . લોકોએ આ ફોટાના મીમ્સ બનાવીને ટાઇટલ આપેલું કે ‘ સરકારી નોકરીના ફાયદા ‘ ..સાધારણ કદ-કાઠી અને સાંવલા રંગને લીધે આ કપલને ટ્રોલ કરીને ખૂબ મજા લીધેલી સોશિયલ મીડિયા પર લોકોએ ..!!! કટ ટુ ૨૦૨૩ આજે એ જ કાળા છોકરાની પાછળ ફિલ્મ દિવાનાઓ ગાંડા છે એટલું જ નહીં પણ સાઉથના હોય કે બોલિવૂડના પણ લગભગ બધા જ હીરો એની સાથે કામ કરવા આતુર છે .. જી હા વાત થઈ રહી છે અત્યારે બમ્પર કમાણી કરી રહેલી અને જે ફિલ્મે શાહરુખ પરથી છેલ્લી ઘણી ફ્લોપ ફિલ્મો આપવાનું ગ્રહણ દૂર કર્યું છે એવી ‘ જવાન ‘ ના દિગ્દર્શક એટલીકુમાર ની ..!!  ફ્લોપ જઈ રહેલા કે પછી સુપરહિટની તલાશમાં રહેલા સ્ટાર લોકો માટે એટલી અત્યારે પારસમણિથી કમ નથી . એટલીનો હાથ અડે એ ફિલ્મ સુપરહિટ થવી નક્કી છે એવું એના અત્યાર સુધીના ટ્રેકરેકોર્ડ પરથી કહી શકાય એમ છે . અને ટ્રેકરેકોર્ડ પણ કેવો ? ભલભલા દિગ્દર્શકોને અદેખાઈ આવે એમ એક પછી એક પાંચ સુપરહિટ ફિલ્મ આપી છે એટલી એ ..!!! બોલીવુડમાં ‘ શો મેન  ‘ ટાઇટલ છે ને કઈક એવું જ ટાઇટલ એટલી ને આપી શકાય એવી હિટ ફિલ્મો એના નામે સાઉથમાં અને હવે જવાન પછી બોલીવુડમાં પણ બોલે છે ..!!!

હજુ તો માંડ ૩૭ વર્ષનો છે ત્યાં તો એટલી કે જેનું સાચું નામ અરુણકુમાર છે એણે મનોરંજન જગતમાં એવો સિક્કો જમાવી દીધો છે કે સાઉથના તો ઠીક પણ બોલિવૂડના સલમાન, આમિર , અક્ષય જેવા સ્ટાર પણ એની ફિલ્મમાં કામ કરવાની તક શોધી રહ્યા છે જો કે ખુદ એટલી સલમાન , આમિર અને હૃતિક સાથે ફિલ્મ કરવાની ઈચ્છા બતાવી ચૂક્યો છે . જો કે જવાન પછી બોલીવુડમાં એટલીની વાર્તા પરથી બની રહેલી નવી એક્શન ફિલ્મનો હીરો વરુણ ધવન છે. ખેર , ૧૯૮૬માં જન્મેલા એટલી ૨૪ વર્ષની ઉમરે તો સાઉથના હિટ ડાયરેક્ટર શંકરને આસિસ્ટ કરી રહ્યા હતા . શંકરની એથિરન કે જે હિન્દીમાં રજનીકાંતને લઈને ‘ રોબોટ ‘ નામે બનેલી અને એવી જ હિન્દી ‘ ૩ ઈડિયટ ‘ ની રિમેક ‘ નાનબન ‘ માં એટલીએ શંકરના આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે કામ કરેલું . આજે પણ શંકરને ગુરુ માનતા અને પોતાની ફિલ્મોમાં શંકરની છાંટ છે એવું સ્વીકારતા એટલીએ ૨૦૧૩માં માત્ર ૨૭ વર્ષની ઉમરમાં જ ‘ રાજારાની ‘ સાથે દિગ્દર્શનમાં ડેબ્યૂ કરી પણ નાખેલું . ૨૦૧૩થી ૨૦૨૩ સુધીના દસ વર્ષોમાં માત્ર પાંચ ફિલ્મનું જ દિગ્દર્શન કર્યું છે પણ પાંચો કી પાંચો સુપરહિટ હૈ બોસ્સ ..!!!

                      અને સુપરહિટ એટલે કેવી ? વિવેચકોએ ખૂબ જ વખાણેલી ૨૫ કરોડના બજેટમાં બનેલી પહેલી જ ફિલ્મ રાજારાની એ લગભગ ૯૦ કરોડથી વધુનું કલેક્શન કરેલું ને એટલીને બેસ્ટ ડેબ્યૂ ડાયરેક્ટરનો એવોર્ડ જિતાવી આપેલો . પછી ૨૦૧૬ માં આવી થલાપતિ વિજય ને વધુ હિટ બનાવતી ફિલ્મ ‘ થેરી ‘ . ૭૫ કરોડમાં બનેલી આ ફિલ્મને વિવેચકોએ બહુ વખાણી નહીં પણ ૧૫૦ કરોડના કલેક્શન સાથે એ ૨૦૧૬ ની બીજી સુપરહિટ ફિલ્મ બની રહેલી . પછી તો એટલીએ વિજય સાથે જ ૨૦૧૭ માં ‘ મર્સલ ‘ બનાવી . વિવેચકોએ વખોડેલી પણ ગ્લોબલી ૩૦૦ કરોડ કમાયેલી આ ફિલ્મે એટલીનું સ્થાન વધુ મજબૂત કર્યું . ‘ મર્સલ ‘ ને તો ચીનમાં અને પબ્લિક ડિમાન્ડ પર યુરોપના સૌથી મોટા થિયેટર ગ્રેન્ડ રેક્સમાં પણ પ્રદર્શિત કરેલી . વિવેચકો ભલે વખોડતા રહ્યા પણ એટલીની કઈક હટકે કહી શકાય એવી સ્ટોરીટેલિંગ લોકોને ગમવા લાગી . બે વર્ષ પછી એ જ વિજય અને નયનતારા સાથે એટલીની કોમર્શિયલી વધુ એક હિટ આવી ‘ બીગીલ ‘ જેનો અર્થ વ્હિસલ થાય છે એવી આ સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મે અગેન ૩૦૦ કરોડથી વધુનું કલેક્શન કરીને ૨૦૧૯ની સૌથી વધુ કમાનારી તામિલ ફિલ્મ બની રહી . ઇન બિટવિન એટલીએ પત્ની પ્રિયા સાથે મળીને પોતાનું પ્રોડક્શન હાઉસ ‘ એ ફોર એપલ ‘ શરૂ કર્યું અને બે ફિલ્મો પ્રોડ્યુસ પણ કરી . પણ સાઉથના આ ચમત્કારી દિગ્દર્શકને સતત ફ્લોપ આપી રહેલા શાહરુખે પોતાની નવી ફિલ્મ માટે કરારબધ્ધ કરતાં જ એટલીનું નામ હિન્દી સર્કિટમાં પણ જાણીતું થયું અને જે ફિલ્મને એટલીએ ચાર વર્ષ આપ્યા એ જવાનની છપ્પરતોડ સફળતા સાથે જ રેસ્ટ ઈઝ ધ હિસ્ટ્રી ..!!!!

                           મજાની વાત એ છે કે સુપરહિટ રહેલી પાંચે પાંચ ફિલ્મોના લેખક પણ એટલી જ છે એટલું જ નહીં પણ પાંચમાંથી ત્રણ ફિલ્મ વિજય સાથે કરી છે . આપણે સૌ જાણીએ છીએ એમ સાઉથની ફિલ્મો મોટાભાગે લાર્જર ધેન લાઈફ હોય છે . હિન્દી દર્શકો માટે એના એક્શન અને સ્ટોરીટેલિંગ પચાવવી જરા અઘરી પડતી હોય છે એમ છતાં પણ એટલીની ડબ થયેલી ફિલ્મો ઓટીટી પર અને હિન્દીપટ્ટામાં પણ એટલી જ પોપ્યુલર છે . આ જ સ્થળે હિન્દી બેલ્ટમાં સફળ થયેલી સાઉથની પુષ્પા, કંતારા કે કેજીએફ જેવી ફિલ્મો વર્સિસ બૉલીવુડ વખતે લખેલું કે જો બોલિવૂડે ટકવું હશે તો લોકોને ગમતી સ્ટાઈલથી ફિલ્મો બનાવવી પડશે અને જવાન આગળ ઉલ્લેખ કર્યો એ ટાઈપની જ ટીપીકલી સાઉથ ફિલ્મ જ છે . શાહરૂખને બાદ કરતાં નયનતારા , વિજય સેતૂપતિ કે ઇવન ટેલેન્ટેડ સંગીતકાર અનિરુધ્ધ ( જેના વિષે અલગથી લખવું પડે એમ છે ) બધા જ સાઉથના છે . ઇવન એટલી પર જેનો આરોપ વિવેચકો લગાવી રહ્યા છે એ એની જ જૂની હિટ સાઉથની ફિલ્મોના રિક્રિએટ કરેલ દ્રશ્યો પણ જવાનમાં છે આમ છતાં પણ એક હકીકત છે કે ઓએમજી-૨ , ગદદર અને હવે જવાનની સફળતા એ વાતનો સંકેત છે કે ફિલ્મ વેલ મેડ અને દર્શકોને કશુંક નવીન પીરસતી હોય તો સાઉથ-નોર્થ જેવો ભેદ હટી જાય છે .

                  એટલીની ફિલ્મો બીજી ફિલ્મો સાથે મળતી હોય છે એવો આરોપ છે . ‘ નવી બોટલ માં જૂના દારુ ‘ ની જેમ એની પહેલી ફિલ્મ ‘ રાજા રાની ‘માં મણિરત્નમની ‘ મૌનરાગમ ‘ અને ‘ મિલાના ‘ ની છાંટ હતી તો ‘ થેરી ‘ અને ‘ મેરસલ ‘ પર પણ આવો જ આરોપ લાગેલો . ‘ બીગીલ ‘ માં તો ‘ શાહરૂખની જ ચક દે ના ઘણા સિન્સ લેવાયેલા તો શાહરુખની જ જવાનમાં પણ એટલીની જ અગાઉની ફિલ્મોના સિન્સની કયા કયા દ્રશ્યોમાં કોપી છે એની અઢળક રીલ્સ સોશિયલ મીડિયા પર છે જ ઇવન ખણખોદીયાવનું તો એવું કહેવું છે કે ‘ જવાન ‘ માં જુદી જુદી ૨૩ જેટલી  ફિલ્મોના સિન્સની કોપી છે આઈ મીન સાદી ભાષામાં આટલી ફિલ્મોના સિન્સમાંથી પ્રેરણા લીધી છે ..!!!! જો કે વિવેચકો કબૂલ કરે છે કે એટલીની ફિલ્મોમાં એના ગુરુ શંકરની છાપ દેખાય છે એટલું જ નહીં પણ જુદી જુદી ફિલ્મોની સિચ્યુએશન અને સિન્સને રિક્રિએટ પણ કરે છે પણ હકીકત એ છે કે અંતે તો સફળ છે કે નિષ્ફળ એનું પરિણામ બોક્સ ઓફિસ કલેક્શનથી જ ગણાતું હોય છે એવામાં એટલી નિર્વિવાદ બોક્સ ઓફિસ પર સફળતાની ગેરંટી છે જ અને યાદ રહે કે ઓએમજી-૨ કે ગદર-૨ જેવી ફિલ્મો આખા ઇન્ડિયાના જોરે ૧૦૦ કે ૬૦૦ કરોડનો કારોબાર કરે છે એવામાં એટલીની ફિલ્મો માત્ર સાઉથ બેલ્ટના ત્રણ જ રાજ્યોમાં ૨૦૦-૩૦૦ કરોડનો બિઝનેસ કરી જાય છે અને હવે જવાનની ઓલ ઈન્ડિયા સક્સેસ પછી એ વાતને નકારી ના શકાય કે હાલના તબક્કે એટલી કોમર્સિયલી સફળ દિગ્દર્શક છે . જો કે સાઉથના મણિરત્નમ , શંકર , મુરગોદાસ ,પ્રભુદેવા કે રાજામૌલી જેવા દિગ્દર્શકોની બૉલીવુડ ઇનિંગ પછી એટલી બોલીવુડમાં કેટલું કાઠું કાઢે છે એ તો સમય જ કહેશે પણ એ પહેલા સમાચાર છે કે એટલીની નેક્સ્ટ એક્શન ફિલ્મનો હીરો છે અલ્લું અર્જુન ..- અબ યે એટલી ઝૂકેગા નહીં !!!! . (akurjt@gmail.com ) Image : sakshi.com

  • અજય ઉપાધ્યાય ( ગાંધીનગર સમાચાર – કૉલમ ” રઝળપાટ ” ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૩ )

ક્રિકેટ વર્લ્ડકપ ૨૦૨૩ : એક નજર “ ભારત “ ની ટીમ પર ..!!!!

વરસાદથી પ્રભાવિત એશિયાકપના નેપાળ સામેના મેચને આસાનીથી ૧૦ વિકેટે જીત્યા બાદ પ્રેઝન્ટેશન પ્રોગ્રામમાં કપ્તાન રોહિત શર્માનું એક વાક્ય ધ્યાન ખેંચે એવું હતું . ભારતીય ફિલ્ડરોએ છોડેલ ૪ આસાન કેચ વિષે રોહિત બોલ્યો કે ‘ આવી ખરાબ ફિલ્ડિંગથી વર્લ્ડકપ તો દૂર પણ એશિયાકપમાં પણ જીતવામાં મુશ્કેલી રહેવાની  “..!!! નિઃસંદેહ કપ્તાનનો ઈશારો ખરાબ ફિલ્ડિંગ પર હતો . એમ પણ નેપાળ જેવી ટીમ શામી , હાર્દિક , જાડેજા , કુલદીપ , શિરાઝ ને શાર્દૂલ જેવા બોલરો સામે ૨૩૦ રન કરી ગયેલી એ પણ કપ્તાન માટે તો સોચનેવાલી બાત હતી જ . રોહિતની ચિંતા એશિયાકપ નહીં પણ હવે જેને એક મહિનાથી પણ ઓછો સમય રહી ગયો છે એ વર્લ્ડકપની હોય એ સ્વાભાવિક છે . ૨૦૧૧ પછી ભારતીય ટીમ ફરી એકવાર વિશ્વવિજેતા બનવા હોમ ગ્રાઉન્ડ પર ઉતરશે ત્યારે સ્વાભાવિક છે કે એક એક કેચ ઇમ્પોર્ટેંટ રહેવાનો .આફ્ટર ઓલ  ‘ કેચીસ વિન મેચીસ ‘ ..!!! એનિવેઝ વર્લ્ડકપને માત્ર થોડો સમય જ બાકી રહ્યો છે ત્યારે વિશ્વકપમાં રમનાર બીજી ટીમોની ચર્ચા તો આવનારા લેખોમાં કરીશું પણ આજે કરીએ ભારતે જાહેર કરેલી ટીમની ..!!! શું આ ૧૫ ખેલાડીઓ સક્ષમ છે ભારતને ત્રીજો વિશ્વકપ આપી શકવા માટે ???

મંગળવાર ૫ સપ્ટેમ્બરે અજીત અગરકરે વર્લ્ડકપ ૨૦૨૩ માટેના ૧૫ સભ્યોની ટીમની જાહેરાત કરી એ સાથે જ ક્રિકેટપ્રેમીઓના મિશ્ર પ્રત્યાઘાતો મળવા લાગ્યા છે . ૭ બેટ્સમેન , ૪ બોલર અને ૪ ઓલરાઉન્ડરવાળી ભારતની ટીમની ઘોષણા પરથી એક વાત નોંધવા જેવી છે કે ભારતે ત્રીજો વર્લ્ડકપ જીતવા માટેની તૈયારીમાં ઓલરાઉન્ડરનો નોંધપાત્ર ફાળો ગણ્યો છે . ટીમની જાહેરાત પછી રોહિતે કહ્યું પણ ખરું કે આ એક સંપૂર્ણ અને ટેલેન્ટેડ ટીમ છે પણ વિવેચકો અને ક્રિકેટપ્રેમીઓના મનમાં ટીમની પસંદગી વિષે ઘણા સવાલો ઊભા થયા છે . સૌથી મોટી ડિબેટ ચહલની પસંદગી ના થઈ એના પર છે . હરભજને તો ત્યાં સુધી કહી દીધું કે તમે મેચ વિનરને જ ટીમમાં સિલેકટ નથી કર્યો . જો કે એક હકીકત છે કે ધોનીના ગયા પછી આપણે ચહલ અને કુલદીપ બન્નેને એકસાથે ટીમમાં રમતા બહુ ઓછા જોયા છે અને વર્લ્ડકપની ટીમમાં કુલદીપ છે અને એ ઉપરાંત ઓલરાઉન્ડર તરીકે જાડેજા છે તો અક્ષર પટેલ સ્ટેન્ડબાય સ્પિનરની ભૂમિકામાં રહેવાનો છે એવામાં ટીમના સંતુલનને જોતાં ચહલની પસંદગી મુશ્કેલીભરી બની રહી હશે . આવું જ કઈક રાહુલ ને ઇશાન કિશન બંનેની પસંદગી અને સંજુ સેમશનની ના-પસંદગી પર પણ છે જ . ઓપનિંગ રોહિત ને ગિલ નક્કી છે તો વન ડાઉન કોહલી અને ટુ ડાઉન શ્રેયસ નક્કી છે એવામાં પાંચમા સ્થાન માટે ઇશાન અને રાહુલ વચ્ચે સ્પર્ધા રહેવાની . છેલ્લી થોડી મેચોમાં સાતત્યભર્યા પ્રદર્શનને લીધે ઇશાન કિશનની દાવેદારી મજબૂત છે તો અનુભવ અને ઉપયોગીતાની દ્રષ્ટિએ રાહુલનું પલ્લું ભારે છે એવામાં ટીમ મેનેજમેન્ટ માટે એ નક્કી કરવું મુશ્કેલ રહેશે કે પાંચમા સ્થાને કોને રમાડે ? જો કે એકસાથે બન્ને ટીમમાં હોય એવી શક્યતા ઓછી છે એવા સંજોગોમાં મારા હિસાબે અનુભવી રાહુલને પહેલી તક મળશે અથવા તો ટોપ ઓર્ડરમાં કોઈ ઇજાગ્રસ્ત થાય એવા સંજોગોમાં બન્નેને ચાંસ મળી શકે છે . જો કે આ લેખ તમે વાંચતાં હશો ત્યારે ૧૦ સપ્ટેમ્બરે એશિયાકપના પાકિસ્તાન સામેના સુપર -૪ ના મુકાબલામાં રાહુલ નંબર પાંચ પર ઉતરી શકે છે . વારંવારની તકો છતાં કોઈ અસર છોડવામાં અસફળ રહેલા સંજુ સેમશનની ટીમમાં પસંદગી ન થઈ એ બાબતે ઉઠેલા વિવાદો નિરર્થક છે અને ઇશાન હાલના તબક્કે સંજુ કરતાં વધુ બહતર ચોઈસ છે જ . ટીમમાં કોઈપણ ઓફ સ્પિનર નથી એ વિચારવાલાયક તો છે જ તો તિલક વર્મા અને પ્રિસિધ્ધ કૃષ્ણાનો સમાવેશ ના થયો એ પણ ચર્ચામાં છે જ પણ આવા વિવાદોને બાજુમાં રાખીને ટીમનું નિશાન વર્લ્ડકપ જ રહેવાનું એ નક્કી છે .

                              અને આ નિશાન પાર પાડવા માટે ટીમ કેટલી તૈયાર છે એ જાણવું પણ જરૂરી છે એટલે હવે જોઈએ ભારતીય ૧૫ સભ્યોની ટીમની ક્ષમતા-નબળાઈઓ અને વર્લ્ડકપ જીતવાના ચાન્સીસ પર . સૌથી પ્રથમ તો કોઈ મોટો બેનિફિટ હોય તો એ છે ઘરઆંગણે રમવાનો . હોમગ્રાઉન્ડ અને જાણીતી પિચો ભારતને વર્લ્ડકપ જીતવાની રાહ આસાન કરવામાં ચોક્કસ મદદ કરશે જ અને એમાં સાથ મળશે હોમ ક્રાઉડનો . વર્લ્ડકપ ઓકરોબર-નવેમ્બરમાં રમાવાનો છે એટલે જે વિદેશી ખેલાડીઓ આઈપીએલના અનુભવને વર્લ્ડકપમાં ઉમેરવા માંગતા હશે એમના માટે કોઈ ફાયદો નહીં થાય કેમકે આઈપીએલ માર્ચ-એપ્રિલમાં રમાય છે અને ત્યારે અને ઑક્ટો-નવેમ્બરમાં કન્ડિશન અલગ હોય છે એટલું જ નહીં પણ ઓકટોબર-નવેમ્બરમાં ઝાકળની પણ બીક રહેવાની તો સામે છેડે ભારતીય ખેલાડીઓ આ વાતાવરણથી પરિચિત હોવાના . ભારત માટે બિલકુલ ટેલરમેડ સ્થિતિ રહેવાની જો રોહિત એન્ડ કંપની એનો ફાયદો ઉઠાવી શકે તો . અને ફાયદો ઉઠાવવો જ પડશે કેમકે ભારત પાસે વનડેના અનુભવી ખેલાડીઓ છે . રોહિત, વિરાટ , રાહુલ , હાર્દિક , બૂમરાહ , શમી , જાડેજા જેવા ખેલાડીઓ પાસે વર્લ્ડકપ રમવાના અનુભવ છે જ સાથે સાથે વનડેના આ બધા નિર્વિવાદ સ્ટાર ખેલાડીઓ છે એટલે સ્વાભાવિક છે કે વનડે રમવાના એમના આટલા વિશાળ અનુભવનો લાભ ભારતીય ટીમને મળશે જ . આ ઉપરાંત આ બધા વચ્ચે વિસ્ફોટક સૂર્યા ને કયા અને કેટલી તક મળે છે એ પણ જોવું રસપ્રદ બની રહેશે . જો કે મારુ માનવું છે કે શરૂઆતી મેચોમાં સૂર્યા સ્ટેન્ડબાય જ રહેવાનો અને ટોપ ઓર્ડરમાં કોઈને ઇજાગ્રસ્ત થવા પર કે ફેલ થવા પર જ સૂર્યાને ચાંસ મળશે પણ આશા છે કે સૂર્યાને વધુ અને જલદી ચાંસ મળવો જોઈએ .

                    પણ આ પ્લસ પોઈન્ટની સામે થોડા માઇનસ પોઈન્ટ પણ છે જ . હોમ ક્રાઉડનો લાભ મળશે એ જ રીતે હોમ ક્રાઉડ અને મીડિયાનો દબાવ પણ રહેવાનો જ . ઘરઆંગણે જીતવાનું પ્રેશર વધુ હોય છે અને એ માઇનસ પોઈન્ટ પણ બની શકે છે . આ ઉપરાંત ખાસ તો ઇજાને લીધે ક્રિકેટથી દૂર રહેલા ખેલાડીઓનો ટીમમાં સમાવેશ એ પણ ચિંતાજનક છે . જેમ કે શ્રેયસ ઇજાને લીધે ઘણો સમય દૂર રહ્યા પછી ટીમમાં આવ્યો છે અને એને વર્લ્ડકપ પહેલા પોતાનું ફોર્મ મેળવવું બહુ જરૂરી બની રહેવાનું તો એવું જ કઈક બૂમરાહ માટે પણ કહેવું પડશે કેમકે ઇજાને લીધે એ પણ ઘણા સમયથી ક્રિકેટથી દૂર છે એટલું જ નહીં પણ જો અહેવાલોને સાચા માનીએ તો આ વર્લ્ડકપમાં મોસ્ટલી બેટિંગ પિચો મળવાની છે એવામાં બૂમરાહે બહુ જલદી રિધમમાં આવવું પડશે . અગાઉ ઇન્જરડ રહી ચૂકેલો હાર્દિક પૂરી ૧૦ ઓવર ફેંકી શકવા ફિટ છે કે નહીં એનો જવાબ પણ મેળવવો પડશે . બીજો એક ઉપયોગી ખેલાડી રાહુલ પણ ઇજાને લીધે ઘણા સમયથી ક્રિકેટથી દૂર હતો જો કે એશિયાકપની ટીમમાં એ સામેલ છે અને રમાયેલી બે પ્રેક્ટિસ મેચમાં એને બેટિંગમાં કોઈ તકલીફ નહોતી થઈ પણ વિકેટકીપીંગમાં એ અસહજ હતો . મિડલ ઓર્ડરમાં જેના પર આધાર છે એવા આ બન્ને ખેલાડીઓ જો ઝડપથી ફોર્મ નહીં પકડે તો ભારતીય બેટિંગ લાઇનઅપને નુકશાન પહોંચસે એ નક્કી છે . જો કે ભારતીય ટીમમાં ઓલરાઉન્ડર્સને લીધે બેટિંગ સ્ટ્રેન્થ વધુ છે પણ જો ટોપ ઓર્ડર ફેલ ગયો એવા સંજોગોમાં મિડલ અને લોઅર મિડલ ઓર્ડર પર વધુ પ્રેશર રહેવાનું અને આ તો ૫૦ ઓવરની મેચ છે એટલે શરૂઆતી ૧૫-૨૦ ઓવરમાં જો ૩-૫ વિકેટ પડે તો ટીમમાં એવા ખેલાડીઓ હોવા ઘટે કે જે સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી શકે  અને એટલે જ શાર્દૂલ , જાડેજા , અક્ષર કે હાર્દિક જેવા ખેલાડીઓ વધુ ઇમ્પોર્ટેંટ બની રહેવાના . ટીમ ડિકલેર થયા પછી ૧૯૮૨ ના વિશ્વવિજેતા કપ્તાન કપિલદેવે સાચું જ કહ્યું કે આ જ અવેલેબલ બેસ્ટ ટીમ છે એમ સમજીને ઊતરો મેદાનમાં અને મહેનત કરો ..!!! વિશ્વકપ વિષે વધુ આવતા લેખોમાં .. ટીલ  ધેન ઓલ ધ બેસ્ટ ભારત (akurjt@gmail.com ) – image ; TOI

  • અજય ઉપાધ્યાય ( ગાંધીનગર સમાચાર – કૉલમ ” રઝળપાટ ” ૧૦ સપ્ટેમ્બર ૨૦૨૩ )

અતરંગી … અવ્વલ ….એકમેવ …. : કિશોર ..!!!!

  Image : Rimpa Mondal Art

એક મિત્રની ભલામણ પર એના મિત્ર એવા ઇન્ટિરિયર ડિઝાઇનરને મળવા એ તૈયાર થયેલા પણ પછી સમજાઈ ગયું કે આમાં કાઇ બહુ દમ નથી એટલે એમણે કહ્યું કે મારે એક એવું ઘર બનાવવું છે જેના દરેક રૂમમાં પાણી જ પાણી હોય . મારા બેડરૂમમાં પલંગ પાસે એક હોડી હોય ને હું એમાં બેસીને ડાઈનિંગ રૂમ સુધી જાવ ..મારા મહેમાનોને હું હોડીમાં ચા-નાસ્તો પીરસું !!! પેલો ડિઝાઇનર તો ભોચક્કો રહી ગયો પણ આવી અજીબોગરીબ હરકતો કરનાર બીજું કોઈ નહીં પણ સદીના શ્રેષ્ઠ ગાયક કિશોરકુમાર હતા ..!!!! જી હા , અતરંગી અને આવા ઓલમોસ્ટ પાગલ કહી શકાય એવા કિસ્સાઓના જનક એવા કરોડો દિલોની ધડકન કિશોરદાનો જન્મદિવસ બે દિવસ પહેલા જ ગયો . આવા કિસ્સાઓ જ શુકામ કિશોરકુમાર તો ગાયકીમાં પણ આવું જ પાગલપન કરી લેતા હતા અને એટલે જ કદાચ આજે જો જીવતા હોત તો ૯૪ મો જન્મદિવસ ઊજવતાં હોત એવા મારા ને તમારા પસંદીદા ગાયક કિશોરકુમાર રેર કહી શકાય એવી રીતે ગાયકીની સાથે સાથે અભિનય અને ફિલ્મ મેકિંગમાં પણ અવ્વલ હતા . શરારતી સ્વભાવવાળા કિશોર જ્યારે માઈકની સામે આવે ત્યારે એક અલગ જ કિશોર બની જતાં અને કદાચ એટલે જ લીજેન્ડ લતાજી અને આશા ભોંસલે હમેશા કહેતા કે અમારા ફેવરિટ ગાયક કિશોરકુમાર છે કેમકે એ કોઈપણ પ્રકારના ગીતને એટલી આસાનીથી ગાઈ છે કે આપણને પણ નવાઈ લાગે કે શરારતી સ્વભાવના આ ઈન્સાનના કંઠમાં ભગવાને કેટલી ઉમદા કારીગરી આપી છે . જો કે કિશોર હમેશા લત્તાને માન આપતા અને એટલે જ કોઈપણ ડયુએટ ગીત ગાવા માટે કિશોર લત્તા કરતાં એક રૂપિયો ઓછી ફી લેતા હતા .

કિશોરકુમાર ગાયક , એક્ટર , નિર્માતા , નિર્દેશક , સંગીતકાર , લેખક એવા વિવિધ અને બહુઆયામી ખૂબીઓના ધની હતા એ તો સહુ જાણે છે પણ કિશોર સ્ત્રીના અવાજમાં પણ ગીત ગાઈ શકતા હતા અને એમણે 1962 ની હિટ ફિલ્મ ‘ હાફ ટિકિટ ‘ ના ‘ આકે સીધી લગી દિલ પે જૈસી ‘ માં ઓરિજનલી લતા ગાવાના હતા એ ભાગ એમની અનુપસ્થિતિમાં પોતે જ ગાઈને કમાલ કરી પણ બતાવેલો ..!!! એક ઈન્સાનમાં આટલી બધી ખૂબી ક્યાંથી મળે ? અને કદાચ એટલે જ કિશોર પોતાની આ ખૂબીઓ માટે સભાન હતા અને એનો સસ્તામાં કોઈ ઉપયોગ ના કરી જાય એટલા માટે સાવચેત પણ . અને એટલે જ કિશોર એડવાંન્સ પેમેન્ટ વગર ગીત નહોતા ગાતા કે એક્ટિંગ નહોતા કરતાં .  એકવાર એક નિર્માતા એ અર્ધા પૈસા આપ્યા ને કહ્યું કે અર્ધા ફિલ્મ પૂરી થાય પછી તો કિશોર બીજે દિવસે સેટ પર અર્ધી મૂછો લગાડીને અર્ધા મેકઅપમાં આવ્યા . નિર્માતા સમજી ગયો ને ફૂલ પેમેન્ટ આપી દીધું . એકવાર થયું એવું કે કોઈ બંગાળીએ એમનો સ્ટેજ પ્રોગ્રામ કરેલો પણ પૈસા નહીં આપેલ તો કીશોરે વૉચમેનને કહી દીધેલું કે કોઈપણ બંગાળીને ઘૂસવા ના દેતો , હવે થયું એવું કે કોઈ ફિલ્મ માટે ઋષિકેશ મુખર્જી એમના ઘરે મળવા ગયા તો ચોકીદારે તો બંગાળી છે એમ જાણીને ઋશીદા ને ભગાડી મૂકેલા..!!! ઇન્કમટેક્ષના ઓફિસરો પાછળ કુતરા છોડી મૂકેલા એ કિસ્સો તો બધા જાણે જ છે પણ કેટલાને ખબર છે કે અસલમાં કીશોરે એના બંગલાના દરવાજે બોર્ડ જ મરાવેલું કે ‘ કિશોર સે સાવધાન ‘..!!!!!!!

                       એમના જમાનાના મહાન ગાયક કે. એલ. સાયગલના ફેન કિશોરને એમની જેમ ગાયક જ થવું હતું પણ ઓલરેડી એકટર એવા મોટાભાઇ અશોકકુમારની ઇચ્છાથી ફિલ્મોમાં અભિનય શરૂ કરનાર કિશોરની પહેલી ફિલ્મ 1946 ની ‘ શિકારી ‘ હતી પણ ગાયક થવાની ઈચ્છા રાખનાર કિશોરને ગીત ગાવાનો મોકો મળ્યો દેવઆનંદની ૧૯૪૮માં આવેલી ફિલ્મ ‘ જિદ્દી ‘ થી અને એ પછી કીશોરે એટલીસ્ટ ગાયકીના ફિલ્ડમાં તો પાછું વળીને જોયું જ નહોતું . અને એ પણ કેવું કે એમના અવાજે ત્રણ સુપરસ્ટારની કેરિયર બનાવવામાં અગત્યનો ભાગ ભજવ્યો એમ કહેવામાં જરાપણ અતિશયોક્તિ નથી અને આ ત્રણ સુપરસ્ટાર એટલે દેવઆનંદ , રાજેશ ખન્ના અને અમિતાભ બચ્ચન . આ ત્રણેય કલાકારોના ગીતો કિશોરના અવાજ વગર કલ્પી જ ના શકો એટલી હદે કિશોરનો અવાજ એમના સ્ટારડમનો હિસ્સો બની ગયેલો .  સંગીતની કોઈપણ પ્રકારની તાલીમ લીધા વગર ગાયકીના ક્ષેત્રમાં સીમાચિન્હ બનનાર કિશોરનો અવાજ નાનપણમાં બેસુરો હતો પણ એક અકસ્માતને લીધે સતત રડતાં રહેલા કિશોરનો અવાજ ધીમે ધીમે સુરીલો થતો ગયેલો . મન્નાડે જેવા દિગ્ગજએ પણ કબુલેલું કે કિશોર સાથે ગાવાનું હોય ત્યારે વધુ ચોક્કસ રહેવું પડતું તો બપ્પી લહરી જેવા નામી સંગીતકારે  પણ કહેલું કે ગીતના રેકોર્ડીંગ વખતે જ કિશોર કહી દેતા કે આ ગીત હિટ જશે કે ફ્લોપ .. કદાચ એમને તાલીમ લીધા વગર જ ગાયનને જાણવાની કુદરતી બક્ષિશ મળેલી . પંડિત ભીમસેન જોશીએ ‘ કુછ તો લૉગ કહેંગે ‘ સાંભળ્યા પછી કહેલું કે સારું છે કે કિશોર શાસ્ત્રીય ગાયક નથી નહિતર અમારું તો આવી બનત એટલી હદે પરફેક્ટ રાગમાં ગાયું છે . કિશોરને કુદરતે એવા સુંદર અવાજથી નવાજેલા કે લગભગ દરેક હીરોના અવાજ સાથે એમનો અવાજ મેચ થઈ જતો પછી એ રાજેશ, અમિતાભ , દેવ જેવા જૂના જોગી હોય કે જેકી , અનિલ જેવા નવા ..!!! કદાચ એનું એક કારણ એ પણ હતું કે કીશોરે ઘણી ફિલ્મોમાં એક્ટિંગ પણ કરેલી એટલે ગીત ગાતી વખતે શબ્દોને હીરોના હાવભાવ સાથે કલ્પી શકતા હતા અને કદાચ એટલે જ ‘ આરાધના ‘ ‘ જોની મેરા નામ ‘ જેવી ફિલ્મોના અલ્લડ ગીતો હોય કે ‘ આંધી ‘ ‘ અભિમાન ‘ ‘ કિનારા ‘ જેવી અનેકો ફિલ્મોના ગંભીર ગીતો સાંભળો ત્યારે એમ જ લાગ્યા કરે કે  કિશોરનો અવાજ આ જ ગીતો માટે બન્યો છે . કિશોર જેટલી આસાનીથી ‘ પગ ઘૂંઘરું ‘ ગાઈ શકતા હતા એટલી જ આસાનીથી ‘ મૈ શાયર બદનામ ‘ પણ .. અને કદાચ એટલે જ કિશોર આજે પણ દરેક પેઢીનો પસંદીદા ગાયક છે .

                        પૈસા માટે એમનો પ્રેમ બધા જાણતા હતા પણ એ પ્રેમ માટે એ કહેતા કે મારી ટેલેન્ટને હું ક્યારેય મફતમાં નહીં વેચાવા કે ઉપયોગ કરવા દઉં અને એટલે જ પહેલા પેમેન્ટ પછી કામ એ એમનો નિયમ હતો . જો કે એમના પર્સનલ ફેવરિટ સત્યજીત રે ની ફિલ્મો માટે એમણે કોઈ ચાર્જ નહોતો લીધેલો બાકી તો ‘ પ્યાર કિયે જા ‘ માં મેહમૂદે એમનાથી વધુ ફી લીધેલી એ યાદ રાખીને કીશોરે ‘ પડોશન ‘ માં મેહમૂદથી ડબલ ફી વસૂલ કરીને હિસાબ સરભર કરેલો ..!!! કીશોરે જીવતેજીવ તો અનેકો રેકોર્ડ બનાવેલ પણ મૃત્યુ પછી પણ એક અનોખો રેકોર્ડ કરતાં ગયેલા . વાત એમ છે કે ૧૯૮૭ માં એમના મૃત્યુના ત્રણ દિવસ પહેલા ‘ ખેલ તમાશા ‘ નામની ફિલ્મ માટે કીશોરે છેલ્લું ગીત રેકોર્ડ કરેલું , જો કે ફિલ્મ ક્યારેય રીલીઝ ના થઈ શકી પણ ૨૦૧૨માં એમના આ અનરીલીઝ સોંગ માટે થયેલી હરરાજીમાં ૧૫ લાખથી પણ વધુ કિમતે આ સોંગ વેચાયેલું જે કદાચ આજ સુધીનો રેકોર્ડ છે . કિશોરને મોટાભાગના પ્રશંશકો કદાચ એમને ગીતો માટે યાદ રાખતા હોય તો એ પણ જાણી લો કે પોતાની કેરિયરમાં કિશોર 1-2 નહીં પણ પૂરી 81 ફિલ્મોમાં એક્ટિંગ કરી છે અને 18 ફિલ્મોનું નિર્દેશન પણ . એકાંતના શોખીન અને ઇંટરવ્યૂ દેવાના વિરોધી એવા કિશોરને એક પત્રકારે પૂછેલું કે આટલા લોકપ્રિય હોવા છતાં તમને કોઈ ફિલ્મી પાર્ટીમાં જવા કરતાં એકલા રહેવું કેમ ગમે છે ? તો કિશોર એને બંગલાના બગીચામાં લઈ ગયેલા અને બગીચામાં ઊગેલા ઝાડ બતાવતા કહ્યું કે મે દરેક ઝાડનું નામ રાખેલ છે અને એ મારા મિત્રો છે , હું એમને નામથી બોલાવું છું અને એકાંતમાં અમે વાતો કરીએ છીએ ..!!! પોતાના વતન ખંડવા ને છેલ્લી ઘડી સુધી યાદ કરનાર કિશોર હંમેશા કહેતા કે ‘ દૂધ જલેબી ખાયેંગે, ખંડવા મેં બસ જાયેંગે ‘ જો કે જીવતાજીવ તો એમની ઈચ્છા પૂરી ના થઈ પણ એમના મૃત્યુ પછી ખંડવામાં એમના અંતિમસંસ્કાર થયેલા એ જગ્યા પર બનેલા સ્મારક પર લોકો દૂધ-જલેબી જરૂર ચડાવવા આવે છે  … ( akurjt@gmail.com )

  • અજય ઉપાધ્યાય ( ગાંધીનગર સમાચાર – કૉલમ ” રઝળપાટ ” ૬ ઓગષ્ટ ૨૦૨૩ )

રસ્તા પર નિર્દોષોને કચડાતા અટકાવવા કડક સજા જરૂરી છે ..!!!!

Image : TOI

બાપ કમાઈના બાંબુડિયા હોય કે પછી વગર વિચાર્યે કે ગંભીરતા સમજાવ્યા વગર કે બાળકને ‘ આનાથી લોકોના જીવ પણ જાય ‘ એવું સમજાવ્યા વગર ચાવી આપી દેતા વાલીઓ હોય કે પછી રોડ રેસિંગ કરતાં નબીરાઓને કડક પાઠ ભણાવવામાં ઊણી ઊતરતી આપણી પોલીસ હોય કે પછી કાનૂન બનાવ્યા પછી એનો કડકાઈથી અમલ કરાવવામાં કાચી પડતી આપણી વ્યવસ્થા હોય કે પછી ત્વરિત ન્યાયને બદલે વર્ષોના વર્ષો ચાલતા કેસોને લીધે કોર્ટના ચક્કરથી કંટાળીને આપણા વ્હાલસોયાના અકાળે મોતના બદલામાં સમાધાન કરતાં હું ને તમે હોઈએ .. સરવાળે સડક પર સ્પીડમાં દોડતું ચાર પગાળું મોત આપણી ક્ષણભંગુર જિંદગીનો એક અહમ ભાગ બનતું જાય છે એમાં કોઈ શંકાને સ્થાન નથી જ . ગડકરી સાહેબે ભલે ને એમ કહ્યું હોય કે 2024 સુધીમાં માર્ગ અકસ્માતોની સંખ્યા અર્ધી કરવાનું સરકારનું લક્ષ્ય છે પણ 2024 તો હવે કાઇ બહુ દૂર નથી એવામાં માર્ગ અકસ્માતો કુદકે ને ભૂસકે વધી જ રહ્યા છે . એક પ્રશ્નના જવાબમાં રોડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર ગડકરી સંસદમાં લેખિતમાં જણાવી ચૂક્યા છે કે ભારતમાં દર કલાકે સરેરાશ 18 લોકો માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામે છે . નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરોના આંકડા પ્રમાણે ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં 82,155 અકસ્માતમાં 36,788 લોકોના મોત થયા અને  77256 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. તો 2021માં દેશમાં એક વર્ષમાં થયેલા લગભગ 4 લાખ જેટલા અકસ્માતોમાં અંદાજે દોઢ લાખ લોકોના મૃત્યુ થાય . હવે આ દોઢ લાખ વાંચીને તમને એમ થાય કે ઠીક છે હવે 140 કરોડના દેશમાં આવું તો થયા કરે . પણ ચોંકાવનારા આંકડા હવે આવે છે . અસલમાં આ ચાર લાખ અકસ્માતોમાં ઓલમોસ્ટ 60% જેટલા અકસ્માતો ઓવરસ્પીડીંગ , ખોટા ઓવરટેકીંગ કે બેફામ ડ્રાઇવિંગને લીધે થયેલા .

ચોંકી ગયા ને ..?? અને ચોંકવાની સાથે સાથે તમને વિસ્મય અને તથ્ય પટેલ પણ યાદ આવી જ ગયા હશે . જી હા રસ્તાઓને પોતાના પૂજ્ય પિતાશ્રીઓની મિલકત સમજતા આવા બેફામ ગાડી ચલાવનારા નબીરાઓને લીધે જ દેશમાં અને રસ્તાઓ પર અનેક નિર્દોષો હણાય જાય છે . મગજની નસોમાં જામી ગયેલા પૈસાના નશાને લીધે સ્ટીરીંગનો કાબૂ ગુમાવનાર આવા નબીરાઓની બુધ્ધિ વગરની આવી આંધળી સ્પીડી દોટને લીધે સડક પર વાહન લઈને જતો કે ચાલીને જતો કોઈ વ્યક્તિ સલામત છે કે નહીં એ હવે ચર્ચાની સાથે સાથે ચિંતાનો વિષય પણ બની ચૂક્યું છે . આગળ લખેલા દોઢ લાખનો આંકડો તો મૃત્યુ પામનારનો છે પણ એ ચાર લાખ જેવા અકસ્માતોમાં ઇજાગ્રસ્ત કે પછી અપંગ થયેલા લોકોનો આંકડો તો કદાચ આનાથી પણ મોટો હોય શકે છે અને માઇન્ડવેલ કે આ આંકડો તો માત્ર સરકારી ચોપડે ચડેલા અકસ્માતોનો છે . દેશના અંતરિયાળ વિસ્તારોમાં થતાં અને સરકારી ચોપડે નહીં ચડેલા અકસ્માતોનો આંકડો તો હું ને તમે માત્ર કલ્પી જ શકી એમ છીએ . યાદ છે ને હમણાં થોડા જ સમય પહેલા થયેલ ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન સાઇરસ મિસ્ત્રીનું રોડ અકસ્માતમાં મોત . એમના અક્સ્માતનું કારણ પણ ઓવરસ્પીડ અને ખોટું ઓવરટેકીંગ જ હતું ને ..???? ઉપરના આંકડાઓમાં એક કરૂણ અને હૈયું હચમચી જાય એવા આંકડા એ છે કે મૃત્યુ પામનાર લોકોમાંથી લગભગ 40% લોકો 21 થી 45 વર્ષની ઉમરના હતા . મતલબ કે મોટાભાગના એમના પરિવારના કમાઉ વ્યક્તિ હતા કે પછી એમના પરિવારને એમના પર આશાઓ હતી . કોઈ કેસમાં સરકારી વળતર મળ્યું હોય તો ઠીક છે બાકી વિચારી જુઓ કે કોઈના પાપે મોતને ભેટેલા એ વ્યક્તિના પરિવારની હાલત શું થતી હશે . ?? પોતાના સ્વજનને કોઈ જ વાંકગુના વગર ગુમાવનાર પરિવારે પછીથી એની ખોટને પૂરી કરવા અને ન્યાય માટે વર્ષો સુધી કોર્ટના ચક્કરો ખાવા પડે એ તો સ્વજનના મોત કરતાં પણ વસમું ના કહેવાય ..???

                                    તથ્ય પટેલ કે ઇવન વિસ્મયના કેસમાં મીડિયામાં અને લોકોમાં જબરો ઉહાપોહ થયો અને એક્શન લેવાયા  પણ તથ્યના કેસ પછી જ ન્યૂઝપેપરોમાં એવા ઘણા કિસ્સા સામે આવ્યા છે કે જેમાં ભોગ બનનારના કુટુંબીજનો હજુ ન્યાયની પ્રતિક્ષા કરી રહ્યા છે . એ તો ઠીક છે પણ તથ્યના બનાવ પછીથી એકલા અમદાવાદમાં જ ડ્રિંક એન્ડ ડ્રાઈવ સહિતના બે-ચાર બેદરકાર ડ્રાઇવિંગના બનાવો બની ચૂક્યા છે . માલેતુજાર બાપના સંતાનો કાયદાની છટકબારીના લાભો લઈને જમીન પર છૂટી જતાં હોય છે પણ એમની આછકલાઈને લીધે જીવ ગુમાવનાર લોકોના પરિવારનું શું ? નબીરાઓના કેસમાં છટકબારીઓના લાભ કેવી રીતે લેવાય છે એ તો બધાને ખબર જ છે . કાયદાઓ છે .. તંત્ર છે .. સગવડો છે પણ ઇચ્છાશક્તિ કયા ? થોડા દિવસ ઉહાપોહ થયા પછી બધુ બીજો કોઈ તથ્ય કે વિસ્મય રસ્તે ઉભેલા કે રસ્તા પર જતાં લોકો પર પોતાના પૈસાનું ઘમંડ ચડાવીને એમને કચડી નાખે ત્યાં સુધી જૈસે થે થઈ જાય છે . ફરી આવું કઈક થાય એટલે કાગારોળ શરૂ થઈ જાય છે પણ આવી નસલો પર નકલ ક્યારે કસવી એ કોઈ જાણતું નથી . સમાજમાં અને ખાસ તો આવી રીતે રસ્તાને પોતાના બાપાની મિલકત સમજતા લોકો પર કોઈ ઠોસ કદમ કેમ નથી લેવાતા ? કેમ એવો કોઈ દાખલારૂપ ચુકાદો નથી આવતો કે બીએમડબ્લ્યુ કે જગુઆરને જાનલેવા સ્પીડ સુધી પહોંચાડવાનો વિચાર કરતાં પહેલા ચલાવનારના હાથ-પગ ધ્રૂજવા માંડે ..???

                             એવું નથી કે કાયદા નથી કે પછી પોલીસતંત્ર કે ન્યાયતંત્ર સજાગ નથી પણ છતાંયે આવા રોડ રેસિંગના કેસમાં અને ખાસ તો જ્યારે એમાં કોઈ નબીરો સંડોવાયેલો હોય ત્યારે લોકોને એમ જ થાય છે કે ‘ ભલે ને .. બાકી આ છૂટી જશે .. આને કાઇ થશે નહીં ‘ . જો કે વિસ્મયના કેસમાં જેલની સજા આપીને ન્યાયતંત્રે એક સીમાચિન્હ બેસાડેલું પણ એ ચુકાદા પહેલા બનેલી ઘટનાઓ એ વાતની સાક્ષી છે કે ત્વરિત ન્યાય હજુ પણ મળતો નથી જ . કાયદા ધીમે ધીમે કડક પણ થઈ રહ્યા છે . પોલીસ પણ સજાગ છે પણ આ બધુ ઘોડા છૂટી જાય પછીનું છે . તથ્યના કેસમાં પોલીસે અત્યાર સુધીની સૌથી ઝડપી ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી છે એટલું જ નહીં પણ સજ્જડ પુરાવાઓ એકઠા કરવા પણ જહેમત ઉઠાવી રહી છે અને સરકારે પણ 45 દિવસમાં સજાનો વાયદો કર્યો છે પણ સવાલ એ થાય છે કે શું આવા દરેક બેદારકારીભર્યા ડ્રાઇવિંગવાળા કેસોમાં આટલી ઝડપી કાર્યવાહી થાય છે ખરી ? પૈસાદારના નબીરાઓ પૈસાના જોરે ગમે તેવા અકસ્માતો કર્યા પછી પણ પૈસાના જોરે ‘ છૂટી જાશું ‘ એવી હવા રાખતા હોય છે એ હવા કાઢવાની જરૂર છે અને એના માટે અત્યારે જે રીતે પોલીસ તપાસ કરી રહી છે કે ઝડપી ન્યાય આપવાની સરકારે ખાતરી આપી છે એ મુજબ દરેક કેસમાં થવું જોઈએ . સાથે સાથે પૈસાદાર બાપાઓએ માતેલા સાંઢની જેમ દોડીને નિર્દોષોને કચડી શકતી ગાડીઓની ચાવી પોતાના સુ કે કુપુત્રને આપતા પહેલા સો વાર વિચાર કરવો પડશે . અકસ્માત થયેલો તો લોકોએ જોવા ના ઊભું રહેવાય કે પોલીસે કોર્ડન નહોતું કર્યું કે ઘટના સ્થળે પૂરતો પ્રકાશ નહોતો એવી દલીલો કે લુલા બચાવો આવા બેદારકારીભર્યા ડ્રાઇવિંગ કરીને થયેલા અકસ્માતોમાં અકાળે મોતને ભેટનારાઓનું અપમાન છે અને આનો એકમાત્ર જવાબ કડકમાં કડક સજા જ છે કે જેથી ભવિષ્યમાં કોઈ જગુઆર આવા અનેકો નિર્દોષોને કચડી ના નાખે . ( akurjt@gmail.com )

  • અજય ઉપાધ્યાય ( ગાંધીનગર સમાચાર – કૉલમ ” રઝળપાટ ” 30 જુલાઇ 23 )

એનડીએ વિરુધ્ધ ઈન્ડિયા : ૨૦૨૪ માં કયુ ગઠબંધન જીતશે ?

Image : Amar Ujala

૧૫ મે ૧૯૯૮ . કોંગ્રેસને હરાવવા માટે અટલબિહારી વાજપાઈના નેતૃત્વમાં જુદી જુદી ૨૪ પાર્ટી સાથે આવી અને કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લીધી . એ ૨૪ પાર્ટીએ પોતાના ગઠબંધનનું નામ રાખ્યું એનડીએ .. બોલે તો નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ મતલબ રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન ..!!!  કટ ટુ  ૨૦૨૩ . વહી ધનુષ વહી બાણની જેમ સત્તાધીન એનડીએ – મતલબ ભાજપ આગેવાનીવાળા મોરચાને ૨૦૨૪ની ચૂંટણીઓમાં ધોબીપછાડ આપવા માટે એક મોરચો આકાર લઈ રહ્યો છે જેનું નામ છે ‘ ઈન્ડિયા ‘- INDIA ..!!! હવે જેમ એનડીએ નું ફૂલ ફોર્મ છે એમ આનું પણ ફૂલ ફોર્મ છે   ‘ ઇંડિયન નેશનલ ડેમોક્રેટિક ઇન્કલુસીવ એલાયન્સ ‘ બોલે તો “ ભારતીય રાષ્ટ્રીય લોકતાંત્રિક સમાવેશી ગઠબંધન “  ..!!! યસ જો કટ્ટર રાષ્ટ્રવાદી ગણાતા ભાજપને હરાવવું હોય તો સ્વાભાવિકપણે અને એટલીસ્ટ ગઠબંધનના નામમાં તો રાષ્ટ્ર , લોકતંત્ર જેવા શબ્દો તો રાખવા જ પડે ને ..!!! તો સાહિબાન .. કદરદાન .. હાજર છે ૨૦૨૪માં ભાજપ અને એનડીએ ને કરારી હાર આપવાના મનસૂબા સાથે અત્યારે ૨૬ પાર્ટીઓનું બનેલું ગઠબંધન – ઈન્ડિયા..!!!!!!

આ કાઇ પહેલીવાર નથી કે ભારતીય રાજનીતિમાં કોઈ ગઠબંધન આકાર લઈ રહ્યું હોય . ઇવન આગળ વાત કરી એ ૧૯૯૮ પહેલા પણ નેશનલ ફ્રન્ટ , જનતાદળ અને યુનાઈટેડ ફ્રન્ટ ના નામે ગઠબંધનો બનેલા .. એમની સરકારો પણ બનેલી અને સરકારો પડેલી પણ ખરી . પરંતુ ૧૯૯૮ પછીથી લગભગ ‘ એનડીએ ‘ અને ‘ યુપીએ ‘ આ બે જ ગઠબંધન એક યા બીજી રીતે ચર્ચામાં રહ્યા છે . યુપીએ મતલબ કે ‘ યુનાઈટેડ પ્રોગ્રેસીવ એલાયન્સ ‘ ની વાત કરીએ તો ૨૦૦૪ ની ચૂંટણીમાં એનડીએ ની હાર થઈ અને ૧૪૫ સીટો સાથે કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી બની પણ એ ભાજપથી માત્ર સાત સીટો જ વધારે હતી કોઇની સ્પષ્ટ બહુમતી નહોતી એવામાં ભાજપ યાની કી એનડીએ ફરી સરકાર બનાવી ના શકે એટલા માટે સીપીએમ ના હરકીશનના પ્રયત્નોથી યુપીએ અસ્તિત્વમાં આવી એટલું જ નહીં પણ કોમન મિનિમમ પ્રોગ્રામ બનાવીને સત્તામાં પણ આવી .  મનમોહનસિંહ વડાપ્રધાન બન્યા અને પવાર , લાલુ , પાસવાન , શોરેન વગેરે સાથી પક્ષોના સભ્યો મંત્રી બન્યા . જો કે સમયાંતરે કેસીઆર , એમડીમકે , લેફ્ટ પાર્ટી વગેરે જુદા થતાં ગયા પણ ૨૦૦૯ની ચૂંટણીમાં કોંગ્રેસે સારું પ્રદર્શન કરીને પોતાની સીટો વધારી પણ એકલા હાથે સત્તા મળી શકે એમ ના હોવાથી ટીએમસી , ડીએમકે જેવાને સરકારમાં રાખીને અને સપા, બસપા . આરજેડી જેવાના બહારના ટેકા સાથે યુપીએ-૨ ની સરકાર બની .

                       પણ ૨૦૧૪ કોંગ્રેસ માટે કઈક અલગ ખરાબ સમય લઈને આવેલું . મનમોહન સરકાર પર લાગેલા એક પછી એક ભ્રષ્ટાચારના આરોપો અને ગુજરાતમાં તેમજ દેશમાં મોદીની વધતી જતી લોકપ્રિયતા વચ્ચે ૨૦૧૪ ની ચૂંટણીમાં કોંગ્રેસે કારકિર્દીનું સૌથી ખરાબ પ્રદર્શન કરીને માત્ર ૪૪ સીટો જ જીતી . મોદીના નેતૃત્વમાં એનડીએ ની સરકાર બની જે ૨૦૧૯ માં પણ ફરીથી સત્તારૂઢ થઈ . આમ જોવા જાવ તો એનડીએ વિરુધ્ધ યુપીએ ના આ જંગમાં ટેક્નિકલી ૨૦૧૪માં જ કોંગ્રેસ અને યુપીએ નો સફાયો કે ધ એન્ડ થઈ ગયેલો છે એમ કહી શકાય પરંતુ ૨૦૨૪ની ચૂંટણીમાં એ જ કોંગ્રેસ અને યુપીએ માટે હવે ‘ કરો યા મરો ‘ ની સ્થિતિ આવી ગઈ છે . અને કોંગ્રેસની સાથે સાથે એક સમયે કદાવર અને ઇમ્પોર્ટન્ટ ગણાતા વિપક્ષો માટે પણ એ જ કપરો સમય છે . જો ૨૦૨૪માં પોતપોતાની વધીઘટી પણ આબરૂ કે મહતા સાચવવી હશે તો ૨૦૨૪માં સારું પ્રદર્શન કરવું પડશે એ મમતા , સોનિયા , પવારથી લઈને લાલુ અને નીતિશ બધા જાણે છે . સાથે સાથે એ પણ જાણે છે કે એકલે હાથે મોદીનો મુકાબલો શક્ય નથી જ કેમકે ૨૦૧૯ની ચૂંટણી હજુ આ લોકો ભૂલી શક્યા નથી જ અને એટલે જ ઈન્ડિયાના નામે ઓર એક પ્રયાસ થઈ રહ્યો છે મોદી અને એનડીએ ને હંફાવવાનો ..!!!!!

                          યાદ રહે અહી ‘ હંફાવવાનો ‘ લખ્યું છે ‘ હરાવવાનો ‘ નહીં , અને એનું મોટું અને મહત્વનું કારણ એ છે કે ‘ ઈન્ડિયા ‘ નામે એકઠા થયેલા આ વિરોધિપક્ષોમાં હજુ જોઈએ એટલો વિશ્વાસ, સંપ કે મોદીને હરવવાની તત્પરતા ઓછી દેખાય છે એની સામે એટલીસ્ટ હાલ પૂરતું તો બધા જ ‘ હમ સબ સાથ હૈ ‘ એવા નારા લગાવી રહ્યા છે પણ અંદરખાને તો કોણ વધુ ફાયદો લઈ શકે એમ છે થી લઈને અમને શું ફાયદો થવાનો એવા સવાલો તો કરી જ રહ્યા છે . બેંગલોર બેઠકમાં ગઠબંધનને નવું નામ ‘ ઈન્ડિયા ‘ તો મળી ગયું પણ ૨૦૨૪માં મોદી સામે કોણ ? એ પ્રશ્ન હજુ અનુત્તર છે અને એનો જવાબ શોધવામાં ને શોધવામાં ક્યાંક ચૂંટણી ના આવી જાય એવું લાગે છે . ‘ ઈન્ડિયા’ ની નેક્સ્ટ બેઠક મુંબઇમાં મળવાની છે પણ ક્યારે એ હજુ નક્કી નથી થયું . તો સાથે સાથે એ પણ નક્કી નથી થયું કે સીટોની વહેચણી કેવી રીતે થશે ? બેંગલોર બેઠક પછીની પત્રકાર પરિષદમાં લાલુ , તેજશવી , નીતિશ ગેરહાજર હતા . આ પહેલા પટણામાં મળેલી બેઠક પછીની પત્રકાર પરિષદમાં કેજરીવાલ ગેરહાજર હતા . એક વાત તો સત્ય છે કે મોદીને હરાવીને સત્તા હાંસિલ કરવાની મજબૂરીમાં એકઠા થયેલા આ બધા જ પક્ષોના લોકો કોઈને કોઈ સમયે એકબીજા વિરુધ્ધ દૂષપ્રચાર કરી ચૂક્યા છે . જો કે રાજકારણમાં કોઈ કાયમી દુશ્મન કે દોસ્ત નથી હોતું એ હમણાં જ મહારાષ્ટ્રમાં થયેલા એનસીપી પ્રકરણ પછી સ્પષ્ટ જ છે .

                           એનડીએના આગામી ચૂંટણીના ચહેરા તરીકે મોદી નક્કી છે એવામાં ‘ ઈન્ડિયા ‘ ને લીડ કોણ કરશે કે એનો ચહેરો કોણ હશે એ હજુ નક્કી નથી કેમકે વડાપ્રધાન પદના નીતિશ , પવાર , કેજરીવાલ , મમતા , રાહુલ જેવા અનેક દાવેદારો છે અને  આમાંથી મોટાભાગના વડાપ્રધાન થવાની મંશા જાહેર કરી પણ ચૂક્યા છે એટલે બાકીની બધી બાબતો ક્લિયર થાય એના કરતાં પણ વડાપ્રધાનનો ચહેરો કોણ હશે એ જાણવું રસપ્રદ બની રહેશે કેમકે એ જ ચહેરાને લઈને ‘ ઈન્ડિયા ‘ ચૂંટણીજંગમાં મોદીનો મુકાબલો કરવા ઉતરશે . જો કે સોનિયા , મમતા અને રાહુલ ઓલરેડી ગઠબંધનનું નેતૃત્વ નહીં કરીએ એમ જાહેર કરી ચૂક્યા છે અને આમ પણ જો આ સંઘ કાશી પહોંચે તો પણ સૌથી વધુ નુકશાન કોંગ્રેસને ભાગે જ આવવાનું એ નક્કી છે કેમકે સીટોની વહેચણીમાં સૌથી જુના પક્ષ તરીકે સ્વાભાવિકપણે કોંગ્રેસે પોતાની પરંપરાગત સીટો ગઠબંધનના સાથી પક્ષને આપવી પડશે. મમતાએ ઓલરેડી કહી દીધું છે કે કોંગ્રેસ જ્યાં મજબૂત છે ત્યાં જ લડે બાકીની સીટો પર બીજા પક્ષોને મદદ કરે . સ્વાભાવિક છે કે જે રાજ્યોમાં કોંગ્રેસ સિવાયની સરકાર છે એ રાજ્યોમાં કોંગ્રેસે મૂક પ્રેક્ષક જ બની રહેવું પડશે અને એવા રાજ્યોમાં બંગાળ , દિલ્હી , પંજાબ , બિહાર જેવા મોટા રાજ્યો સામેલ છે અને એટલે જ હાલ કેજરીવાલ અને નીતિશ ગઠબંધનના લીડર તરીકેની રેસમાં આગળ છે . એક શક્યતા એ પણ છે કે આ બધા જ પક્ષો ૨૦૨૪ માં અલગ અલગ પણ એકબીજા સામે નહીં એમ ચૂંટણી લડે અને પછી જો પરિણામ એમની તરફેણમાં આવે તો અગાઉની જેમ ગઠબંધનના નામે એકઠા થઈને સત્તા સંભાળી શકે છે . લોકશાહીમાં મજબૂત વિરોધપક્ષ હોવો જરૂરી છે અને અત્યારે તો ‘ ઈન્ડિયા ‘ ‘ ભારત ‘ ને ચેલેન્જ આપવાના મૂડમાં અને ઉત્સાહમાં હોય એવું દેખાઈ રહ્યું છે પણ ચૂંટણીને હજુ ૮-૯ મહિનાની વાર છે અને ત્યાં સુધી આ ઉત્સાહ કાયમ રહે એ જોવું રસપ્રદ રહેશે તો સામે છેડે એનડીએ બોલે તો ભાજપ પણ સત્તા બચાવવા શું કરશે એ જોવું પણ રસપ્રદ રહેશે . જે હોય તે પણ જો આમ જ રહ્યું તો ૨૦૨૪માં ગઠબંધનોનો એક રસપ્રદ ચૂંટણીજંગ જોવા મળશે એ નક્કી છે . . ( akurjt@gmail.com )

  • અજય ઉપાધ્યાય ( ગાંધીનગર સમાચાર – કૉલમ ” રઝળપાટ ” ૨૩ જુલાઇ ૨૩ )

‘ થ્રેડસ ‘ : દેખાવ ‘ ટ્વિટર ‘ નો .. દિલ ‘ ઈન્સ્ટા ‘ નું ..!!!!

  સોશિયલ મીડિયામાં આમપણ નવું નવું આવતું રહેતું હોય છે . નવી નવી રીલ્સ તો ઇનથિંગ હોય જ છે  તો ક્યાંક કોઈ હેશટેગ ઇનથિંગ હોય છે તો ક્યાંક કોઈ ટૉપિક .. અને કઈ ના હોય તો એપ્સના અપડેટ આવતા રહેતા હોય છે . મૂળે સોશિયલ મીડિયા બોલે તો વૉટ્સઅપ , ટ્વિટર , ઇંસ્ટા કે ફેસબુકનો મેઇન ઇન્ટરેસ્ટ એ જ હોય છે કે યુઝર્સ એન કેન પ્રકારેણ લાગેલો રહેવો જોઈએ અને આ “ લાગેલા “ રહેવાનો યુઝર્સનો ચસ્કો સોશિયલ મીડિયા પ્લેટ્ફોર્મના માલિકો બરાબરનો  જાણી ગયા છે એટલે શું છે કે એક જમાનામાં પ્રેસટીજીયસ અને જેન્યુઇન ગણાતી ‘ બ્લૂ ટીક ‘ પણ હવે તો વેચાતી મળે છે – આઈ મીન પૈસા ફેંકો બ્લૂ ટીક દેખો .. દેખો નહીં પણ સામનેવાલો કો દિખાઓ ..!!! ફેક પ્રોફાઇલોની ભરમાળો છે અને ફોલોવર્સ તો હવે હજારમાં લાખ મળી રહે એવી એજન્સીઓ પણ છે જ . ‘ બોલો કેટલા લાઇક જોઈએ છે ? ‘ થી લઈ ને 1k અને 10k ફોલોવર્સ પણ રૂપિયા ફેંકતા મળી રહે છે એવા દિવસે ને દિવસે આભાસી થતાં જતાં સોશિયલ મીડિયાના જમેલામાં ઓર એક જમેલો ઉમેરાયો છે .. એનું નામ છે ‘ થ્રેડસ “..!!!! થ્રેડ બોલે તો દોરો અને ટ્રેડસ બોલે તો દોરાઓ ??? કે દોરાનું ફીંડલું ???

   આ દોરાનું ફીંડલું તો આપણે આગળ ઉકેલીશુ પણ ઉપરના પેરામાં જમેલો શબ્દ વાંચીને તમને હડપચી પર આંગળી ટેકવવાનું મન થઈ ગયું હોય તો જણાવી દઉં કે આ ‘ થ્રેડસ ‘ બીજા કોઈએ નહીં પણ સોશિયલ મીડિયાના આધયપિતાશ્રી કહી શકાય એવા શ્રી શ્રી ૧૦૦૮ માર્ક ઝૂકરબર્ગભાઈએ લોન્ચ કરી છે અને લોન્ચિંગ પણ કેવું ? જોતજોતામાં એના સબ્સ્ક્રાઇબર કરોડમાં પહોંચી ગયા અને પ્રતિસ્પર્ધી ખેમામા ખળભળાટ મચી ગયો . તે હાહાકાર થઈ જ જાય ને .. બીકોઝ  સોશિયલ મીડિયાની ૯૦% દુનિયા પર તો ફેસબુક , ઇંસ્ટા અને વૉટ્સઅપ વડે મારકભાઈનું રાજ ચાલે જ છે . હા , એક ટ્વિટર એવું હતું કે જે આ ગુલદસ્તામાં નહોતું . ટ્વિટરને ટક્કર આપવાની કદાચ માર્કભાઈની છૂપી તમન્ના હશે એટલે જ ઓલમોસ્ટ એના જેવુ જ ‘ થ્રેડસ ‘ લોન્ચ કરી દીધું છે . આમ તો માર્કભાઈએ એમ કહ્યું છે કે ઇંસ્ટાના યુઝર્સ વૈચારિક આદાનપ્રદાન કરી શકે એટલે મે ‘ થ્રેડસ ‘ લોન્ચ કરી છે . યુઝર્સનાં માઈન્ડમાં શું ચાલી રહ્યું છે તે તેને એક પ્લેટફોર્મથી બીજા પ્લેટફોર્મ પર શેર કરી શકે તે માટે એક ફ્રેન્ડલી કોમ્યુનીટીની જરૂરત હતી અને ‘ થ્રેડસ ‘ એ જરૂરિયાત પૂરી કરવા જ બનાવ્યું છે . માર્ક ભલે ને ગમે એટલી ચોખવટ કરે પણ ચોખ્ખે ચોખ્ખું દેખાય જ આવે છે કે ‘ થ્રેડસ ‘ ની સીધી હરીફાઈ એલન મસ્કભાઈના ટ્વિટર સાથે થવાની છે અને એટલે જ ‘ થ્રેડસ ‘ ની શરૂઆતી જંગી સફળતા જોઈને લગભગ લગભગ ડરી ગયેલા એલન મસ્કે માર્ક સામે કોર્ટકેસની ધમકી આપી દીધેલ છે . મેટા ને મોકલેલા પત્રમાં જો કે એવી દલીલ નથી કે ‘ થ્રેડસ ‘ બિલકુલ ટ્વિટરની કોપી જેવુ જ છે પણ એમાં એવો આરોપ છે કે માર્કે ટ્વિટરના ભૂતપૂર્વ કર્મચારીઓને કામે રાખ્યા છે કે જેમની પાસે ટ્વિટરના કેટલાક ટ્રેડ સિક્રેટ્સ છે . ખેર , આનો શું ચુકાદો આવે છે એ જોવું રસપ્રદ તો રહેશે જ પણ હકીકત  એ છે કે હાલમાં તો ‘ થ્રેડસ ‘ દિન દુની રાત ચોગુની  પ્રગતિ કરી રહ્યું છે .

                              ‘ થ્રેડસ ‘ ને બુધવારે રાત્રે સાડા અગિયારે લોન્ચ કરવામાં આવ્યું અને આજે શુક્રવારે આ લખાય છે ત્યારે એના ઓલરેડી કરોડો યુઝર્સ નોંધાઈ ચૂક્યા છે એવામાં એ જાણી લો કે ‘ થ્રેડસ ‘ કેવી રીતે યુઝ કરી શકાય છે . આમ તો ઇંસ્ટા યુઝર્સ ‘ થ્રેડસ ‘ માં ડાયરેક્ટ લૉગિન કરી શકે છે . બેઝિકલી ઇંસ્ટા યુઝર્સ કોમ્યુનિકેટ કરી શકે એ માટે જ તો ‘ થ્રેડસ ‘ લોન્ચ કરવામાં આવ્યું છે . ટ્વિટરની જેમ જ અહી શબ્દ મર્યાદા ૫૦૦ શબ્દોની છે તો લિન્ક . ફોટો , વિડીયો અપલોડ કરી શકાય છે . મસ્કભાઈ માટે પડતાં પર પાટુ એ છે કે લગભગ લગભગ ટ્વિટરને મળતા આવતા આ નવા ‘ થ્રેડસ ‘ ની સૌથી વધુ ચર્ચા પણ ટ્વિટર પર જ થઈ રહી છે ..!!!! અસલમાં ‘ થ્રેડસ ‘ ના આટલા બધા ધમાકેદાર ઓપનિંગ માટે જવાબદાર પણ ટ્વિટર અને મસ્ક જ છે . મસ્કભાઈ જ્યારથી ટ્વિટરના અધિપતિ બન્યા છે ત્યારથી કઈક ને કઈક ગતકડા કરતાં રહ્યા છે . લેટેસ્ટ ગતકડામાં પૈસા આપીને બ્લૂ ટીક અને અમુક ચોક્કસ માત્રામાં જ તમે રોજ પોસ્ટ જોઈ શકો થી લઈને અનલિમિટેડ પોસ્ટ જોવા રૂપિયાની માંગણી સામેલ છે . મસ્કભાઈના આ ગતકડાથી કંટાળી ગયેલા યૂઝર્સ કઈક નવું શોધતા જ હતા અને ‘ મોકે પે ચોંકા ‘ ની જેમ ઝૂકરિયાએ ‘આવા યુઝર્સની થાળીમાં  ‘ થ્રેડસ ‘ પીરસી દીધું ..!!!

                             થોડુંક ‘ થ્રેડસ ‘ વિષે . આગળ લખ્યું એમ ૫૦૦ શબ્દોની મર્યાદામાં પોસ્ટ કરી શકશો થી લઈને ફોટો , વિડીયો , લિન્ક તો શેર કરી જ શકશો પણ પાંચ મિનિટ લાંબો વિડીયો પોસ્ટ થઈ શકશે . જો તમે ઇંસ્ટા યુઝર્સ છો તો અલગથી ‘ થ્રેડસ ‘ આઈડી બનાવવાની જરૂર નથી , તમે ઓટોમેટિકલી ઇંસ્ટા આઈડી પાસવર્ડથી લૉગિન થઈ શકશો . હા તમારે એપ સ્ટોર કે ગૂગલ સ્ટોરમાંથી ‘ થ્રેડસ ‘ એપ ડાઉનલોડ કરવું પડશે . લૉગિન કરતાં જ ‘ થ્રેડસ ‘ પર અવેલેબલ લોકોનું લિસ્ટ દેખાશે જેને તમે ફોલો કરી શકશો એટલું જ નહીં પણ ઇંસ્ટાના તમારા કોન્ટેક્સ / ફોલોવર્સ ઓટોમેટિકલી અહી પણ તમારી પ્રોફાઇલ સાથે જોડાઈ જશે , જો કે એ માટે તમારે એમને ફોલો કરવા પડશે . અત્યારે તો ‘ થ્રેડસ ‘ એડ ફ્રી  છે પણ જો આમ ને આમ લેવાલી વધતી રહેશે તો માર્કભાઈ ભવિષ્યમાં એડ વાલા  ‘ થ્રેડસ ‘ પણ કરી શકે છે ..!! હા ફાયદા સાથે થોડા ખતરા પણ છે જેમકે અહી તમે ‘ થ્રેડસ ‘ પ્રોફાઇલ ડિલીટ નહીં કરી શકો કેમકે જો એમ કરશો તો તમારું ઇંસ્ટા પણ ડિલીટ થઈ જશે એને બદલે તમે જો ‘ થ્રેડસ ‘ નથી વાપરવા માંગતા તો ‘ થ્રેડસ ‘ એકાઉન્ટ ડીએક્ટીવેટ  કરી શકશો પણ જો ઇંસ્ટા એકાઉન્ટ ડીએક્ટીવેટ કે ડિલીટ થશે તો સાથે સાથે ‘ થ્રેડસ ‘ પણ એમ જ થસે કેમકે બેઝિકલી ‘ થ્રેડસ ‘ એ અલગ નહીં પણ ઇંસ્ટા નું સપ્લીમેન્ટ એપ જ છે . !!!

                          જાણકારો તો કહે છે કે ‘ થ્રેડસ ‘ એ બીજું કી નહીં પણ ટ્વિટરનું ઓલ્ડ વર્ઝન જ છે પણ એક હકીકત છે કે નવું એપ લોન્ચ થયું તો એમાં નવું શું છે એ જાણવા પણ યુઝર્સ ઉમટી પડતાં હોય છે , જ્યારે આ તો મેટાનું એક્સાઇટિંગ એપ છે એટલે ‘ થ્રેડસ ‘ લાંબા સમય સુધી સોશિયલ મીડિયાની દુનિયામાં છવાઈ રહેશે એવી આશા અત્યારે તો માર્કભાઈને હશે જ પણ સોશિયલ મીડિયા એટલી ઝડપે બદલાતું માધ્યમ બની ગયું છે કે જો યુઝર્સ ઉત્સાહમાં કે ઉત્સુક્તામાં લૉગિન કર્યા પછી થોડા સમયમાં કશું જ એક્સાઇટિંગ ના લાગે તો શટર ડાઉન કરતાં વાર નથી લગાડતા . તાજો જ દાખલો ચેટ જીટીપી નો છે જ . લેટેસ્ટ ન્યૂઝ મુજબ એના યુઝર્સમાં દિવસે દિવસે ઘટાડો નોંધાતો જાય છે . આવું જ બહુ ગાજેલા ‘ કલબ હાઉસ ‘ સાથે પણ થયું છે અને યુઝર્સ ના લેફ્ટઆઉટ થવાના કેસમાં ખુદ માર્કભાઈના ફેસબુકના પણ હાલ કાઇ સારા તો છે જ નહીં એવામાં ઓલરેડી એસ્ટાબ્લીશ ‘ ટ્વિટર ‘ ની સામે ‘ થ્રેડસ ‘ કઈ રીતે અને કેટલા અંશે બાથ ભીડી શકશે એ જોવાની મજા આવશે . પરિણામ જે આવે તે પણ વી ધ યુઝર્સના હાથમાં ઓર એક લાડવો આવી ગયો છે અને સોશિયલ મીડિયાના બંધાણીને તો આ નશાથી ઓછું થોડું છે .પણ હા આ નશાનો ખ્યાલ રાખતો રહેવો પડશે કેમકે ‘ થ્રેડસ ‘ ના આવ્યા પછી ઘણાને એમ પણ બોલતા કે પછી સ્ટેટ્સમાં લખતા જોયા છે કે “ આટલા એપ્સ ઓછા હતા તે આ એક વધુ આવ્યું ..!!!!  ( akurjt@gmail.com )

વિસામો :

“ કોમ્પીટેશન ઈઝ ફાઇન , ચીટિંગ ઈઝ નોટ “ ( પ્રતિસ્પર્ધા સારી છે, પણ બેઇમાની નહીં ) – ‘ થ્રેડસ ‘ ના લોન્ચિંગ પછીથી ટ્વિટરના માલિક એલન મસ્કનું એક ટ્વિટ ..!!!!!!

  • અજય ઉપાધ્યાય ( ગાંધીનગર સમાચાર – કૉલમ ” રઝળપાટ ” ૯ જુલાઇ ૨૩ )

જ્યાંથી કે જેનાથી કઈક શીખી શકો એ છે ‘ ગુરુ ‘..!!!!

  કોઈ તમને એમ પૂછે કે ‘ તમારા ગુરુ કોણ ? ‘ અથવા તો ‘ જીવનરૂપી સાગરમાં તમને સાચી દિશા બતાડનાર દીવાદાંડી સમાન વ્યક્તિ કોણ ? ‘ તો તમારા દિમાગમાં એક કરતાં વધુ નામો દોડવા મંડવાના . અને એ સાચું પણ છે કેમકે મારા ને તમારા જીવનને ઘડવામાં ફાળો આપનાર લોકોની સંખ્યા એક નહીં પણ એકથી વધુ જ રહેવાની . ‘ ગુરુ બીના જ્ઞાન નહીં ‘ ઉક્તિનું મહત્વ જ્યારે ગુરુ જ્ઞાન આપતા હોય ત્યારે કદાચ ઓછું સમજાય પણ જીવનની આપાધાપીમાં એ જ જ્ઞાન જ્યારે તારણહાર થઈને કામમાં આવે ત્યારે દિલ અને દિમાગના છુપા ખૂણે તરત જ એક કે એકથી વધુ એ વ્યક્તિઓ યાદ આવે કે જેમની અમૂલ્ય સલાહો .. જ્ઞાન અને માહિતીને લીધે તમે મુશ્કેલીની વૈતરણી સાંગોપાંગ પાર ઉતરી શક્યા હોવ છો અને જાણ્યે -અજાણ્યે એ વ્યક્તિઓ પ્રત્યે અહોભાવ અને આદરથી માથું ઝૂકી જવાનું ..!!!! એ છે ગુરુ અને એ હોય છે ગુરુનું જ્ઞાન ..!!!! ગુરુ ટપારી ટપારીને જ્ઞાન આપતા હોય ત્યારે આપણે એને ઇગ્નોર કે ઓછું મહત્વનું સમજવાની જો ભૂલ કરતાં હોઈએ તો પછી એ જ જ્ઞાનના આધારે જ્યારે ભવિષ્યમાં આગળ વધવાનું હોય એવા સમયે ઠોઠ નિશાળિયા જેવી હાલત થઈ જવાની એ નક્કી છે . અને એટલે જ કહેવાયું છે કે ગુરુના મર્મને સમજવા કરતાં ગુરુના જ્ઞાનને સમજો .. જો જ્ઞાન પકડી શકશો તો એનો મર્મ જિંદગીમાં ક્યાંક ને ક્યાંક તો ઉપયોગમાં આવવાનો જ..!!!

ખેર વાત થોડી ગંભીર લાગતી હોય તો એનું કારણ છે કે ગુરુ અને ગુરુની મહતા આજકાલના સમયમાં ભલે ઓછી ના થઈ હોય પણ એના જ્ઞાનની ગંભીરતા પ્રત્યે લોકો ઓછા સજાગ જોવા મળે છે . આજના પરિપ્રેક્ષમાં ગુરુ કેવા છે અને ગુરુનું સ્થાન કયા છે એના વિષે વાત કરતાં પહેલા એ જાણીએ કે ગુરુ એટલે શું ? જે વ્યક્તિ ચારેકોર ફેલાયેલા અંધકારમાંથી તેજ – પ્રકાશને ઉલેચી શકે – શોધી શકે એ છે ગુરુ ..!! ગુરુ શબ્દ એકસાથે બોલીએ છીએ અર્થાત ગુરુનો સંગાથ એટલે અંધારાથી અજવાળા તરફ પ્રયાણ . અહી અંધકાર એટલે અંધારું નહીં પણ મારા ને તમારામાં પડેલા ધૃણા , ઈર્ષા , બુરાઈ , ડર , ધિક્કાર જેવા ભાવો . આ ભાવોને ભગાડવામાં કે એના પર વિજય મેળવવામાં મદદ કરે એ ગુરુ . યસ , મદદ કરે એવું વાંચીને ચોંકી ના જતાં કેમકે ગુરુ મદદ કરે – સાચો રસ્તો દેખાડવામાં – સાચો રસ્તો પસંદ કરવામાં – સાચું/ખોટું તારવવામાં – જુદી જુદી પરિસ્થિતિઓમાંથી પસાર કેમ થવું એ બાબતમાં .. પણ .. પણ .. પણ .. એ મદદનો યોગ્ય સમયે , યોગ્ય રીતે ઉપયોગ કે ઇમ્પલિમેન્ટ તો મારે ને તમારે જ કરવું પડે ને ..??? ગુરુ કહે કે નદીમાં મગર હશે પછી નાહવું કે નહીં એ તમારે નક્કી કરવાનું છે . ગુરુ ભયસ્થાનો બતાવે .. ગુરુ સાવચેત રહેવાના ઉપાયો બતાવે .. ગુરુ સમજણના સિધ્ધાંતો આપે .. પછી એ સમજણ , એ ઉપાયોનો યોગ્ય ઉપયોગ તો આપણે જ કરવાનો ને ..!!! પહેલાના સમય કરતાં આજકાલના સમયમાં ગુરુ-શિષ્યનો સંબંધ જરા જુદો થઈ ગયો છે એમ છતાં પણ ગુરુની સલાહ મુજબ પોતાની સમજશક્તિથી ચાલનાર શિષ્ય જ ગુરુનું જ્ઞાન પામી શકે એ હકીકત છે .

                           અષાઢ સુદ પૂનમ એટલે મહાભારતના રચયિતા મહર્ષિ વેદ વ્યાસનો જન્મદિવસ. આ દિવસને આપણે ‘ગુરુપૂર્ણિમા’ કે ‘વ્યાસ પૂર્ણિમા’ તરીકે ઉજવીએ છીએ. ગુરુપૂર્ણિમા એટલે ગુરુજીનો મહિમા કરવાનો દિવસ અને ગુરુજીનો ઋણ સ્વીકાર કરવાનો દિવસ. ગુરુજીની ચરણવંદના કરવાનું પર્વ એટલે ‘ગુરુપુર્ણિમા’.  ‘ ગુરૂ બ્રહ્મા, ગુરૂ વિષ્ણુ, ગુરૂ દેવો મહેશ્વરા , ગુરૂ સાક્ષાત પરબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરૂદેવ નમ:“ . આપણો દેશ જ ગુરુ પરંપરાનો દેશ છે . પુરાણો અને શાસ્ત્રો ગુરુ-શિષ્યના અનેક રોચક અને જીવનલક્ષી પ્રસંગોથી ભરપૂર છે . ‘ ગુરુ ગોવિંદ દોનો ખડે  , કિસકો લાગુ પાય ‘ જેવી દુવિધા થાય એવી આપણી ગુરુ પરંપરા છે . કોઇ વ્યકિત બીજી વ્યકિત પ્રત્યે પોતાનામાં શિષ્યભાવ રાખે તે વ્યકિત ગુરૂ બની શકે. ભલે આજે ગુરુ ને બીજા ઘણા અર્થમાં ઓળખાવાની પ્રથા હોય પણ હકીકત એ છે કે ગુરુ બનાવવા એ કોઈ નાનીસૂની વાત નથી . ગુરુની વાત પર શ્રધ્ધા રાખીને – વિશ્વાસ રાખીને વાત-સલાહ ને અપનાવવી એ એક શિષ્યની ગુરુ માટેની લાગણી હોવી ઘટે પણ આજના જમાનામાં એવા ડેડીકેટેડ ગુરુઓ પણ મળવા મુશ્કેલ તો નહીં પણ ઓછા છે અને સામે છેડે એવા શિષ્યોનો પણ વધતે ઓછે અંશે અભાવ પણ છે .

                          આમ તો માતા-પિતા પછીથી શિક્ષક જ આપણાં સાચા અને સૌપ્રથમ ગુરુ ગણી શકાય . પ્રાચીનથી લઈને આધુનીક શિક્ષણ પધ્ધતિઓમાં ગુરુની મતલબ કે શિક્ષકની વ્યાખ્યા બદલાતી ગઈ છે . આજે સાચું શિક્ષણ આપે એવા અને સારું શિક્ષણ આપે એવા ગુરુ આંગળીને ટેરવે ગણી શકાય એટલા હોય શકે છે અને એમાં શિક્ષકોનો ઓછો અને આપણી શિક્ષણપધ્ધતિનો વાંક વધુ છે એમ છતાં પણ શિક્ષકનું સ્થાન હજુ આજેપણ ગુરુ તરીકે યથાવત છે અને રહેવાનું છે . હા , એ અલગ વાત છે કે ગુરુના નામે અનેક પ્રકારના કૌભાંડો , વ્યભિચારો અને ફરજચોરી કરતાં શિક્ષકોને ગુરુ કેમ ગણવા એ પ્રશ્ન છે એમ છતાં પણ શિક્ષકનું સ્થાન એક ગુરુ તરીકે અને પ્રારંભિક જ્ઞાન આપનાર પ્રથમ ગુરુ તરીકેનું હમેશા રહેવાનું છે . આમ તો શું છે કે શિક્ષા આપનાર શિક્ષક એ ગુરુ છે એવી જ રીતે આધ્યાત્મિક જ્ઞાન આપનાર સંત કે પવિત્ર વ્યક્તિ એ પણ ગુરુ છે અને એવી જ રીતે સંસ્કાર આપનાર વ્યક્તિ કે જેમાં માતા-પિતા સહિતના લોકો સામેલ છે એ પણ ગુરુ જ છે અને જેનું આચરણ જોઈને આપણે પણ એવું જ આચરણ કરતાં થઈએ એવા લોકો પણ ગુરુ જ છે .

                               આ સિવાય પણ ગુરુઓ છે જ અને આ એવા ગુરુઓ છે કે જે ઉપરની વ્યાખ્યામાં ફિટ નથી બેસતા એમ છતાં પણ ‘ જે કઈક શીખવે કે જેના પાસેથી કઈક શીખવા મળે એ ગુરુ ‘ એવા સૂત્ર સાથે ગુરુ ગણી શકાય છે . જેમાંથી કઈક શીખી શકો એ ગુરુ એ ન્યાયે પ્રકૃતિ પણ ગુરુ છે કે જે આપણને ફ્લેક્સિબિલિટી , દરેક સ્થિતિ મુજબ ઢળી જવું અને એકબીજાની ક્ષમતા સ્વીકારવાનું શીખવે છે તો આવો જ બીજો ગુરુ છે પુસ્તક . જી હા પુસ્તક આપણાં જ્ઞાનનો વિસ્તાર કરે છે એટલું જ નહીં પણ જુદી જુદી સ્થિતિના આકલનમાં  આપણાં દ્રષ્ટિકોણમાં વધારો કરીને મદદ કરે છે. મુશ્કેલીઓ પણ આપણી ગુરુ જ છે . અસફ્ળતાઓ અને પડકારોને દ્રઢતા અને સમાધાનથી કેમ પહોંચી વળવું એની શીખ મુશ્કેલીઓમાંથી જ તો મળે છે ને ? આવા જ બીજા ગુરુ છે સંબંધો . સંબંધોની આંટીઘુટી – એના ઉતાર ચડાવ અને એમાં આવતા ફેરફારો કે મજબૂતાઈથી હું ને તમે શીખીએ છીએ કે વ્યક્તિગત વિકાસ કેમ કરવો , સંબંધોના ચક્રાવામાં આત્મચિંતન કેમ કરવું અને નેગેટિવિટીથી દૂર કેમ રહી શકાય .  યાત્રા કે પ્રવાસ પણ આપણને ઘણું શીખવી જાય છે કે જેને લીધે નવી પરંપરા , નવા સ્થળો , નવા લોકોની રહેણી-કરણી જોઈ જાણીને ઘણું શીખી શકાય છે .  આવું જ કઈક કળા અને સાહિત્ય માટે પણ કહી શકાય કેમકે કળા અને સાહિત્યનો સંગાથ આપણને વૈચારિક અને કલાત્મક રીતે કે ભાવનાત્મક રીતે નવું શીખવા અને નવી ભાવનાઓને જગાવવામાં મદદ કરે છે . યાદ રાખો કે જ્યાંથી પણ કઈક શીખી શકો છો એ વ્યક્તિ , વિચાર , વાણી, વર્તન , સ્થાન એ ગુરુ છે . ગુરુની વ્યાખ્યા માત્ર શિક્ષણ પૂરતી કે શાસ્ત્રો પૂરતી સીમિત ન રહેતા સમગ્ર સૃષ્ટિમાં ફેલાયેલી છે . હા , શીખવાની ધગસ , શીખવાની તાલાવેલી અને શીખવાની ધીરજ કેળવી શકો તો જ સાચા શિષ્ય બની શકો અને તો જ કોઈને ગુરુપદે સ્થાપીને ગુરુજ્ઞાનથી જીવનના અંધકારને પ્રકાશમાં પરિવર્તિત કરી શકો . ( akurjt@gmail.com )

  • અજય ઉપાધ્યાય ( ગાંધીનગર સમાચાર – કૉલમ ” રઝળપાટ ” ૨ જુલાઇ ૨૦૨૩ )

દેવ .. દેવ આનંદ !!!!!!!!

Featured

દેવ .. દેવ આનંદ !!!!!!!!

image : Firstpost

જો એ જીવતા હોત તો અત્યારે આયખાની સેન્ચ્યુરી મારતા હોત .. આઈ મીન જીવનનું એકસોમુ વર્ષ ઊજવતાં હોત અને ગરદનને ત્રાસી કરીને આમ થી તેમ હલાવતા હલાવતા પોતાની ચિરપરિચિત સ્ટાઇલમાં આંખો નચાવતા અહા.. ઓહો.. અહા .. કરી રહ્યા હોત . જી હા વાત થઈ રહી છે સદાબહાર દેવઆનંદની . ૨૩ મી સપ્ટેમ્બર ૧૯૨૩માં જન્મેલા દેવઆનંદ કે જે એમનું ફિલ્મી નામ હતું પણ સાચું નામ તો ધરમદેવ પીશોરીમલ આનંદ હતું એ દેવ આનંદ ૮૮ વર્ષની યુવાનવયે આ દુનિયા અને ખાસ તો ફિલ્મી દુનિયા છોડીને ૩ ડિસેમ્બર ૨૦૧૧માં ચાલ્યા ગયા એને પણ ૧૨ વર્ષ જેવુ થઈ ગયું પણ આજે પણ ‘ ગાતા રહે મેરા દિલ ‘ કે ‘ દમ મારો દમ ‘ અમર છે ..!!! આગળ ‘ યુવાનવયે ‘ લખ્યું છે એ વાંચીને તમે ચોંકી ગયા હોવ તો કહી દઉં કે દેવ .. દેવ આનંદ મર્યા ત્યાં સુધી દિલથી .. એમની વર્તણૂકથી .. એમની ફિલ્મોથી .. એમની ડ્રેસિંગ સેન્સથી .. એમની વાતોથી સદાયે યુવાન જ રહેલા અને એટલે જ તો એમણે  એમની આત્મકથાને નામ આપેલું ‘ રોમાન્સિંગ વિથ લાઈફ ‘ ..!!!! યસ દેવસાબ મર્યા ત્યાં સુધી લાઈફ સાથે .. જીવન સાથે .. ખૂબસૂરતી સાથે .. ફિલ્મો સાથે .. રોમાન્સ કરતાં જ રહ્યા ..!!!!

૬૦-૭૦ ના દાયકામાં દેવસાબ કદાચિત્ હિન્દી ફિલ્મોના એવા પ્રથમ હીરો હતા કે જેની ફેન ફોલોઇન્ગમાં યુવતીઓ વધુ હતી . અને એનું કારણ હતું દેવસાબની દિલકશ અદાકારી અને ચાર્મિંગ પર્સનાલિટી . દેવસાબ પોતાની ફિલ્મોથી જેટલા જાણીતા હતા એટલા જ એમની જીવવાની સ્ટાઇલથી જાણીતા હતા . બહુ ઓછાને ખબર હશે કે દેવસાબ ફિલ્મોમાં આવ્યા એ પહેલા બ્રિટિશ આર્મીની સેન્સર ઓફિસમાં અંગ્રેજોની નોકરી કરતાં હતા . એમનું કામ હતું સૈનિકોએ લખેલા પત્રોને વાંચવા કે જેથી કોઈ સેન્સેટીવ માહિતી બહાર જાય નહીં . દેવને આ કામ ગમી ગયેલું કેમકે એમાં મોટાભાગના પત્રો તો પતિ-પત્ની કે પ્રેમી-પ્રેમિકાના જ હતા . ખેર પંજાબના ગુરુદાસપુરમાં વકીલના ઘરે જન્મેલા દેવને નાનપણથી જ ફિલ્મી દુનિયાનું આકર્ષણ રહેલું પણ ઘરની આર્થિક સ્થિતિ એમને ફિલ્મો તો ઠીક પણ વધુ ભણવા વિદેશ જવા પણ મદદ કરે એમ નહોતી એટલે બેંકમાં ક્લાર્ક બની ગયા પણ મન ફિલ્મોમાં હતું તો ખિસ્સામાં ૩૦ રૂપિયા લઈને પહોંચી ગયા મુંબઈ ત્યારે દેવની ઉમર હતી માત્ર ૨૪ વર્ષ . કામ તો મળ્યું નહીં અને રૂપિયા પણ ખતમ . વધુ પૈસા માટે પોતાનું માનીતું સ્ટેમ્પ કલેક્શન પણ વેચી નાખ્યું પણ એ પૈસા પણ પૂરતા નહોતા . બસ એ જ સમયે દેવે સ્વીકારી બ્રિટિશ આર્મીની આગળ લખી એ નોકરી જેના એમને મળતા હતા ૧૬૫ રૂપિયા પૂરા કે જે એમના નિર્વાહ માટે પૂરતા હતા પણ મન તો ફિલ્મોમાં જ લાગેલું .  

                                          પ્રભાત ફિલ્મ કંપની સાથે ૩ વર્ષોનો કોન્ટ્રાક્ટ કર્યા પછી પહેલી ફિલ્મ ‘ હમ એક હૈ ‘ ખાસ કઈ ચાલી નહીં તો દેવ નિરાશ થઈ ગયેલા પણ પછી અશોકકુમાર સાથે આવેલી ‘ જીદ ‘ ફિલ્મે દેવની કિસ્મત બદલી નાખી અને પછી રેસ્ટ ઈઝ ધ હિસ્ટ્રી . જીદ પછીથી દેવની લગભગ ૧૦૦ જેટલી ફિલ્મો આવી જેમાંથી ઘણી ફિલ્મો હીટ રહી તો ઉમરના પાછલા પડાવમાં એમની અનેક ફિલ્મો ફ્લોપ પણ રહી પણ જિંદગીના આખરી પડાવ સુધી દેવ એ જ જુસ્સાથી અને લગનથી પોતાને ગમતી ફિલ્મો બનાવતા રહ્યા . દેવ એટલા માટે પણ હમેશા યાદ રહેશે કે દિલિપકુમાર – રાજકપૂરના ઝંઝાવાતી જમાનામાં પણ દેવઆનંદે પોતાની હાજરી સીનેરસિકોના દિલમાં નોંધાવેલી રાખેલી અને મજાની વાત એ છે કે દિલીપ રાજે તો ક્યારનું મેઇનલીડ કરવાનું બંધ કરીને ચરિત્ર ભૂમિકાઓ કે દાદા-નાના જેવા રોલ કરવા મંડેલા ત્યારે પણ છેક સુધી દેવસાબ હીરો જ બનતા રહ્યા અથવા તો મેઇનલીડ કરતાં રહ્યા. એમનો આ ‘ નેવર સે ઓલ્ડ ‘ એટીટ્યુડ જ એમના ચાહકો માટે અણમોલ યાદ છે .  ચેકસવાળા શર્ટ  કે ખૂલતી બાયના શર્ટ કે કોલરના બટન બંધ રાખવાની દેવની સ્ટાઈલ કે પછી ગળામાં નાખેલા વિવિધ પ્રકારના અને રંગબેરંગી સ્કાર્ફ હોય .. દેવઆનંદની આ જરા હટકે સ્ટાઈલની ભલે આજે કદાચ કોઈ મજાક ઉડાવતું હોય પણ દેવની આ જ સ્ટાઈલ એની ટ્રેડમાર્ક હતી એટલું જ નહીં પણ દેવની એ જમાનામાં હોલિવૂડના મશહૂર હીરો ગ્રેગરી પેક સાથે સરખામણી થતી હતી એ અમસ્તી નહોતી થતી પણ દેવમાં ગ્રેગરીની છાંટ હતી જ . મોટાભાગે નેક્સ્ટ ડોર પ્રેમીના રોલ કરનાર દેવની ખભા સહેજ જુકાવીને હાથ લટકાવીને બોલવાની સ્ટાઈલ આજે પણ મશહૂર છે જ . દેવની ડાન્સિંગ સ્ટાઈલ ભલે આજે વિચિત્ર લાગે પણ એના જમાનામાં એ સ્ટાઈલ સ્ટેટમેન્ટ હતી . દેવે સફેદ શર્ટ અને કાળો કોટને પણ સ્ટાઈલ આઈકોન બનાવેલો અને એ એટલે સુધી લોકો ફોલો કરતાં કે ફેન્સમાં આ એક ફેશન સ્ટેટમેન્ટ બની ગયેલું . કહેવાય છે કે આ ડ્રેસમાં દેવને જોયા પછી ઘણી છોકરીઓએ આપઘાત પણ કરેલ અને નવાઈની વાત એ છે કે કોર્ટે દેવને પબ્લિક પ્લેસમાં સફેદ શર્ટ અને કાળો કોટ પહેરવા પર પ્રતિબંધ લગાવેલો ..!!!!!

                                         હીરો તરીકે દેવે ‘ ગાઈડ ‘ . ‘ હરે કૃષ્ણ હરે રામ ‘ , ‘જવેલથીફ ‘, ‘ દેશ પરદેશ ‘ , ‘ જોની મેરા નામ ‘..’ કાલા બઝાર’, ‘હમ દોનો ; ‘ પ્રેમ પૂજારી ‘    જેવી અનેકો શાનદાર હીટ ફિલ્મો આપી . દેવ અભિનયની પોતાની મર્યાદા જાણતા હતા એમ છતાં પણ ગાઈડ , હમ દોનો , તેરે ઘર કે સામને , જવેલ થીફ જેવી અનેકો ફિલ્મોમાં એમના અભિનયના વખાણ થયેલા અને ફિલ્મફેર , નેશનલ એવૉર્ડ , દાદા સાહેબ ફાળકે એવોર્ડ કે પદ્મ ભૂષણ પણ એનાયત થયેલા . દેવની ફિલ્મોનું જમાપાસું ફિલ્મના ગીતો અને સંગીત પણ રહેતું . જો કે હિન્દી ફિલ્મોનો એ જમાનો જ મ્યૂઝિકલ હતો પણ દેવની ફિલ્મોના ગીતો રફી-કિશોરને લીધે વધુ યાદગાર બનેલા અને આજે પણ છે જ અને એમ પણ ચિત્રવિચિત્ર રીતે નાચતો દેવ કઈક અલગ જ ફિલ આપતો . લગભગ ૬૦ વર્ષની ફિલ્મી કેરિયરમાં દેવે ફિલ્મોને પોતાની રીતે પૂરેપૂરી માણી એટલું જ નહીં પણ દીલને ગમે એવી ફિલ્મો બનાવતો રહ્યો . ગળાની કરચલીઓ છુપાવવા એને સ્કાર્ફથી ઢાંકતો દેવ ઉમરના છેલ્લા કેટલાક વર્ષોમાં ભલે ફ્લોપ ફિલ્મો આપતો હતો પણ એમ છતાંયે એની એ ફિલ્મો પણ એ જમાના કરતાં આગળ હતી . સાંપ્રત વિષયોવાળી દેવની આખરી કેટલીક ફિલ્મો જેવી કે ક્રિકેટ પર અવ્વલ નંબર  કે બેડમિંગટન સ્ટાર સૈયદ મોદીના ખુન કેસ પર આધારિત સૌ કરોડ કે પછી પોલિટિકલ ડ્રામા ‘ યસ પ્રાઇમ મિનિસ્ટર’  કે સેન્સર બોર્ડ પર ફિલ્મ ‘ સેન્સર ‘ કે પછી છેલ્લી ફિલ્મ ચાર્જસીટ .. દેવ છેલ્લા શ્વાસ સુધી હિન્દી ફિલ્મના દર્શકોને કશુંક નવું અને હટકે આપવાની કોશિશ કરતો રહ્યો . દેવ ક્યારેય નિરાશ ના થયો પછી ચાહે એ ફ્લોપ ફિલ્મો બાબતે હોય કે પછી પહેલા સુરૈયા સાથે થયેલો પ્રણયભંગ હોય અને પછીથી પોતાની શોધ ઝીનત સાથેનો . એની જ ફિલ્મના એક ગીતની જેમ ‘ મૈ જિંદગીકા સાથ નિભાતા ચલા ગયા .. હર ફિકર કો ધૂએ મે ઉડાતા ચલા ગયા ‘ ની જેમ દેવ જીવનની અંતિમ ઘડી સુધી યુવાન જ રહ્યો .. પોઝિટિવ જ રહ્યો .. ગમતું કામ કરતો જ રહ્યો .. જિંદગી સાથે રોમાન્સ માણતો જ રહ્યો … દેવે એક મુલાકાતમાં કહેલું કે હું મારી જાતને ડિપ્રેસ્ડ કે ચિંતામાં જોઈ જ નથી શકતો અને એટલે જ હું આગળ જોવામાં માનું છું . ફિલ્મ હોય કે સંબંધ .. જો બીત ગઈ સો બાત ગઈ ની જેમ ફિલ્મ ફ્લોપ જાય એના બીજા જ દિવસે દેવને નવી ફિલ્મની જાહેરાત કરતાં લોકોએ જોયો હતો અને એનો આ નેવર ડાય એટીટ્યુડ જ દેવને હિન્દી ફિલ્મ દુનિયાનો યાદગાર કલાકાર .. દિગ્દર્શક અને લાખો લોકોનો આજે પણ માનીતો  એવરગ્રીન સ્ટાર બનાવે છે . ( akurjt@gmail.com )

  • અજય ઉપાધ્યાય ( ગાંધીનગર સમાચાર – કૉલમ ” રઝળપાટ ” ૧૧ જૂન ૨૩

વિદેશ ભણી દોટ  : ઘેલછા .. મજબૂરી કે સોનેરી ભવિષ્યની આશ ???

Featured

વિદેશ ભણી દોટ  : ઘેલછા .. મજબૂરી કે સોનેરી ભવિષ્યની આશ ??? !!!!!!!

બસ જેને જુઓ એને વિદેશ જવું છે .. !!!!! પૂછો કે હવે શું કરવાનો તમારો બાબો કે બેબી ? તો કહેશે બસ કેનેડા જવાની કોશિશ કરવાનો ..!!!! અને જે આ કેનેડાની કોશિશોમાં નાકામિયાબ થાય એ ટ્રાય કરવાના ટ્રમ્પ દીવાલની આરપાર થઈને અમેરિકા જવાના જોખમી અખતરાઓ ..!!! કેડસમાણા પાણીમાં 3-4 કિલોમીટર ચાલીને.. કે સુમસાન જંગલમાં 3-4 દિવસ ભૂખ્યા તરસ્યા ઓલમોસ્ટ દોડીને.. કે પછી ઊંચી ઊંચી દીવાલ કૂદીને .. કે પછી કેનેડાની બોર્ડર પરથી જોખમી નદીઓમાં હાડ ગાળી દે એવી ઠંડીમાં બૈરી-છોકરાઓ સાથે સામે પાર અમેરિકા જવાના ઉત્સાહમાં..ઘેલછામાં કે પછી ભવિષ્યની ઉજ્જવળ આશમાં ..!!!! આ ઘેલછાભરી દોડધામમાં જાણે એવું લાગી રહ્યું છે કે દુનિયામાં બે જ કન્ટ્રી એવા છે કે જ્યાં રહી શકાય છે કે રહેવા જેવુ છે .. !!! જ્યાં તમે જન્મ્યા.. જ્યાં તમારા વડવાઓ જન્મ્યા .. ઉછર્યા.. સુખી થયા .. એ દેશ .. એ ધરતી .. એ માતૃભૂમિ કરતાં પણ આ વિદેશનું આકર્ષણ વધી ગયું છે . કદાચ એનું કારણ હવે વિદેશ જવું એટલું અઘરું નથી રહ્યું એ હોય શકે અને બીજું કે બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલા એજન્ટોની ચાલબાજીની અસરો પણ હોય શકે , કબૂતરબાઝી શબ્દ એક સમયે બહુ જ પ્રચલિત હતો પણ હવે તો એજન્ટો તમને છેક સુધી પહોંચાડી શકાય એવી લાઈનો ધરાવે છે !!! હા, લીગલી વિદેશ સ્થાયી થવું હજુ પણ એટલું જ અઘરું છે પણ ઈલીગલ ઘૂસી જવું પ્રમાણમાં સહેલું હોય એવું લાગે છે અને એનું એક કારણ જે તે દેશની સિસ્ટમમાં રહેલા છીંડાઓ પણ છે જ ..!! આફ્ટર ઓલ કાગડા એવરિવેર બ્લેક જ હોય ને ..!!!!!!

દરરોજ છાપાઓમાં અને ટેલિવિઝન પર કેનેડામાં મૃત્યુ પામેલા લોકો કે પછી અમેરિકન બોર્ડર ક્રોસ કરતાં કરતાં મોતને ભેટેલ લોકોના સમાચારો આપણે વાંચીએ છીએ અને વાંચતી વખતે એક જ વિચાર આવે છે કે આવા સાહસો કરવાની આ લોકોને કેમ જરૂર પડી હશે ? શું આપણા દેશમાં એમને કેરિયરની દ્રષ્ટિએ કે પૈસાની દ્રષ્ટિએ ઓછપ લાગતી હશે ? કે પછી વિદેશનું આકર્ષણ આ બધા પર ભારી પડી જાય છે ? જુઓ એક હકીકત એ પણ છે કે અમેરિકા કે કેનેડાથી આવતા ‘ આહ આહ ‘ ને ‘ વાહ વાહ ‘ ભર્યા સમાચારો પણ અર્ધસત્ય તો છે જ અને એના ઉદાહરણો આ છાપા-મેગેજીનોમાં આવતા અપમૃત્યુના સમાચારો ખુદ છે પણ સાથે સાથે એ પણ છે કે ‘ સાહસ કરે તે ફળ પામે ‘ એ કહેવત મુજબ યંગ અને ઉછળતા લોહીવાળા યુવાનોમાં આવા સાહસો કરવાની વૃતિ વધતી જાય છે . અને આમાં દેખાદેખીનો પણ એટલો જ ફાળો છે . ‘ અમારે ત્યાં જલસા છે ‘ કહેનારા કેટલાયને આ લખનારે પાછા ઈન્ડિયા આવી જતાં કે પછી હાથમાં આઇફોન કે ટોયોટો ગાડીને ટેકો દઈને પાડેલા ફોટા ઇંસ્ટા કે ફેસબુક પર અપલોડ કરનારને પિત્ઝા સેન્ટરમાં લોકોને પિત્ઝા સર્વ કરતાં કે ગેસસ્ટેશનમાં પેટ્રોલની પાઇપ પકડીને મજૂરી કરતાં ( મજૂરી જ કહેવાય ને ? ) પણ જોયા છે . અને આવા વાયદાઓમાં કે દેખાદેખીમાં આવી ગયેલા ઘણાને ત્યાં જઈને અટવાતા પણ જોયેલા છે .

                                      આ મજૂરી શબ્દ કોઈને વધુ પડતો આકરો લાગે તો એક વાત સમજી લો કે વ્હાઇટ કોલર જોબ વિદેશમાં બહુ જ ઓછા છે – એટલીસ્ટ આવી રીતે ત્યાં ઘૂસનાર માટે તો નથી જ . અમેરિકા ઘૂસ મારેલ લોકોના સ્વમુખે સાંભળેલા અનુભવો મુજબ વાઇન શોપ , ડ્રાઇવિંગ , બેકરી જોબ , મૉટેલ કે પછી પેટ્રોલપંપ જ હાથવગા અને તરત મળતા ઓપ્શન્સ છે અને મોટાભાગના લોકો એ સ્વીકારી પણ લે છે , હવે એને મજૂરી ગણો કે મજબૂરી એ અલગ વાત છે ..!!!  અમુક કિસ્સાઓમાં ત્યાં જ સ્થાયી થયેલા સંબંધીઓની હાર્ડવેર શોપ – લિકર શોપ કે મોટેલમાં ઓછા વેતને નોકરી કરવી એ પણ એક રસ્તો છે . અને એમા કાઇ ખોટું પણ નથી કેમકે ઇન્ડિયાથી પિતાએ ઘર ગીરવે રાખીને કે પછી બીજી કોઈ રીતે લોન લઈને ખર્ચ કરેલ 15 કે 20 લાખ ભરપાઈ તો કરવા જ પડે ને ? આ 15-20 તો મે ડરતા ડરતા લખ્યા છે બાકી તાજેતરના સમાચારો મુજબ અમેરિકા જવાનો આઈ મીન ઘૂસવાનો ખર્ચ કરોડ આસપાસ થાય છે અને કેનેડા પણ સસ્તામાં તો નથી જ પતતું ..!!! વક્રતા એ છે કે ડોલર છાપવાના મોહમાં પગથી માથા સુધી દેવું કરીને ગયેલા બધા કઈ એટલા નસીબદાર હોતા નથી કે અમેરિકા કે કેનેડાની ધરતી પર પગ મૂકતાં જ ડોલર છાપવા માંડે ..!! અને માનો કે છાપવા પણ માંડે તો પણ વિદેશમાં રહેવાનો ખર્ચ ઇન્ડિયાની સરખામણીમાં વધુ જ આવવાનો એટલે થાય શું કે 15 કે 20 ની ભરપાઈ કરતાં કરતાં વર્ષો પણ નીકળી જાય અને એ દરમ્યાન જોબની કે બીજી અસલામતી તો ખરી જ ..!!! હમણાં હમણાંથી કેનેડા કે અમેરિકામાં મૃત્યુ પામેલા લોકોના સમાચારો બહુ આવે છે એના મૂળમાં જઈએ તો કદાચ આર્થિક અસલામતી અને જોબની અંસર્ટીનીટી કારણ નીકળે .

                                  એક આંકડા મુજબ છેલ્લા 6 વર્ષમાં 30 લાખ ઈંડિયંસ ફૉરિન ગયા છે અને આ આંકડો તો માત્ર ભણવા ગયા હોય એવા લોકોનો જ છે , નદી ક્રોસ કરીને  કે દીવાલ કૂદીને ગયેલાનો આંકડો તો અમેરિકન ઇમિગ્રન્ટ ડીપાર્ટમેન્ટ પાસે હશે ..!!! માનો કે આમાંથી અર્ધા પણ કેનેડા ગયા હોય તો એમનો લાસ્ટ ગોલ તો ત્યાં ભણવા કરતાં જોબ મેળવીને કેનેડામાં સ્થાયી થવાનો જ હોવાનો . અને જો ડેસ્ટિનેશન અમેરિકા હોય તો ડોલર છાપવાનો .  હવે હકીકત એ છે કે જોબની તકો અને સંખ્યામાં કાઇ બહુ મોટો વધારો છે નહીં પણ સામે છેડે આવનારા લોકોની સંખ્યા વધી રહી છે એટલે સ્વાભાવિક છે કે બધાને જોબ કે કામની તકો ધીરે ધીરે ઓછી થતી જવાની અથવા તો એમા પણ શોષણ શરૂ થઈ જવાનું ,જે અત્યારે દેખાઈ પણ રહ્યું છે . જુઓ એક હકીકત છે કે અમેરિકા હોય કે કેનેડા ત્યાંની સરકારો બધુ જાણે છે પણ એમને અમુક કામો જે ધોળિયાઓ નથી જ કરવાના કે ભાગ્યે જ કરવાના એના માટે પણ લોકો તો જોઈશે જ . અમેરિકન કેસમાં તો ઈલીગલ જ્યાં સુધી કોઈ ક્રિમિનલ એક્ટિવિટીમાં આ પકડાય ત્યાં સુધી જ સારું , પકડાયા પછી તો રિજેકટેડના સિક્કા સાથે ઘરભેગા કરી દે..!!!

                                    પણ પેલું કહે છે ને કે આવા બધા વિચારો કરવા બેસો તો જઇ રહ્યા ફૉરિન ..???? એટલે ગાડરિયા પ્રવાહની જેમ હેંડો અમેરિકા કે પછી કેનેડા કે પછી ઓસ્ટ્રેલીયા કે ..!!!! એવું નથી કે ભારતમાં કોઈ જાતની કમી છે .. ના.. બિલકુલ નહીં . અહિયાં પણ મહેનત કરનારને .. વ્યવસ્થિત ભણીને આગળ વધનારને.. નાના-મોટા ધંધા કરનારને પૂરી પ્રગતિનો સ્કોપ છે જ અને આવી રીતે વિદેશ જનારના પરિવારમાં જ આના દાખલાઓ મોજૂદ જ હશે . તો પછી એવું શું છે કે જે આટઆટલી મુસીબતો હોવા છતાં પણ ? સૌથી મહત્વનું તો ડોલરિયો મોહ ….1 ડોલરના 80 રૂપિયા ગણવાની મજા ..!!!! દેખાદેખી તો ખરી જ પણ સાથે સાથે આવી જ રીતે જઈને વિદેશ સ્થાયી થઈને પૈસેટકે સમૃધ્ધ થયેલા લોકોના દાખલાઓ ( જો કે હકીકત એ છે કે આવા લોકોની ટકાવારી 2-5 ની વચ્ચે હોય છે ) . બીજું એક સિરિયસ કારણ છે ઉચ્ચ અભ્યાસની તક અને એને આધારે કાયમી જોબની ગેરંટી . જો કે આગળ લખ્યું એમ સરકારી જોબ માત્ર અમુક જ સેક્ટરમાં છે અને એના માટે એલિજિબલ થવું પણ મુશ્કેલ કામ છે છતાં પણ ભણવામાં અવ્વલ માટે સ્કોપ તો છે જ . સદીઓથી ભારતીય દરિયાપાર જઈ રહ્યો છે અને એમા ઉતરોતર વધારો થઈ રહ્યો છે પણ અત્યારના સંજોગોમાં જેને જુઓ એને ‘ ચાલો ફૉરિન ‘ કરતાં સાંભળીએ ત્યારે એમ થાય કે એ દિવસો દૂર નથી જ્યારે હાડમારીઓ વધતી જવાની અને વિદેશમાં સ્થાયી થવાના પડકારો .. જે તે દેશમાં ગયા પછી સર્વાઇવ થવાના પડકારો વધુ ને વધુ આકરા બનતા જવાના .. અને ત્યારે કદાચ આખીએ સાયકલ રિવર્સમાં ભાગવા લાગવાની !!!! ( akurjt@gmail.com  )

  • અજય ઉપાધ્યાય ( ગાંધીનગર સમાચાર -કૉલમ ” રઝળપાટ ” 21 મે 2023 )

લોન એપ્સ  : આ જા ફસા જા !!!!!!!

Featured

લોન એપ્સ  : આ જા ફસા જા !!!!!!!

photo courtesy : the week

ટીવી પર લેટ નાઈટ દાઢીધારી ઇન્સાન આંખોના ડોળા કાઢી કાઢીને આપણને ચેતવણી આપતા કહે છે ને કે ‘ ચૈન સે સોના હૈ તો જાગ જાઈયે ‘ બિલકુલ એની જેમ જ એક બીજી ખૂબ જ ઉપયોગી ચેતવણી ગૂગલે આપી દીધી છે . ૩૧મી મે થી ગૂગલ પ્લેસ્ટોર પરથી ફટાફટ અને ઇન્સ્ટન્ટ લોન આપતા એવા એપ્લીકેશન્સ હટાવી દેશે કે જે ગૂગલની ફાયનાન્સિયલ પોલિસીમાં ખરા નથી ઉતરતા – અને સિરિયસ વાત એ છે કે અમુક એપ્સને બાદ કરતાં લગભગ બધા જ લોન એપ્સ આ ટેસ્ટમાં ફેલ થાય છે . વધુ ગંભીર વાત હવે છે અને એ છે કે જો તમે પણ આવું કે આવા કોઈ એપ વાપરતા હોવ તો તમારા પર્સનલ ડેટા આવા એપમાંથી ડિલીટ કરી નાખજો કેમકે પછી કહેતા નહીં કે તમારા પર્સનલ ડેટાનો મિસયૂઝ થઈ રહ્યો છે ..!!! નવી ગૂગલ પોલિસીમાં હવે આવા એપ્સ યુઝર્સનું લોકેશન , ફોટા , વિડીયો , કોલ લૉગ જેવા સેન્સિટિવ ડેટા જોઈ નહીં શકે પણ જે એપ્સ ઓલરેડી આ બધુ એક્સેસ કરી ચૂક્યા છે એનું શું ? એપલના એપસ્ટોર પર આવી કડકાઇ ઘણા સમયથી છે અને યુઝર્સને એની જાણકારી એપ ડાઉનલોડ થાય એ પહેલા જ આપી દેવાય છે . જો કે ગૂગલે આવું કાઇ પહેલી વાર નથી કર્યું . આ પહેલા પણ ૨૦૨૧માં ગૂગલે પ્લેસ્ટોર પરથી આવા અનેકો ફરઝી એપ્સ હટાવેલા એટલું જ નહીં પણ ગયા વર્ષે તો આવા લગભગ ૩૫૦૦ એપ્સ પર ગૂગલે કાર્યવાહી કરેલી અને ઓલમોસ્ટ એક કરોડથી વધુના એપ્સને ઓપરેટ કરતાં લગભગ ૧.૭૫ લાખથી વધુ એકાઉન્ટને ગૂગલની ફાયનાન્સિયલ પોલિસીના ઉલ્લંઘન બદલ બંધ કરેલા. ગૂગલનું કહેવું છે કે આમ કરવાથી લગભગ ૧૭૦૦૦ કરોડથી વધુની રકમની ઠગાઇ અટકાવવામાં એને સફળતા મળેલી .

૧૭૦૦૦ કરોડ.. આંકડો વાંચીને ચોંકી ગયા ને ? પણ હકીકત એ છે કે ઇન્સ્ટન્ટ લોન આપતા આવા એપ્સની માયાજાળ આનાથી પણ વધુ ઊંડા મૂળિયાં નાખી ગયેલી છે . મનુષ્યને આર્થિક જરૂરતો કાયમી પાડવાની જ હોય છે આવામાં જો ક્યાંકથી ફટાફટ પૈસા મળી જાય અને એ પણ ઓછા ડોક્યુમેન્ટસમાં કે વધુ કોઈ માથાકૂટ કર્યા વગર તો આપણે પહેલો ચાન્સ એને જ આપીએ ને ?   વિશ્વમાં અને ભારતમાં આવા ઇન્સ્ટન્ટ લોન આપતા એપ્સની ભરમાર છે . નો ડાઉટ મુસીબતના સમયે એ કદાચ આર્થિક દ્રષ્ટિએ કામમાં આવતા હશે પણ હકીકત એ છે કે પછી પાછળથી એ એવી ફાંસ બની જાય છે કે લોન લેનારને આપઘાત કરવાના વારા આવે છે અને આવા એક નહીં પણ અનેકો કેસીસ આપણે ત્યાં નોંધાયા છે અને હજુ પણ પ્રકાશમાં આવી રહ્યા છે . હજુ ગયા વર્ષની જ વાત છે કે મોદી સરકારે ડેટાચોરીના આરોપસર લગભગ ૩૦૦ ચાઇનીઝ એપને બેન કરી દીધેલી એમાં લગભગ ૧૦૦ જેટલી એપ આવી લોનની હતી . ટોટલી ચીની ભેજાની ઊપજ એવી આ એપ્સ લોકોને લોન લેવા માટે લલચાવતી અને પછી ઘણા કિસ્સામાં તો વાર્ષિક ૩૦૦૦ ટકા જેટલું વ્યાજ પણ વસૂલ કરતી . ચીન દ્વારા બનાવેલ અને પછી ભારતીયોને નોકરી પર રાખીને ચલાવાતી આ ઉઘાડી લૂંટની ખબર ત્યારે પડી જ્યારે આંધ્રા અને તેલંગાણામાં અનેકો લોકોએ આવી લોન લીધા પછી આત્મહત્યાઓ કરી લીધી .

                                         એક્વાત યાદ રહે કે આરબીઆઇ દ્વારા પ્રમાણિત બેન્કસ કે ફાયનાન્સિયલ ઓર્ગેનાઇઝેશનના લોન એપ્સ કે બેન્કસ ઓથોરાઇઝ્ડ એપ્સની આમાં વાત નથી થઈ રહી કેમકે આ એપ્સ ઓથોરાઇઝ્ડ છે એટલે સંપૂર્ણપણે સુરક્ષિત છે જ પણ આ એવા એપ્સની વાત થઈ રહી છે કે જેના કોઈ નામ-ઠામ કે અતાપતા સરકાર પાસે કે ક્યાંય પણ નથી .  મોટાભાગે ચાઇનીઝ દ્વારા કે બેકડોર ચાયનીઝ એન્ટ્રીવાળી આ એપ્સ કોરોના વખતે લાઇમલાઇટમાં આવી . પોલીસના જણાવ્યા અનુસાર મોટાભાગના આવા એપ્સના માસ્ટરમાઇન્ડ ચીનમાં છે, તેમજ તેમની લિંક દુબઈ, હોંગકોંગ, નેપાળ અને મોરેશિયસ સાથે છે. આ લોન એપના એજન્ટો ભારતમાંથી ક્રિપ્ટોકરન્સી દ્વારા ચીન, હોંગકોંગ અને દુબઈમાં નાણાં મોકલે છે. ૨૦૧૨માં ચીનમાં શરૂ થયેલો આ ખેલ પછી ચીની સરકારની કડકાઈને કારણે કોરોનાના કપરા સમયનો લાભ લેવા ભારત બાજુ વળ્યો . કોરોનાના કપરાકાળમાં ઘણા લોકો આર્થિક મુશ્કેલીઓ સામે જઝૂમી રહ્યા હતા એવામાં આ ફટાફટ પૈસા આપતી એપ્સે પોતાની માયાજાળ બિછાવી . ઇન્સ્ટન્ટ અને ઇઝી મનીના ચક્કરમાં તેમજ બહુ જ ઓછા ડોક્યુમેન્ટ સાથે લોન આપતી આ એપ્સ એક્સેસ વખતે જ લગભગ બધી જ ડિટેલનો એક્સેસ લઈ લેતી અને પછી જો લોન ચૂકવવામાં મોડું થાય તો પેનલ્ટી પર પેનલ્ટી અને જો એમ પણ સફળતા ના મળે તો યુઝર્સના પર્સનલ ડેટાના આધારે વ્યક્તિના અન્ય કોન્ટેક્ટ્સને કોલ કરીને લોનની ભરપાઈ કરાવવા દબાણ કરવામાં આવે કે એથી પણ ગંભીર એ છે કે લોન મેળવનારાના ફોનમાંથી તેના ફોટોગ્રાફ મેળવી, તેમાં ચેડા કરીને, વ્યક્તિને બદનામ કરવાની ધમકી આપે અને આવા કેસીસમાં એપ્સના વધુ પડતા દબાણને કારણે આપઘાત કરનારાઓની સંખ્યા વધતી જાય છે . ગૂગલે મૂકેલા નિયંત્રણો પછીથી કદાચ આવા પર્સનલ ડેટાનો મિસયૂઝ ઓછો થશે પણ જે રીતે આવા લોન એપ્સ યુઝર્સને નિરાધાર કરી મૂકે છે એમાં કોઈ સુધારો થાય એવું લાગતું નથી .                   

                                               મુંબઈની એક મહિલાએ આવા એપ્સથી ૫૦૦૦ની લોન લીધી જો કે એના ખાતામાં આવ્યા તો ૩૦૦૦ જ . પણ પછીથી સમયસર લોન ચૂકવવામાં મોડું થઈ જતાં એના મોરફ કરેલ નગ્ન ફોટા એના કોન્ટેક્ટ પર મોકલવામાં આવ્યા . આવું જ ઉત્તરપ્રદેશમાં પણ એક મહિલા સાથે થયેલું . આ અને આવા અસંખ્ય કિસ્સાઓ હવે રોજ અખબારમાં છપાય છે . અસલમાં આવી એપ્સ એક તો ઓછા ડોક્યુમેન્ટ્સ કે કેવાયસી વગર લોન આપે છે બીજું કે આપતી વખતે અમુક રકમ જુદી જુદી સર્વિસના નામે કાપી લે છે એટલે માંગી હોય ૬૦૦૦ની લોન તો મળે ૪૦૦૦ કે ૪૫૦૦ , પણ ચુકવવાના તો ૬૦૦૦ જ ..!!! આનો વ્યાજદર એટલો ઊંચો હોય કે ઘણીવાર તો આ રકમ એક વીકમાં ૫૦૦૦૦ પણ થઈ શકે છે . હવે સ્વાભાવિકપણે આટલી વધુ રકમ ચૂકવવા અસમર્થ હોવાથી શરૂ થાય છે બ્લેકમેલ ને ધાકધમકીનો ખેલ અને એનો અંત ઘણા કિસ્સામાં આવે છે આપઘાતથી ..!!! હવે આવે છે અસલ સવાલ કે તો આનાથી બચવા શું કરવું ? સૌપ્રથમ તો એપલ અને ગૂગલ બંનેએ હવે અમુક અંશે પ્રતિબંધ મૂકી જ દીધા છે એવામાં આરબીઆઇ કહે છે કે લોન લેતી વખતે લોન આપનાર એપ્સની બધી જ માહિતી આરબીઆઇ ની વેબસાઇટ પર છે કે નહીં એની ખાતરી કરી લેવી . સાઇબર ભાષામાં આવા એપ્સને લેન્ડર કહે છે તો લોન લેતા પહેલા લેન્ડર વિષે માહિતી એકઠી કરી લો . બની શકે તો તરત જ લોન આપનાર આવા એપ્સથી અંતર રાખો અને વિચારો કે આ સિવાય બીજો કોઈ ઓપ્શન છે કે નહીં ? લોન લેતા પહેલા પ્રોસેસિંગ ફી અને બીજા છુપા ચાર્જિસ વિષે જાણો  . ફોનમાં કોઈપણ એક્સેસ આપતા પહેલા વિચારો . ગૂગલ પોલિસી સ્પષ્ટપણે જણાવે છે કે કોઈપણ લોન એપ સાથે કેટલીક એનબીએફસી સંકળાયેલી હોવી જોઈએ કે જેને આરબીઆઇ એ આવી લોન આપવા માટે અધિકૃત કરેલ છે . જો કોઈપણ બેંક એપ સાથે જોડાયેલ નથી તો તેનાથી સાવધાન રહો. છતાં પણ જો ફ્રોડ લાગે તો પોલીસ કે આરબીઆઈને જાણ કરો કે ‘ સચેત ‘ નામની સરકારી વેબસાઇટ પર જઈને ઓનલાઈન ફરિયાદ કરી શકો છો . એક્વાત યાદ રાખો કે જેન્યુન લોન એપ તમારા કોન્ટેક્ટ કે ગેલેરીનો એક્સેસ આપવાનું નથી કહેતી . સૌથી ઉત્તમ અને સલામત રસ્તો એ જ કે પૈસાની જરૂરત પડે ત્યારે બને ત્યાં સુધી અધિકૃત બેન્ક પાસેથી જ લોન લેવાનો આગ્રહ રાખો .. ભલે કદાચ મોડી મળશે પણ મુસીબતોથી બચી શકશો ( akurjt@gmail.com  )

  • અજય ઉપાધ્યાય ( ગાંધીનગર સમાચાર – કૉલમ ” રઝળપાટ ” ૭ મે ૨૦૨૩ )

બાકી સબ ઠીક ???? .. બસ ચલ રહા હૈ !!!!!!!

‘ તારક મહેતા ‘ વાળા જેઠાલાલના અવળચંડા સાળા સુંદરના ભાયબન્ધની ઇસ્ટાયલમાં કોઈને પણ એમ પૂછો ને કે  ‘ શું પાલટી મજામાં ? ‘ તો તમારા હમ સો માંથી નવ્વાણું એમ જ કહેવાના કે ‘ ઠીક છે .. ચાલે છે ‘..!!!!! કયા તો કહેશે ‘ ઠીક છે ભાઈ .. દી કાઢીએ છીએ ‘ ..!!!!  તારી ભલી થાય ચમના .. હજુ હમણાં તો યુરોપ ફરી આયવો .. નવી એસયુવી લીધી .. ગગાને ધામધૂમથી પરણાવ્યો .. ને તોય હજુ પાછું ‘ ઠીક છે ..?????’ ..!!! ત્યારે હજુ આનાથી વધુ શું જોઈ છે ભૂરા ..??  પણ એમાં શું છે કે ગમે એટલું સુખ હોય કે સંપતિ પણ જો ‘ દિલ હૈ કી માનતા નહીં ‘ જ કન્ટીન્યુ બેકગ્રાઉન્ડમાં વાગતું રહેતું હોય તો પછી રામે.. રામ ..!!! એને ધરવ જ ના હોય .. હાચ્ચે ..!!! શાસ્ત્રોમાં ભલે ને કહેવાયું કે ‘ સંતોષ એ સુખની ચાવી છે ‘ પણ ઘણા એવા પણ છે કે જેની પાસે દુખ-નિરાશા-ગરીબી-આનંદ ને લાગેલા તાળાની ચાવી તો છે પણ એને એકથી સંતોષ નથી થતો .. ઉહુહૂહઉહઉ .. એને તો ચાવીનો આખો ઝૂડો જોઈએ છે .. એક ચાવીથી શું સંતોષ માને ? ને પછી કવિ તુલસીદાસ જેને કહેતા ભૂલી ગયા છે એમ ભાઈ કે બોન આખીએ જિંદગી ‘ ચક્કી પીસિંગ .. ઓર પીસિંગ  ‘ ની જેમ જિંદગીના તાળાની એક ચાવી મળી ગયેલી હોવા છતાં બીજી ચાવીઓ શોધ્યા જ કરે છે .. શોધ્યા જ કરે છે ..!!!!!!

‘ સંતોષી નર સદા સુખી ‘ આવું સરસ મજાનું સુવાક્ય કોઈ દીવાલ – મંદિર કે જાહેર જગ્યા પર વાંચીએ તો મન એટલું રાજી રાજી થઈ જાય ને .. પણ એ જ મનમાં જ્યારે અસંતોષ છવાઈ જાય ને ત્યારે ‘ મન મે પહેલા લડ્ડુ ફૂટા .. મન મે દૂસરા લડ્ડુ ફૂટા ‘ એમ ફટાફટ કેટલાય લડ્ડુ ફૂટવા માંડે છે . બાય ધ વે આમાં સંતોષી નર જ કેમ કહ્યું હશે .. સંતોષી નારી કેમ નહીં ..???? આ તો જસ્ટ પુછીંગ ? ખેર મૂળ વાત એમ છે કે ગમે એટલું હોય તો પણ મન -દિલ-દિમાગ ‘ માંગે મોર ‘ જ વિચારતું હોય તો પછી એનો અંત તો જિંદગી પૂરી થાય એની સાથે જ આવે . ‘ જિંદગી કી ના તૂટે લડી ‘ માં પ્યાર કર લે ની બદલે ‘ ભેગું કરી લે ‘ ગવાતું થઈ જાય એટલે સમજો કે સંતોષની બેન્ડ વાગી ગઈ ..!! આમ તો શું છે કે અસંતોષની અતિ ગંભીર વ્યાખ્યા કરીએ તો એમ કરી શકાય કે ઈન્સાનિ મનની અંદર અને બહારની આકાંક્ષાઓ – ઉમ્મીદો જ્યારે જુદી જુદી હોય ત્યારે અસંતોષની લાગણી ઊભી થાય છે . એવું જ કઈક વાસ્તવિક્તાથી આંખમીચામણાં કરો એટલે થવાનું ..!! જે છે એમાં જીવવાને બદલે ‘ મારી પાસે આ હોય તો ?.. કે પેલું હોય તો ? ‘ જેવી લાલસાઓ કે ઈચ્છાઓ સળવળવા માંડે એટલે અસંતોષને ફાવતું મેદાન મળી જ રહે એ વાત નક્કી છે .

                                          કોઈ વસ્તુ – હોદ્દો કે સંપતિની લાલસા કે ઈચ્છા રાખવી કોઈ ખોટી વાત નથી પણ થાય છે શું કે વાસ્તવિક્તાથી જોજનો દૂર રહેલ આવી ચીજોની કામના કરતી વખતે એ ભૂલી જવાય છે કે જે છે એ પણ એના જેટલું જ સુંદર અને આનંદમય છે . વાત જરા ભારે થઈ જાય એ પહેલા એને હળવીફૂલ કરી દઈએ કે ઘણીવાર આ ‘ બસ ચલ રહા હૈ ‘ એ ઘણા માટે નમ્રતાનું પ્રદર્શન પણ હોય શકે છે . દંભ કે અહંકાર ના કરવો એવા સદગુણો ધરાવતા લોકો પણ ‘ શું ચાલે છે ?’ ના જવાબમાં ‘ બસ ખાસ કઈ નહીં ‘ એવું અતિ નમ્ર થઈને કહી દેતા હોય છે જ્યારે હકીકત એ હોય છે કે એની પાસે ગાઈ વગાડીને કહેવા જેવુ ઘણું હોય છે . સાલ્લું , આ સદગુણ પણ શીખવા જેવો તો ખરો જ ..!!!! સી , અસંતોષ તો એને પણ હોવાનો જ કેમકે એ તો કુદરતનો ક્રમ અને માનવજીવનનું એક પાસું જ છે પણ એમ છતાં પણ ‘ બસ. ચાલે છે ‘ કહી દેવું એ પણ કઈ જેવુ તેવું કામ તો નથી જ . ઘણા તો એની બદલે એટલી બધી બંગાઈઓ કે બણગાં કે પછી હોય એનાથી વધારી વધારીને વાત કરી દે  કે તમને લાગે લે અલ્યા આને મે કયા પૂછ્યું કે ‘ કેમ છે ? શું ચાલે છે ? ‘ ..!!!!!

                                                  જરૂરી નથી કે ‘ બસ ચલ રહા હૈ ‘ એ અસંતોષની જ નિશાની હોય , ઘણીવાર આ એટીટ્યુડ જૈસે થે સ્થિતિને લીધે પણ આવી જાય . કોઈને પૂછીએ કે ‘ શું છે નવીનમાં ? ‘ તો ઘણીવાર જવાબ મળે કે ‘ જૂનું કશું આઘું-પાછું નથી થતું ને નવું કશું થતું નથી ‘..!!! બોલે તો સિચ્યુએશન એઝ ઈટ ઈઝ છે . વાત ખોટી પણ નથી જ . જેના પરથી આ લેખનું ટાઇટલ લીધું છે એ ફિલ્મ ‘ ભેડીયા ‘ ના ગીત ‘ બાકી સબ ઠીક ‘ માં જ એક લાઇન છે કે ‘ વ્હોટ એબાઉટ યુ ? ‘ તો જવાબ મળે છે કે ‘ બસ ચલ રહા હૈ ‘ . એટલે તમે સમજો કે કોઈ પાસેથી ‘ શું ચાલે છે ?’ નો જવાબ કઢાવવો એટલો આસન પણ નથી જ , બીકોઝ કોઈ ખરેખર કેટલું ઠીક છે કે કેટલું ઠીક નથી એ થોડું કહેવાનું છે હે ..???? એક હિન્દી કવિતાની ચાર લાઈનો પણ આ જ કહે છે કે ‘ કિસકો બતાએ દિલ કા હાલ ના હૈ કોઈ રાઝદાર , મુસકુરાકે કહ દેતે હર બાર હા સબ ઠીક હૈ ‘ . અહી વાત રાઝ ખોલવાની તો છે જ પણ એ રાઝને રાઝ જ રાખી શકે એવી વ્યક્તિ કયા ? એનો સીધો અર્થ એ થયો કે જેના પર તમને ભરોસો હોય તેની પાસે ‘ બાકી સબ ઠીક ?’ નો જવાબ અચૂક આપવાના પણ હર એરે ગેરે ની સાથે તો ‘ બસ ચલ રહા હૈ ‘ થી જ કામ ચલાવવાનું ને ? ક્યાંક વાંચેલી એક વાત યાદ આવે છે કે સાસરેથી દીકરી માવતરને પત્ર લખે છે અને એ પત્રમાં વાતવાતમાં ‘ બાકી બધુ ઠીક છે ‘ કહેતા કહેતા બધુ કહી દે છે . જેમ કે એ લખે છે કે આમ તો મારા સાસુ બહુ મજાનાં છે પણ ગાયને ઘાસ નાખવામાં મોડું થાય તો પટ ટૉકી દયે ને ગાય આમ તો નરવી છે પણ હમણાં બે વાછરડાને જનમ દીધા પછી દૂબળી થઈ ગઈ છે .. બાકી બધુ ઠીક છે ’ ..’ આમ તો મારી નણંદના લગ્નનું બધુંયે તૈયાર થઈ ગયું છે પણ મારા સસરા કહેતા હતા કે એમ તો વહુના પિયરથી ‘ય કાઈક ઘરેણું તો આવશે જ ને ? ..બાકી બધુ ઠીક છે . ‘

                                              મજાની વાત એ છે કે દરેક ચીજનું એક અલગોરિધમ હોય એમ આ સવાલનું પણ એક ચોક્કસ અલગોરિધમ છે જ . આગળ લખ્યું એમ રાઝદારને જ આ સવાલનો જવાબ અને એ પણ સાચો જવાબ મળે તો એનો અર્થ કે બાકી લોકો માટે એક ફિક્સ જવાબ સેટ કરીને બેઠા હોઈએ છીએ આપણે અને એ જવાબ છે ‘ બસ ચલ રહા હૈ ‘..!! એની પાછળ ઘણા કારણો માહેનું એક અગત્યનું કારણ એ હોય છે કે જેને જવાબ આપવાનો છે એ આપણાં પ્રોબ્લેમ્સ કે તકલીફોનો કોઈ હલ -ઉપાય-સોલ્યુશન લાવી શકે એવું આપણને લાગતું હોતું નથી અને સરવાળે દિલ કી બાજીના પત્તાં આપણે ખોલતા નથી . ઘણીવાર નથી થતું કે મુસીબતોમાં કોઈના ખભે માથું મૂકીને રડીને હળવા થવાનું બહુ મન થયું હોય પણ એ આંસુ .. એ દર્દ .. એ મુસીબત ને સમજી શકે એવો ખભ્ભો શોધવો અઘરો થઈ પડતો હોય છે . ને રહી વાત ‘ બાકી સબ ઠીક ? ; ની તો સમજી લો કે આ પ્રશ્ન પૂછનાર બધા કાઇ ખરેખર તમારા જવાબને ફોલો કરનાર નથી હોતા. ફોર્માલિટી ની દુનિયા છે જનાબ અને આ ફોર્માલિટીની દુનિયામાં ‘ બાકી સબ ઠીક ? ‘..’ શું ચાલે છે ? ‘..’ મજામાં ? ‘ ‘ શું નવાજૂની ?’ થી લઈને ‘કેમ છે તબિયત ? ‘.. ‘ ઘરે બધા મજામાં ?’.. ‘  કેમ હમણાં દેખાતા નથી ? ‘.. ‘ આવો ક્યારેક ઘરે ?’.. જેવા ફોર્મલ સવાલો ના જવાબ તો ‘ બસ ચલ રહા હૈ ‘ સ્ટાઇલમાં જ આપવા પડે ને ..? હૈ કી નહીં ? ( akurjt@gmail.com  )-

  • અજય ઉપાધ્યાય ( ગાંધીનગર સમાચાર – કૉલમ ‘ રઝળપાટ ‘ 23 એપ્રિલ 2023 )

‘ એકાંત ‘ નો ઉત્સવ !!!!!!!

Featured

‘ એકાંત ‘ નો ઉત્સવ !!!!!!!

image: wallpaperaccess.com

ચન્દ્રકાન્ત બક્ષીને કોઈએ પૂછ્યું, ‘તમે આટલું બધું લખો છો તો તમને એકાંત ક્યારે મળે છે?’ તેમનો જવાબ હતો, ‘ગમે તેટલા ઘોંઘાટમાં હું મારું એકાંત શોધી લઉં છું.  મોટીવેશનલ ગુરુઓ કહે છે એમ ‘ જાત સાથે વાત ‘ કરવાની ક્ષણ હોય કે પછી ‘ મને હમણાં કોઈ વતાવશો નહીં ‘ નો તળપદી હુકમ હોય , જે હોય તે પણ આ બધા વચ્ચે એક મજાની વાત .. એક મજાની ક્ષણ અને એક મજાની ઘટના બનતી જોવાય છે અને એ છે ‘ એકાંત ‘ ..!!!! અલ્યા ભાઈ એકાંત એટલે સૂમસામ જગ્યા નહીં બે .. એકાંત એટલે એકલતા નહીં બે .. પણ એકાંત એટલે આપણી અંદર ઝાંકવાનો સમય.. ઘડી .. ક્ષણ..!!!! એકાંત એટલે ટોળામાં પણ અકેલા જેવી ફિલિંગ . એકાંત એટલે કશુંક ખોળવાની પ્રક્રિયા . એકાંત એટલે ધારેલા સર્જનને આકાર આપવાની ક્ષણ ..!!!! ઘણા જીનીયસો કબુલી ચૂક્યા છે કે એમની જિંદગીનો સૌથી શ્રેષ્ઠ કોઈ સમય હોય તો એ છે એ જ્યારે એકલા હોય છે કે એમની આસપાસ એકાંત હોય છે કે પછી ઘણીવાર ભીડમાં પણ કોલાહલને બદલે એકાંતની અનુભૂતિ થાય છે ત્યારે ..!!! ઘણા સંગીતકારો કબુલી ચૂક્યા છે કે એમની શ્રેષ્ઠ ધૂન ભાંગતી રાત્રે એકાંતમાં જ બની છે . ઘણા સુપ્રસિધ્ધ લેખકો મોડી રાત્રે એકાંતના વાતાવરણમાં જ લખતા ..!! એમ કહેવાય છે કે શ્રેષ્ઠ સર્જન હમેશા એકાંતમાં જ સર્જાતું હોય છે અથવા તો એ સર્જનનું પિંડ એકાંતમાં જ બંધાતુ હોય છે ..!!!.’

                                            ઘણીવાર બહુ બધા કોલાહલ પછી મને ને તમને જો કોઈ પરિસ્થિતિની બહુ જરૂર પડતી હોય તો એ હોય છે એકાંત ..!! ‘ ભાયસાબ મગજ પાકી ગયું ‘ આવી સ્થિતિમાં એમ થાય કે હવે ઘડીક એકલો રહેવા દયો ..!!! મનુષ્યે પોતે – જાતે માગેલું કે સર્જેલું સમયપટલ એટલે એકાંત ..!!! ખુદનું .. ખુદ માટે અને ખુદથી જ બનાવેલું એક એવું કવચ કે જેની અંદર મનુષ્ય પોતાને સુરક્ષિત માને છે . કારણ કે એમાં એની સામે અને એની સાથે દલીલ કરવાવાળું કોઈ હોતું નથી .. સમજાવવાવાળું કોઈ હોતું નથી ..!!! ફરિયાદો હોય તો એ ખુદની સામે જ હોય છે .. ઉકેલો હોય છે તો એ ખુદના લીધેલા જ હોય છે અને સવાલો ઊભા થતાં હોય તો એ ખુદના ઊભા કરેલ જ હોય છે ..!!! પોતે જ અપરાધી અને પોતે જ ન્યાયધીશ જેવી આ અવસ્થા બોલે તો એકાંતનો ઉત્સવ ઉજવવાની ટેવ પાડવા જેવી છે . જાત સાથે વાત નો આ અનોખો ઉત્સવ એટલે એકાંત ..!!!  એકાંત બોલે તો એક એવો સમય કે જ્યાં માત્ર ને માત્ર તમે છો .. તમારા વિચારો છે ને તમારું હોવાપણું છે . એક એવી સ્થિતિ કે જેમાં શ્રેષ્ઠ સર્જાઇ પણ છે અને ક્યારેક અનર્થ પણ થાય છે . જી હા , ક્યારેક આવા એકાંતમાં ગરકાવ થયેલો ઇન્સાન અવળા પગલાં પણ ભરી લેતો હોય છે . કોઈ મુશ્કેલીનો હલ શોધવાને બદલે પોતે જ મુશ્કેલી બની જતો હોય છે અને એવા એકાંતમાં ગરકાવ થઈ ગયેલાને ઓળખી કાઢવો પડે .

                                            શાસ્ત્રો ને ધર્મગુરુઓ પાછું બીજું કહે છે કે એકાંત એ એક પ્રકારનું એકલાપણું છે . જો કે વાતમાં દમ છે બીકોઝ એકાંત એ આમ જોવા જાવ તો એકલાપણાનો સ્વીકાર છે . કોઈ ત્રાસેલા .. હારેલા .. થાકેલા.. જીવની છેલ્લી અવસ્થા એટલે એકાંત , આવું કહી શકાય . જો કે એકાંત અને એકલાપણું પરસ્પર છે એવું ગણી શકાય . ‘ હું એકલો છું , હવે કોઈ ટેકો નથી , કોઈ સથીયારો નથી ‘ એવી ભાવના એ પણ એક પ્રકારનું એકાંત છે . પણ વાત અહી શારીરિક એકાંતની નહીં પણ માનસિક એકાંતની પણ થઈ રહી છે .  જી હા , બહુ બધા વિચારોના વાવાઝોડાને ખસેડીને દિમાગ – મનને સાવ એટલે સાવ વિચારવિહીન કરવાની પ્રક્રિયાને પણ એકાંત ગણી શકાય . મનનું એકાંત .. વિચારોનું એકાંત ..!!! કે જ્યાં કોઈ ભાવનાત્મક કે વિચારાત્મક ડિસ્ટર્બન્સ નથી .. કે જ્યાં ઇન્સાન માત્ર ને માત્ર ખાલી દિમાગ લઈને એક એવી શારીરિક અવસ્થામાં સમય પસાર કરવા ઈચ્છે છે કે જેમાં જગતના કોઈ જ કોલાહલ ચાહે એ સામાજિક હોય કે માનસિક પણ છેટા રહે , દૂર રહે . અને હા એ જો એકલાપણું ગણતાં હોવ તો એનો અર્થ છે કે તમને હવે તમારા માટે , તમારું વિચારવા માટે રસ જાગ્યો છે – સમય મળ્યો છે . કેમ કે એકાંતમાં જાત સાથે રહેવાની મજા છે અને એનું કારણ છે કે એ અવસ્થામાં કોઈ બાહ્ય પરિબળોની હાજરી નથી , જે છે એ તમે છો .. તમારા વિચારો છે .. તમારી જાત સાથેની વાત છે ..!!

                                              કોરી પાટી જેવી અવસ્થા જ સમજી લ્યો ને . પણ એ કોરી પાટીની મજા એ છે કે અહી કોઇની ભીડ નથી ..અહી કોઈ વ્યસ્તતા પણ નથી … કોઈ પજવવાવાળું નથી …..કોઇની ગેરહાજરી ખટકતી નથી …. કોઈને જવાબ દેવાનો નથી .. કોઈને સાંભળવાના નથી .. !!! આ તમારી ખુદની મહેફિલ છે જેમાં તમારી પોતાની મધુર તરજો છે . એકાંત એક એવો પ્રવાસ છે જેમાં તમે છો અને મજાની વાત એ છે કે તમે ચાહે તે કેડીએ જઇ શકો છો , ચાહે ત્યારે રોકાઈ શકો છો . પોતાની જાત સાથે સંવાદ છે જ્યાં શાંતિ છે – નીરવ શાંતિ . એકાંત આમ તો એક ધ્યાન જેવી જ અવસ્થા થઈ કે નહીં ? પણ આની ટેવ પાડવા જેવી છે . એકાંતની આદત જીંદગીને વધુ સારી રીતે સમજવા માટે .. જીંદગીને વધુ સારી રીતે ગોઠવવા માટે બહુ કામની છે . ઘણીવાર એકાંતથી જીવનની નવી દિશા મળી જાય છે . જે ઉકેલ રૂટિન ભીડભાંડમાં દેખાતો નથી હોતો એ ઉકેલ એકાંતની અવસ્થામાં દેખાઈ જાય છે . એકાંત અને એકલાપણું આ બન્નેનો ફરક પણ સમજવા જેવો છે . એકલાપણામાં તમે કશાકથી ભગવા માંગો છો .. કોઈ વિચાર-વ્યક્તિ કે સ્થિતિને પરાણે દૂર ધકેલવા માંગો છો પણ એવું કરી શકતા નથી એવા સમયે તમે પોતે એનાથી અળગા થવાની કોશિશ કરો છો અને એ છે એકલાપણું ..!!! કોઈ મજબૂરીમાંથી પેદા થાય છે એકલતા જ્યારે એકાંત તમે જાતે બાય ચોઈસ બનાવેલું હોય છે , તમે જાતે સ્વીકારેલી અવસ્થા છે જેમાં તમને ના ગમતા વિચાર-વ્યક્તિ કે સ્થિતિ માટે નો એન્ટ્રી છે .

                                               ઇન્સાન ત્વરિત વાત કરવાને બદલે વિચાર કરતો થઈ જાય એ એકાંત છે . સરળ અર્થમાં એમ લાગે કે એકાંત એટલે કશુંક છોડવું .. કશાકથી ભાગવું તો આ અર્થ બિલકુલ સાચો નથી જ . એકાંત ની અવસ્થાને વિકસાવવા માટે કોઈ જંગલ-પહાડ કે દૂર ભાગી જવાની જરૂર નથી . ઓફિસ કે દુકાનેથી આવીને કોઈને પણ કશો જ જવાબ આપ્યા વગર થોડી સેકન્ડો આંખ બંધ કરીને સોફામાં પડ્યા રહેવું એ પણ એકાંત જ છે . કોઈ ફરજિયાત આપવા પડતાં જવાબોને ‘ થોડી વાર માં કહું ‘ કહીને ટાળવું પણ એકાંત છે . કશું જ બોલ્યા વગર સામેવાળાના સવાલનો સ્મિતથી આપેલો જવાબ પણ એકાંત છે . એકદમ શાંતચિત્તે મુંજવતા પ્રશ્નોના જાતે જ શોધવા પડતાં જવાબોની જહેમત એ એકાંત છે . એકલતા હોવાની ને આવવાની પણ એ એકલતાને જો પોઝિટિવ રહીને એકાંતમાં કન્વર્ટ કરી શકો તો એ જ એકલતાપણું જિંદગીના નવા ઉજાસ તરફ લઈ જવાનું . એકાંતની અવસ્થામાં મન અને આત્મા બન્નેનું બરાબર કનેક્શન થવું પડે છે જે મુશ્કેલ છે પણ દિવસમાં થોડો સમય પણ જો આવી એકાંતની અવસ્થામાં જઇ શકવાની ટેવ પડી જાય તો એ મન – આત્મા અને જીવનને નવા જ દૃષ્ટિકોણ સાથે જોવામાં આપણને ચોક્કસ મદદરૂપ થાય છે ..!! …( akurjt@gmail.com  )

  • અજય ઉપાધ્યાય ( ગાંધીનગર સમાચાર -કૉલમ ” રઝળપાટ ” ૧૬ એપ્રિલ ૨૦૨૩)

ઉફફ .. આ ‘ ગરમી ‘ !!!!!!!

Featured

ઉફફ .. આ ‘ ગરમી ‘ !!!!!!!

Image : The Eco Times

બે ત્રણ વર્ષ પહેલા મુંબઇમાં કે ઇવન દેશના બીજા આવા જ મહાનગરોમાં ઘર શોધતા એક વ્યક્તિની પ્રાયોરિટી હતી હવા-ઉજાસવાળું , મોટી મોટી બારીવાળું ઘર . પણ આજે એ જ હવા-ઉજાસ , એ જ મોટી મોટી બારી એના માટે માથાનો દુખાવો બની ગઈ છે . કારણ ?.. કારણ સૂર્યદેવનો વધતો પ્રકોપ કે જેને લીધે કાચની બારીઓમાંથી અસહ્ય એવા તાપનો ઉકળાટભર્યો પ્રકાશ ઘરમાં ચેન નથી લેવા દેતો . ભયંકર ગરમી અને તડકાને લીધે હવે બિચારો એ જ મોટી મોટી બારીઓને સાવ ઢાંકીને આખા ઘરમાં એ. સી. ચલાવવા મજબૂર બની ગયો છે . વાત મુંબઈથી હજારો કિલોમીટર દૂર ઉત્તરપ્રદેશના કોઈ નાના ગામની લઈએ કે જ્યાં મકાનની છત પર ઘાસના પૂળાઓ કે દીવાલો પર માટીના લીંપણ થઈ રહ્યા છે . મુંબઈ જેવા શહેરોમાં તો ઠીક કે લાઇટનો પ્રશ્ન ઓછો હોય એટલે એ. સી કે પંખા ચલાવીને પણ રાહત લે પણ નાના શહેરો કે ગામડાઓમાં સતત વીજળી ના આવે એવા સમયે સુરજદાદાનો પ્રકોપ કેમનો સહન કરવો ??? વાત ભલે મુંબઈની કે યુપી ના કોઈ ઇન્ટરીયર ગામડાંની થઈ રહી હોય પણ દર વર્ષે વધુ ને વધુ હોટ થતાં જતાં ઉનાળાને લીધે સમગ્ર ભારતમાં પરિસ્થિતિ લગભગ લગભગ આવી જ ઊકળાટવાળી અને ધીરે ધીરે અસહ્ય બનતી જાય છે .

લોકો ભલે પોતપોતાની રીતે ગરમીથી બચવાના ટોટકા કર્યા કરે પણ હવામાનખાતું તો આનાથી પણ ભયંકર દિવસોની આલબેલ પોકારે છે . ભલે એમ લાગતું હોય કે દેશમાં ઘણી જગ્યાએ માવઠું કે હિમસ્ખલનો થઈ રહ્યા હોય પણ હકીકતમાં માર્ચમાં જ રાજસ્થાનના કેટલાયે ભાગોમાં તાપમાન ૪૦ ડિગ્રી એ પહોંચવા લાગેલું છે તો મુંબઈ , ગુજરાત , આંધ્ર કે ઓડિસામાં પણ સ્થિતિ લગભગ આવી જ થવા જઇ  રહી છે . ફેબ્રુઆરી ૨૦૨૩માં દેશમાં રેકોર્ડ તાપમાન નોંધ્યું કે જે જનરલી ના હોવું જોઈએ . હવામાનખાતા મુજબ ફેબ્રુઆરી ૨૩ માં દેશનું સરેરાશ તાપમાન લગભગ ૩૦ ડિગ્રી નોંધાયું જે છેલ્લા અંદાજે ૧૨૨ વર્ષમાં સૌથી ઊંચું છે . ૨૦૨૩ની શરૂઆત જોરદાર ઠંડી સાથે થઈ તો લાગ્યું કે આ વર્ષે ગરમી કદાચ મોડી અને ઓછી પડશે પણ ફેબ્રુઆરીમાં જ ગરમી એનો અસલ તાપ બતાવી દીધો અને હવામાનખાતું તો આગાહી પણ કરી ચૂક્યું કે એપ્રિલ થી મે વચ્ચે કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો . અને આ કાળઝાળ એટલે ગયા વર્ષ કરતાં પણ એક-બે ડિગ્રી વધુ તાપમાન સાથેની ગરમી .

                                          એક કે બે ડિગ્રીમાં શું થઈ જવાનું ? એમ જો વિચારતા હોવ તો વર્લ્ડ બેન્કનો આ રિપોર્ટ ખાસ યાદ રાખજો . એનું કહેવું છે કે આવનારા થોડા જ વર્ષોમાં ભારતમાં ગરમીનો પારો માણસની સહનશક્તિની હદ કરતાં પણ વધી જશે . ભારતમાં ૨૦૦૦ થી ૨૦૦૪ અને ૨૦૧૭ થી ૨૦૨૧ વચ્ચે ગરમીને લીધે મોતને ભેટનાર લોકોના આંકડામાં અધધધ કહી શકાય એવો ૫૫% નો વધારો જોવા મળ્યો છે . ૨૦૨૨માં દેશે સૌથી વધુ હીટવેવવાળા દિવસો જોયા છે અને ૨૦૨૩ એનાથી પણ વધુ ગરમ થવાની આગાહી થઈ ચૂકી છે . બિહાર , ઝારખંડ , ગુજરાત , યુ. પી. , ઓડિસા, બંગાળ , છતીસગઢ , મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં પારો વધુ ઊંચે જશે એની નોટિસ ઓલરેડી ઇસ્યુ થઈ ચૂકી છે . હવામાનશાસ્ત્રીઓ નોંધે છે કે ભારતમાં દર વર્ષે હીટવેવની તીવ્રતાની સાથે સાથે હિટવેવવાળા દિવસોની સંખ્યા પણ વધતી જાય છે અને આ ભારત માટે સિરિયસલી ચિંતાનો વિષય છે .

                                            અને ભારત સરકાર આ ગંભીર વિષય પર પૂરતી ચિંતા કરે છે . અસલમાં વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં છેલ્લા બે વર્ષથી વધતી ગરમીને ખાળવાના ઉપાયરૂપે રાજ્યોને હીટ એક્શન પ્લાનનો સચોટ અમલ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે . હીટ એક્શન પ્લાનથી ગરમીને લીધે થતાં મૃત્યુ અટકાવવા , ગરમી સામે લોકોને રાહત મળે એવા પ્રયાસો કરવા અને વધુ પડતી ગરમી પડવાના કિસ્સામાં હોસ્પિટલોમાં અલાયદા વોર્ડ -દવાઓ-ડોકટરો રાખવાથી લઈને વધુ ગરમી પાડવાની સંભાવનાવાળા સ્થળોને ઓળખવા જેવા કાર્યો કરાય છે . કહેવાય છે કે દેશમાં અંદાજે  ૧૦૦ જેટલા આવા હીટ એક્શન પ્લાન છે પણ ખાટલે મોટી ખોટ એ છે કે આમાંથી મોટાભાગના દિશાહીન અને ખરે ટાણે કામ આવે એવા નથી . અને આ હું નહીં પણ હમણાં જ આવેલી સેન્ટર ફોર પોલિસી રિસર્ચનો રિપોર્ટ કહે છે . ૧૮ રાજ્યોના ૩૭ જેવા હીટ એક્શન પ્લાનનું રિસર્ચ કર્યા પછી આવેલા રિપોર્ટનું કહેવું છે કે મોટાભાગના આવા પ્લાન સ્થાનિક પરિસ્થિતિ મુજબ નથી બનાવ્યા કે કાળઝાળ ગરમીનો સામનો કરવા સક્ષમ નથી . પ્લાન માટે સ્પેસીયલાઇઝ્ડ લોકોની કમી છે તો સરકારી અધિકારીઓ પહેલેથી જ ઓવરવર્કના લોડથી દબાયેલા છે . દેશમાં રહેલા ૧૦૦ જેવા આવા હીટ એક્શન પ્લાન માટે નાણાકીય જોગવાઈ ઓછી છે એટલું જ નહીં પણ એના અવલોકનો અને પરિણામોનું કોઈ સંકલન નથી પરિણામે મોટાભાગના પ્લાન ઓન પેપર જ રહી જાય છે અને પબ્લિક ગરમીમાં શેકાય છે . હીટવેવ માટેના આવા પ્લાન માટે ફંડ ક્યાંથી અને કોણ આપશે એ સ્પષ્ટ નથી થતું . જો કે મોદી સરકાર આની વિસંગતિતાઓ દૂર કરવા સતર્ક તો છે પણ હજુ એના પરિણામો બધાને મળે એ દિવસો દૂર છે . એક મજાની વાત એ છે કે અમદાવાદમાં વર્ષ ૨૦૧૦માં પડેલી ભીષણ ગરમીમાં તાપમાન ૪૮ ડિગ્રી પહોંચી ગયેલું અને લગભગ ૭૦૦ લોકોનો ભોગ લઈ લીધેલ એ પછીથી અમદાવાદ મ્યુનિ કોર્પોરેશને પણ હીટ એક્શન પ્લાન અમલમાં મુકેલ અને દેશના ચુનીંદા સૌથી ઉત્તમ પ્લાનમાં અમદાવાદનું નામ સામેલ છે અને આ વર્ષે પણ અમદાવાદ મ્યુનિ કોર્પોરેશને હીટ એક્શન પ્લાન અમલમાં મૂકી દીધેલ છે .  

                                           પણ ગરમી વધતી જવાની એ દિવસો બહુ દૂર નથી જ . ક્લાઇમેટ ચેન્જના માઠા પરિણામો તો ક્યારના મળવા શરૂ થઈ ચૂક્યા જ છે અને એમાં ખાલી ભારત જ નહીં પણ આખી દુનિયા ચકરાવે ચડી ચૂકી છે અને એમાં પાછો ‘ અલ નિનો ‘ પણ પોતાનું ભરપૂર યોગદાન આપી રહ્યો છે એવામાં આ ઉનાળો પણ વધુ આકરો રહેવાની સંભાવનાએ મને ને તમને ચિંતામાં મૂકી દીધા છે . અસલમાં ૪૦ ડિગ્રીથી વધુ તાપમાન સહન કરતી વખતે માનવશરીરને હીટસ્ટ્રોકનો ખતરો આવી શકે છે . વધુ પડતી ગરમી પાણીની તંગી ઊભી કરી શકે છે . ચેન્નાઈ જેવા શહેરમાં દર ઉનાળે પાણીની તંગી ઊભી થાય છે જે વધુ ગરમીને લીધે દેશભરમાં સંકટ બની શકે છે . હમણાં જ મળેલી મિટિંગમાં પણ સરકારે પાણીના સ્તોત્રોને જાળવી રાખવા પર જોર આપેલું છે .  જળાશયો સુકાઈ શકે છે એટલું જ નહીં પણ હિમાચલ જેવા વિસ્તારોના જંગલોમાં ઓસ્ટ્રેલીયા-અમેરિકાની જેમ દાવાનળ લાગી શકે છે . ભારતમાં છેલ્લા ૩૦ વર્ષોમાં લગભગ ૨૭૦૦૦ જેટલા લોકો હીટવેવ કે ગરમીનો શિકાર બની ગયા અને કરુણતા એ છે કે આમાંથી મોટાભાગના બાળકો , મજૂરો , વૃધ્ધો , ગર્ભવતી સ્ત્રીઓ કે ખેડૂતો હતા . સગવડવાળા લોકો પોતાની રીતે ગરમીનો હલ શોધી લેશે પણ આવા લાચાર અને મજબૂર લોકો સુધી હીટ એક્શન પ્લાન પહોંચે એ જરૂરી છે અને એના માટે સરકારની સાથે સાથે નાગરિકો અને સામાજિક સંસ્થાઓએ પણ આગળ આવવું પડશે એટલું જ નહીં પણ દુનિયાના તાપમાનમાં વર્ષે વર્ષે વધારો થવાનો છે એ નક્કી છે તો ગરમીને નાથવાના ઉપાય તરીકે વૃક્ષો વાવવા કે વૃક્ષો ઓછા કાપવા , ઈંધણના નવીન પ્રયોગો કરવા જેવા કે ઇલેક્ટ્રિક અને સીએનજી વાહનોનો વ્યાપ વધારવો , કાર્બનનું ઓછું ઉત્સર્જન થાય એવી રીતે ઉદ્યોગોનું સંચાલન કરવું થી લઈને આવી કાળઝાળ ગરમીમાં નિસહાય અને નિરાધારને ટેકો કરવો જેવી માનવીય ફરજોને અગ્રતા આપવી પડશે . ( akurjt@gmail.com  )

  • અજય ઉપાધ્યાય ( ગાંધીનગર સમાચાર – કૉલમ ” રઝળપાટ ” ૯ એપ્રિલ ૨૦૨૩ )

મારી ‘ રીલ ‘ ઉતારો રાજ !!!!!!!

Featured

મારી ‘ રીલ ‘ ઉતારો રાજ !!!!!!!

૨૦૨૦મા યુઝર્સની જાસૂસીના આરોપસર ખૂબ જ લોકપ્રિય અને મનોરંજક એપ ‘ ટિકટોક ‘ પર ભારતમાં અને બીજા દેશોમાં પ્રતિબંધની ચોકડી લાગી ગઈ આનો સીધો અને સૌથી વધુ લાભ જો કોઈને થયો હોય તો એ હતું સોશિયલ નેટવર્ક ‘ ઇન્સ્ટાગ્રામ ‘..!!! અને એમાં પણ ઇન્સ્ટાગ્રામનું નાની ફિલ્મ કે વિડીયો બનાવી આપતું ફીચર ‘ રીલ્સ ‘ નો તો સુવર્ણકાળ આવી ગયો કેમકે ઇન્સ્ટાગ્રામનું આ ફીચર ઓલમોસ્ટ ઓલમોસ્ટ એ બધી જ ફેસિલિટીથી સજ્જ હતું જે ટિકટોકમાં હતી . પછી શું ? યુઝર્સને તો ટિકટોક ગયાનું દુખ ભૂલવામાં આ રીલ્સ બરાબર કામ લાગી ગયું અને એ એટલું પ્રચલિત થઈ ગયું કે ઇન્સ્ટાગ્રામના સબ્સ્ક્રાઇબર કુદકે ને ભૂસકે વધવા લાગ્યા . આમ પણ એક સમયે સોશિયલ મીડિયાનું માંધાતા ગણાતા ફેસબુકથી નવીનતાના અભાવે મોટાભાગનો યુવાવર્ગ મોઢું ફેરવી ચૂક્યો હતો એવામાં ફેસબુકનું જ માસિયાર એવા ઇન્સ્ટાગ્રામ પર જવા દિલો કિ ધડકનની ગિરદી વધવા લાગી . ઇન્સ્ટાગ્રામ મૂળે ફોટો શેરિંગ એપ કહેવાય પણ રીલ્સના જાદુને લીધે આજે ઇન્સ્ટાગ્રામ ફેસબુકથી યુઝર્સના મામલે બહુ પાછળ નથી ..અને હવે આજે તો ઇન્સ્ટાગ્રામની રીલ્સ માત્ર ગીત-સંગીત નહીં પણ બીજી અનેક ક્રિએટિવ ટોપીકોથી છલકાઈ રહી છે !!!!

આજના યુગમાં રોટી .. કપડાં અને મકાનની સાથે સાથે મોબાઈલ પણ એટલી જ જરૂરી વસ્તુ બની ગઈ છે અને એની પાછળનું સૌથી મોટું કારણ સસ્તો ઈન્ટરનેટ ડેટા તેમજ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ જેવી સોશિયલી કનેકટીંગ એપ અને વોટ્સએપ જેવુ મેસેજિંગ માધ્યમ છે . દુનિયામાં લગભગ ૬૦% લોકો પાસે ફુલ્લી લોડેડ મોબાઈલ છે અને એક યુઝર એવરેજ ત્રણેક કલાક સોશિયલ મીડિયા પર વિતાવે છે એમાં પણ ઇન્સ્ટાગ્રામની રીલ્સ કદાચ સૌથી વધુ સમય લઈ લેતી હશે . જી હા પહેલા ૧૫ સેકન્ડ માટે હતી એ ઇન્સ્ટાગ્રામ રીલ હવે ૯૦ સેકન્ડની બનાવી શકાય છે . મૂળમાં જેને શોર્ટ ફિલ્મ કે ક્લિપ કહી શકાય એવી આ મહા એડિકટિવ રીલ્સની શરૂઆત તો છેક ૨૦૧૩મા vine  ગ્રુપ દ્વારા થઈ હતી કે જેમાં માત્ર ૬ સેકન્ડની શોર્ટ ફિલ્મ બની શકતી હતી પણ આ રીલ્સની રમઝટ તો ચાલુ થઈ ૨૦૧૬મા ટિકટોકના આવવા સાથે જ અને જોતજોતામાં દુનિયાભરમાં ટિકટોકના પરદે ગીતો ગાતા , નાચતા કે એક્ટિંગ કરતાં લોકોની સંખ્યા દિવસે ને દિવસે વધવા લાગી . આમ તો ઇન્સ્ટાગ્રામ રીલ્સ ૨૦૧૯થી માર્કેટમાં હતી જ પણ અમુક ચુનીંદા દેશોમાં જ . અમુક દેશોમાં ટિકટોકની વિદાય સાથે જ 2020માં ફેસબુકે ઇન્સ્ટાગ્રામ રીલ્સ સંપૂર્ણપણે દરેક માટે રજૂ કરી અને ઇન્સ્ટાગ્રામ રીલ્સે બહુ જલદી ટિકટોકનું ખાલી સ્થાન ભરી દીધું છે .  આ તો શું છે કે ઇન્સ્ટાગ્રામ રીલ્સ કે યુટ્યુબ શોર્ટ વધુ ફેમસ છે એટલે બાકી એ સિવાય આવા જ બીજા પ્લેટ્ફોર્મસ ઇન્ડિયામાં મોજૂદ છે જેમાં જોશ , મોજ . એમએક્સ ટકાટક , ઝીલી , શેરચાટ વગેરે સામેલ છે .   

                                 ‘ કોઈ મને આ રીલ્સ જોવાની બિમારીમાંથી બચાવો ‘ આવા સ્ટેટસ ભલે રમૂજમાં લખાતા હોય પણ આ હકીકત છે . રીલ્સ એટલા એડિકટિવ થતાં જાય છે કે એકવાર તમે એ જોવાનું ચાલુ કરો પછી કોઈ હાથમાંથી મોબાઈલ આંચકી ના લે ત્યાં સુધી મટકું ના મારો ..!! રીલ્સની આટલી લોકપ્રિયતાનું સૌથી મોટું કારણ છે એની લંબાઈ . આજના ફાસ્ટ યુગમાં કોઈને લાંબી લાંબી પોસ્ટો લખવાનું કે વિડીયો બનાવવાનો ટાઈમ નથી કે એવી જ રીતે સામે છેડે જોનાર કે વાંચનારને પણ એટલો સમય કયા ? એટલે ઓછા સમયમાં મનોરંજન કે માહિતી આપતું આ ટચૂકડું ફોર્મેટ ફટાફટ ફેમસ થવા માંડ્યું છે . ખાલી ઇંસ્ટા જ નહીં પણ ફેસબુક પર પણ રીલ્સ બનાવી શકાય છે અને યુટ્યુબ પણ શોર્ટના નામે આ ફેસીલીટી આપે જ છે પણ ઇન્સ્ટાગ્રામ રીલ્સ વધુ લોકપ્રિય છે . જો કે મનોરંજનથી શરૂ થયેલ આ ટચૂકડા ફોર્મેટની સફર હવે તો કેટલાય લોકો માટે કમાણીનું સાધન બની ગયું છે . ઓછા સમયમાં વધુ માહિતી આપતી રીલ્સ દ્વારા કેટલાયે લોકો પોતાની ચીજ વસ્તુઓનું વેચાણ કરી રહ્યા છે . કહેવાય છે કે ઇન્સ્ટાગ્રામ કે ઇવન ફેસબુક રીલ્સ જ આવનાર સમયમાં ખરીદ-વેચાણનું મોટું બજાર બનવાનું છે . કેમકે પોતાના ઉત્પાદનનું કોઈ જ પ્રકારના બીજા ખર્ચ વગર ડાયરેક્ટ ગ્રાહક સાથે જોડાણ કરાવી આપતું આ ટૂંકું ફોર્મેટ વેચનાર અને લેનાર બન્નેને માફક આવતું જાય છે .

                                            જી હા તમે જેને સ્ક્રોલ કરીને મનોરંજન મેળવો છો એના વડે જ ઘણા લોકો પૈસા બનાવી રહ્યા છે . ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક કે ઇવન યુટ્યુબની રીલ્સથી ઘણા બધા કન્ટેન્ટ ક્રિએટર મહિનાના હજારોથી લઈને લાખો કમાઈ રહ્યા છે . ઈન્સ્ટાગ્રામ એન્ટરટેઈનમેન્ટની સાથે સાથે હવે કમાણીનું માધ્યમ પણ બની રહ્યું છે. રીલ્સ અને પોસ્ટ દ્વારા વ્યાપાર તો ચાલી જ રહ્યો છે પણ તમે અપલોડ કરેલી રીલ્સનું કન્ટેન્ટ જો લોકપ્રિય બની ગયું કે એને લીધે જો તમારા ફોલોવરમાં નિયત સંખ્યામાં વધારો થઈ ગયો તો ઇન્સ્ટાગ્રામ તમને પૈસા આપે છે . વધુ ને વધુ લોકો તમારી રીલ્સ જુએ , રીએક્ટ  કરે અને ફોલો કરે તો તમારી રીલ્સ કમાણીનું સાધન પણ બની શકે છે . પોપ્યુલર રીત સ્પોન્સર્ડ કન્ટેન્ટ બનાવવાની છે. બ્રાન્ડ્સ તમારો સંપર્ક કરે છે અને તમને તેમના પ્રોડક્ટ અથવા સેવાનો પ્રચાર કરવા કહે છે બદલામાં તમે તમારા ફોલોવરની સંખ્યાના પ્રમાણે ચાર્જ લો છો . બીજી રીત છે કોઈ બીજાના પ્રોડક્ટ અથવા સર્વિસને પ્રમોટ કરીને, તમે જે પણ વેચાણ કરો છો તેમાંથી કમિશનની કમાણી કે જેને એફિલિએટ માર્કેટિંગ કહેવામાં આવે છે. આ ઉપરાંત અન્ય એકાઉન્ટ્સને શાઉટઆઉટ્સ આપીને મતલબ કે તમે કોઈ બીજા ઈન્ફ્યુએન્સરના અકાઉન્ટને ચેક કરવાની અને ફોલો કરવાની રિક્વેસ્ટ પોતાના પોસ્ટ અથવા કેપ્શનમાં આપીને તેના બદલામાં પૈસા લઈ શકો છો. જો કે આ બધા માટે તમારા એકાઉન્ટ કે રીલ્સના વ્યૂ ખૂબ જ વધારે હોવા જોઈએ . તમારી રીલ કે એકાઉન્ટની રીચ વધુ હોવી જોઈએ અને એના માટે તમારે કોઈ ચીલાચાલુ નહીં પણ કશુંક હટકે , કઈક નવીન વાત કે વસ્તુને રીલ્સમાં લાવવી પડે . જો કે આજકાલ તો રીલ જોવી જ એક વ્યસન જેવુ થઈ ગયું છે એવામાં ટ્રેન્ડિંગ થયેલ ટૉપિક પરની રીલ હજારો કે લાખોમાં વ્યૂ મેળવી જ જાય છે .

                                          જો કે મોટાભાગના યુઝર્સ મજા માટે રીલ્સ બનાવે છે અને હવે તો લોકોને રીલ્સનો એવો ચસ્કો લાગ્યો છે કે રીલ્સ બનાવવા માટે સ્પેશિયલી નવી નવી જગ્યાએ જતાં થઈ ગયા છે . હરવા ફરવાના સ્થળોએ અચાનક જ રીલ બનાવવા માટે કોઈ નાચવા કે ગાવા માંડે એવા દ્રશ્યો હવે કોમન છે . સોશિયલ મીડિયા પર ફેમસ થવાની લ્હાયમાં લોકો જોખમી રીતે સ્ટંટ કરતી રીલ્સ બનાવવામાં જીવ પણ ગુમાવે છે . આનો ચસ્કો એવો છે કે ઘણીબધી સરકારી ઓફિસો અને પોલીસ જેવા હોદ્દાઓ માટે ઓનડયુટી રીલ્સ બનાવવી ગુનો છે . ફોલોવર વધારવાની લ્હાયમાં હાથમાં સાચા કે ખોટા તમંચા કે બંદૂક લઈને કે જોખમી જગ્યાઓએ જાન જોખમમાં મૂકીને સ્ટંટ કરતાં કે પછી ફેમસ ગીતો કે ડાયલોગ કે સિચ્યુએશન પર બનેલી રીલોથી ઇંસ્ટા ફેસબુક કે યુટ્યુબ ઉભરાય છે . જો કે ઘણા બધા યુઝર્સ ખરેખર ઇન્ટેલિજન્ટ કહી શકાય એવી કે પછી ખૂબ જ મહેનતથી બનાવેલ ઓરીઝીનલ કન્ટેન્ટ પણ આપી રહ્યા છે અને એ જોવું ગમે પણ છે . મૂળ તો બીજાની રિલ જોઈને ‘ આવું તો મને પણ આવડે ‘ કહીને રીલ્સ બનાવવા મંડી પડનાર વધી રહ્યા છે અને એની સાથે સાથે વધી રહ્યો છે રીલ્સ બનાવવાનો શોખ ગણો કે ધંધો ગણો કે ક્રિએટિવિટી જે ગણો તે . લોકો રીલના નામે લીટરલી ‘ કુછ ભી ‘ બનાવી રહ્યા છે છતાં પણ એક વાત તો નક્કી છે કે  મને ને તમને આ રીલ્સ જોવી ગમે તો છે જ અને આ ગમવામાં જ આવા શોર્ટ વિડીયો એપની ધમધોકાર સફળતા છુપાયેલી છે ..!!!! …( akurjt@gmail.com  )

  • અજય ઉપાધ્યાય ( ગાંધીનગર સમાચાર – કૉલમ ” રઝળપાટ ” ૨૬ માર્ચ ૨૩ )

હાથવગા મનોરંજન ‘ ઓટીટી ‘ ની આગેકૂચ ..!!!

કોવિડના કપરાકાળમાં જો કોઈ મન ને અને આંખને ઠંડક આપતી કોઈ જો સારી ઘટના બની હતી તો એ હતી ઓટીટી નું આગમન..!!!! આમ તો આગમન ના કહેવાય કેમકે ઓટીટી તો ઘણા વર્ષોથી ભારતમાં હતું જ પણ કોરોનાના કપરાકાળમાં મનોરંજનના અભાવે આ હાથવગું હથિયાર ખૂબ જ લોકપ્રિય થયું એટલું જ નહીં પણ એ પછીના અત્યાર સુધીના ૨-૩ વર્ષોમાં દિન દુની રાત ચોગુની પ્રગતિ કરી રહ્યું છે . ભારતનું પ્રથમ ઓટીટી વર્ષ ૨૦૦૮મા રિલાયન્સ એન્ટરટેનમેન્ટે શરૂ કરેલું અને એનું નામ હતું બિગફલિકસ એ પછી ૨૦૧૦માં Digivive નું Nexg Tv આવેલું પણ સાચા અર્થમાં ઓટીટીની લોકપ્રિયતા તો કોરોનાકાળમાં વધી . હા એ પહેલા પણ ઓટીટી હતા જ પણ એક તો આજે છે એટલી સંખ્યામાં નહોતા અને બીજું કે એ બધાને પોસાય એવા પણ નહોતા અને સૌથી અગત્યનું કે ત્યારે ઓટીટી પર અત્યારે છે એટલા વિધવિધ કન્ટેન્ટ પણ નહોતા . સરવાળે લોકોમાં ઓટીટી વિષે ખબર તો હતી પણ લોકપ્રિયતા એટલી બધી હતી નહીં . છેલ્લા બેક વર્ષથી ઓટીટી એ ભારત અને વિશ્વના મનોરંજનપ્રેમીઓમાં પોતાનું નક્કર સ્થાન જમાવી લીધું છે અને આવનાર સમયમાં હજુ પણ વધુ ને વધુ મજબૂત સ્થાન જમાવશે એ નક્કી છે .

ઓટીટી ઓટીટી બહુ વાંચ્યું તો એમ થયું હશે ને કે આ ઓટીટી એટલે શું ? ઓટીટીનું ફૂલ ફોર્મ છે ઓવર ધ ટોપ . સીધી ને સરળ ભાષામાં તમારા સ્માર્ટ ટીવી પર .. તમારા મોબાઈલ પર કે તમારા આઇપેડ કે ટેબલેટ પર પીરસાતું મનોરંજન કે જેના માટે તમે એક ચોક્કસ રકમ ચૂકવો છો . જો કે ઘણા ઓટીટી પ્લેટફોર્મ મફતમાં પણ જોવા મળે છે . આજે જ્યારે ચાર લોકોના એક ફેમિલીને મલ્ટિપલેક્ષમાં ફિલ્મ જોવા માટે બધુ મળીને લગભગ ૨૦૦૦ જેવો ખર્ચ કરવો પડે છે એવામાં ઓટીટી ઘરે બેઠા એ જ ફિલ્મ તમને વર્ષના ૩૯૯ થી ૫૯૯૯ સુધીના ખર્ચમાં જોવા આપે છે અને એ પણ જેટલીવાર અને ગમે એટલા લોકો સાથે અને ઢગલો ફિલ્મો . ખેર ઓટીટી પ્લેટ્ફોર્મસ આજકાલ એટલા લોકપ્રિય બની ગયા છે કે એની વ્યાખ્યા આપવાનો કોઈ અર્થ નથી અને ખાસ તો મનોરંજનનું મુખ્ય માધ્યમ એવી હિન્દી ફિલ્મો કે બીજી ભાષાની ફિલ્મો જે સંખ્યામાં અને જે ઝડપે ઓટીટી પર ઉપલબ્ધ થઈ રહી છે એ જોતાં આવનારો સમય મનોરંજનના નામે એક નવો જ અધ્યાય લખવાનો છે એ નક્કી છે .

                               અને આમાં બે હાથમાં લાડવો તો દર્શકોને જ છે . એક તો નવીનક્કોર ફિલ્મ ઘેરબેઠા અને એ પણ મામૂલી ખર્ચમાં જોવા મળે અને બીજું કે ભંગાર ફિલ્મ કે કંટાળાજનક ફિલ્મને કેન્સલ પણ કરી શકાય . હાથવગા મનોરંજનને લીધે હવે લગભગ દરેક ઓટીટી પ્લેટફોર્મ વધુ ને વધુ કન્ટેન્ટ પીરસવાની હોડમાં લાગી ચૂક્યા છે કે જેનાથી વધુ ને વધુ દર્શકો અને એ હિસાબે સબ્સ્ક્રાઇબર એમની સાથે જોડાય અને રેવન્યુ – આવક વધે .  થિયેટરો ધીમે ધીમે ઓછા થઈ રહ્યા છે અને બીજું કે સરખી મહત્વની ફિલ્મો એકસાથે રજૂ થાય ત્યારે થિયેટરો મળવાની સમસ્યા ઊભી થઈ જાય છે. દર અઠવાડિયે સરેરાશ ચાર હિન્દી ફિલ્મો રીલીઝ થાય છે . દેશમાં લગભગ ૧૦૦૦૦ની આસપાસ સ્ક્રીન છે એમાંથી માત્ર ૨૫૦૦ આસપાસ મલ્ટિપલેક્ષના છે એવામાં મોટા બજેટની અને મોટા સ્ટારકાસ્ટવાળી બે ફિલ્મો જો એકસાથે કે આજુબાજુમાં રીલીઝ થાય તો સ્ક્રીન મળવાનો અને એ જ રીતે દર્શકો મળવાનો પ્રોબ્લેમ થાય એવામાં ઘણીબધી હિન્દી ફિલ્મો ડાયરેક્ટ ઓટીટી પર જ રીલીઝ કરી દેવાય છે કેમકે નેટફલિકશ , પ્રાઇમ વિડીયો કે સોની લિવ જેવા સબળા ઓટીટી પ્લેટફોર્મ પર સબ્સ્ક્રાઇબરની સંખ્યા કરોડોમાં છે અને નિર્માતાને વળતર પણ સારું મળે છે .

                              આ બધા કરતાં પણ જો કોઈ અગત્યનું પરિબળ હોય તો એ છે લોકોએ મોબાઇલના નાના પડદે કે ટીવીના પડદે મનોરંજન મેળવવવાની પાડેલી ટેવ . આઈપીએલ હમણાં જ શરૂ થવા જઈ રહી છે જે સ્ટાર સ્પોર્ટ્સ પર આવશે પણ એનું ઓનલાઈન કે ઓટીટી પ્રસારણ જીઓ સિનેમા પર થવાનું અને એ પણ ફ્રી.. મફત ..!!! તમને યાદ હશે કે છેલ્લે રમાયેલ ભારત-પાકિસ્તાનની મેચ વખતે એને હોટસ્ટાર પર લાઈવ જોનારનો આંકડો એક કરોડને વટી ગયેલો ..!!! અત્યારે ૨૯% માર્કેટશેર સાથે હોટસ્ટાર પ્રથમ , ૨૩% સાથે જીઓ ટીવી સેકન્ડ અને એના પછી પ્રાઇમ વિડિયો માર્કેટ લીડર છે . શરૂઆતમાં મોબાઇલના ૫-૬ ઈંચની સ્ક્રીન પર જે ફિલ્મ જોવાનું કે મેચ જોવાનું બહુ નહોતું જામંતું એની જગ્યાએ અત્યારે લોકો અપડાઉનમાં કે ખાલી ટાઈમમાં પોતાને ગમતી ફિલ્મ , વેબ સીરિઝ કે બીજું મનોરંજન જોઈ લે છે અને એટલે જ ભારતમાં ઓટીટીની સંખ્યા જે એક જમાનામાં આંગળીના વેઢે ગણાય એટલી હતી એ આજે લગભગ ૪૦ થી વધુના આંકડે પહોંચી છે અને એની લોકપ્રિયતાનો અંદાઝ એના પરથી આવશે કે દેશમાં લગભગ ૫૫% લોકો પોતાને ગમતા ટીવી શો , ફિલ્મો કે રમતગમત માટે ઓટીટી નો સહારો લે છે અને બાકીના લોકો હજુ આના માટે ડિશ કે કેબલ વાપરે છે . ઝડપથી વધતા ઓટીટી પ્લેટફોર્મ ડીટીએચ અને કેબલ ઓપરેટર માટે પડકાર સમાન છે. લગભગ દરેક મોબાઇલમાં સ્પીડી ઈન્ટરનેટ અને સ્માર્ટફોનની વધતી સંખ્યાના કારણે આ પ્લેટફોર્મ લોકપ્રિય થયા છે. ૨૦૧૮મા જે ઓટીટી પ્લેટફોર્મ માર્કેટ ૩૫૦૦૦ કરોડનું હતું એ આજે લગભગ ૪ લાખ કરોડનું થવા જઈ રહ્યું છે . ૨૦૨૪ સુધીમાં લગભગ ૮૫% લોકો બ્રોડબેન્ડ ધરાવતા હશે ત્યારે વિચારો કે આ આંકડો કયા પહોંચશે ?અને વધતો જતો આ આંકડો  ખાલી મલ્ટિપલેક્ષ માટે જ નહીં પણ ટીવી ચેનલો માટે પણ ચિંતા કરનારો છે કેમકે જો આ જ રીતે ફિલ્મો સીધી ઓટીટી પર રીલીઝ થવા મંડશે કે લોકો સ્પોર્ટ્સ અને ટીવી શોઝ ઓટીટી પર જ જોતાં થઈ જશે તો આ બંનેનું અસ્તિત્વ ખતરામાં આવી જવાનું . અને એટલે જ ભારત સરકાર હવે પોતાનું ઓટીટી પ્લેટફોર્મ લોન્ચ કરવાનું છે કેમકે મનોરંજનનું આ જ ભવિષ્ય છે અને દૂરદર્શનની પહોંચ ઘટે એ પહેલા સરકાર આ પગલું લેવા માંગે છે . જો કે અમુક ફિલ્મો થિયેટરમાં જોવાની જે મજા આવે , સમૂહમાં જોવાની જે થ્રીલ આવે એ મજા એ રોમાંચ ઓટીટી પર જોવામાં ગાયબ છે અને એટલે જ કંતારા , પઠાણ , પુષ્પા જેવી ફિલ્મો થિયેટરમાં પણ ફૂલ જાય જ છે . સરવાળે જો ફિલ્મ મજબૂત હશે તો લોકો થિયેટર છલકાવી જ દેવાના .

                                      ઓટીટી પર રજૂ થતાં કન્ટેન્ટની કોમન ફરિયાદ એ છે કે એમાં પુનરાવર્તન બહુ હોય છે . લગભગ દર ત્રીજી વેબસીરિઝ ગાળો , મારામારી , ડ્રગ્ઝ કે અંડરવર્લ્ડ પર હોય છે . ઓટીટી એ આમાં બદલાવ લાવવો પડશે . કેમકે ખાલી ફિલ્મોથી ઓટીટી પોતાનો દર્શકવર્ગ નહીં સાચવી શકે . જો કે હવે ફિલ્મોના હીરો. હિરોઈન , લેખકો ઓટીટી માટે પણ એ જ કન્ટેન્ટ આપી રહ્યા છે , એમાં કામ કરી રહ્યા છે જેને લીધે દર્શકોને સિનેમામાં મળતું મનોરંજન ઓટીટી પર મળતું થયું છે . ઓટીટીનો સૌથી મોટો પ્લસપોઈન્ટ છે એનું હાથવગું હોવું . ગમે ત્યાં અને ગમે ત્યારે તમે એનો ઉપયોગ કરી શકો છો અને ઓટીટી પ્લેટ્ફોર્મસથી લઈને એના પર કન્ટેન્ટ મૂકનાર આ વાતથી બરાબર વાકેફ છે . એમેઝોન પ્રાઇમ , હોટસ્ટાર , સોની લિવ , શેમારુમી , નેટફલિકશ જેવા નામો તો જાણતા જ હશો પણ એ સીવાય મુબી પર દેશવિદેશની સારી ક્લાસિક ફિલ્મોનું સરસ કલેક્શન છે તો ટયુબીટીવી પર પણ ફ્રી માં હોલિવૂડની ઘણી ફિલ્મો ને શોઝ છે . લાયન્સગેટ પ્લે માં સરસ ડોક્યુમેન્ટરીઝ અને ફિલ્મો છે જે એમેઝોન સાથે આવે છે . આ સીવાય ભારતની ઘણીબધી ભાષાના ઓટીટી પ્લેટ્ફોર્મસ તો છે જ . ફિલ્મો અને ઓટીટી તો હવે એકબીજાના પૂરક બની ગયા છે એ હકીકત છે અને એટલે જ મલ્ટિપલેક્ષ કે સીનેમઘરોએ એવી ફિલ્મોનો ઇન્તેઝાર કરવો પડે છે કે જે માત્ર ને માત્ર સિનેમાના મોટા પરદે જ જોવાની મજા આવે . હવે તો મોટાભાગની ફિલ્મ ક્યારે ઓટીટી પર આવશે એ નક્કી હોય છે એટલું જ નહીં પણ ઘણી બધી ફિલ્મોના સેટેલાઈટ રીલીઝ પાર્ટનર ઓટીટી પ્લેટફોર્મ જ હોય છે એટલે સરવાળે દર્શકોને તો ચાંદી જ ચાંદી છે પણ મનોરંજનના આ નવા પડકારને પહોંચી વળવા ટીવી અને થિયેટરોની દુનિયા મનોરંજનનાં નવા અને વધુ લોકપ્રિય સ્વરૂપની રાહ જોઈ રહ્યા છે , બદલાવ કરી રહ્યા છે અને મનોરંજનના એ નવા ક્લેવરનો સાક્ષી બનવા દર્શક ઉત્સુક છે . ( akurjt@gmail.com  )

  • અજય ઉપાધ્યાય ( ગાંધીનગર સમાચાર – કૉલમ “રઝળપાટ ” ૧૯ માર્ચ ૨૦૨૩ )

દિલ તો કચ્ચા હૈ જી !!!!!

Featured

દિલ તો કચ્ચા હૈ જી !!!!!

      બે મિત્રો થિયેટરમાં એય ને મજાથી ફિલ્મ જોઈ રહ્યા હતા અને અચાનક એક ને છાતીમાં દુખાવો થયો અને બીજા લોકો કાઇ વિચારે એ પહેલા તો હાર્ટ એટેક .. મધ્યપ્રદેશના ભીડમાં એક 12 વર્ષનો બાળક શાળામાં લંચ લીધા પછી ઘરે પાછા જવા સ્કૂલબસમાં બેઠો .. ચક્કર .. દુખાવો અને હાર્ટ એટેક.. કેસ ખલ્લાસ ..!!! મેરઠમા એક સગીર છોકરાને આવી છીંક અને છીંકની સાથે જ આવ્યો હાર્ટ એટેક .. એમ. પી. ના જ સીવનીમાં  સંબંધીના લગ્નપ્રસંગમાં નાચતી મહિલા અચાનક જ પડી ગઈ .. હાર્ટએટેક અને ખુશીના પ્રસંગમાં છવાય ગયો માતમ ..!! સોશિયલ મીડિયા પર એક વધુ ભયાનક વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે લગ્નપ્રસંગમાં એક વ્યક્તિ વરરાજાને મહેંદી લગાવી રહ્યો છે અને અચાનક ઢળી પડે છે .. વિડિયોમાં જોઈ શકાય છે કે માત્ર 2-5 સેકન્ડ પહેલા હસતાં હસતાં મહેંદી લગાવવા આવેલો એ વ્યક્તિ અચાનક નિશ્ચેતન થઈ જાય છે .. શોકીંગ ..!!! હૈદ્રાબાદના એક વિડિયોમાં બેડમિંગટન રમતો માણસ કોર્ટ પર જ ઢળી પડે છે .. તો હમણાં જ રાજકોટ અને અમદાવાદ માં પણ ક્રિકેટના ચાલુ મેચ દરમ્યાન એટેક આવીને ખેલાડી ઢળી પડયાના વિડીયો પણ સામે આવ્યા છે ..!! જિમમાં વર્કઆઉટ કરતાં કરતાં ઢળી પડતાં લોકો .. ચા ની કીટલી પર ચા બનાવતા બનાવતા એટેક આવતા લોકો .. એમ જ બેઠા બેઠા ઢળી પડતાં લોકો .. ઊભા ઊભા એટેકથી પડી જઈને સ્વર્ગે સીધાવતા લોકો .. અચાનક જ સોશિયલ મીડિયા ડર લાગે એવા વિડિયોથી અને વર્તમાનપત્રો આવા અણધાર્યા એટેકના સમાચારોથી છલકાઈ રહ્યા છે ..!!!

  હાર્ટએટેક કોઈ નવી વાત તો નથી જ પણ જે રીતે છેલ્લા થોડા સમયમાં હાર્ટ એટેકના બનાવો વધી રહ્યા છે એ સામાન્ય લોકોમાં અને મેડિકલ જગતમાં ચોક્કસથી ચિંતા જન્માવનાર અને વિચારતા કરી મૂકનાર છે તો ખરા જ અને એમાં પણ વધુ ચિંતાજનક છે જે ઉમરના લોકો આજકાલ હાર્ટએટેકના શિકાર બની રહ્યા છે એ . ડાયાબિટીસ કે હાર્ટએટેક જેવા રોગો સામાન્યપણે મોટી ઉમરના લોકોમાં હોય એવું આપણે માનીએ છીએ પણ ઉપર લખ્યા એવા સેંકડો બનાવોમાં હાર્ટએટેકથી મરનારની ઉમર 24 થી ૪૦ વર્ષ વચ્ચેની છે અને મધ્યપ્રદેશના બનાવ મુજબ તો બાળકો પણ આના શિકાર બની રહ્યા છે . ભારતમાં છેલ્લા બે મહિનામાં હાર્ટએટેકથી મરનારની સંખ્યામાં લગભગ 20% ની વૃધ્ધિ થઈ છે . ઈન્દોરમાં એક સર્વે કરવામાં આવ્યો કે જેમાં જાણવા મળ્યું કે ૧૮ વર્ષથી ઉપરના લગભગ ૪૮% યુવાનોમાં કોઈ ને કોઈ ભયંકર બીમારી જોવા મળી . એક લાખ લોકો પર કરેલ સર્વેમાં લગભગ ૪૮૦૦૦ જેટલા લોકો કોલેસ્ટ્રોલ , બ્લડપ્રેશર , ડાયાબિટીસ , કિડની પ્રોબ્લેમ જેવી બીમારીથી ત્રસ્ત જોવા મળ્યા અને આ જ બીમારીઓ આગળ જઈને હાર્ટ એટેકની નિમિત બનવાની શક્યતાઓ રહેલી હોય છે .

                                                   સોશિયલ મીડિયા પર અચાનક આવતા હાર્ટએટેકના વિડિયોની સાથે સાથે એ વાત પણ જોર પકડી રહી છે કે કોરોનાની વેકસસીન અને કોરોના ખુદ પણ આના માટે જવાબદાર છે . સોશિયલ મીડિયા પર તો મેસેજ ફરે જ છે કે જો તમે કોરોના વેક્સિન લીધી હોય તો હ્રદય નબળું પાડવાના ચાન્સીસ વધુ છે અને એના ઉપાય તરીકે લસણની ચાર કળી કાચી રોજ ગળી જવી . જો કે આ તો કોરોના વખતે ફૂટી નીકળેલા અનેકો તુક્કાઓમાંનો એક જ છે પણ આ કદાચ એક કારણ પણ હોય શકે એ એટલા માટે માનવું પડે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (who ) ના પૂર્વ ચીફ સાયન્ટિસ્ટ સૌમ્યા સ્વામીનાથને કહ્યુ છે કે ભારતમાં હાર્ટ એટેકના વધતા કેસનું કારણ કોરોના સંક્રમણ પણ હોઈ શકે છે. સૌમ્યાનું માનવું છે કે કોવિડ સંક્રમણના કારણે હાર્ટ એટેક, ડાયાબિટીસ અને સ્ટ્રોકનું જોખમ વધી ગયુ છે.  જો કે આ એક માત્ર શક્યતા છે હજુ સુધી આવું માનવાનું કોઈ કારણ સામે આવ્યું નથી . જો કે એ હકીકત છે કે કોરોનાનું સંક્રમણ હાર્ટ અને ફેફસામાં વધુ ફેલાય છે અને એને લીધે હાર્ટ નબળું પડી જાય છે અને ઇમ્યુન સિસ્ટમ પણ વીક બને છે જેથી કાર્ડિયાક એરેસ્ટનું જોખમ વધી જાય છે . અમુક સંશોધાનોમાં એ પણ સાબિત થયું છે કે કોરોના પછીથી ડાયાબિટીસના દર્દીઓ પણ વધ્યા છે અને એવું જ કઈક હાર્ટના દર્દીઓ માટે પણ કહી શકાય . કોરોના પછી, હૃદય સંબંધિત રોગોનું જોખમ નોંધપાત્ર રીતે વધી ગયું છે કારણ કે કોવિડ-19 વાયરસને કારણે રક્ત વાહિનીઓમાં લોહીના ગંઠાવાનું શરૂ થઈ ગયું છે. તેના કારણે હૃદય સંબંધિત રોગોના કેસોમાં વધારો થઈ રહ્યો છે. જોકે નિષ્ણાતો એ વાતને તદ્દન નકારે છે કે, કોવિડ વેક્સીન લેવાને કારણે હાર્ટ એટેક કે હદયના દર્દીની સંખ્યામાં વધારો થયો છે, આ વાત માત્ર અફવા છે.

                                       કોરોનાની શક્યતાને બાજુમાં મૂકી દઈને વિચારીએ તો હકીકત એ છે કે આજકાલની જિંદગી કે લાઈફ સ્ટાઈલ હાર્ટ એટેકને વેલકમ કરવામાં અગત્યનો ભાગ ભજવે છે .  મેડિકલ જગત પણ કહે છે કે તમે ગમે એટલા ફિટ હોવ તો પણ જો તમે તનાવમાં છો .. ચિંતામાં છો કે પછી તમારી જીવનશૈલી અને ખાનપાન યોગ્ય નથી તો તમે હાર્ટએટેકના શિકાર બની શકો છો . હમણાં જ એક્ટ્રેસ સુસ્મિતાસેનને એટેક આવ્યો . સુપર ફિટ હોવા છતાં આવેલો એટેક એ વાતની ચાડી ખાય છે કે શરીર ભલે ફિટ હતું પણ હાર્ટ અને એને જોડતી સિસ્ટમો કે જેમાં માનસિક શાંતિ અગત્યની છે એનો અભાવ હતો . સ્વાસ્થ્યનો અર્થ માત્ર શારીરિક રીતે ફિટ રહેવું નથી, પરંતુ તમારે માનસિક તણાવથી પણ મુક્ત રહેવું જરૂરી છે . હાર્ટ એટેકના વધતાં બનાવો અને ખાસ તો આટલી નાની ઉમરના લોકોને શિકાર બનતા જોઈને ડોકટરો પણ એ વાત પર જોર આપે છે કે ખાનપાન અને જીવનશૈલી યોગ્ય રાખો . આ પહેલા કોમેડિયન રાજૂ શ્રીવાસ્તવને જિમમાં જ એટેક આવેલો અને ઢળી પડેલો . અભિનેતા સિધ્ધાર્થ જીમમાંથી આવ્યા પછી ઘરે સૂતા પછી ઊભો નહોતો થઈ શકેલો . સાઉથના સુપરસ્ટાર એક્ટર પુનિત રાજકુમાર પણ જિમમાં જ ઢળી પડેલા . આ બધા સુપર ફિટ હતા પણ ઉપર ઉપરથી અંદરથી એમનું શરીર એકસ્ટ્રા લોડ લેવા સક્ષમ નહોતું . અચાનક રમતગમતના મેદાનમાં ઉતરવાથી કે જિમમાં એકસ્ટ્રા લોડ લેવાથી શરીર પર વધુ પડતું દબાણ આવે છે અને જેને લીધે થાક, શ્વાસ લેવામાં તકલીફ અને ઓક્સિજનની ઉણપ થઈ શકે છે. જે હાર્ટ એટેક અથવા અચાનક કાર્ડિયાક મૃત્યુનું જોખમ વધારી શકે છે. જિમમાં કે રમતગમતમાં કે પછી પ્રસંગોમાં નાચવા-કુદવામાં સંયમ રાખવો જરૂરી છે કેમકે જે વસ્તુ તમે રેગ્યુલર કરતાં નથી એના દબાણનો ભાર તમારું હાર્ટ ઝીલી નહીં શકે અને આવા સંજોગોમાં એ કોલપ્સ થઈ જવાનું એ નક્કી છે . બોડી એક લેવલ પર સ્ટ્રેસ સહન કરવા ટેવાયેલી હોય છે અને અચાનક બોડી પર સ્ટ્રેસ વધી જાય છે. બ્લડ સપ્લાય રોકાય જાય છે તેના કારણે હાર્ટ એટેક આવી શકે છે.

                                      ઉપાય શું તો પછી ? યોગ, પ્રાણાયામ કરવા જોઈએ. જિંદગીમાં નિયમિતતા લાવવી , ટાઈમસર સુઈ જવું અને ટાઈમસર ઉઠવું, થોડી હળવી એક્સરસાઇઝ કરવી, ઓછામાં આછું પ્રોસેસ ફૂડ ખાવું, ઘરનું રાંધેલું ગરમ તાજી વસ્તુ ખાવી , સ્ટ્રેસ ઓછું લેવાની ટેવ પાડવી , રેગ્યુલર મેડિકલ તપાસ કરાવતી રહેવી ..  જેના કારણે હાર્ટ એટેકને સ્ટોપ કરી શકો છો. બેચેની થાય , સતત પરસેવો વળે , મન અશાંત રહે અને ચક્કર આવે , બન્ને હાથમાં દુખાવો જેવા લક્ષણો દેખાય કે ડોક્ટરની સલાહ લેવી હિતાવહ છે . આદુંના ટુકડા ચાવવા કે લસણની કળીઓ ગળી જવી એક ઉપાય ગણો તો પણ હાર્ટ એટેક્નો એ ઈલાજ નથી જ એ યાદ રાખજો . સો વાતની એક વાત કે બહુ ઉધામાં – ઠેકડા મારવા નહીં કેમકે ડોકટરો ભલે જે કહે એ પણ કોરોના પછીથી આપણું શરીર ચોક્કસપણે નબળું પડ્યું જ છે અને એનો અનુભવ મને ને તમને બધાને થાય જ છે એટલે દિલ તો બચ્ચા હૈ ની બદલે  દીલને ‘ કચ્ચા ‘ સમજીને જીવશો તો વાંધો નહીં જ આવે ..!!!       (akurjt@gmail.com  )

– અજય ઉપાધ્યાય ( ગાંધીનગર સમાચાર કૉલમ ” રઝળપાટ ” ૫ માર્ચ ૨૦૨૩ )

મળી ગયો છે ‘ ગૂગલ ‘ નો ઓપ્શન ??? !!!!!

Featured

મળી ગયો છે ‘ ગૂગલ ‘ નો ઓપ્શન ??? !!!!!

અત્યાર સુધી શું હતું કે કાઇ પણ માહિતી જોઈતી હોય .. નંબર જોઈતા હોય .. ડિટેલ જોઈતી હોય કે કોઈપણ કામ હોય તો આપણાં માટે હાથવગું હથિયાર એક જ હતું.. ગૂગલ ..!!! અને ગૂગલ પણ ‘ મૈ હું ના ‘ ની જેમ તમારી બધી જ ક્વેરીનો ઓલમોસ્ટ સંતોષકારક અને જથ્થાબંધ જવાબ પણ આપી દેતુ ..!!! આમ તો આ વાક્યને ભૂતકાળમાં લખવું થોડું વિચિત્ર લાગે છે પણ હકીકત એ છે કે બહુ જ થોડા સમયમાં ગૂગલની આ ઇજારાશાહી ખતમ થઈ શકે છે , અને ખતમ નહીં તો પણ ઓછી તો થઈ જ શકે છે . આમ પણ શું છે કે ટેકનોલોજીની દુનિયામાં ડેવલોપમેન્ટ એટલું ફાસ્ટ અને નવીન થતું હોય છે કે આજે જે ટેકનોલોજી નવી લાગે છે એ જૂની થતાં બહુ વાર નથી લાગતી ..!!! વાતમા બહુ ડેટા નાખ્યા વગર કહી દઉં તો ગૂગલને ટક્કર મારવા માટે આવી ગયું છે ‘ ચેટ જીટીપી ‘ . અંગ્રેજી Chat GPT અર્થાત Chat Generative Pretrend Transformer એક ઓપન આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ દ્વારા બનાવવામાં આવેલું ચેટ બોટ છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના પર કામ કરતું આ ચેટ બોટ તમારા પ્રશ્નનો જવાબ લખીને આપે છે , મતલબ કે તમે તેના દ્વારા સરળતાથી શબ્દોના ફોર્મેટમાં વાત કરી શકો છો અને તમને કોઈપણ પ્રકારના પ્રશ્નોના જવાબો મળી શકે છે. આમ તો આ પણ ગૂગલની જેમ એક પ્રકારનું સર્ચ એન્જિન જ છે પણ આની વિશેષતા આગળ લખી એ છે કે એ તમને લેખિત સ્વરૂપમાં જવાબો આપે છે . હવે આ કેવી રીતે ગેમ ચેન્જર છે એ આપણે આગળ જોઈશું .

                                                  પણ એ પહેલા ગૂગલ અને ચેટ જીપીટી વચ્ચેનો ડિફરન્સ સમજો. જ્યારે તમે ગૂગલ પર કંઈપણ સર્ચ કરો છો, ત્યારે ગૂગલ તમને તે વસ્તુથી સંબંધિત ઘણી વેબસાઇટ્સ બતાવે છે, તમારે એમાંથી તમને યોગ્ય લાગે એ ઓપ્શન સ્વીકારવાનો છે જ્યારે ચેટ જીપીટી મા તમે કોઈપણ પ્રશ્ન શોધો છો, ત્યારે Chat GPT તમને તે પ્રશ્નનો સીધો જવાબ બતાવે છે. સરળ ઉદાહરણથી સમજો કે માનો કે તમારે વસંતપંચમી પર નિબંધ લખવો છે તો ગૂગલ તમને વેબ રિઝલ્ટ આપશે જેમાંથી તમારે તમારી પસંદગીનું રિઝલ્ટ સિલેકટ કરીને એ મુજબ લખવું પડે છે જ્યારે ચેટ જીપીટી તમને ડાયરેક્ટ રેડિમેડ નિબંધ જ લખી આપશે . છે ને કમાલ ..???  હવે કલ્પના કરો કે આવી હાથવગી સગવડ ઉપલબ્ધ હોય તો તમારે તો કાઇ મહેનત કરવાની જરૂર જ ના પડે ને ..???? કોઈ ફિલ્મની સ્ક્રિપ્ટ લખવી છે .. કોઈ પત્ર લખવો છે .. કોઇની બાયોગ્રાફી લખવી છે .. બોસને લિવ રિપોર્ટ મોકલવો છે .. યુ નેમ ઈંટ અને ચેટ જીપીટી તમારી સેવામાં હજાર છે અને તમારી મહેનત બચાવીને તમને એક સચોટ અને રેડિમેડ જવાબ હાજર કરી આપશે ..!!!! છે ને જાદુઇ ચિરાગ જેવુ ..!!!! તમે ચેટ જીપીટી માં સવાલ એન્ટર કરો અને હુકમ મેરે આકકા ની જેમ જવાબ હાજર અને એ પણ રેડિમેડ .. ખાલી પ્રિન્ટ જ મારવાની ..!!!!

                                               ચેટ જીપીટી અચાનક પ્રગટ નથી થયું પણ સાતેક વર્ષ પહેલાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ કંપની ઓપનએઆઈ રિસર્ચ લેબોરેટરીએ ચેટ જીટીપી ચેટબોટનું સર્જન કરેલું પણ લાઈમ લાઇટમાં ત્યારે આવ્યું કે જ્યારે માઇક્રોસોફ્ટે સત્ય નડેલાના નેતૃત્વમાં તેમાં $2 અબજનું મૂડીરોકાણ કર્યું અને જેની મદદથી ચૈટ જીપીટી બન્યું. નવેમ્બર-૨૦૨૨માં લોંચ થતાં જ દુનિયાભરમાં તેની ચર્ચા શરૂ  થઈ ગઈ છે . અને આ ચર્ચાનો અંદાજો એના પરથી આવશે કે લોન્ચ થયાના માત્ર બે મહિનામાં જ પ્લેટફોર્મ 100 મિલિયન યુઝર્સ પાર કરી ચૂક્યું છે કે જે એક અભૂતપૂર્વ સિદ્ધિ છે કેમ કે આટલા યુઝર્સ સુધી પહોંચવામાં TikTokને નવ મહિના અને ઈન્સ્ટાગ્રામને અઢી વર્ષ લાગી ગયેલા . સ્વાભાવિક છે કે ગૂગલને સીધી અસર કરતી ચેટ જીટીપી ને લીધે માઈક્રોસોફ્ટ અને ગૂગલ વચ્ચે આગળ રહેવાની સ્પર્ધા ચાલુ થઈ ગઈ છે . સર્ચ એન્જિનનું એકમાત્ર કિંગ ગૂગલને માઈક્રોસોફ્ટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજેન્સના ક્ષેત્રમાં સ્ટાર્ટઅપ કંપની ઓપનઆઈ કંપની દ્વારા બનાવાયેલા ચેટબોટ ટૂલ ચેટજીપીટી મારફત સખત પડકાર ફેંક્યો છે. ઓનલાઈન સર્ચિંગ માટેના બજારના 84 ટકા હિસ્સા પર ગૂગલનો કબજો છે જેને લીધે ગૂગલ જાહેરાતના વેચાણમાં 10 બિલિયન ડોલરથી વધુની કમાણી કરે છે, પણ ચેટ જીટીપી ના ઉપયોગથી માઈક્રોસોફ્ટ પોતાના સર્ચ એન્જિન બિંગ ને ગૂગલ સાથે ટક્કર આપવા તૈયાર કરી રહી છે . જો કે સર્ચ એંજિનની દુનિયામાં અત્યારે તો બિંગ નો હિસ્સો માત્ર 3% જ છે પણ માઇક્રોસોફ્ટને આશા છે કે ચેટ જીટીપી થી ગૂગલને પડકાર ફેંકી શકાશે . જો કે વર્ષો જૂની માંધાતા ગૂગલ કાઇ એમ ગાંજયું જાય એમ નથી એણે પણ ચેટ જીપીટીને ટક્કર આપવા માટે તેનું એઆઈ આધારિત ચેટબોટ બાર્ડ લોન્ચ કરવાની તૈયારી કરી લીધી છે. ગૂગલનું આ ચેટબોટ લામ્ડા (એલએએમડીએ) પર આધારિત છે. ચેટ જીટીપી નો ઉપયોગ કરવા માટે સૌ પ્રથમ તમે openai.com ની ઓફિશિયલ વેબસાઈટ પર જઈ તમારા ઈમેલ આઈડી અથવા ફોન નંબરથી વેબસાઈટ પર સાઈન-અપ કરવું પડશે. તમે સાઇન-અપ માટે તમારા WhatsApp નંબરનો પણ ઉપયોગ કરી શકો છો. સાઇન ઇન કર્યા પછી તમને ચેટ GPT વિશેની માહિતીની નીચે એક સર્ચ બાર આપવામાં આવશે. બસ આ સર્ચ બારમાં તમારો પ્રશ્ન લખો .. દબાવો એન્ટર અને મેળવો જવાબ .

                                      આટલું વાંચતાં જ હરખાઈ ગયા ને ..? પણ વેઇટ .. ટેકનોલોજીમાં શું છે કે દરેકના ફાયદા અને નુકશાન બન્ને હોય જ છે બિલકુલ એવું જ ચેટ જીપીટી માં પણ છે . ફાયદાઓ જોઈએ તો  તમારી ક્વેરીનો વિગતવાર જવાબ મળે છે એટલે તમારે જુદા જુદા રિઝલ્ટ વચ્ચે પસંદગીનો પ્રશ્ન નથી ઊભો થતો અને બીજી ખાસ વાત એ છે કે જો તમે ચેટ જીપીટી એ તમને આપેલ રિઝલ્ટથી ખુશ કે સંતોષ નથી પામતા તો તમે ચેટ જીપીટી ને કહી શકો છો જેથી એ પોતાનો ડેટાબેઝ અપડેટ કરી શકે . અત્યારે તો ચેટ જીપીટી ના ઉપયોગનો કોઈ ચાર્જ નથી પણ ભવિષ્યમાં ચાર્જ આવી શકે છે . વાત ગેરફાયદાઓની કરીએ તો અત્યારે ચેટ જીપીટી માત્ર અંગ્રેજીમાં જ કામ કરે છે મતલબ કે ગૂગલની જેમ વિવિધ ભાષાઓમાં જવાબ નથી આપતી એટલે અંગ્રેજીનો ઉપયોગ કરતાં લોકો સિવાયના લોકો માટે નકામું છે . માર્ચ 2022 પછીની ઘટનાઓ અને માહિતીઓ બહુ ઓછી છે કેમકે ચેટ જીપીટી એક તાલીમી વેબસાઇટ છે ( એટલીસ્ટ અત્યારે તો ) જેનો ડેટા સોર્સ માર્ચ 2022 સુધીનો જ છે . જો કે કંપની ડેટાબેઝ અપડેટ કરી રહ્યું છે અને બહુ જલ્દીથી રિયલ ટાઈમ રિઝલટસ પણ મળતા થઈ જશે . એક ને એક સવાલ વારંવાર પૂછતાં જુદા જુદા જવાબ મળ્યાનું ઘણા વિજ્ઞાનીઓએ નોંધ્યું છે . તાલીમી વેબસાઇટ હોવાને લીધે અત્યારે ફ્રી છે પણ ભવિષ્યમાં એના ઉપયોગ માટે પૈસા આપવા પડશે એવું બની શકે છે . જો કે સૌથી મોટો તફાવત એ છે કે ગૂગલ પાસે પોતાનું અલગ અલગોરિધમ અને મહિતીઓના પુષ્કળ રસ્તાઓ છે જ્યારે ચેટ જીટીપી હજુ પા પા પગલી ભરે છે એમ કહી શકાય પણ કેટલું પાવરફૂલ છે એ જાણવા માટે પ્રયોગિક ધોરણે એક યુનિવર્સિટીની પરીક્ષામાં ચેટ જીપીટીને સામેલ કરાયું હતું. અને બધાના આશ્ચર્ય વચ્ચે ચેટ જીપીટીએ માણસો કરતાં વધુ સારી રીતે જવાબ આપ્યા હતા કદાચ એટલે જ અમેરિકાના એક શહેરે તેના પર પ્રતિબંધ પણ લગાવી દીધો છે. કારણ કે આ ચેટબોટ એવા તમામ પ્રશ્નોના જવાબ આપી રહ્યું છે જેની બાળકોના ભવિષ્ય પર ખરાબ અસર પડી શકે છે. અમેરિકાના ન્યુયોર્ક સિટી ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશને તેના પર પ્રતિબંધ મૂક્યો છે. આપણાં ભારત અને વિદેશની ઘણી યુનિવર્સિટીઓએ તેમના કેમ્પસમાં ચેટ GPT પર પહેલેથી જ પ્રતિબંધ મૂક્યો છે. ચેટ જીટીપી હજુ તો પ્રારંભિક તબક્કામાં જ છે ત્યાં જ આટલો તહેલકો મચાવ્યો છે તો વિચારો કે આવનાર સમયમાં ફુલ્લી લોડેડ ચેટ જીટીપી માહિતીની આખી દુનિયા જ બદલી નાંખશે એ નક્કી છે .  ( akurjt@gmail.com  )

વિસામો :

બેંગલુરુ સ્થિત Google સોફ્ટવેર એન્જિનિયર સુકુરુ સાઈ વિનીથે ગીતા GPT ચેટબૉટ વિકસાવ્યું છે, જે ભગવદ ગીતાથી પ્રેરિત છે. આ ચેટબોટની મદદથી યૂઝર્સ તેમની દરરોજની સમસ્યાઓ વિશે ભગવદ્ ગીતાથી સલાહ-સૂચન મેળવી શકશે. તમારા પ્રશ્નોના જવાબ ગીતાના આધારે મળશે .

– અજય ઉપાધ્યાય ( ગાંધીનગર સમાચાર – કૉલમ ” રઝળપાટ ” 19 ફેબ 2023 )