સંગીત અને નૃત્યનો નોનસ્ટોપ જલસો : એ હાલ્લ્લ્લો …..!!!!!
“ વાદલડી વરસી રે સરોવર છલી વળ્યા ‘ ….હા તે બિલકુલ અત્યારે ગુજરાતભરમાં આવો જ ઘાટ છે કે ભર ભાદરવે ધોધમાર – શ્રીકાર –અનરાધાર વર્ષા ચારેબાજુ ચાલુ છે . અલ્યા ભાઈ વરસાદ આવે એ તો સારું પણ અતિ આવે એ પાછું નહિ સારું ..!!! અને એમાયે હવે તો ‘ નોન-સ્ટોપ નાઈન ડે ડાન્સિંગ ‘ ને ( નવરાત્રી જ ભયલા ) આ લખાય છે ત્યારે ૨૪ કલાક માંડ બાકી રહ્યા છે એવામાં વોટ્સઅપના ફોરવર્ડ મુજબ આ ‘ વાદલડી વરસી રે …’ વાળો ગરબો આ નવરાત્રીએ બેન કરવો પડે એવો ઘાટ થયો છે . જી હા ખેલૈયાઓ તમારી મનગમતી નવરાત યાની કી નવરાત્રી આવી પહોચી છે . યસ વરસાદના વિઘ્નની ચિંતા આયોજ્કોથી લઈને સ્પોન્સર્સથી લઈને ખેલૈયાઓ સુધી બધે જ છે અને હવામાનખાતાનું સાચું માનીએ તો ( સાલું હમણાથી આ ખાતાની આગાહીઓ પણ સાચી જ પડે છે – ફોર એ ચેન્જ …!! ) આ નવરાત્રીના ઓછામાં ઓછા અર્ધા ભાગ સુધી વરસાદ ગરબા રમવાનો છે ..!! છાપાઓ ભલે ને ‘ વરસાદે વધારી ખેલૈયા-આયોજકોની ચિંતા ‘ એવા હેડીંગો રોજ મુકે…. તો શું થઇ ગયું …એમ કાઈ વરસાદથી ખેલૈયાઓ બી મરવાના ….એ પણ વરસતા વરસાદમાં ‘ નદી કિનારે નાળીયેરી રે ભાય નારીયેળી રે ..’ લલકારવાના જ…’ રેઇન ડાંસ ‘ યુ કનો !!! ખેર , ચાહે લાખ તુફા આયે કે ધોધમાર વરસાદ આવે પણ વી ધ ગુજરાતી ગરબા તો રમવાના ….રમવાના અને રમવાના જ …!!! બીકોઝ ગરબા દરેક ગુજરાતીના જીન્સમાં છે – લોહીમાં છે …..શું કિયો છો …..?
જગતની માલીપા વસેલા કોઈ પણ ગુજરાતીને પૂછો કે ગરબો એટલે શું ? તો તરત જ જવાબ મળશે કે ગરબો એટલે નૃત્ય , સંસ્કૃતિ અને સંગીતનો રાપચિક મેળાવડો ….!!! અને આ ઉપરના પેરેગ્રાફમાં ત્રણ વાર ભાર દઈને ‘રમવાના’ નું રીપીટેશન એટલા માટે કર્યું કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં હોય ગરબા …!!! હમણાં મોદીસાહેબ ફરીથી ચૂંટાયા તો દેશ તો ઠીક પણ વિદેશમાં પણ ગરબા થયા એના દ્રશ્યો જોયા …!! મી. સિઘ ….મી. ગાંગુલી કે પછી મી. ઐય્યર ભલે ને હોય નોન-ગુજરાતી પણ જો રહેતા હોય અપને ગુજરાત મેં તો ભાંગરા – કથ્થક કે બીજા કોઈ પ્રાદેશિક નૃત્યોની સાથે ગરબા થવાના થવાના અને થવાના જ …!!! ઘણા વખતથી ગાયબ દયાબેન પણ ‘ તારક મહેતા’ માં નવરાત્રીના એપીસોડથી જ કમબેક કરવાના છે અને એ પણ ગરબા રમતા રમતા જ ..!!! ગુજરાતીમાં ગરબો અને ગરબામાં ગુજરાતી ના મળે એવું તો ભાગ્યે જ બને …..અને એમાયે નવલી નવરાત્રી જેવો વાઈબ્રન્ટ -રંગીન-કલરફૂલ-મ્યુઝીકલી રીચ –ફેન્ટાસ્ટીક ફેસ્ટીવલ હોય પછી ક્યા કહેના …!!!! નવ નવ રાય્તું બોલે તો નાઈન નાઈટ્સનો નોન-સ્ટોપ ડાંસ ફેસ્ટીવલ ..!!! કોઈ પ્રસંગ પર – ટીવી સિરીયલ્સમાં કે ઓકેઝ્ન્લી થતા ગરબા અલગ વાત છે અને નવ-નવ રાતો રંગબેરંગી ચણીયા-ચોળી , કુર્તા …મ્યુઝીક ( એ પણ ટ્રેડીશનલ ) ..ડેકોર … સાથે થતી ગરબાની ધડબડાટી …સંગીતનો જલસો ….અને જગતના સૌથી લાંબા ડાન્સિંગ ફેસ્ટીવલની ઉજવણી …..!!!! ‘ મા પાવા તે ગઢ થી ઉતર્યા મહાકાળી રે ‘ …. વરસાદ – બરસાદ માર્યા ફરે ………એ હાલ્લો હીંચ – દોઢિયું –ત્રણતાલી – એકતાળી કે પછી ફ્રીસ્ટાઈલ ગરબા લેવા ….!!!!!
આમ તો શું છે કે નૃત્યશાસ્ત્રમાં લખવાનું રહી ગયું છે કે ગરબા રમવા એ પણ એક કળા છે . ઘણા એટલી તન્મયતા અને એકાગ્રતાથી પણ એટલી આકર્ષક રીતે ગરબા રમતા હોય છે કે ભલેને આપણને ના આવડતું હોય તો પણ આપણા પગ થીરકી ઉઠે . નૃત્ય શાસ્ત્રથી આગળ વિજ્ઞાન એવું કહે છે કે ગરબે રમવું એ એક પ્રકારનું હિલીંગ છે કે જેનાથી મન , આત્મા અને શરીરને અજબ અને અદ્ભુત આનંદ અને રાહત આપે છે . મેડીકલ સાયન્સ તો એમ પણ કહે છે કે એક કલાક સતત ગરબા રમવાથી શરીરની 300 કેલેરી બળી જાય છે …સતત ગોળાકાર ફરવું જેને શાસ્ત્રોગત રીતે ચક્રમણ ક્રિયા કહેવાય છે એનાથી બ્લડ શુગર અને બ્લડ પ્રેશરના દર્દીને રાહત થાય છે …..જે લોકો ડિપ્રેશન કે હતાશામાંથી પસાર થતાં હોય, તેમના માટે ગરબા અને ગરબાનું સંગીત મૂડ એલિવેશન જેવા છે. અને વાત સાચી પણ છે જ ને . મને ને તમને બરાબર અનુભવ થયો હશે કે જેવા ગરબા ગ્રાઉન્ડમાં દાખલ થઈએ કે પછી શેરી કે સોસાયટીના ગરબામાં જઈએ તો ચિત્ત-મન એક અજબ પ્રકારની રાહત અને રીલેક્સેશન અનુભવે છે જ . સંગીત અને નૃત્ય આમ પણ રીલેક્શેશન માટે ઉત્તમ કહેવાયું છે જયારે અહીયાતો ગમતું-પોતીકું સંગીત હોય છે અને ઉપરથી એકાકાર થઇ જવાય એવું નૃત્ય ….ફિર જીને કો ક્યા ચાહિયે …… હૈ ના ???..!!!
સરકારે હેલ્મેટ પહેરવામાં મુદ્દત આપી છે એટલે આ નવરાત્રીમાં ‘ હેલ્મેટ ગરબા ‘ તો નહિ જોવા મળે પણ દર વખતે નવરાત્રીમાં કૈક ને કૈક નવું આવે જ છે એ મુજબ આ નવરાત્રીના શુશોભનમાં અને શરીર પર થતા ટેટુઓમાં કલમ ૩૭૦ – કાશ્મીર- હાઉડી મોદી તો છવાઈ જવાના જ પણ ગરબાના નવા સ્ટેપ્સની વાત કરીએ તો આ વખતે સાલસા ટીટોડો અને વેસ્ટર્ન ટીટોડો ખાસ રહેશે. તો નીતનવી ચણીયા-ચોળી અને ધોતી-કુર્તાની ડીઝાઈનોની સાથે સાથે આભુષણોમાં કચ્છી પેચની , રબારી જવેલેરી ,અફઘાની જવેલરી, વણઝારા જવેલરી, અને આદિવાસી જવેલરી ઇનથીંગ છે . અને મ્યુઝીકમાં પણ પરંપરાગત ‘તારા વિના શ્યામ મને એકલડું લાગે ‘… ‘ કુકડા તારી બોલી મને મીઠી મીઠી લાગે ‘ …… ‘ ઢોલીડા ઢોલ ધીમો ધીમો વગાડના ‘ ….. ‘ પંખીડા તુ ઉડીને જાજે પાવાગઢ રે ‘…… ‘ આવો તો રમવાને …’ જેવા અસંખ્ય મનગમતા ગરબાઓની સાથે સાથે હિન્દી મુવીઝ ના લેટેસ્ટ રીમીક્ષ ગરબાઓ “ ઓઢની “ ( મેઈડ ઇન ચાઈના )… “ રાધે રાધે “ ( ડ્રીમગર્લ )….” છોગાડા તારા “ ( લવયાત્રી ) …” કમરિયા “ ( મિત્રો )પણ ધૂમ મચાવવાના …!! સી , જમાના મુજબ સંગીત પણ બદલાઈ કે નહિ અને નવરાત્રીમાં ડીજે હોય કે પાર્ટી ગરબા ટ્રેડીશનલ ગુજરાતી ગવાવાના જ પણ હા સાથે સાથે આવા હિન્દી સોંગ્સ પણ આવતા રહે …..મૂળ હેતુ છે શક્તિની આરાધનાની સાથે સાથે ઉત્સવની ઉજવણી …!!!
ખેર ઘણા વાંકદેખાઓને આમાં પણ કેટલીય ચૂંકો થવાની ….ગરબાનું વ્યાપારીકરણ – લાઉડ મ્યુઝીક – ગરબામાં હિન્દી ગીતો – યુવાધનમાં બગાડ – ગીર્દી – પાર્કિંગ / ટીકીટો નાં નામે હેરાનગતી વગૈરાહ વગૈરાહ ….!! સી આમાંની એકાદ-બે ચૂંકોમાં હા પણ શું છે કે નવરાત્રી આરાધનાનો ઉત્સવ તો છે જ પણ સાથે સાથે જનઉત્સવ પણ છે એટલે બધા એનો પોતપોતાની રીતે તોડ પણ કાઢી જ લે છે . ‘ ઉડી ઉડી જાય ‘ જેવા બોલીવુડ ગીતો પર રમનારા ખેલૈયાઓ એટલે જ જોશ અને આનંદથી ‘ નદી કિનારે નાળીયેરી રે ભાય નારીયેળી રે ..’ પર પણ ઝૂમે જ છે …!! તો હવે પાર્ટી પ્લોટોમાં ગરબા રમવા જતા ભોગવવી પડતી જફાઓની સામે સોસાયટી કે ફ્લેટોમાં ગરબા રમવાનો ટ્રેન્ડ વધતો જાય છે …!! ઘણાબધા ગરબા આયોજકો માત્ર શુદ્ધ દેશી ગરબાઓ પર જ નવરાત્રીનું આયોજન કરે છે . કોઈ કુછ ભી કહે પણ ગરબો અને નવરાત્રી હીટ છે અને રહેવાનો કેમકે એમાં ભક્તિ પણ છે – આધ્યાત્મ પણ છે – ઉત્સવ પણ છે – મનોરંજન પણ છે અને ખાસ તો ગરબો – નવરાત્રી ભાગદૌડભરી જીંદગીમાં ગરબો અબાલ-વૃદ્ધ-યુવાઓને રીલેક્ષ રહેવાનો ઉત્તમ મોકો આપે છે !!! બોલો અંબે માત કી જય …!!
– અજય ઉપાધ્યાય ( ગાંધીનગર સમાચાર કોલમ ” રઝળપાટ ” ૨૯ સપ્ટે ૨૦૧૯ )