શુભકામનાઓ : જથ્થાબંધ ..વણમાંગી …નિયમિત ….!!!!!!!
‘ આ મેસેજને ફોરવર્ડ કરો તો સાંજ સુધીમાં સારા સમાચાર મળશે નહિતર અનિષ્ટ થશે ‘ નબળા હ્રદયના ઉપભોક્તાઓ તો જરાયે રાહ જોયા વગર ફટાફટ ઢગલાબંધ ફોરવર્ડ મારી દેવાના..મેસેજમાં ૧૦ ને ફોરવર્ડ કરવાનું કહ્યું હશે તો ૧૦ થી વધુને ફોરવર્ડ થશે …આમાં આપણું શું જવાનું છે હે? આવા ઘણા ધમકીભર્યા મેસેજો વાંચો ત્યાં જ જાણે એવું લાગે કે મોડી રાત્રે ન્યુઝચેનલો પર આવતા ‘ ક્રાઈમ એપિસોડ ‘ નો એન્કર વોટ્સઅપના મેસેજબોક્ષમાંથી તમારી તરફ આંગળી ચીંધીને કરડાકીભર્યા ચહેરે અને ઘેઘુર આવજે એવું કહી રહ્યો છે કે ‘ ચૈન સે જીના હો તો ફટાફટ ફોરવર્ડ કરો ‘..!! પણ પછી સાંજ સુધી કે ઇવન બીજા દિવસ સુધી પણ કોઈ શુભ સમાચાર ના આવ્યા તો ? તો શું ? સાંજ પહેલા આવા બીજો મેસેજો તમારી રાહ જોતા ઈનબોક્ષમાં આવી જ પડવાના ….નવી ઘોડી નવો દાવ …આઈ મીન …નવું ફોરવર્ડ નવી આશા …!!!! મોટાભાગના આ ફોરવર્ડ કરવાનો આગ્રહ કરતા મેસેજો ધાર્મિક જ હોવાના…!!! કોઈએ સાચું જ કહ્યું છે કે હિન્દુસ્તાન ખેતીપ્રધાન દેશ ઓછો અને ધર્મપ્રધાન દેશ વધુ છે અને સોશિયલ મીડિયાના અતિરેક પછી એમ કહી શકાય કે ફોરવર્ડપ્રધાન દેશ વધુ છે …!!! માન્યામાં ના આવતું હોય તો લગીર તમારું જ વોટ્સઅપ કે બીજા કોઈ સોશિયલ મીડિયા એપ ખોલી લેવાના …..ધન્ય થઇ જશો પ્રભુ ..!!!
નવાઝુદ્દીન ભલે ને કહેતો કે ‘ કભી કભી લગતા હૈ કી અપુન હી ચ ભગવાન હૈ ‘ પણ હકીકત એ છે કે સવાર સવારમાં તમારા ઇન્બોક્ષમાં ઠલવાતા શુભ સંદેશાઓ વાંચીને તમે ખુદ જ એવું ફિલ કરવા લાગશો કે સાલું આ મેસેજ વાચ્યો ના હોત તો આપણી સવાર ગુડ થઇ જ ના હોત …!! એટલીસ્ટ તમે આવું માનો કે ના માનો પણ મોકલનાર તો અચૂક આવું માને જ કે એનો મેસેજ મળે પછી જ તમારી સવાર શુભ થવાની કે દિવસ સારો પસાર થવાનો ..!! આપણને એકવાર તો એમ થઇ જ જાય કે સાલું આજ સુધી આપણી તો એકેય સવાર શુભ થઇ જ નથી કે શું ? ‘ ગુડ મોર્નિંગ ‘ થી શરુ થઈને શાયરી ….સુવિચારો…ભગવાનના ફોટાઓ …ઉપદેશાત્મક લાંબા લાંબા લખાણો ….રાધે-રાધે થી લઈને જેવા જેના ઇષ્ટદેવ …..હાથ જોડીને ઉભેલી મહિલાના ફોટામાં સુવાક્યો ….ફૂલ-પત્તાની ડાળીઓની ડીઝાઈનમાં શુભકામનાઓ ….આહાહા તમે જુઓ તો સવાર સવારમાં એપનું સર્વર ઠપ્પ થઇ જાય એવા એવા અને એટલા બધા મેસેજોની કતાર તમે ઉઠો ત્યાં સુધીમાં તો તમારા મેસેજબોક્ષમાં તમારી સવાર પડવાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હોય છે ..!!
તમારી ફોનમેમરીનું વન ટુ કા ફોર કરી નાખનાર આ મેસેજો વાંચ્યા પછી કે ના વાંચ્યા પછી તમારી સવાર કેટલી શુભ થઇ કે તમારો દિવસ કેટલો અશુભ થયો એ તો તમે નવરાશની પળે ચિંતન કરો તો ખબર પડે પણ એ પહેલા આ શુભ સવારની આલબેલ પોકારનારાઓ છેક બપોર સુધી તમને આવા શુભ સંદેશાઓ મોકલ્યા જ કરે ..!! જી હા , તમારી સવાર ભલે ને ૬ વાગ્યામાં પડી ગઈ હોય તો શું થયું ? ઘણા એમ જ માનતા હોય કે બપોર સુધી તો ગુડ મોર્નિંગ જ કહેવાય …!!! અને આવા મેસેજો સામેવાળાની પરવા કર્યા વગર મોકલાય મોકલાય ને મોકલાય જ ..!!! એમનો બચાડાવનો ભાવ એવો હોય કે રીસીવર એન્ડ પર રહેલાનું શુભ થાય …!!! એમનો કોઈ બદઈરાદો નહિ …!!! સર્વે ભવન્તુ સુખીનાઃ નો મૂળ ભાવ તો કોઈ સમજ્યું હોય કે નહિ પણ આજના આ સોશિયલ મીડિયાના મેસેજો આ પ્રાચીન વૈદિક ભાવને બરાબર પ્રસારિત કરી રહ્યા છે …!!!
સીલીકોન વેલીમાં ગુગલના રીસર્ચરે એક સરસ મજાની શોધ કરી છે કે ભારતીયો મોટાભાગે સ્માર્ટફોન હેંગ થવાની ફરિયાદો કરતા હોય છે …ભલે ને રેમ ૪ કે ૬ જીબી હોય તો પણ ..!!! સંશોધનના અંતે દોષનો ટોપલો કોના ઉપર ગયો ખબર છે ? આ ‘ ગુડ મોર્નિંગ ‘ મેસેજો પર જ તો …!! શોધકર્તાનો દાવો છે કે ભારતીયો રોજ સવારમાં ઓડિયો , વિડીયો , ટેક્સ્ટ અને જીઆઇએફ થી કરોડો ગુડ મોર્નિંગ મેસેજોની આપ-લે કરે છે . ‘ ધ વોલ સ્ટ્રીટ જર્નલ ‘ માં છપાયેલી એક રીપોર્ટ મુજબ છેલ્લા ૧૦ વર્ષમાં ગુગલમાં ગુડ મોર્નિંગની ઈમેજો શોધવાની સંખ્યા ઓલ્મોસ્ટ ૧૦ ગણી વધી ગઈ છે . આને લીધે ઇન્ટરનેટ પર ટ્રાફિક જામની સ્થિતિ કાયમી બની ગઈ છે . ગુગલના શોધકર્તા અને આ રીપોર્ટની વાતમાં દમ તો છે જ . માર્ક કરજો કે મોટાભાગના આવા મેસેજીસ સાદી ભાષામાં કોપી-પેસ્ટ અને વધુ સાદી ભાષામાં બઠાવેલા જ હોય છે . ગુગલ કે પછી પીનટ્રેસ્ટ જેવી કોઈ બીજી સાઈટો પર રાઈટ ક્લિક કરીને ડાઉનલોડ ઈમેજ અને પછી એય ને ફોરવર્ડ પર ફોરવર્ડ ..!!
ચાલો ખાલી કોઈએ ગુડ મોર્નિંગ મેસેજ મોકલ્યો ને તમે વાચ્યો ( કે ના વાચ્યો ) ત્યાં સુધી તો ઠીક છે પણ અમુક આવા સંદેશાવાહકોને તો પાછો એનો રીપ્લાય પણ જોઈએ તો જ તમારું ( ને એનું પણ ) મોર્નિંગ ગુડ થયું ગણાય ..!!! એમાયે જો તમે ફેમીલી ગ્રુપના માનનીય સદસ્ય હોવ તો પત્યું …જવાબ પણ ફરજીયાત છે અને સામી વિશ કરવી પણ ફરજીયાત ..!!! નહિતર તમને ખબર પણ ના હોય ને ખોટું લાગી જાય ને કોઈ ગ્રુપ લેફટી જાય ને ઓળીયો ઘોળીયો તમારા નો-રીપ્લાય પર આવી પડે..!! હવે સ્માર્ટફોનની પહોચ વ્યાપક છે અને વાપરનારાઓમાંથી નિવૃત કે રીટાયર્ડ કે પછી શોશિયલ મીડીયાના સીસીટીવી એ વાતનો ખાસ ખ્યાલ રાખે છે કે કેટલા મેસેજોના તમે જવાબ નથી આપ્યા …કે ઇવન રીડ પણ નથી કર્યા ..!!! અને જરાય શરમ રાખ્યા વગર ગ્રુપમાં જ કહી દેવામાં આવે કે ‘ યુ આર નોટ રિપ્લાઇન્ગ માય ગુડ વીશીશ ‘..!!! બહાના આપી આપીને થાકી જાવ બોસ્સ્સ …!!
ઘણા તો આટલેથી ના અટકતા ગુડ નાઈટના મેસેજો માટે પણ આટલી જ ખેવના રાખતા હોય છે . યસ , કોઈ વધુ એડવાન્સ ગુડ ઇવનિંગ અને ગુડ આફ્ટરનુનના ગોળા પણ ફેંકતા હોય છે પણ સારું છે કે ભારતવર્ષના સોશિયલ મીડિયા શુરવીરોનું હજુ સુધી આ બે સમયગાળા પર બહુ ધ્યાન પડ્યું નથી . જો કે સંશોધનો એવું કહે છે કે ગુડ મોર્નિંગ જેટલું ચલણ હજુ સુધી ગુડ નાઈટનું પણ થયું નથી ..!!! થેંક ગોડ…!!! મજા ( કે સજા ) તો ત્યારે આવે કે જ્યારે એક જ ગુડ મોર્નિંગ કે આવા જ બીજા મેસેજો ચારેકોરથી આવી પડે..!!! એમ થાય કે હવે તો મોર્નિંગને ગુડ થયે જ છૂટકો છે ..!! વોટ્સઅપવાળાએ બચાડાએ હવે તો ફોરવર્ડ એવું મેસેજ સાથે મોકલવાનું ચાલુ કર્યું છે , એને એમ કે કદાચ આ શરમે પણ ફોરવર્ડ કરનાર અટકે ..પણ ના..!! બીજાના મોર્નિગો ગુડ કરવાની લ્હાયમાં ફોરવર્ડના સ્ટેમ્પવાળા મેસેજો પણ મોકલવાના જ ..!! ઘણાને તો સવાર સવારમાં આ ગુડ મોર્નીગની ટપાલો વહેચવાનું એટલું મોટું કામ હોય છે ઘણીવાર તો આપણને આપણા મેસેજો જ પાછા ફટકારી દેવાય છે !!! ઘણાના તો ૧૧ વાગે ગુડ મોર્નિંગના મેસેજો આવે તો સાલું આપણને એમ થાય કે બપોર સુધી આ સેન્ડર ‘ મેસેજ મોકલવામાં કોઈ રહી તો નથી ગયું ને ?” એનું જ કામ કરતા હશે કે શું ??? કોઈને શુભકામના આપવી કે શુભસંદેશો પાઠવવો એ સારી વાત છે , સારી ભાવના છે પણ આજકાલ જે રીતે જથ્થાબંધ ફોરવર્ડ કરી કરીને શુભકામનાઓનો સમુદ્ર ઠલવાઈ છે એ લીટરલી ઇરીટેટીંગ થઇ રહી છે અને એમાં બચાડો પેલો સંદેશાઓ જીલનારો અને એનો ફોન બંને હાંફી જાય છે …..!!! અતિની ગતિ નહિ એ આનું નામ ..!!
વિસામો :
વોટ્સઅપ ‘ ગુડ મોર્નિંગ ‘ થઇ ગયું હોય તો પણ પાછું ફેસબુક મેસેન્જરમાં પણ આવે “ તમારી સવાર શુભ રહે ‘…!!!! તારી ભલી થાય …હાઉ કર …આટલી બધી શુભકામનાઓ નહિ પચે ..!!!
– અજય ઉપાધ્યાય ( ગાંધીનગર સમાચાર કોલમ “રઝળપાટ” ૨૪ નવેમ્બર ૨૦૧૯ )