નવું – નુતન : રોમાંચ , આશાઓ , સંકલ્પો , નવીનતા !!!!!
વિક્રમ સંવંત ૨૦૭૭ નું નવું વર્ષ શરૂ થઈ ચૂક્યું છે . દિવાળીના પર્વને આનંદ અને ઉમંગથી ઉજવ્યા પછીથી લોકોએ એકબીજાને નુતન વર્ષાભિનંદનની શુભેચ્છાઓ પાઠવીને નવા વર્ષના આગમનની આલબેલ પોકારી દીધી છે . અંગ્રેજીમાં ‘ હેપ્પી ન્યુ યર ‘ અને ગુજરાતીમાં ‘ નુતન વર્ષાભિનંદન ‘ના વોટ્સઅપ અને ફેસબુક પર અને ફોન – મેસેજીસના મારા વચ્ચે ૨૦૭૬ જૂનું થઈ ચૂક્યું છે અને નુતન – નવું – એવું ૨૦૭૭ આવી ચૂક્યું છે . નુતન કે નવું આવો શબ્દ કાને પડતાં જ આપણને એક પ્રકારનો રોમાંચ થાય છે . નવા નો રોમાંચ તો થવો જ જોઈએ ને ? એનું કારણ છે નવા માં શું હશે ? કે શું થઈ શકશે ? એ વિચારવાનો – એના વિષે પ્લાનિંગ કરવાનો કે પછી નવા માં શું આવશે ? શું થશે ? કેવું હશે નવું વર્ષ ? એ જાણવાનો કે પછી એના ઇંતેઝારનો રોમાંચ . એમાયે આ કોરોનાકાળમાં કે જ્યારે માનવજાત એક ગંભીર પ્રકારની પરિશ્થિતીનો સામનો કરવાની અને આ મહામુસીબતવાળા સમયમાથી પાર નીકળી જવાની જદ્દો-જહેમત કરી રહી છે ત્યારે આશાનું એક જ કિરણ રહેવાનુ અને એ કે આવનાર નવા વર્ષમાં આ મુશ્કેલીનો હલ મળે અને હું ને તમે ફરીથી એ જ આનંદિત જિંદગી જીવી શકીએ અને એટલા માટે જ નુતન વર્ષ પાસે સ્વાભાવિકપણે મસમોટી અપેક્ષાઓ-આશાઓ છે જ .
ખેર નવા વર્ષના આવનારા સમયમાં શું હશે એ તો અત્યારે ક્યાં ખબર પાડવાની પણ છતાયે નવા નો રોમાંચ તો હોય જ ને ? દરેક નવી વસ્તુ …દરેક નવા દિવસ …દરેક નવી વ્યક્તિ …દરેક નવી પરિસ્થિતી …દરેક નવા સમય નો એક રોમાંચ હોય જ અને રહેવાનો પણ . દરેક નવા ને આવકારવાનો એક થનગનાટ હતો …છે અને રહેશે . યાદ કરો એ નવી સાઇકલ …યાદ કરો સ્કૂલ કે કોલેજનો એ પહેલો દિવસ …યાદ કરો દિવાળીએ કબાટમાંથી નીકળતા એ નવા કપડાં …યાદ કરો હાથમાં આવેલો એ પહેલો પગાર કે પછી નવી નોકરીનો પહેલો દિવસ …!!! એ પછી તો સાઇકલ બહુ દિવસો ફેરવી હશે પણ નવી સાયકલના શરૂઆતના દિવસોનો આનંદ જ કોઈ ઓર હોય છે . ડીટ્ટો એવું જ કોલેજ ના કે નોકરીના બીજા દિવસો માટે પણ કહી શકાય . એવું જ કાઇક કપડાં જૂના થયા પછીનું રહેવાનુ . મજા નવા ની છે . નુતન ની છે . શરૂઆતની છે . નવાની મજા છે . લાભપાંચમ સુધી ચાલે તેમ છ્તાં પણ નવા વર્ષની શુભકામના આપવાની મજા નવા વર્ષે આવે એવી ત્યારે ના આવે . નવા નો એક અલગ જ રોમાંચ હોય છે , એક અલગ જ નશો હોય છે . સાઇકલ હોય કે મોબાઈલ ……કપડાં હોય કે કાર એની મજા એ જ્યારે નવું હોય ત્યારે આવે એવી મજા એ જૂનું થાય પછી ના આવે અથવા તો ઓછી આવે .
‘ નયા નૌ દિન , પુરાના સો દિન ‘ એ બધી વાત સાચી પણ એ તો પુરાના થાય ત્યારની વાત છે , ત્યાં સુધી તો નવા ની જે મજા છે , એનો જે નશો છે એ કાફી છે એ અનુભવવા માટે કે આ નવું છે . અને નવા ને સીધો સંબંધ છે નવી આશાઓ , નવા સ્વ્પનાઓ અને નવી શક્તિઓ સાથે , જી હા , નવું કે નુતનનો એક અર્થ એ પણ થાય છે કે કોઈક નવી ઉર્જા કે કોઈ નવો જ ઉત્સાહ આ નવી ઘટના – વ્યક્તિ-સંજોગ કે વસ્તુ સાથે જોડાયેલી છે . લાખ મુસીબતો હોવા છતાં પણ કશુક નવું બની રહ્યું હોય ત્યારે એ મુસીબતોને ભૂલી જવાની ઉર્જા પણ એ નવું કે નુતનમાંથી જ મળી રહે છે . નુતન વર્ષનો જ દાખલો લ્યો ને . જૂનું બોલે તો પસાર થઈ ગયેલા વર્ષમાં કરેલી ભૂલોમાથી લેવાનો બોધપાઠ કે મળેલા આનંદને વાગોળવાનો એક મહામુલો અવસર નવા વર્ષમાં મળવાનો છે . નવા નો અર્થ જ એ કે કોરી પાટી છે અને એમાં હવે શું લખવું એ નક્કી કરવાનું આપણાં હાથમાં છે . નો ડાઉટ સમયથી મોટું કોઈ લેખક નથી જ છતાં પણ નવું કે નુતનમાં તમે સંકલ્પ તો લઈ શકો ને ? નક્કી તો કરી શકો ને કે આ નુતન કે નવા માં આ કરીશું અને આ નહીં . નવા માં નવી શક્યતાઓ છે ..નવા માં નવી આશાઓ છે …નવમા નવા સંકલ્પો છે અને નવામાં નવી ઉમ્મીદો છે . આમ જોવા જાવ તો નવું ક્યાં સદાયે નવું રહેવાનુ છે , એ ક્યારેક ને ક્યારેક તો જૂનું થવાનું જ છે અને એ જેમ જેમ જૂનું થતું જવાનું એમ એમ નવાની શરૂઆતમાં જોયેલા સ્વપ્નો ….સેવેલી આશાઓ અને લીધેલા સંકલ્પો કેટલા અને કેવા પૂરા થયા છે કે થઈ રહ્યા છે એનું માપ મળતું જવાનું પણ એ જ્યારે નવા હતા ત્યારે જે રોમાંચ હતો એ અલગ જ રહેવાનો . હા જૂનું થયું હોય એનો ગમ તો રહેવાનો , એના જવાનું દુખ પણ રહેવાનુ પણ જગતનો નિયમ છે એમ નવા ને આવકાર અને જૂનાનો આભાર એ બંને સમાંતર વાત છે .
’નૂતન’ એટલે નવું એ તો આપણને બધાને ખબર છે. પણ નુતન જેવો જ અર્થ ધરાવતો બીજો શબ્દ છેઃ ’નૂતર’ કે ’નોતર’. મૂળ સંસ્કૃત શબ્દ ’નવતર’ પરથી આ ’નૂતર’ કે ’નોતર’ શબ્દ બન્યો છે. નવું અથવા નુતન એટ્લે કશુક નવું બની રહ્યું છે – સર્જાઈ રહ્યું છે . એમ માનો કે નવું એ નવસર્જનની એક એવી પ્રક્રિયા છે જેમાં જૂનાને સાથે રાખીને તમે નવા માં પ્રવેશ કરવાનો રોમાંચ અને ઉત્સુકતા અનુભવી શકો છો . નુતન કે નવું એક નવીનતા છે , એક બદલાવ છે કે જે વીતી ગયેલા કે જૂનાથી અલગ છે અને કદાચ એટ્લે જ એ નવીન છે – નુતન છે . આપણે આ નવીનતાનું સ્વાગત પણ નવીનતાથી જ કરીએ છીએ ને ? પછી ચાહે એ નવા કપડાં હોય , નવા વિચારો હોય , નવી આશાઓ હોય . ઈવન આપણે ત્યાં તો નવા વર્ષે જૂના હિસાબ કિતાબોને શૂન્ય કરીને ચોપડા પણ નવા જ શરૂ કરાય છે ને ? સજાવટ પણ નવી જ કરાય છે ને ? રંગોળી પણ દર વર્ષે નવી જ કરીએ છીએ ને ? આ જ તો મજા છે નવા ની – નુતનની કે જેમાં કશુક નવીન છે , જેમાં નવીનતા છે એ બધુ જ નવું છે – નુતન છે . યે ભાગદોડવાળી જિંદગીમાં આપણે એ પણ જાણતા હોઈએ છીએ કે નવા સમયમાં કે નુતન વર્ષમાં કદાચ એ જ ભાગદોડ – એ જ રોજીંદી ઘટમાળ કે એ જ રોજીંદુ જીવન જીવવાનું છે એમ છતાં પણ એટલિસ્ટ થોડા તો થોડા સમય માટે પણ નવા માં એન્ટર થતી વખતે આ બધી રૂટિન વાતોને ભૂલી જવાની પણ મજા છે . ખબર હોય કે કશું બદલાવાનું નથી છતાં પણ નવું કે નુતન ના વધામણાં નવી આશાઓ અને નવા ઉમંગોથી કરવી જ રહી . એમાં પણ આ વખતે કોરોનાના મુશકેલીભર્યા સમયમાં તો શરૂ થઈ ચૂકેલા નુતન વર્ષ પાસેથી તો ઘણીબધી આશાઓ છે .
નવું કે નુતન એ આગળ લખ્યું એમ એક એવી કોરી પાટી છે – એક એવી કોરી કિતાબ છે કે જેના પાનાઓમાં ઓલરેડી કશુક લખાયેલું છે પણ એ વાંચી શકાય એમ નથી એટ્લે બહેતર એ છે કે એ કોરી કિતાબમાં નવાનું સ્વાગત નવીનતા – બદલાવ – આશાઓ – સંકલ્પોથી કરીએ . ઈવન ગયા વર્ષે પણ એમાં તમે લખેલું , એમાથી ઘણું યાદ રાખવા જેવુ હશે , ઘણું ભૂલવા જેવુ . નુતનને આવકારવાનો બેસ્ટ રસ્તો એ જ છે કે ભૂલવા જેવુ ભૂલી જઈએ અને યાદ રાખવા જેવાને આ કોરી કિતાબમાં ફરીથી ટપકાવીએ અને તો જ નવા ની – નુતનની મજા આવશે . નવા સાથે જૂનું હોય જ છે પણ એ જૂનું કશુક શીખવા માટે – કશુક વાગોળવા માટે રાખીને નવમા નવા કદમ રાખવા પડે અને તો જ નવાનો રોમાંચ અને નવિનતાનો સાચો આનંદ મેળવી શકીએ . નવી આશાઓ – નવા સંકલ્પો – નવા સિધ્ધાંતો – નવા બદલાવો – નવા વિચારો આ બધુ મળીને જ તો સાચું નુતન વર્ષ બનવાનું ને અને તો જ એટલિસ્ટ નવા માં પગલાં માંડતા કઈક નવીનતાનો અહેસાસ થવાનો …!!!!!
- અજય ઉપાધ્યાય ( ગાંધીનગર સમાચાર – કૉલમ ” રઝળપાટ ” 22 નવેમ્બર 2020 )