મેમે….મિમ્સ….મિમ : મજાક મજાકમાં જોરદાર વાત
પીકચર-1 : વિકી કૌશલનો ફોટો છે અને એની ઉપર એના જ એક સોંગની લાઇન્સ લખેલી છે ‘ મુઝસે જો નઝરે ચૂરાને લગે હો , લગતા હૈ કોઈ ઔર ગલી જાને લગે હો ‘……….!!!! પીકચર-2 : દંગલ ફિલ્મનો આમિરખાનનો ફોટો છે જેને એ જ ફિલ્મનો સંવાદ બોલતો બ અતાવ્યો છે કે ‘ દિલ છોટા ના કર , નેશનલ લેવલ ચેમ્પિયન સે હારા હૈ તુ “….!! પીકચર-3 : એક ફોટામાં ગેંગ્સ ઓફ વસેપુરનો મનોજ બાજપાઈનો ફોટો છે અને એ એક છોકરીના ગાલ પકડીને કહી રહ્યો છે કે ‘ કાંપ કાહે રહી હૈ તુ “…!!! લોકડાઉનમાં જ્યારે દૂરદર્શન પર રામાયણ અને મહાભારતનું પુનઃપ્રસારણ શરૂ થયું અને શરૂ થતાંવેંત જ સુપરહિટ સાબિત થયું ત્યારે એમેઝોન , નેટફ્લિક્સ કે પ્રાઈવેટ ચેનલ્સના રેટિંગ ઘટી ગયેલા ત્યારે સોશિયલ સાઇટ્સ પર દૂરદર્શન અને આ ઓનલાઈન સ્ટ્રીમિંગ કે પ્રાઈવેટ ચેનલ્સ માટે જે મજાકો શરૂ થયેલી એના ઉપર નમૂના મૂક્યા છે . આવી મજાકો કે જે રિયલ રેફરન્સ સાથે કે કોઈ ને કોઈ વાત ને કોઈ વાત સાથે કનેક્ટ કરીને કરાય છે એને સોશિયલ સાઇટ્સની ભાષામાં – ઇન્ટરનેટની લેંગ્વેજમાં કહેવાય છે ‘ મેમે ‘ ….’ મિમ્સ ‘….’ મિમ ‘ …!!!! વિકી કૌશલવાળો મેમે ઓનલાઈન સ્ટ્રીમિંગ સાઇટ્સ દૂરદર્શન તરફ જતાં દર્શકોને કહે છે તો આમિરવાળો મેમે દૂરદર્શન ઓનલાઈન સ્ટ્રીમિંગને કહે છે તો મનોજવાળો મેમે પણ દૂરદર્શન દ્વારા નેટફ્લિક્સ ની મજાકરૂપે જ સોશિયલ મીડિયામાં તરતો મુકાયેલો ….!!!!
ઉપર નમૂના આપ્યા એ તો થોડા જૂના છે પણ હકીકત એ છે કે કોઈ પણ ઘટના , વ્યક્તિ કે કોઈપણ આઈ મીન કોઈપણ કે કશાપણ ઉપર આ મેમે બની જ જાય અને માંડે વાઇરલ થવા પણ …!!! લોકડાઉનમાં તો કોરોના અને લોકડાઉનના હજારો નહીં પણ લાખો મેમે ઇન્ટરનેટ પર ફરતા થયેલા અને હજુ પણ ફરે જ છે , ઇનફેક્ટ કોરોના ઉપરના ઘણા મેમે તો એટલા જોરદાર બનેલા કે જો કોરોના એને જોઈ જાય તો એ પણ ઊભી પૂછડીએ ભાગી જાય …!!!!! ખરેખર આમ જોવા જાવ તો આ મેમે કે મિમ્સ ભલે મજાક માટે બનાવતા હોય કે બનતા હોય પણ મોટાભાગે એ મજાકમાં જે મેસેજ હોય છે એ સચોટ હોય છે . કહેવાય છે ને કે એક તસવીર સો શબ્દોની ગરજ સારે છે બસ કાઇક એવું જ મેમે માટે પણ કહી શકાય અને અહિયાં તો તસ્વીરની સાથે સાથે સચોટ શબ્દો પણ હોય જ છે અને કદાચ એટ્લે જ જાતજાતના , ભાતભાતના અને વિવિધ વિવિધ વિષયો – વ્યક્તિઓ-બયાનો પરના મેમે રાતોરાત લોકપ્રિય થાય છે . સોશિયલ સાઇટ્સ પર ફ્ક્ત રમૂજી મેમે જ નહીં પણ કરૂણ , રાજકીય , ફિલ્મી , ઇનસ્પિરેશનલ મેમે પણ ઉપલબ્ધ થયા જ કરે છે. મોટાભાગે ફેસબુક , ટ્વિટર , ઇનસ્ટા કે બીજી સાઇટ્સ કે બ્લોગ પર લાઈક – કોમેન્ટ ની સંખ્યા વધારવાનો અને ફોલોવર્સ વધારવાનો આ એકદમ આસાન ઉપાય છે . આ બધાની સાથેસાથે આ મિમ્સ જબરદસ્ત મનોરંજન પણ પૂરું પાડે જ છે . હસતાં હસાવતા ઘણીવાર એકદમ કડવી વાત કે કોઈના પર ધારદાર કટાક્ષ કરવા માટેનું આ બેસ્ટ અને ઇઝીલી અવેલેબલ હથિયાર છે અને ઇન્ટરનેટ પર આનો અસરકારક અને ઘણા કિસ્સામાં બેફામ ઉપયોગ થાય જ છે અને થતો રહેવાનો પણ છે જ . મોદી હોય કે મમતા , સલમાન હોય કે શાહરુખ , કોહલી હોય કે કેન વિલિયમસન્સ , ચેતન ભગત હોય કે અર્નબ ….કોઈપણ આ મેમે ના વાર થી બચી શક્યા નથી કે કોઈપણ આ મેમે ના વારથી બચી શકવાના પણ નથી ….અને આ તો વૈશ્વિક મજાક છે , ચલતી રહેગી !!!!
તમને એમ થશે કે આ મેમેનું સામ્રાજ્ય હમણાંનું યાની કી 5-7 વર્ષનું જ હશે તો એવું બિલકુલ છે નહીં . હા એ અલગ વાત છે કે સોશિયલ મીડિયાનો વ્યાપ છેલ્લા દસેક વર્ષોમાં વધુ વધ્યો છે એટ્લે મને ને તમને એવું લાગે પણ ખરેખર એવું છે નહીં . સાલ 1990માં યુઝનેટ પર આ કોન્સેપ્ટને શેર કરવામાં આવેલો ઓબવિયસલી ત્યારે ફેસબુક કે વોટસપ જેવા અત્યારના સુપર સ્પ્રેડર ઓનલાઈન પ્લેટફોર્મ હતા નહીં એટ્લે મોટેભાગે આ મેમે ઈમેઈલ અને મેસેજબોર્ડ કે વર્કગ્રૂપમાં શેર થતાં . 2005માં યુટ્યુબ લોન્ચ થતાં એના પર ’ રિકોલિંગ મેમે ‘ નામે એક મેમે વિડીયો અપલોડ થયેલો અને જબરદસ્ત હિટ થયેલો ત્યારથી મેમે ઇન્ટરનેટ પર પ્રચલિત થવાના શરૂ થયા એમ કહી શકાય જો કે ચોક્કસ ઇતિહાસ તો નથી મળતો પણ યાદ છે એક ડાંસિંગ બેબી કે જે ‘ બેબી ચા-ચા ‘ ના નામે પણ ઓળખાતી જે સ્પેનિશ ધૂન પર ગોળ ગોળ કે એમ જ નાચતી રહેતી એ ઇન્ટરનેટ પર વાઇરલ થનાર ફર્સ્ટ મેમે હતી એમ કહી શકાય . યાદ હોય તો જુદા જુદા પ્રકારે ગોળગોળ ફરતી આ ડાંસિંગ બેબી ઈમેલ ના અંતમાં જોવા મળતી .
મીમ અથવા મેમે એ પ્રાચીન યુનાની શબ્દ ‘ મિમેમા’ નું શોર્ટફોર્મ છે જેનો અર્થ થાય છે ‘ નકલ કરવી કે નકલ ઉતારવી ‘ ઇન શોર્ટ મજાક કરવી કોઇની પણ !!! જો કે શરૂઆતમાં માત્ર ઈમેજમાં જ કેદ થઈ ગયેલ મેમે હવે તો વિડીયોરૂપે પણ ધૂમ મચાવે છે અને GIF તો છે જ . યાદ છે ને ટ્ર્મ્પની ભારત મુલાકાત વખતે વાઇરલ થયેલ બાહુબલી સ્ટાઈલ વિડીયો મેમે કે જેને તો ખુદ ટ્રમ્પે પણ શેર કરેલો …!!!! હવે તો ઇન્ટરનેટ પર તમને મેમે બનાવવામાં મદદ કરતી અનેકો વેબસાઇટ અને મોબાઈલના એપ્લીકેશન સ્ટોર્સમાં અનેકો એપ્સ પણ છે જ જ્યાં જઈને તમે તમારી ક્રિએટિવિટી મુજબ મેમે બનાવી શકો છો અને બિન્દાસ ઇન્ટરનેટ પર વહેતા મૂકી શકો છો . ઘણીવાર કંપનીઓની હરિફાઇઓ પણ મેમે બનાવવા માટે એક કારણ બની રહે છે . ઉબર ઇટ્સ અને ઝોમેટો ની ટાઈઆપ થઈ ત્યારે સ્વીગી જેવી કંપનીઓએ ચર્ચામાં રહેવા પ્રોફેશનલ મેમે ક્રિએટર પાસે લાખો રૂપિયા આપીને મિમ્સ બનાવડાવેલા . ઇન્સ્ટાગ્રામ , ફેસબુક કે બીજે ચર્ચામાં રહેવા ખુદ કંપની પોતે જ મેમે બનાવડાવીને ઇન્ટરનેટ પર મુકાવે એ ટ્રેન્ડ આજકાલનો લેટેસ્ટ માર્કેટિંગ ટ્રેન્ડ છે એટ્લે ઘણીવાર ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા પર કોઈ એક ડીલ-ટોપીક-કંપનીના મેમે વારંવાર આવ્યા કરે તો બની શકે કે એ એક માર્કેટિંગ ટ્રીક પણ હોય શકે છે અને એટ્લે તો ઇન્ટરનેટ પર સ્પેશિયલ મેમે પેઇજ કે પ્રોફાઇલ અઢળક છે !!!! એ પેઇજ ના માલિકોને ફોલોવર કે મેમ્બરની સંખ્યાના હિસાબે એક મેમે પેઇજ પર મૂકવાના 1000-3000 જેટલા રૂપિયા ચૂકવાય છે એટલું જ નહિ પણ ટીકટોક પર આવા પ્રોફાઇલની પહોંચ અને ફોલોવર્સના હિસાબે 5000 થી 3 લાખ સુધીનો ચાર્જ ચૂકવાય છે !!!! પહેલા આવા પેજો કે પ્રોફાઈલો ગૂગલની એડ ની આવક પર જીવતા હતા પણ હવે મેમ્સના વ્યાપક ફેલાવાને લીધે કરોડો કમાઈ લે છે . મિમ્સનો ફાયદો જ એ છે કે લાંબી વાત ટૂંકમાં જોનારને સમજાઈ જાય . 2019ની લોકસભા ચુંટણીમાં નવા મતદારો સુધી પોતાની વાત પહોચડવા ભાજપ દ્વારા મિમ્સનો સચોટ ઉપયોગ થયેલો , આમ તો મિમ્સ કે મેમેને હલકામાં અને હળવાશથી જ લેવાય છે પણ ઘણીવાર કોઈ મેમે શેર કરવા કે વહેતા મૂકવાને લીધે મુશ્કેલીમાં પણ મુકાઇ જતાં હોય છે , બાકી નેતા હોય કે અભિનેતા કે કોઈ બીજી સેલેબ્રિટી લગભગ તો પોતા પર વહેતા થયેલા આ મિમ્સને હસવામાં જ લઈ લે છે …..જોનારે પણ એમ જ લેવા ….!!!!
image source: abplive