તું જાણે પતંગ છે ને હું છું તારી દોર….!!!!!
“ આકાશમાં ઉડતી રંગબેરંગી પતંગો એકબીજા સાથે ઉલજતી રહે ….ક્યારેક એક પતંગ બીજાની ઉપર તો ક્યારેક બીજી પતંગ એની ઉપર …!!! આ બધું ત્યાં સુધી ચાલે કે જ્યાં સુધી કોઈ એકની પતંગ કપાઈ ના જાય …અને પછી ઉડાડનારાઓની ચીચયારીઓ અને દેકારો ….ફરી પાછી બીજી પતંગોના પેચ …ખેંચ અને ઢીલ …પકડના નારાઓ સાથે પતંગબાજી આગળ વધે …!!! કપાયેલી પતંગ એમ જ હવાના સહારે ઉડતી ક્યાંક પડી જાય ….આમાં સટાબાજી પણ ખુબ થાય …મૂળે તો આ રાજાઓની રમત માનવામાં આવે છે ….!!! “ પ્રખ્યાત લેખક રસ્કીન બોન્ડે પોતાની એક લઘુનવલમાં ૨૦મી સદીની શરૂઆતમાં ખેલાતા પતંગયુદ્ધનું વર્ણન કઈક આમ કરેલું ..!!! જો કે હવે તો રાજા-રજવાડાઓની આ પસંદીદા રમત આમ જનતાની ફેવરીટ રમત બની ગઈ છે …!!! મકરસંક્રાંતિના દિવસે આવો માંડીએ પતંગ ….પતંગ-યુદ્ધ …પતંગબાજી અને પતંગબાજોની વાત …..!!!!
ઉતરાયણ‘ યાની કી મકરસંક્રાંતિ નામનો આ શબ્દ કે જેનો સંસ્કૃત અર્થ ‘ઉતરાયન‘ થાય છે જે એક્ચ્યુલી ઉત્તર અને અયનના જોડાણથી બનેલો છે. એવું મનાય છે કે ૧૪મી જાન્યુઆરીથી સૂર્ય ઉત્તર દિશા તરફ પોતાના પગલા માંડવાનું શરુ કરે છે એટલે એને ઉત્તરાયન કહેવામાં આવે છે. જે શબ્દ પાછળથી અપભ્રંસ થઈને ‘ઉત્તરાયણ‘ બન્યો. આ ઉપરાંત આ દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશે છે એટલે ‘મકર સંક્રાંતિ‘ પણ કહે છે. આવું જ પતંગ માટે છે . પતંગને તેલુગુ ભાષામાં ‘ગાલિપટ્ટમ‘ કહેવાય છે. પતંગ એટલે પ્રગતિ, ઉડાન, બહુરંગ, પ્રેમ અને ડોલન. પતંગનો સંસ્કૃત અર્થ ‘ઉડનારો‘છે અને અંગ્રેજીમાં તેને ‘કાઈટ‘ કહેવામાં આવે છે. આ કાઈટ મતલબ ગરમ પ્રદેશમાં મળતું કાઈટ નામનું પક્ષી, કાઈટ નામનું આ પક્ષી આકાશમાં ઉંચે ઊડી પોતાની પાંખ પહોળી કરી તરતુ રહે છે. ક્યારેક સ્થિર પણ રહે છે. જે પતંગ જેવો દેખાવ ધારણ કરે છે …!!!
પ્રાચીનકાળથી જ મનુષ્યની ઈચ્છા આકાશમાં ઉડવાની હતી …પક્ષીઓની જેમ સ્વૈરવિહાર કરવાની હતી ,,,,અફાટ આકાશને પેલે પાર પહોચવાની હતી !!! એમાંથી જ પતંગનો જન્મ થયો હશે ..!!! પ્રાચીન અને મધ્યયુગમાં પતંગોનો ઉપયોગ હવાનું પરીક્ષણ , સંદેશાઓ મોકલવા કે સૈન્ય ગતિવિધિઓ માટે થતો હતો . ગ્રીક ઇતિહાસકારોની માનીએ તો પતંગબાજી લગભગ ૨૫૦૦ વર્ષ જૂની પ્રથા છે પણ મોટાભાગે પતંગની શરૂઆત ચીનમાં થઇ હોવાનું વ્યાપકપણે મનાય છે . ચીનમાં આ પ્રથા લગભગ ૨૦૦૦ વર્ષ જૂની છે એવું મનાય છે . કહેવાય છે કે ચીની સેનાપતિ હાંસીને કાગળના ટુકડાઓમાં સંદેશાઓ લખીને એને ઉડાડીને પોતાના સૈનિકો સુધી પહોચાડેલા …આ હતી પતંગની ફર્સ્ટ ફ્લાઈટ …!!! ચીનમાં આજે પણ ૯ સપ્ટેમ્બરના ઉજવાતા પતંગોત્સવમાં આ શોખ બરકરાર છે તો અમેરિકામાં પણ રેશમી કપડા અને પ્લાસ્ટીકની પતંગોનો પતંગોત્સવ જુનમાં ઉજવાય છે તો વળી જાપાનીઝ એમ માને છે કે પતંગ ઉડાડવાથી દેવતાઓ પ્રસન્ન થાય છે એટલે ત્યાં મેં મહિનામાં આ દેવતા પ્રસન્ન કાર્ય કરવામાં આવે છે . મતલબ કે પૂરે કાયનાતની માલીપા આપણે એકલા નથી કે જે ૧૪મીએ છત પર ચડીને …ગોગલ્સ ઠબકારીને ….કર્કશ પપુડા , ફૂલ સ્ટોક ઓફ ખાધા-ખોરાકી અને સંગીતના દેકારા વચ્ચે નોન-સ્ટોપ ઓછામાં ઓછા બે દિવસ પતંગબાજી કરતા રહીએ છીએ ….!!!! જો કે આપણે ત્યાં તો મહિના અગાઉ જ આકાશમાં પતંગો ઉડતા થઇ જાય છે …..ગુજરાતી આમેય ઉતસ્વઘેલી પ્રજા ખરી ને ….!!!
ઓકે પતંગના ઈતિહાસને મુકીએ બાજુએ અને માણીએ પતંગની મજા વિથ રેફરન્સ ટુ આગલું વાક્ય અને ગોગલ્સ…પપુડા …સંગીત …મિજબાની …!!! ઉતરાયણના દિવસે આકાશમાં ખાલી પતંગો જ નથી ચગતા પણ સાથે સાથે આડોશી પાડોશી અને સગા-વ્હાલા કે દોસ્તો સાથેના સંબંધો પણ પરવાન ચડતા હોય છે ..!! આટલો બધો સમય જોડેજોડેના ધાબા પર વિતાવ્યા પછી એ સંબંધો વધુ મજબુત થાય છે એ સ્યોર છે ..!! એક્નીજાની અગાસીથી ચીકી –શેરડી – તલલાડુ કે પછી કપાયેલી પતંગોની આપ-લે એક જુદો જ સંબંધ બનાવી જાય છે . બાજુની અગાસી પરથી ઉડતા પતંગને જોઇને આપણા પતંગની હવા નક્કી કરવી કે પછી કપાયેલા દોરને પ્રેમથી ફીંડલુ વાળીને બાજુની અગાસી પર નાખવા જેવા પાડોશીધર્મો બજાવવાનું કામ થાય એનું નિમિત બને પતંગ …!!! તો ભલેને બાજુવાળા અંકલથી રોજ ડર લાગતો હોય પણ તે દિવસે ધાબેથી એમના પતંગને બિન્દાસ કાપીને કાપ્યો છે ની ચીચ્યારી મારવાની અમુલ્ય તક પણ પતંગ જ આપે છે …!!!
બીજે ભલેને પતંગ સાથે દેવીદેવતાઓ ને જોઈન્ટ કરી દેવામાં આવતા હોય પણ હકીકતે પતંગ એ તો જુવાનીનો ઉત્સવ છે …!! જી હા પતંગ ઉડાડવાના કેફમાં તો તે દિવસે અનેક ઉમરલાયકો પણ બચૂકડાં બાળક બની જાય છે . ધાબા પરથી પસાર થતી કપાયેલી પતંગને પકડવા કૈક કેટલાયે ઉમર ભૂલીને વાંસડાકુદ કરી લેતા હોય છે . એક તો સૂર્યનારાયણ નો મસ્ત તડકો અને ઉપરથી ધાબા પર સંગીત અને જોમનું સામ્રાજ્ય ….ભલભલા જુવાન થઇ જાય આમાં તો …!! રંગબેરંગી પતંગોથી શોભતા આકાશ સામે મીટ માંડીને પતંગોના કરતબ કરવાની મજા જ અનેરી છે ….એ રંગીન આકાશ ઓર નશીલું બની જાય …!!!!
કોઈએ સાચું જ લખ્યું છે કે ‘ પતંગ એટલે આકાશને પ્રેમપત્ર લખવાનો સમય ‘ .. પતંગની હારેહારે આજુબાજુના ધાબા પર કોઈ સાથે રચાતું નૈનમૈત્રક યાની કી મૂંગા પ્રેમપત્રો ની પણ એક આગવી મજા છે …ગમતા ચહેરાને ગોગલ્સ પાછળથી તાકવાની મજા છે …..ગુન્ચાયેલી દોરીઓ ને ઉકેલવાની મજા છે ….. તો ધાબા પર એય્ય્ય્યય્ય્ય્ય કાપ્યો છે , ઓય્ય્યય્ય્ય્ય લપેટ કે દેદેદેદેદ ઢીલ દે ના આવજો કરતા આપણે અગેઇન આપણા પૂર્વજો જેવા બની જઈએ છીએ પણ એ જ તો આ આકાશી તહેવારની મજા છે . અમસ્તા તડકાથી ભાગતા ફરતા હોઈએ અને છાયો શોધતા હોઈએ પણ પતંગબાજીમાં આપણે ભરતડકે ક્યા નોનસ્ટોપ ૮-૧૦ કલાકો કાઢી નાખીએ છીએ એની ખબર પણ નહી પડતી ….!! રાજેન્દ્ર શાહના શબ્દોમાં ઉતરાયણમાં આકાશને તાકવાની પણ એક મજા છે , અમસ્તા તો ક્યારે ઊંચું જોઇને આકાશને મનભરી ને તાકવાના ?? સૂર્ય મકરમાં પ્રવેશે છે કે જે હોય તે પણ દાન ધર્મની સાથે સાથે પતંગબાજીનો ઉત્સાહ , એનું વાતાવરણ અને સાંજે ભલે થાકીને લોથપોથ થઇ જાવાય પણ ધાબા પર વિતાવેલી એ અમુલ્ય ક્ષણોની યાદગીરી જ તો છે સંક્રાંતિનું જમાપાસું. પતંગ સ્થિર રહેતા શીખવે ને પતંગ કપાયા પછી અફસોસ નાં કરવાનું પણ શીખવે ….પતંગ પ્રેમ પણ શીખવે અને પતંગ દાવ-પેચ પણ શીખવે ….પતંગ ગુંચ ઉકેલતા પણ શીખવે ને પતંગ ગુથ્થી મારતા પણ શીખવે ….પતંગ ગમતી વ્યક્તિ માટે ફીરકી પકડાવતા પણ શીખવે ને પતંગ સરખા અંતરે રહીને બાંધેલા કીન્નાની જેમ સમાંતર રહેતા પણ શીખવે …..અંતમાં પ્રાચીન રંગભૂમિનું આ ગીત ગણગણતા સૌ ને હેપ્પી પતંગોત્સવ !!! ’ ઊડશું જીવનમાં જોડાજોડ , પાંખો જેવી પતંગની …સાહ્બો મારો ગુલાબનો છોડ , વેલી હું તો લવંગની ‘…..!!!!!