‘ મૈ કોઈ બર્ફ નહીં જો પીઘલ જાઉંગા , મૈ કોઈ હર્ફ નહીં જો બદલ જાઉંગા ‘

સુપરહિટ ફિલ્મ ‘ શોલે ‘ તો તમને યાદ જ હશે અને એના બધા સુપરહિટ ગીતો પણ . એ શોલેમાં આર. ડી. બર્મને      કિશોરકુમાર , ભુપીન્દર , મન્નાડે અને એક બીજા ગાયક સાથે ‘ ચાંદ સા કોઈ ચહેરા ‘ એવી એક કવ્વાલી રેકોર્ડ કરેલી પણ થયું એવું કે ફિલ્મ ઓલરેડી 3 કલાક જેટલી લાંબી થઈ ગયેલી એટલે એ કવ્વાલી રેકોર્ડ તો થઈ પણ એના પર શૂટિંગ થયું જ નહીં પણ જે રીતે શોલે અને એના ગીતો હીટ થયેલા એ જોતાં જો એ કવ્વાલી ફિલ્મમાં હોત તો એ પણ હીટ જ થઈ હોત અને સાથે સાથે હીટ થઈ જાત એ અન્ય ગાયક પણ .. !!! જે બીજું કોઈ નહીં પણ આપણા સૌના માનીતા ગીતકાર આનંદ બક્ષી હતા ..!!!! જો કે આ ગીત ભલે ફિલ્માંકન ના થયું પણ રેકોર્ડ થયું હોવાથી આજે પણ તમે યુટ્યુબ પર સાંભળી શકો છો . હમણાં 30 માર્ચે જેમની મૃત્યુતિથી ગઈ એવા આનંદ બક્ષી એ લખેલા હિન્દી ફિલ્મોના ગીતો વગર તો બૉલીવુડ ફિલ્મોની કલ્પના કરવી જ મુશ્કેલ છે પણ મજાની વાત  એ છે કે આનંદ બક્ષીની ગીતકાર તરીકેની આખીએ કેરિયર આ આગળ વર્ણવ્યો એવા જ પ્રસંગોથી ભરપૂર રહી છે . શરૂઆતી જિંદગીમાં જ્યારે બક્ષી ખાલી સમયમાં ગીતો લખતા ત્યારે એ ગીતો તેઓ મિત્રો સમક્ષ ગાતા પણ ખરા અને આમ પણ બક્ષી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવ્યા જ હતા ગાયક કલાકાર બનવા માટે પણ નસીબનું ચક્ર એમને ગીતકાર બનવા તરફ લઈ ગયું . જો કે શોલે પહેલા એમણે 1972 માં ‘ મોમ કી ગુડિયા ‘ ફિલ્મમાં લત્તા સાથે એક યુગલ અને એક સોલો સોંગ ગાયેલું .

1950 માં જયારે આનંદ બક્ષી સેનામાં હતા ત્યારે એમણે ખુદ માટે એક ઘોષણાપત્ર લખેલું કે ‘ દરેકની જિંદગીનો એક મકસદ હોવો જોઈએ અને હું આનંદ બક્ષી ઘોષણા કરું છું કે મારી જિંદગીનો મકસદ છે કલાકાર બનવાનો અને એ માટે હું ફિલ્મ , રેડિયો , થિયેટર બધે જ જઈશ અને ગીતકાર , ગાયક કે દિગ્દર્શક જે શક્ય હશે એ બનીશ – પણ બનીશ ખરો ‘ .. કટ ટુ 1988 .. બહુ નહીં પણ લગભગ 38 વર્ષ પછી આનંદ બક્ષી        એ ઘોષણાપત્રમાં એક ઉમેરો કરે છે કે ‘ મકસદ પૂરો થયો – હું સફળ ગીતકાર બની ગયો છું પણ આ બનવામાં મે મારો આત્મવિશ્વાસ ખોયો છે , ભૂલો કરી છે ભગવાન મને એ ભૂલો સુધારવાની તક આપે ‘ સફળ થયા પછી પણ કશુંક બદલાયાની અનુભૂતિ આનંદ બક્ષીના શબ્દોમાં છે તો એવા જ સરળ શબ્દો પોતાના ગીતોમાં વાપરતા હોવાથી જ તો બક્ષી હીટ નહીં પણ સુપરહિટ બનેલા ને ..?? ‘ શમા કહે પરવાને સે પરે ચલા જા , મેરી તરહ જલ જાયેગા યહાં નહીં આ ‘ જેવા ગંભીર શબ્દોને પણ સરળતાથી લખી જાણતા બક્ષીની આ જ તો ખાસિયત હતી . 1958માં મુંબઇમાં સ્ટ્રગલ કરી રહેલા બક્ષી એકવાર હીરો ભગવાનદાદાની સાથે એમની  ફિલ્મ ‘ ભલા આદમી ‘ ના પ્રોડ્યુસર બ્રિજ મોહનની ઓફિસમાં બેઠેલા . ફિલ્મનો ગીતકાર ક્યાંક ગુમ થઈ ગયેલો તો ભગવાનદાદાએ બક્ષીને પૂછ્યું કે તુ શું કરે ? બક્ષી કહે ગીતકાર છું . ભગવાન કહે તો ગીત લખી બતાવ , અને બક્ષીએ પંદર દિવસમાં જ ચાર ગીતો લખી આપ્યા અને આમ શરૂ થઈ બક્ષીની સફર . જો કે આ હિન્દી ફિલમજગતમાં આવવાની બક્ષીની બીજી ટ્રાય હતી આ પહેલા એક નિષ્ફળ પ્રયાસ કરેલો પણ એમાં ફેલ થાય એટલે નેવીમાં જોડાઈ ગયેલા પણ જીવ તો ફિલ્મોમાં જ હતો એટલે નેવીની નોકરી છોડીને બીજી ટ્રાય માટે આવ્યા મુંબઈ . જો કે નાની મોટી ફિલ્મોના ગીતો લખવાની અને સફળ થવાની બક્ષીની સ્ટ્રગલ લાંબી ચાલી અને છેક 1965 માં ‘ જબ જબ ફૂલ ખીલે ‘ ના ‘ પરદેશિયોસે ના અખિયા મીલાના ‘ ને ‘ યે સમા સમા હૈ એ પ્યાર કા ‘ જેવા સુપરહિટ ગીતો આપીને બક્ષીએ આખરે સફળ ગીતકારનું નામ બનાવ્યું . જો કે વચ્ચે વચ્ચે ‘ મેરે મહેબૂબ કયામત હોગી , આજ રુસવા તેરી ગલિયોમે મુહોબ્બત હોગી ‘ જેવા એકલદોકલ હીટ ગીત આવતા રહેલા પણ ફૂલ હીટ આલબમ તો ‘ જબ જબ ફૂલ ખીલે ‘જ હતું .

                                            મજાની વાત એ છે કે શશીકપૂરની કેરિયર ઓલમોસ્ટ પૂરી થવા પર હતી અને ‘ ફૂલ ખીલે ‘ એ જાદુ કર્યો . એમ તો ખાલી શશી જ શું કામ આનંદ બક્ષીના ગીતો એ સન્ની દેઓલ , જેકી શ્રોફ , કમલાહસન , ઋષિકપૂર , શાહરુખ જેવા કલાકારોની પ્રથમ ફિલ્મના હીટ ગીતો પણ લખેલા તો રાજેશખન્ના જે ફિલ્મથી સાચા અર્થમાં સુપર સ્ટાર બન્યો એ આરાધના ના ગીતો પણ આનંદ બક્ષીના જ હતા . આગળ પંદર દિવસ જેવા ટૂંકા ગાળામાં ચાર ગીતો લખ્યાની વાત પરથી યાદ આવ્યું કે આનંદ બક્ષીએ તો આઠ કલાકમાં ગીત લખ્યાનું પણ છે . મજરૂહ જેવા શાયરોની ઉપસ્થિતિમાં આનદ બક્ષીએ પોતાની જગ્યા બનાવી એનું એક બીજું કારણ એ પણ હતું કે બક્ષિના ગીતો સમજવામાં સરળ હતા . કોઈ ભારેખમ શબ્દો નહીં છતાં કહેવાનું કહેવાય જાય એવા. બક્ષીએ ખુદે પોતાની સફળતામાં આ સરળ શબ્દોનો બહુ ફાળો છે એ સ્વીકારેલું . બક્ષીએ કહેલું કે હું માત્ર આઠ ચોપડી જ ભણેલો એટલે હિંદીના માતબર શબ્દો મને બહુ આવડતા નહીં એટલે મે બોલચાલની સામાન્ય ભાષામાં વપરાતા શબ્દો મારા ગીતોમાં વાપર્યા અને ભગવાનની કૃપા કે લોકો એ શબ્દો પોતે જ બોલતા હોય એવા લાગવાથી એને વધાવી લીધા .

                                       બાકી બક્ષી એ બધા જ પ્રકારના ગીતો લખ્યા છે અને એ ગીતો હિટ રહ્યા છે અને આજેપણ લોકો વારંવાર સાંભળે છે . ‘ આપ યહાં આયે કિસ લિયે ? ‘ કે પછી ‘ બાગો મે બહાર હૈ .. હા હૈ ‘ કે પછી ‘ અચ્છા તો હમ ચલતે હૈ ‘ જેવા સવાલ-જવાબવાળા ગીતો લખતા પહેલા પણ બક્ષીએ 1962 માં ‘ કાલા સમંદર ‘ માં નાયક – નાયિકાના સવાલ જવાબવાળી એક કવ્વાલી આવી જ લખેલી જેના શબ્દો હતા ‘ મેરી તસવીર લેકર કયા કરોગે ? ‘તો ‘ ફૂલ બને અંગારે ‘ માં ચીને ભારત પર કરેલા આક્રમણની પૃષ્ઠભૂમિ પર દેશભક્તિનું ગીત લખેલું જેના શબ્દો હતા  ‘ વતન પર જો ફીદા હોગા અમર વો નૌજવાં હોગા ‘ તો આ જ ફિલ્મમાં ‘ ચાંદ આહે ભરેગા ફૂલ દિલ થયાં લેંગે , હુસ્ન કી બાત ચલી તો સબ તેરા નામ લેંગે ‘ જેવુ રોમેન્ટિક ગીત પણ આપેલું . આ જ ચાંદ ને આગળ વધારતા ‘ હિમાલય કી ગોદ મે ‘ માં ‘ ચાંદ સી મહેબૂબા હો મેરી કબ ‘ લખ્યું તો ‘ જબ જબ ફૂલ ખીલે ‘ નું ‘ એક થા ગુલ ઓર એક થી બુલબુલ ‘ જેવુ ભાવવાહી ગીત પણ આપ્યું . ‘ આયે દિન બહાર માં ‘ દિલ તોડતી પ્રિયતમાને શ્રાપ આપતું ‘ મેરે દુશ્મન તું મેરી દોસ્તી કો તરસે ‘ હોય કે પછી ‘ અમરપ્રેમ ‘ નું ઘણી સમસ્યા એવી હોય છે કે જેનો કોઈ ઉકેલ નથી એવા ભાવવાળું ‘ ચિનગારી કોઈ ભડકે તો સાવન ઉસે બુજાયે , સાવન જો આગ લગાએ ઉસે કૌન બુજાયે ‘ હોય કે પછી આવું જ એક બીજું ‘ કુછ તો લૉગ કહેંગે , લોગો કા કામ હૈ કહેના ‘ વાળું ફિલોસૉફિકલ સોંગ હોય કે દિલ તૂટવાની ઘટનાને એકદમ પોઝિટિવ લેતું સોંગ ‘ યે કયા હુઆ કૈસે હુઆ કબ હુઆ કયું હુઆ ‘ ની એક એક લાઇન કે પછી ‘ આરાધના ‘ માં જીવનથી હારેલી શર્મિલાને પોરસ ચડાવતું ‘ કાહે કો રોયે સફલ હોગી તેરી આરાધના ‘  કે ‘ મિલન ‘ નું મધુર ‘ રામ કરે ઐસા હો જાયે મેરી નિંદિયા તુજે લગ જાયે ‘ હોય કે આ લખનારનું ઓલટાઈમ ફેવરિટ ‘ આપ કી કસમ  ‘ નું ‘ જિંદગી કે સફર મે ગુજર જાતે હૈ જો મકામ વો ફીર નહીં આતે  ‘ હોય ..!!! બક્ષી ના લગભગ 3500 થી વધુ ગીતો છે અને એમાંથી મોટાભાગના ઉપર લખ્યા એમ વિધવિધ વિષયો પર લખાયેલા છે . અને મજાની વાત એ છે કે રિમિક્ષના જમાનામાં આજે પણ નવી પેઢીને આ ગીતો ગમે છે અને એટલે તો રાજેશ ખન્ના  કે ધર્મેન્દ્રના જમાનાની સાથે સાથે બક્ષીજી ના નવા જમાના ના અમિતાભ સાથે ‘ હમ ‘ , શાહરુખ ‘ દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે ‘ , અક્ષય સાથે ‘ મોહરા ‘,અનિલ કપૂર સાથે  ‘ તાલ ‘ , સુભાષ ઘાઈ  સાથે ‘સૌદાગર ‘ , સની દેઓલ સાથે ‘ ગદર : એક પ્રેમકથા ‘  જેવી ફિલ્મોના ગીતો  લોકપ્રિય હતા અને છે . બક્ષીના ગીતોએ આર. ડી બર્મન  , કુમાર શાનું , ઉદિત નારાયણ , એસ. પી. બાલા જેવા ઘણા ગાયક – સંગીતકારોની  સફળતામાં સીડીનું કામ કરેલું . બક્ષીએ પોતાના માટે લખેલું કેટલું સાચું છે કે ‘ મૈ કોઈ બરફ નહીં જો પીઘલ જાઉંગા , મૈ કોઈ હરફ નહીં જો બદલ જાઉંગા ‘ !! ( akurjt@gmail.com  )

  • અજય ઉપાધ્યાય ( ગાંધીનગર સમાચાર – કૉલમ ” રઝળપાટ ” 7 એપ્રિલ 2024 )