સુપરહિટ….બ્લોકબસ્ટર ‘ એટલી ‘ ..!!!!

હવે તો કોઈને કદાચ યાદ પણ ક્યાંથી હશે પણ આજથી લગભગ ૩-૪ કે એનાથી પણ પહેલા એક ફોટો બહુ વાયરલ થયેલો જેમાં એક ખૂબસૂરત રૂપાળી પત્ની અને કાળો પતિ સજોડે ઉભેલા . લોકોએ આ ફોટાના મીમ્સ બનાવીને ટાઇટલ આપેલું કે ‘ સરકારી નોકરીના ફાયદા ‘ ..સાધારણ કદ-કાઠી અને સાંવલા રંગને લીધે આ કપલને ટ્રોલ કરીને ખૂબ મજા લીધેલી સોશિયલ મીડિયા પર લોકોએ ..!!! કટ ટુ ૨૦૨૩ આજે એ જ કાળા છોકરાની પાછળ ફિલ્મ દિવાનાઓ ગાંડા છે એટલું જ નહીં પણ સાઉથના હોય કે બોલિવૂડના પણ લગભગ બધા જ હીરો એની સાથે કામ કરવા આતુર છે .. જી હા વાત થઈ રહી છે અત્યારે બમ્પર કમાણી કરી રહેલી અને જે ફિલ્મે શાહરુખ પરથી છેલ્લી ઘણી ફ્લોપ ફિલ્મો આપવાનું ગ્રહણ દૂર કર્યું છે એવી ‘ જવાન ‘ ના દિગ્દર્શક એટલીકુમાર ની ..!!  ફ્લોપ જઈ રહેલા કે પછી સુપરહિટની તલાશમાં રહેલા સ્ટાર લોકો માટે એટલી અત્યારે પારસમણિથી કમ નથી . એટલીનો હાથ અડે એ ફિલ્મ સુપરહિટ થવી નક્કી છે એવું એના અત્યાર સુધીના ટ્રેકરેકોર્ડ પરથી કહી શકાય એમ છે . અને ટ્રેકરેકોર્ડ પણ કેવો ? ભલભલા દિગ્દર્શકોને અદેખાઈ આવે એમ એક પછી એક પાંચ સુપરહિટ ફિલ્મ આપી છે એટલી એ ..!!! બોલીવુડમાં ‘ શો મેન  ‘ ટાઇટલ છે ને કઈક એવું જ ટાઇટલ એટલી ને આપી શકાય એવી હિટ ફિલ્મો એના નામે સાઉથમાં અને હવે જવાન પછી બોલીવુડમાં પણ બોલે છે ..!!!

હજુ તો માંડ ૩૭ વર્ષનો છે ત્યાં તો એટલી કે જેનું સાચું નામ અરુણકુમાર છે એણે મનોરંજન જગતમાં એવો સિક્કો જમાવી દીધો છે કે સાઉથના તો ઠીક પણ બોલિવૂડના સલમાન, આમિર , અક્ષય જેવા સ્ટાર પણ એની ફિલ્મમાં કામ કરવાની તક શોધી રહ્યા છે જો કે ખુદ એટલી સલમાન , આમિર અને હૃતિક સાથે ફિલ્મ કરવાની ઈચ્છા બતાવી ચૂક્યો છે . જો કે જવાન પછી બોલીવુડમાં એટલીની વાર્તા પરથી બની રહેલી નવી એક્શન ફિલ્મનો હીરો વરુણ ધવન છે. ખેર , ૧૯૮૬માં જન્મેલા એટલી ૨૪ વર્ષની ઉમરે તો સાઉથના હિટ ડાયરેક્ટર શંકરને આસિસ્ટ કરી રહ્યા હતા . શંકરની એથિરન કે જે હિન્દીમાં રજનીકાંતને લઈને ‘ રોબોટ ‘ નામે બનેલી અને એવી જ હિન્દી ‘ ૩ ઈડિયટ ‘ ની રિમેક ‘ નાનબન ‘ માં એટલીએ શંકરના આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે કામ કરેલું . આજે પણ શંકરને ગુરુ માનતા અને પોતાની ફિલ્મોમાં શંકરની છાંટ છે એવું સ્વીકારતા એટલીએ ૨૦૧૩માં માત્ર ૨૭ વર્ષની ઉમરમાં જ ‘ રાજારાની ‘ સાથે દિગ્દર્શનમાં ડેબ્યૂ કરી પણ નાખેલું . ૨૦૧૩થી ૨૦૨૩ સુધીના દસ વર્ષોમાં માત્ર પાંચ ફિલ્મનું જ દિગ્દર્શન કર્યું છે પણ પાંચો કી પાંચો સુપરહિટ હૈ બોસ્સ ..!!!

                      અને સુપરહિટ એટલે કેવી ? વિવેચકોએ ખૂબ જ વખાણેલી ૨૫ કરોડના બજેટમાં બનેલી પહેલી જ ફિલ્મ રાજારાની એ લગભગ ૯૦ કરોડથી વધુનું કલેક્શન કરેલું ને એટલીને બેસ્ટ ડેબ્યૂ ડાયરેક્ટરનો એવોર્ડ જિતાવી આપેલો . પછી ૨૦૧૬ માં આવી થલાપતિ વિજય ને વધુ હિટ બનાવતી ફિલ્મ ‘ થેરી ‘ . ૭૫ કરોડમાં બનેલી આ ફિલ્મને વિવેચકોએ બહુ વખાણી નહીં પણ ૧૫૦ કરોડના કલેક્શન સાથે એ ૨૦૧૬ ની બીજી સુપરહિટ ફિલ્મ બની રહેલી . પછી તો એટલીએ વિજય સાથે જ ૨૦૧૭ માં ‘ મર્સલ ‘ બનાવી . વિવેચકોએ વખોડેલી પણ ગ્લોબલી ૩૦૦ કરોડ કમાયેલી આ ફિલ્મે એટલીનું સ્થાન વધુ મજબૂત કર્યું . ‘ મર્સલ ‘ ને તો ચીનમાં અને પબ્લિક ડિમાન્ડ પર યુરોપના સૌથી મોટા થિયેટર ગ્રેન્ડ રેક્સમાં પણ પ્રદર્શિત કરેલી . વિવેચકો ભલે વખોડતા રહ્યા પણ એટલીની કઈક હટકે કહી શકાય એવી સ્ટોરીટેલિંગ લોકોને ગમવા લાગી . બે વર્ષ પછી એ જ વિજય અને નયનતારા સાથે એટલીની કોમર્શિયલી વધુ એક હિટ આવી ‘ બીગીલ ‘ જેનો અર્થ વ્હિસલ થાય છે એવી આ સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મે અગેન ૩૦૦ કરોડથી વધુનું કલેક્શન કરીને ૨૦૧૯ની સૌથી વધુ કમાનારી તામિલ ફિલ્મ બની રહી . ઇન બિટવિન એટલીએ પત્ની પ્રિયા સાથે મળીને પોતાનું પ્રોડક્શન હાઉસ ‘ એ ફોર એપલ ‘ શરૂ કર્યું અને બે ફિલ્મો પ્રોડ્યુસ પણ કરી . પણ સાઉથના આ ચમત્કારી દિગ્દર્શકને સતત ફ્લોપ આપી રહેલા શાહરુખે પોતાની નવી ફિલ્મ માટે કરારબધ્ધ કરતાં જ એટલીનું નામ હિન્દી સર્કિટમાં પણ જાણીતું થયું અને જે ફિલ્મને એટલીએ ચાર વર્ષ આપ્યા એ જવાનની છપ્પરતોડ સફળતા સાથે જ રેસ્ટ ઈઝ ધ હિસ્ટ્રી ..!!!!

                           મજાની વાત એ છે કે સુપરહિટ રહેલી પાંચે પાંચ ફિલ્મોના લેખક પણ એટલી જ છે એટલું જ નહીં પણ પાંચમાંથી ત્રણ ફિલ્મ વિજય સાથે કરી છે . આપણે સૌ જાણીએ છીએ એમ સાઉથની ફિલ્મો મોટાભાગે લાર્જર ધેન લાઈફ હોય છે . હિન્દી દર્શકો માટે એના એક્શન અને સ્ટોરીટેલિંગ પચાવવી જરા અઘરી પડતી હોય છે એમ છતાં પણ એટલીની ડબ થયેલી ફિલ્મો ઓટીટી પર અને હિન્દીપટ્ટામાં પણ એટલી જ પોપ્યુલર છે . આ જ સ્થળે હિન્દી બેલ્ટમાં સફળ થયેલી સાઉથની પુષ્પા, કંતારા કે કેજીએફ જેવી ફિલ્મો વર્સિસ બૉલીવુડ વખતે લખેલું કે જો બોલિવૂડે ટકવું હશે તો લોકોને ગમતી સ્ટાઈલથી ફિલ્મો બનાવવી પડશે અને જવાન આગળ ઉલ્લેખ કર્યો એ ટાઈપની જ ટીપીકલી સાઉથ ફિલ્મ જ છે . શાહરૂખને બાદ કરતાં નયનતારા , વિજય સેતૂપતિ કે ઇવન ટેલેન્ટેડ સંગીતકાર અનિરુધ્ધ ( જેના વિષે અલગથી લખવું પડે એમ છે ) બધા જ સાઉથના છે . ઇવન એટલી પર જેનો આરોપ વિવેચકો લગાવી રહ્યા છે એ એની જ જૂની હિટ સાઉથની ફિલ્મોના રિક્રિએટ કરેલ દ્રશ્યો પણ જવાનમાં છે આમ છતાં પણ એક હકીકત છે કે ઓએમજી-૨ , ગદદર અને હવે જવાનની સફળતા એ વાતનો સંકેત છે કે ફિલ્મ વેલ મેડ અને દર્શકોને કશુંક નવીન પીરસતી હોય તો સાઉથ-નોર્થ જેવો ભેદ હટી જાય છે .

                  એટલીની ફિલ્મો બીજી ફિલ્મો સાથે મળતી હોય છે એવો આરોપ છે . ‘ નવી બોટલ માં જૂના દારુ ‘ ની જેમ એની પહેલી ફિલ્મ ‘ રાજા રાની ‘માં મણિરત્નમની ‘ મૌનરાગમ ‘ અને ‘ મિલાના ‘ ની છાંટ હતી તો ‘ થેરી ‘ અને ‘ મેરસલ ‘ પર પણ આવો જ આરોપ લાગેલો . ‘ બીગીલ ‘ માં તો ‘ શાહરૂખની જ ચક દે ના ઘણા સિન્સ લેવાયેલા તો શાહરુખની જ જવાનમાં પણ એટલીની જ અગાઉની ફિલ્મોના સિન્સની કયા કયા દ્રશ્યોમાં કોપી છે એની અઢળક રીલ્સ સોશિયલ મીડિયા પર છે જ ઇવન ખણખોદીયાવનું તો એવું કહેવું છે કે ‘ જવાન ‘ માં જુદી જુદી ૨૩ જેટલી  ફિલ્મોના સિન્સની કોપી છે આઈ મીન સાદી ભાષામાં આટલી ફિલ્મોના સિન્સમાંથી પ્રેરણા લીધી છે ..!!!! જો કે વિવેચકો કબૂલ કરે છે કે એટલીની ફિલ્મોમાં એના ગુરુ શંકરની છાપ દેખાય છે એટલું જ નહીં પણ જુદી જુદી ફિલ્મોની સિચ્યુએશન અને સિન્સને રિક્રિએટ પણ કરે છે પણ હકીકત એ છે કે અંતે તો સફળ છે કે નિષ્ફળ એનું પરિણામ બોક્સ ઓફિસ કલેક્શનથી જ ગણાતું હોય છે એવામાં એટલી નિર્વિવાદ બોક્સ ઓફિસ પર સફળતાની ગેરંટી છે જ અને યાદ રહે કે ઓએમજી-૨ કે ગદર-૨ જેવી ફિલ્મો આખા ઇન્ડિયાના જોરે ૧૦૦ કે ૬૦૦ કરોડનો કારોબાર કરે છે એવામાં એટલીની ફિલ્મો માત્ર સાઉથ બેલ્ટના ત્રણ જ રાજ્યોમાં ૨૦૦-૩૦૦ કરોડનો બિઝનેસ કરી જાય છે અને હવે જવાનની ઓલ ઈન્ડિયા સક્સેસ પછી એ વાતને નકારી ના શકાય કે હાલના તબક્કે એટલી કોમર્સિયલી સફળ દિગ્દર્શક છે . જો કે સાઉથના મણિરત્નમ , શંકર , મુરગોદાસ ,પ્રભુદેવા કે રાજામૌલી જેવા દિગ્દર્શકોની બૉલીવુડ ઇનિંગ પછી એટલી બોલીવુડમાં કેટલું કાઠું કાઢે છે એ તો સમય જ કહેશે પણ એ પહેલા સમાચાર છે કે એટલીની નેક્સ્ટ એક્શન ફિલ્મનો હીરો છે અલ્લું અર્જુન ..- અબ યે એટલી ઝૂકેગા નહીં !!!! . (akurjt@gmail.com ) Image : sakshi.com

  • અજય ઉપાધ્યાય ( ગાંધીનગર સમાચાર – કૉલમ ” રઝળપાટ ” ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૩ )