ઇસ અંજુમન મેં આપકો આના હૈ બારબાર ….!!!!!
બસસ્ટેન્ડની લાઈનમાં કોઈને મસ્તીથી સીટી વગાડતો ખભ્ભે ટીફીન-બેગ લઈને ઉભેલો જોઇને જીવ બળી જાય છે ? કે સાલો કેટલી મોજથી નોકરીએ ઉપડ્યો છે ને આપણે ….??? સ્કુલે જવા ખીલખીલાટ સાથે બસની રાહ જોઇને ઉભેલા બાળકને જોઇને પરાણે ભણવા જતો બીજો બાળક શું વિચારતો હશે ? એજ કે આને શેનો હરખ છે આટલો બધો ભણવા જેવા બોરિંગ કામ માટે ? ‘ રોજ રોજ શું રાંધવું ? ‘ કે પછી ‘ હાલો હજુ મારે તો રસોડું રાહ જોવે છે “ જેવા મોનોટોનસ વાક્યો સામે ‘ આજ તો કૈક નવી રેસીપી ટ્રાય કરવાની ઈચ્છા છે ‘ જેવું કશુક સ્વાદિષ્ટ લાગે એવું અને ભૂખ ઉઘાડી દે એવું વાક્ય બોલતી ગૃહિણી સામે જોઇને પેલા રોજ રોજ શું રાંધવાની ચિંતા કરવાવાળા બેન શું વિચારતા હશે ?…..સી , પરિસ્થિતિ બધા જ મામલે સરખી જ છે છતાં પણ દરેક મામલાના બે પેહલું ઓલરેડી વાંચતા જ દેખાઈ આઈ મીન સમજાઈ જાય છે અને એ છે એકબાજુ બોરિંગ થવાવાળા અને બીજી બાજુ એ જ કામને જરાક જુદો રંગ…જરાક જુદો ટ્વીસ્ટ ….જરાક હટકે લાગે એવું પ્રેઝન્ટેશન કરનારાઓ …..!!!!!
લેખનું ટાઈટલ બનેલી ઉમરાવજાન ફિલ્મના ગીતની પંક્તિ ‘ ઇસ અંજુમન મેં આપકો આના હૈ બારબાર ‘ નો આગલો પોર્શન જ વિચારવા જેવો છે કે ‘ દીવાર-ઓ-દર કો ગોંર સે પહેચાન લીજીયે “ …અને આ જ તો છે ટાઈટલ પંક્તિમાં ઉઠાવેલી ઉલ્ફતનો સરળ જવાબ !!! જી હા બહેનો ઔર ભાઈઓ …જિંદગી ઝંડવા હુઈ ગઈ હૈ …આઈ મીન જિંદગી ફાસ્ટ તો થઇ જ ગઈ છે પણ કમાવાની જદ્દોજહદમાં એકધારી પણ બનતી ગઈ છે . રોજ એ જ ઓફીસ …કે એ જ ઘર …કે એ જ દુકાન …કે એ જ કામ-ધંધો …એ જ રહોડું ….એક્સેટ્રા એક્સેટ્રા. લગભગ બધું સેમ ટુ સેમ ચાલતું હોય છે . એ જ યુનિફોર્મ …એ જ ૧૦:૦૫ ની બસ ….એ જ ખુરશી-ટેબલ …એ જ બોસ કે પછી ધંધાર્થી હોય તો એ જ આવક-જાવકની રોજીંદી લમણાજીંક – ગ્રાહકો-ઉઘરાણી …….વગૈરાહ વગૈરાહ ..!!! સાયન્સ કહે છે કે અતિ રૂટીન લાઈફ એ એક પ્રકારનો રોગ છે અને એનાથી અનેકો પ્રકારની તકલીફો માનવજીવને પડી શકે છે ..!!
ખેર અહી આપણે તકલીફો કઈ કઈ પડશે એનું પિષ્ટપીંજણ કરીને દુખતી રગો દબાવવાને બદલે આ રૂટીન લાઈફને અન-રૂટીન (!!!) કેવી રીતે બનાવી શકાય એના પર થોડી લાઈટ થ્રો કરવાનો પ્રયત્ન કરવાના છીએ . સી , કમાવા જવું કે ધંધે જવું એ તો જરૂરી જ છે , એ જ રીતે સ્ત્રીઓને રસોડે જવું કે પછી સાસરે કે ઘરમાં એડજસ્ટ થવું એ પણ એટલું જરૂરી છે જ પણ જ્યારે આ બધી વસ્તુઓ-પ્રક્રિયાઓ રૂટીન લાગવા માંડે કે પછી રૂટીન થઇ જાય એવામાં સમજો કે જિંદગી કા ચાર્મ કુછ કમ હોને લગતા હૈ ..!! લાઈફ બોરિંગ લાગવા લાગે છે પણ અહી વાત આપણે બોર થવા પર નથી કરવી પણ રૂટીનમાં પણ મજોમજો જલસો જલસો કરવાની વાત છે . સી , ખબર જ છે કે રોજ ઓફીસ જવાનું જ છે …ખબર જ છે કે રોજ દુકાને કે ધંધે પણ જવાનું જ છે …ખબર જ છે કે રોજ રસોડા-ઘરકામમાં ગુંથાવાનું જ છે તો એવામાં જો એને રૂટીન ગણવા લાગીએ તો બોર થવાની – કંટાળી જવાની શક્યતા વધુ રહેવાની પણ દીવાર-ઓ-દર કો જો ગૌર સે પહેચાન લઈએ તો એ જ બોરિંગ-રૂટીન લાઈફ અમુક અંશે રસાળ – મસ્ત – રાપ્ચિક લાગી શકે છે . પૂછો કૈસે ???
તો ઐસે કી વાત હવે ગંભીર વળાંક લઇ રહી છે એવી વોર્નિંગ સાથે બોરિંગ કે રૂટીન લાઈફને છુપાવવાનો કે એને આપણા પર હાવી ના થવા દેવાનો એક આસાન અને સરળ રસ્તો છે ‘ કશુક નવું કરતા રહેવું “ …નવું મતલબ એ જ ઓફીસ એ જ ઘર કે એ જ રૂટીન ક્રિયાઓ કે ઘટનાઓ કે જે કરવી જ પડવાની છે એમાં થોડા થોડા સમયે કોઈ ને કોઈ ટવીસ્ટ આપતો રહેવો . એ જ રીંગણ-બટાકા નું ડીફરન્ટ શાક બનાવવા જેવી વાત છે આ યુ સી ….!!! મનોવિજ્ઞાનીઓ કહે છે કે રૂટીન લાઈફને તમારે ફોલો કરવી ફરજીયાત છે કેમકે ઇટ ઈઝ લાઈફ ઓર પાર્ટ ઓફ લાઈફ પણ ઓફીસ કે ઘરના રૂટીનમાંથી પણ જો કશુક નવું જાણવા-માણવા કે સમજવાનો વીકમાં એકાદી વાર પ્રયત્ન કરીશું તો રૂટીનનું લેબલ થોડી વાર દુર જતું રહેશે . ખબર જ છે કે આ કામ કરવાનું જ છે – લખાયેલું જ છે આપણા લમણે તો પછી બેટર છે કે એ રૂટીન આપણા પર હાવી થાય એવી એક પણ તક એને આપીએ નહિ . મીન્સ કે બની શકે ત્યાં સુધી એ રૂટીનમાંથી પણ કશુક આકસ્મિક આશ્ચર્ય જેવું શોધી શકીએ તો એ રૂટીન રૂટીન ના રહેતા થોડું આનંદપ્રદ બની રહેશે . ઈનફેક્ટ સાયન્સ તો કહે જ છે કે કોઈ રૂટીન ના હોવું એ મેન્ટલ ડીસોર્ડર છે પણ આપણે એટલા બધા ગંભીર પરિણામો વિષે નથી વિચારવું .
એકધારી જિંદગી કે કામકાજથી બોર થવું અલગ વાત છે અને રૂટીનથી બોર થવું બીજી વાત છે અને અહી વાત બોર થવાની એટલા માટે નથી કે બોર ત્યારે થવાય કે કરવું પડે એવું હોય એ કામ પણ કરવાની ઈચ્છા થાય નહિ જ્યારે રૂટીનમાં તો ( ફરજીયાત ) કરવાનું જ છે એ કામ કઈ રીતે બોર થયા વગર કરવું એની વાત છે . એના માટે અગેન દીવાર-ઓ-દર ને ઓળખવાની જરૂરીયાત છે જ . ઓફીસ હોય કે ઘર …સંબંધ હોય કે સંસાર એ બધામાં કશુક આગવું – પોઝીટીવ – નવીન શોધતા રહેવું પડે , તો અને તો જ એ રૂટીન આપણા પર સવાર નહિ થાય અને આ બધું જ રૂટીન ને ફોલો કરતા રહીને કરવાનું છે . અઘરું તો છે પણ અશક્ય બિલકુલ નથી જ . ઘણીવાર રૂટીન લાઈફ એટલા માટે પણ ફોલો કરતા હોઈએ છીએ કે એ આપણને એક પ્રકારનું કમ્ફર્ટ ઝોન જેવું લાગતું હોય છે . મોટાભાગે કોઈ પડકાર વગરની જિંદગી જીવતા લોકો રૂટીન લાઇફમાં ક્યારે બોરડમના શિકાર બની જાય છે એની એમને પણ ખબર નથી હોતી . જો રૂટીન લાઇફને ઓળખીને એમાં જ રહીને કશુક નવું વિચારી શકાય – કરી શકાય તો લાઈફ જીંગા લાલા થતા વાર નથી લાગતી !!
બોલે તો રૂટીનમાં રહીને જ આ જીંગા લાલા વાળું હાવ ટુ એચીવ ? હિયર આર સમ ટીપ્સ ટુ દીવાર-ઓ-દર ને પહેચાનવાની..!! સૌપ્રથમ તો રૂટીનમાં રહીને જ કશુક નવું ટ્રાય કરો . ઓફીસવર્કમાં પણ કશુક નવી રીતે કોઈ કામ કરવાની ટ્રાય કરો ..કોઈ નવું લક્ષ્ય રાખીને એને પામવા નવી રીતો અજમાવો…ખાલી સમય કાઢો અને એ ખાલી સમયમાં મનગમતી કોઈ પ્રવૃત્તિ કરો ..કોઈ એવા વ્યક્તિ સાથે વાત કરવાની કોશિશ કરો જે તમારી સામે આવતા અચકાઈ છે –ગભરાઈ છે . આવું જ કઈક સંબંધોમાં પણ કરી શકો . સી રિલેશન્સને રૂટીન નો એરુ બહુ ઝડપથી આભડી જાય છે તો બેટર છે કે સંબંધમાં એવું બતાવતા રહો કે ‘ આઈ કેર યુ ‘ .. તમારે શું જોઈએ છે એનો એક આઈડિયા દિમાગમાં રાખો અને એ ગોલથી ભટકીને કોઈ કામ ના કરો …વ્યર્થ શક્તિ વેડફાશે અને બોર થવાના ચાન્સીસ વધવાના ..!! ગોળ રાખો પણ એ ગોળ અચીવ ના થાય કે એમાં મોડું થાય તો નાસીપાસ થયા વગર રૂટીનને ચોપડાવ્યા વગર ગોળ અચીવ કરવાની બીજી રીતો શોધી કાઢો , એ નહાને પણ રૂટીન બ્રેક કરી શકશો ..!! નિષ્ફળતાનો ટોપલો તમારા રૂટીન પર ઢોળો નહિ એને બદલે એ જ રૂટીનને રી-પ્લાન કરી નિષ્ફળતાને ચેલેન્જ કરો ..વિક કે મંથમાં એકાદ-બે વાર રૂટીન તોડવાની કોશિશ કરો ..!! માઈન્ડ વેલ કે આ ટીપ્સ ગૃહિણી,નોકરીયાત,ધંધાદારી કે બીજા બધા જ માટે કોમન છે . અમલ બધા કરી શકે છે પોતપોતાની રીતે
વિસામો :
ઘણા તો એટલા રૂટીન ના આદી થઇ ગયા હોય છે કે રેસ્ટોરન્ટમાં પણ દરેક વખત અનેકોવાર ચાખેલી ડીશનો જ ઓર્ડર આપતા હોય છે !!!
-અજય ઉપાધ્યાય ( ગાંધીનગર સમાચાર – કોલમ #રઝળપાટ ૨૮ એપ્રિલ ૨૦૧૯ )