લાઈવ ઓડિયો રૂમ : બોલો…સાંભળો…મજા કરો ….!!!!!
કોરોનાએ માનવજીવનમા જો કોઈ સૌથી મોટો ફેરફાર કર્યો હોય તો એ છે લગભગ દરેક રોજીંદી ક્રિયાઓનું ઓનલાઈનીકરણ …!!!! જી હા ….ભણવું …મળવું …વાતો કરવી ….વેપાર કરવો …મનોરંજન ….થી લઈને કોઈ એવી ચીજ બાકી નથી રહી કે જેનો ઓનલાઈન જુગાડ ના શોધાયો હોય . આમેય મનુષ્ય સામાજિક પ્રાણી છે અને સમાજ સાથે રહ્યા વગર એનું જીવન નકામું છે એવામાં આ ઓનલાઈન અનુભવો મનુષ્યને સમાજ સાથે જોડી રાખે છે , પછી ચાહે એ શિક્ષા હોય વેપાર હોય પ્રસંગ હોય કે નોકરી હોય ..!!! ઝૂમ પરની મિટિંગો હોય કે વોટ્સઅપના ગ્રૂપ વિડીયો કે ઓડીયો કોલ્સ આપણે ધીરે ધીરે આના આદી થતાં જઈએ છીએ . આમેય શું છે કે સોશિયલ ડિસ્ટન્સને લીધે વન – ટુ – વન મુલાકાતો તો લગભગ બંધ છે એવામાં સમાજ સાથે કનેક્ટ રહેવામાં આ બધી ઓનલાઈન સગવડતાઓ વધુ લોકપ્રિય અને વ્યાપક બનતી જાય છે . જે ઝડપથી દુનિયામાં ટેક્નોલૉજી શોધતી જાય છે એટલી જ ઝડપથી એમાં નવા નવા સુધારાઓ આવી રહ્યા છે . વિડીયો ચેટ તો પોપ્યુલર છે જ પણ એની એક મર્યાદા છે અને બીજું કે એમાં પ્રાઈવસીનો પ્રોબ્લેમ તો છે જ એવામાં દુનિયા …આઈ મીન વર્ચ્યુલ દુનિયા એક નવા રસ્તા તરફ બહુ ઝડપથી વળી રહી છે અને એ છે લાઈવ ઓડિયો ચેટ રૂમ્સ..!!! અને આ સેગમેન્ટમાં એક નવા એપ્લિકેશને ખૂબ જ ટૂંકા સમયમાં લોકપ્રિયતા હાંસિલ કરી છે , જેનું નામ છે ક્લબ હાઉસ …!!!
હજુ તો એકાદ વર્ષથી વધુ સમય પહેલા લોન્ચ થયેલા આ એપે આજકાલ તહેલકો મચાવી દીધો છે . પોલ ડેવિસન કે જે પહેલા પીનટ્રેસ્ટમાં કામ કરતાં હતા અને ગુગલમાં કામ કરતાં રોહન શેઠે આ ઓડિયો એપ માર્ચ 2020 માં લોન્ચ કરી હતી પણ એ વધુ ફેમસ થયું ત્યારે કે જ્યારે ટેસ્લાના માલિક એલન મસ્કે અમેરિકન ફાયનાન્સિયલ કંપની રોબિનહૂડના સીએઑ સાથે ઓડિયો ચેટ કરી , પછી કલબ હાઉસ વધુ ચર્ચામાં આવ્યું . તમને યાદ હોય તો બંગાળ ચૂંટણી વખતે મમતાના સલાહકાર પ્રશાંત કિશોરની ઓડિયો ચેટ લીક થયેલી . એ કલબ હાઉસ પર થયેલી એક ઓડિયો ચેટ જ હતી . આ પ્રકરણ પછીથી ભારતમાં પણ કલબ હાઉસ વધુ ચર્ચામાં આવ્યું . એની લોકપ્રિયતાનો ખ્યાલ એ વાત પરથી આવશે કે ૨૦૨૦માં જેના માંડ ૧૫૦૦ યુઝર્સ હતા એ આજે કરોડો યુઝર્સ સાથે લોકપ્રિય બની ચૂક્યું છે . આજે ક્લબ હાઉસની માર્કેટ વેલ્યૂ લગભગ એક અબજ ડોલર છે . ક્લબ હાઉસ એક સોશિયલ મીડિયા ઓડિયો એપ છે કે જેમાં જુદા જુદા વિષયો પરના રૂમ બનેલા હોય છે જેમાં બે કે બે થી વધુ લોકો કોઈ ટોપીક પર વાતો કરતાં હોય છે . તમે ક્લબ હાઉસના મેમ્બર બન્યા પછી કોઈ પણ રૂમમાં જઇ શકો છો ( જોઇન થઈ શકો છો ) , વાતચીત સાંભળી શકો છો , ઈચ્છો તો પ્રશ્નો પૂછી શકો છો કે ખુદ એ ચર્ચામાં ભાગ લઈ શકો છો અને ના ગમે તો બિલ્લી પગલે ( leave silently ) એ રૂમમાથી નીકળી પણ શકો છો . જો કે ચર્ચામાં ભાગ લેવાની મંજૂરી તે રૂમના એડમીન પર આધારિત રહેવાની . હા કલબ હાઉસ જોઇન કરવા માટે તમારે અગાઉથી મેમ્બર રહેલા કોઇની એપ્રુવલ કે આમંત્રણ જરૂરી છે. મજાની વાત તો એ છે કે ચીનમાં આની એટલી લોકપ્રિયતા છે કે એના ઇનવાઇટ કોડ સાઇટો પર વેચાય છે …!!!
સોશિયલ નેટવર્કિંગમા ઘણા બધા જુદા જુદા એપ્સ વેલેબલ છે. લાઈવ ઓડિયો ચેટ રૂમ પણ આવી જ એક એપ છે કે જે તમને તમારા કામકાજને ડિસ્ટરબ કર્યા વગર પણ તમારા રસના વિષયોવાળા વાર્તાલાપ સાથે જોડાયેલ રાખે છે . ટેક્નોલૉજી અને ખાસ તો મોબાઈલ એપ ટેક્નોલૉજી ખૂબ જ પ્રગતિ કરી રહેલ છે એવામાં લોકોને જે ગમે એ એપ હાજર છે ત્યારે કલબ હાઉસ જેવા માત્ર ઓડિયો એપ્સ પોપ્યુલર થઈ રહ્યા છે . જેમ દરેક લોકપ્રિય એપની સાથે બને છે એમ જ કલબ હાઉસની અચાનક સફળતાની સાથે સાથે જ સોશિયલ મીડિયામાં આવા લાઈવ ઓડિયો એપ્સની ભરમાર શરૂ થઈ ગઈ છે . ફેસબુકે પણ પોતાની લાઈવ ઓડિયો સર્વિસ લોન્ચ કરી દીધી છે , જો કે હાલ માત્ર અમેરીકામાં જ અને આઇઓએસ ડિવાઇસ એટ્લે કે એપલના ફોન પર જ ઉપલબ્ધ આ સર્વિસ બહુ જલ્દી દુનિયાભરના ફેસબુક યુઝર્સ માટે અવેલેબલ થઈ જવાની છે . અત્યારે માત્ર જાણીતા અમુક જ લોકોને અને ચુનંદા ફેસબુક ગૃપ્સને જ આ સુવિધાનો લાભ મળે છે . ફેસબુકની આ લાઈવ ઓડિયો સર્વિસમાં કલબ હાઉસથી વિપરીત કોઈપણ રૂમમાં માત્ર ૫૦ લોકોને વક્તા તરીકે મોકો મળવાનો છે , હા શ્રોતાઓની સંખ્યા અનલિમિટેડ રહેવાની . ફેસબુકની જેમ જ ઇન્ટરનેટ અગ્રણી અને સ્વીડિશ ઓડિયો સ્ટ્રીમીંગ જાઈંટ સ્પોટીફાય એ પણ સ્પોટીફાઈ ગ્રીનરૂમ નામે લાઈવ ઓડિયો સેગમેન્ટ શરૂ કર્યું છે . માર્ચ 21 માં સ્પોટીફાઈ એ અમેરિકન કંપની બેટી લેબ્સને ખરીદી લીધી અને એના જ એક લાઈવ સ્પોર્ટ્સ ઓડિયો ચેટ રૂમ ‘ લૉકર રૂમ ‘ ને સ્પોટીફાઈ ગ્રીનરૂમમાં કન્વર્ટ કરી દીધેલ છે . આમાં ચેટ સેશન રેકોર્ડિંગને તમારા ઈમેલ પર મેળવવાની સુવિધા પણ છે સાથે સાથે તમે તમારા ગમતા રૂમનું અલગ લિસ્ટ બનાવી શકો છો તો રૂમમાં કોઈ એડલ્ટ ચર્ચા શરૂ કરતાં પહેલા એનું નોટિફિકેશન આપી શકો છો . ટ્વિટરે પણ પોતાનો ઓડિયો ચેટ રૂમ ‘ સ્પેસિસ ‘ લોન્ચ કરી જ દીધો છે . ઇનસ્ટાગ્રામ પણ પોતાના ઓડિયો ચેટ સર્વિસ પર કામ કરી રહ્યું છે . એમ તો આ વિદેશી એપ્સને જવાબ આપતું આપણું પોતાનું સ્વદેશી ઓડિયો ચેટ એપ ‘ લહેર ‘ પણ સારું કાઠું કાઢી રહ્યું છે . એમાં તો વિડીયો ચેટની પણ સુવિધા છે .
સોશિયલ મીડિયાના જેમ ફાયદા અને ગેરફાયદા છે એવું જ આ ઓડિયો ચેટ રૂમ્સ માટે પણ છે . ફાયદામાં તો તમે સૌપ્રથમ તો તમારા રસના વિષયો વિષે વાત કરી શકો છો , એના નિષ્ણાતોને સાંભળી શકો છો . સમાન શોખવાળા લોકો સાથે કનેક્શન બનાવી શકો છો અને બીજું કે માત્ર ઓડિયો એપ હોવાથી તમારી પ્રાઈવસીને બહુ ખતરો નથી . વિશ્વભરની મોટી મોટી હસ્તીઓ કે જેમના વિચારો અને વાતો બહુ આસાનીથી અને એ પણ લાઈવ સાંભળી શકાય છે . કલબ હાઉસ પર હવે બહુ જલ્દીથી તમે મેસેજીસ સુવિધા પણ મેળવી શકવાના છો જેનાથી તમે કોઈ સાથે વન ટુ વન ચેટ કરી શકશો . તો સામે છેડે જેમ જેમ આવા ઓડિયો એપ્સ વધુ લોકપ્રિય થતાં જશે એમ એમ યુઝર્સની સંખ્યા વધતી જવાની અને સાથે સાથે ઓડિયો રૂમ્સની પણ, એવામાં પસંદગીનો રૂમ શોધવો મુશ્કેલ થઈ પડે . વધુ યુઝર્સને લીધે તમારા સવાલનો જવાબ મેળવવામાં કે તમારે પોતાને કશુક કહેવામા ઘણો સમય લાગી શકે છે . જે પોતાની વાત કહે છે એ કેટલી સાચી છે એનો કોઈ અંદાજો લગાવી નહીં શકાય કેમકે આપણે એ વ્યક્તિને પર્સનલિ તો ઓળખતા નથી . અભદ્ર ભાષા માટે અત્યારે કોઈ વ્યવસ્થા નથી સિવાય કે બ્લોકિંગ . બીજા બધા સોશિયલ મીડિયાની જેમ જ આનો ઉપયોગ પણ વ્યક્તિગત અક્કલ મુજબ જ કરવો રહ્યો નહિતર આનો મૂળ ઉદેશ્ય કશુક જાણવું અને જણાવવું થી ભટકીને માત્ર ટાઈમ પાસ બાજુ જ વળી જવાનો . છતાપણ સંપૂર્ણ ફોક્સ થઈને અને જે સાંભળવું છે એના પર જ કોંસંટ્રેટ કરીને પણ આનો લાભ ઉઠાવવા જેવો તો ખરો જ કેમ કે બીજા બધા એપ્સની જેમ આમાં પણ સાવધાની રાખીને ઉપયોગ કરો તો દુનિયાભરનું ઘણું જાણવા તો મળશે જ .
- અજય ઉપાધ્યાય ( ગાંધીનગર સમાચાર – કૉલમ ” રઝળપાટ ” 27 જૂન 2021 )