૨૯ દિવસ…..૩૨ ટીમ ….૬૪ મેચ : વેલકમ ટુ કતાર
રમતપ્રેમીઓને જલસા છે . હમણાં જ ફટાફટ ક્રિકેટનો ૨૯ દિવસ ચાલેલો ટી૨૦ કાર્નિવલ પૂરો થયાનો નશો હજુ દિલોદિમાગમાં છે ત્યાં આ તમે વાંચતાં હશો એ દિવસથી એટલે કે રવિવાર ૨૦ નવેમ્બરથી ૧૮ ડિસેમ્બર સુધી 29 દિવસ ચાલનારો અને ચાર વર્ષે એક જ વાર રમાડાતો ફૂટબોલનો મહાકુંભ એવો ફિફા ફૂટબોલ વિશ્વકપ કતારમાં શરૂ થઈ ગયો હશે . રમતપ્રેમીઓ ક્રિકેટના મેદાનથી ફૂટબોલના મેદાનમાં રમાતી એકદમ ફાસ્ટ અને ટી૨૦ જેવી જ ફટાફટ અને રોમાંચક એવા ફૂટબોલના વિશ્વકપને હાંસિલ કરવા જંગ ખેલતી ૩૨ ટીમોને નિહાળવા તૈયાર થઈ જાવ . ક્રિકેટનો જાદુ ભલે વધુ છવાયેલો લાગે પણ હકીકત એ છે કે દુનિયાની લોકપ્રિય રમતમાં ફૂટબોલ ક્રિકેટથી વધુ ઉપર છે એટલું જ નહીં પણ ફૂટબોલને ફોલો કરનારા પણ વધુ છે એવામાં કતારના આઠ સ્ટેડિયમોમાં વિશ્વ વિજેતા બનવા માટેનો આ જીવસટોસટનો જંગ જોવાનો ઇંતેજાર દુનિયાભરના રમતપ્રેમીઓ કરી રહ્યા છે . અલ-બાયત સ્ટેડિયમમાં સાંજે સાત વાગે ( આપણાં રાતના ૯:૩૦ કલાકે ) યજમાન કતાર અને ઇકવાડોર વચ્ચેની મેચ સાથે ફિફા વર્લ્ડકપ ૨૦૨૨નો શુભારંભ થશે પણ એ પહેલા વર્લ્ડકપની શાનદાર ઓપનિંગ સેરેમની લોકલ ટાઈમ સાંજના પાંચ વાગે શરૂ થશે જેમાં લોકપ્રિય કોલંબિયન સિંગર શકીરા ( ૨૦૧૦ના વર્લ્ડકપનું ઓફિસિયલ સોંગ ‘ વાકા–વાકા ‘ યાદ છે ને ? ) , બીટીએસ નો ગાયક જંગ કૂક , અમેરિકન સિંગર રોબી વિલિયમ્સ સહિત અનેક કલાકારો પરફોર્મન્સ આપશે . ફિફા વર્લ્ડકપનું ઓફિસિયલ એનથમ Light the Sky ઓલરેડી રીલીઝ થઈ ચૂક્યું છે જેમાં નોરા ફતેહી નાચતી જોવા મળે છે . એક લાખની જનમેદની વચ્ચે બૉલીવુડ ગાયક માન્યા નારંગ, જે ઇન્ડિયન આઇડલ સિઝન ૯મા પ્રથમ વાઇલ્ડકાર્ડ એન્ટ્રી હતી અને શોમાં ફાઇનલિસ્ટ હતી, તે સંગીતકાર જોડી સલીમ-સુલેમાન સાથે સંગીતમય રંગારંગ કાર્યક્રમ રજૂ કરશે. જો કે આ લખાય છે ત્યાં સુધી એની ઓફિસિયલ ઘોષણા થઈ નથી. ભારતમાં વર્લ્ડકપની બધી જ મેચો સ્પોર્ટ્સ ૧૮ ચેનલ અને જીઓ સિનેમા એપ અને વેબસાઇટ પર જોઈ શકશો અને મેચોનો શરૂ થવાનો સમય બપોરે ૩:૩૦ થી રાતના ૧૨:૩૦ સુધી રહેવાનો છે .
કતારને ૨૦૧૦માં ફિફા વર્લ્ડકપની યજમાની કરવાનું નક્કી થયું ત્યારથી અત્યાર સુધીમાં આ ટચુકડા આરબ દેશે તૈયારીઓ કરવામાં કોઈ કસર છોડી નથી એ એટલા માટે પણ કે કોઈ આરબ દેશમાં પ્રથમ વાર ફૂટબોલ વિશ્વકપ યોજાવા જઈ રહ્યો છે . ટૂર્નામેન્ટની યજમાનીના અધિકારો મળ્યાના ૧૨ વર્ષમા કતારે સાત નવા અતિ આધુનિક વર્લ્ડક્લાસ સ્ટેડિયમ , પાંચ-લેન હાઇવે અને ૩૬ બિલિયન ડોલરની મેટ્રો સિસ્ટમ બનાવી છે અને ચાહકોને આનંદદાયક અનુભવ કરાવવા માટે વિશાળ બાંધકામ કર્યા છે. રણની ભીષણ ગરમીથી બચવા માટે મોટા પાયે એરકન્ડીશન લગાવવામાં આવ્યા છે કેમ કે મોટાભાગના પ્રશંશકો યુરોપિયન દેશોમાંથી જ આવવાના છે અને એમને માટે ગરમી એક મોટો પ્રશ્ન બની રહેવાનો છે . જનરલી વિશ્વકપ મે-જુલાઇ વચ્ચે જ રમાય છે પણ ત્યારે કતારમાં ૪૦-૪૫ ડિગ્રી ગરમી પડતી હોવાથી આ વખતે વિશ્વકપને શિયાળામાં લઈ જવો પડ્યો છે , જો કે યુરોપિયન દર્શકોને તો છતાંયે ગરમી લાગવાની જ . આ વખતે થોડી નવી વાતો પણ છે જેમ કે ખેલાડીના શરીરનો કોઈપણ ભાગ વિરોધી ટીમની હાફ લાઇન કે ગોલ લાઇન તરફ હશે તો ઓફલાઇન ગણાશે . ફૂટબોલમાં એક સેન્સર અને બોડી ટ્રેકિંગ કેમેરા વપરાશે જેનાથી રિવ્યુ અને સચોટ નિર્ણય આવશે . આ વર્લ્ડકપમાં ત્રણ ને બદલે પાંચ ખેલાડીઓને સબસટીટ્યુટ તરીકે વાપરી શકાશે . આ નવો નિયમ કોરોનાને લીધે આવ્યો છે . અત્યાર સુધી દરેક ટીમમાં ૨૩ ખેલાડીની જ અનુમતિ હતી પણ કોરોનાને લીધે હવે ૨૬ ખેલાડીઓ રાખી શકાશે . આ ઉપરાંત ફિફા મેન્સ વર્લ્ડકપના ઈતિહાસમાં પ્રથમ વખત આ વખતે મહિલા રેફરી મેચનું સંચાલન કરશે. આ ટુર્નામેન્ટ માટે પસંદ થયેલ ૩૬ રેફરીમાંથી ત્રણ મહિલાઓ – યામાશિતા યોશિમી, સલીમા મુકાનસાંગા અને સ્ટેફની ફ્રેપાર્ટે છે . આ ઉપરાંત, નૌજા બેક, કેરેન ડિયાઝ મેડિના અને કેથરીન નેસ્બિટ પણ ૬૯ આસિસ્ટન્ટ રેફરીમાં સામેલ છે.
વાત ફૂટબોલ વિશ્વકપમાં નજર રાખવા જેવા ખેલાડીઓની કરીએ તો આ વિશ્વકપમાં રમવા ઉતરતાની સાથે જ ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને લિયોનેલ મેસ્સી આ બન્ને મેક્સિકોના એન્ટોનિયો, જર્મનીના લોથર મેથિયાસ, મેક્સિકોના રાફેલ માર્ક્વેઝ અને ઇટાલીના જિયાનલુઇગી બુફોનની ક્લબમાં સામેલ્ થઈ જશે કે જેમણે પાંચ વર્લ્ડકપમાં ભાગ લીધો હોય . 2010માં ગોલ્ડન બૂટ એવોર્ડ જીતનાર જર્મનીના થોમસ મુલરની સાથે સાથે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, લુઈસ સુઆરેઝ, હેરી કેન, લિયોનેલ મેસ્સી, નેમાર અને જેમ્સ રોડ્રિગ્ઝ પર નજર રહેશે . ૨૦૦૬ થી દરેક વિશ્વકપ રમનાર આર્જેન્ટિનાના સ્ટાર સ્ટ્રાઈકર લિયોનેલ મેસ્સી , રોનાલ્ડો , લુઈસ (ઉરુગ્વે) , લેવાનડોવોસકી ( પૉલેન્ડ ) , બેનઝેમા ( ફ્રાંસ ) , મોડરિચ (ક્રોએશીઆ ) માટે આ કદાચ છેલ્લી ટૂર્નામેન્ટ હોઈ શકે છે. આ બધા જ સ્ટાર ખેલાડીઓ આ વખતે ટીમને વિજેતા બનાવવાનો પ્રયાસ કરશે. ૩૨ ટીમો વિશ્વ વિજેતા બનવા જોર લગાવવાની છે એવામાં બ્રાઝિલ , આર્જેન્ટિના , ફ્રાંસ , ઈંગ્લેન્ડ અને સ્પેનને વિશ્વકપ જીતવાના દાવેદારોમાં મોખરે માનવામાં આવી રહ્યા છે . યુક્રેન યુધ્ધને લીધે પ્રતિબંધિત રશિયા આ વખતે રમતું નહીં દેખાય તો ૧૯૮૨ અને ૨૦૦૬ એમ બે વિશ્વકપ જીતેલી બળુંકી ઈટાલીની ટીમ ૨૦૧૮ પછી સતત બીજી વાર ક્વોલિફાય ન કરી શકવાને લીધે વિશ્વકપની બહાર છે તો ઇટલીની જેમ જ આ વખતે ક્વોલિફાય ન થઈ શકનાર ચીલી , નાઈજીરિયા , કોલંબિયા અને સ્વીડનની ગેરહાજરી પણ આ વર્લ્ડકપની ચમક થોડી જાંખી તો પાડશે જ .
કતાર એક રૂઢિવાદી દેશ છે અને વિવાદો કતાર વિશ્વકપનો પીછો નથી છોડતા . જેના પ્રમુખપદ નીચે ૨૦૧૦મા કતારને યજમાની મળેલી એ ભૂતપૂર્વ પ્રમુખ સેપ બ્લાસ્ટરે પણ હમણાં કહ્યું કે કતારને વર્લ્ડકપની યજમાની આપી એ મોટી ભૂલ હતી કેમકે સ્ટેડિયમોના બાંધકામમાં મજૂરો પર અત્યાચાર અને માનવાધિકારભંગની બહુ ફરિયાદો આવેલી . એમેનેસ્ટી ઇન્ટરનેશનલના કહેવા મુજબ ૨૦૧૦થી ૨૦૨૦ સુધીમાં ૧૫૦૦૦ મજૂરો મોતને ભેટેલા જેમાં ભારતના ૩૦૦૦ મજૂરો સામેલ છે . એક તો કતારમાં ફૂટબોલનું એવું ખાસ કાઇ ચલણ ના હોવાથી લોકો પહેલેથી જ આવી મોંઘી ટુર્નામેન્ટ યોજવાનો વિરોધ કરી રહ્યા છે . વિશ્વકપના ઇતિહાસમાં આ સૌથી મોંઘો વિશ્વકપ છે . બીજું કે કતાર ક્યારેય વિશ્વકપ માટે ક્વોલિફાય નથી થયું પણ આ વખતે યજમાન ઓટોમેટિક ક્વોલિફાય થઈ જાય એ નિયમ મુજબ કતાર પણ વિશ્વકપમાં રમશે . કૂલ ત્રીસેક લાખની આબાદીવાળા કતારમાં લગભગ ૨૦ લાખથી વધુ પ્રશંશકો વિશ્વકપ જોવા આવશે એવી ઉમ્મીદ છે અને ફિફાને ચિંતા છે કે આટલા બધા મુલાકાતીઓને કતાર કેવી રીતે સંભાળશે . ચુસ્ત આરબરાષ્ટ્ર હોવાને લીધે કતારે પ્રશંશકો માટે અનેક પ્રતિબંધ પણ લગાવ્યા છે . મસ્તીખોર ફૂટબોલ ફેન્સને અહી આસાનીથી અને ઠેકઠેકાણે દારુ નહીં મળે એટલું જ નહીં પણ જો કોઈ વન નાઈટ સ્ટેન્ડ સેકસ કરતાં પકડાયું તો સાત વર્ષની જેલ થઈ શકે છે . આ વખતે સેકસ પર ફરજિયાત પ્રતિબંધ છે . કતારમાં લગ્ન બહાર સેક્સ અને સમલૈંગિકતા ગેરકાયદેસર છે અને આવા કારણોથી અલગ-અલગ અટકવાળા ફેન્સને હોટલનો રૂમ પણ મળી રહ્યો નથી. જાહેરમાં પ્રેમ પ્રદર્શન , ગાળો બોલવી , ફોટાઓ લેવા , છેડતી કરવી આ બધાની સજા જેલ થઈ શકે છે . વિશ્વકપમાં મેચ બાદ ઉજવણીમાં દારુ સામાન્ય છે જે અહી શક્ય નહીં બને . કતારે સ્ટેડિયમમાં મેચના અમુક સમય પહેલા અને પછી અને ત્યાંથી અમુક કિલોમીટર દૂર ફેન ઝોનમાં દારૂની વ્યવસ્થા કરેલ છે પણ જાહેર દારૂની દુકાનો લેટેસ્ટ ન્યૂઝ મુજબ બંધ કરાવી દીધી છે . કતારે મહિલા દર્શકોને સ્ટેડિયમમાં અતર ( સેંટ ) લગાડીને આવવાની મનાઈ ફરમાવી છે એટલું જ નહીં પણ ખભા અને ઘૂંટણ ઢંકાય એવા કપડાં પહેરવાની સલાહ આપી છે . ખેર અનેક મુશ્કેલીઓ અને પ્રતિબંધો છતાં પણ દુનિયાભરના ફૂટબોલ ચાહકો કતાર ભણી આવવા નીકળી ચૂક્યા છે એવામાં ચાર વર્ષે રમાતો ફૂટબોલનો આ વિશ્વકપ યાદગાર બની રહેશે એમ કોઈ શંકાને સ્થાન નથી . ( akurjt@gmail.com )
- અજય ઉપાધ્યાય ( ગાંધીનગર સમાચાર – કૉલમ ” રઝળપાટ ” ૨૦ નવેમ્બર ૨૦૨૨ )