ક્રિકેટ વર્લ્ડકપ ૨૦૨૩ : એક નજર “ ભારત “ ની ટીમ પર ..!!!!

વરસાદથી પ્રભાવિત એશિયાકપના નેપાળ સામેના મેચને આસાનીથી ૧૦ વિકેટે જીત્યા બાદ પ્રેઝન્ટેશન પ્રોગ્રામમાં કપ્તાન રોહિત શર્માનું એક વાક્ય ધ્યાન ખેંચે એવું હતું . ભારતીય ફિલ્ડરોએ છોડેલ ૪ આસાન કેચ વિષે રોહિત બોલ્યો કે ‘ આવી ખરાબ ફિલ્ડિંગથી વર્લ્ડકપ તો દૂર પણ એશિયાકપમાં પણ જીતવામાં મુશ્કેલી રહેવાની  “..!!! નિઃસંદેહ કપ્તાનનો ઈશારો ખરાબ ફિલ્ડિંગ પર હતો . એમ પણ નેપાળ જેવી ટીમ શામી , હાર્દિક , જાડેજા , કુલદીપ , શિરાઝ ને શાર્દૂલ જેવા બોલરો સામે ૨૩૦ રન કરી ગયેલી એ પણ કપ્તાન માટે તો સોચનેવાલી બાત હતી જ . રોહિતની ચિંતા એશિયાકપ નહીં પણ હવે જેને એક મહિનાથી પણ ઓછો સમય રહી ગયો છે એ વર્લ્ડકપની હોય એ સ્વાભાવિક છે . ૨૦૧૧ પછી ભારતીય ટીમ ફરી એકવાર વિશ્વવિજેતા બનવા હોમ ગ્રાઉન્ડ પર ઉતરશે ત્યારે સ્વાભાવિક છે કે એક એક કેચ ઇમ્પોર્ટેંટ રહેવાનો .આફ્ટર ઓલ  ‘ કેચીસ વિન મેચીસ ‘ ..!!! એનિવેઝ વર્લ્ડકપને માત્ર થોડો સમય જ બાકી રહ્યો છે ત્યારે વિશ્વકપમાં રમનાર બીજી ટીમોની ચર્ચા તો આવનારા લેખોમાં કરીશું પણ આજે કરીએ ભારતે જાહેર કરેલી ટીમની ..!!! શું આ ૧૫ ખેલાડીઓ સક્ષમ છે ભારતને ત્રીજો વિશ્વકપ આપી શકવા માટે ???

મંગળવાર ૫ સપ્ટેમ્બરે અજીત અગરકરે વર્લ્ડકપ ૨૦૨૩ માટેના ૧૫ સભ્યોની ટીમની જાહેરાત કરી એ સાથે જ ક્રિકેટપ્રેમીઓના મિશ્ર પ્રત્યાઘાતો મળવા લાગ્યા છે . ૭ બેટ્સમેન , ૪ બોલર અને ૪ ઓલરાઉન્ડરવાળી ભારતની ટીમની ઘોષણા પરથી એક વાત નોંધવા જેવી છે કે ભારતે ત્રીજો વર્લ્ડકપ જીતવા માટેની તૈયારીમાં ઓલરાઉન્ડરનો નોંધપાત્ર ફાળો ગણ્યો છે . ટીમની જાહેરાત પછી રોહિતે કહ્યું પણ ખરું કે આ એક સંપૂર્ણ અને ટેલેન્ટેડ ટીમ છે પણ વિવેચકો અને ક્રિકેટપ્રેમીઓના મનમાં ટીમની પસંદગી વિષે ઘણા સવાલો ઊભા થયા છે . સૌથી મોટી ડિબેટ ચહલની પસંદગી ના થઈ એના પર છે . હરભજને તો ત્યાં સુધી કહી દીધું કે તમે મેચ વિનરને જ ટીમમાં સિલેકટ નથી કર્યો . જો કે એક હકીકત છે કે ધોનીના ગયા પછી આપણે ચહલ અને કુલદીપ બન્નેને એકસાથે ટીમમાં રમતા બહુ ઓછા જોયા છે અને વર્લ્ડકપની ટીમમાં કુલદીપ છે અને એ ઉપરાંત ઓલરાઉન્ડર તરીકે જાડેજા છે તો અક્ષર પટેલ સ્ટેન્ડબાય સ્પિનરની ભૂમિકામાં રહેવાનો છે એવામાં ટીમના સંતુલનને જોતાં ચહલની પસંદગી મુશ્કેલીભરી બની રહી હશે . આવું જ કઈક રાહુલ ને ઇશાન કિશન બંનેની પસંદગી અને સંજુ સેમશનની ના-પસંદગી પર પણ છે જ . ઓપનિંગ રોહિત ને ગિલ નક્કી છે તો વન ડાઉન કોહલી અને ટુ ડાઉન શ્રેયસ નક્કી છે એવામાં પાંચમા સ્થાન માટે ઇશાન અને રાહુલ વચ્ચે સ્પર્ધા રહેવાની . છેલ્લી થોડી મેચોમાં સાતત્યભર્યા પ્રદર્શનને લીધે ઇશાન કિશનની દાવેદારી મજબૂત છે તો અનુભવ અને ઉપયોગીતાની દ્રષ્ટિએ રાહુલનું પલ્લું ભારે છે એવામાં ટીમ મેનેજમેન્ટ માટે એ નક્કી કરવું મુશ્કેલ રહેશે કે પાંચમા સ્થાને કોને રમાડે ? જો કે એકસાથે બન્ને ટીમમાં હોય એવી શક્યતા ઓછી છે એવા સંજોગોમાં મારા હિસાબે અનુભવી રાહુલને પહેલી તક મળશે અથવા તો ટોપ ઓર્ડરમાં કોઈ ઇજાગ્રસ્ત થાય એવા સંજોગોમાં બન્નેને ચાંસ મળી શકે છે . જો કે આ લેખ તમે વાંચતાં હશો ત્યારે ૧૦ સપ્ટેમ્બરે એશિયાકપના પાકિસ્તાન સામેના સુપર -૪ ના મુકાબલામાં રાહુલ નંબર પાંચ પર ઉતરી શકે છે . વારંવારની તકો છતાં કોઈ અસર છોડવામાં અસફળ રહેલા સંજુ સેમશનની ટીમમાં પસંદગી ન થઈ એ બાબતે ઉઠેલા વિવાદો નિરર્થક છે અને ઇશાન હાલના તબક્કે સંજુ કરતાં વધુ બહતર ચોઈસ છે જ . ટીમમાં કોઈપણ ઓફ સ્પિનર નથી એ વિચારવાલાયક તો છે જ તો તિલક વર્મા અને પ્રિસિધ્ધ કૃષ્ણાનો સમાવેશ ના થયો એ પણ ચર્ચામાં છે જ પણ આવા વિવાદોને બાજુમાં રાખીને ટીમનું નિશાન વર્લ્ડકપ જ રહેવાનું એ નક્કી છે .

                              અને આ નિશાન પાર પાડવા માટે ટીમ કેટલી તૈયાર છે એ જાણવું પણ જરૂરી છે એટલે હવે જોઈએ ભારતીય ૧૫ સભ્યોની ટીમની ક્ષમતા-નબળાઈઓ અને વર્લ્ડકપ જીતવાના ચાન્સીસ પર . સૌથી પ્રથમ તો કોઈ મોટો બેનિફિટ હોય તો એ છે ઘરઆંગણે રમવાનો . હોમગ્રાઉન્ડ અને જાણીતી પિચો ભારતને વર્લ્ડકપ જીતવાની રાહ આસાન કરવામાં ચોક્કસ મદદ કરશે જ અને એમાં સાથ મળશે હોમ ક્રાઉડનો . વર્લ્ડકપ ઓકરોબર-નવેમ્બરમાં રમાવાનો છે એટલે જે વિદેશી ખેલાડીઓ આઈપીએલના અનુભવને વર્લ્ડકપમાં ઉમેરવા માંગતા હશે એમના માટે કોઈ ફાયદો નહીં થાય કેમકે આઈપીએલ માર્ચ-એપ્રિલમાં રમાય છે અને ત્યારે અને ઑક્ટો-નવેમ્બરમાં કન્ડિશન અલગ હોય છે એટલું જ નહીં પણ ઓકટોબર-નવેમ્બરમાં ઝાકળની પણ બીક રહેવાની તો સામે છેડે ભારતીય ખેલાડીઓ આ વાતાવરણથી પરિચિત હોવાના . ભારત માટે બિલકુલ ટેલરમેડ સ્થિતિ રહેવાની જો રોહિત એન્ડ કંપની એનો ફાયદો ઉઠાવી શકે તો . અને ફાયદો ઉઠાવવો જ પડશે કેમકે ભારત પાસે વનડેના અનુભવી ખેલાડીઓ છે . રોહિત, વિરાટ , રાહુલ , હાર્દિક , બૂમરાહ , શમી , જાડેજા જેવા ખેલાડીઓ પાસે વર્લ્ડકપ રમવાના અનુભવ છે જ સાથે સાથે વનડેના આ બધા નિર્વિવાદ સ્ટાર ખેલાડીઓ છે એટલે સ્વાભાવિક છે કે વનડે રમવાના એમના આટલા વિશાળ અનુભવનો લાભ ભારતીય ટીમને મળશે જ . આ ઉપરાંત આ બધા વચ્ચે વિસ્ફોટક સૂર્યા ને કયા અને કેટલી તક મળે છે એ પણ જોવું રસપ્રદ બની રહેશે . જો કે મારુ માનવું છે કે શરૂઆતી મેચોમાં સૂર્યા સ્ટેન્ડબાય જ રહેવાનો અને ટોપ ઓર્ડરમાં કોઈને ઇજાગ્રસ્ત થવા પર કે ફેલ થવા પર જ સૂર્યાને ચાંસ મળશે પણ આશા છે કે સૂર્યાને વધુ અને જલદી ચાંસ મળવો જોઈએ .

                    પણ આ પ્લસ પોઈન્ટની સામે થોડા માઇનસ પોઈન્ટ પણ છે જ . હોમ ક્રાઉડનો લાભ મળશે એ જ રીતે હોમ ક્રાઉડ અને મીડિયાનો દબાવ પણ રહેવાનો જ . ઘરઆંગણે જીતવાનું પ્રેશર વધુ હોય છે અને એ માઇનસ પોઈન્ટ પણ બની શકે છે . આ ઉપરાંત ખાસ તો ઇજાને લીધે ક્રિકેટથી દૂર રહેલા ખેલાડીઓનો ટીમમાં સમાવેશ એ પણ ચિંતાજનક છે . જેમ કે શ્રેયસ ઇજાને લીધે ઘણો સમય દૂર રહ્યા પછી ટીમમાં આવ્યો છે અને એને વર્લ્ડકપ પહેલા પોતાનું ફોર્મ મેળવવું બહુ જરૂરી બની રહેવાનું તો એવું જ કઈક બૂમરાહ માટે પણ કહેવું પડશે કેમકે ઇજાને લીધે એ પણ ઘણા સમયથી ક્રિકેટથી દૂર છે એટલું જ નહીં પણ જો અહેવાલોને સાચા માનીએ તો આ વર્લ્ડકપમાં મોસ્ટલી બેટિંગ પિચો મળવાની છે એવામાં બૂમરાહે બહુ જલદી રિધમમાં આવવું પડશે . અગાઉ ઇન્જરડ રહી ચૂકેલો હાર્દિક પૂરી ૧૦ ઓવર ફેંકી શકવા ફિટ છે કે નહીં એનો જવાબ પણ મેળવવો પડશે . બીજો એક ઉપયોગી ખેલાડી રાહુલ પણ ઇજાને લીધે ઘણા સમયથી ક્રિકેટથી દૂર હતો જો કે એશિયાકપની ટીમમાં એ સામેલ છે અને રમાયેલી બે પ્રેક્ટિસ મેચમાં એને બેટિંગમાં કોઈ તકલીફ નહોતી થઈ પણ વિકેટકીપીંગમાં એ અસહજ હતો . મિડલ ઓર્ડરમાં જેના પર આધાર છે એવા આ બન્ને ખેલાડીઓ જો ઝડપથી ફોર્મ નહીં પકડે તો ભારતીય બેટિંગ લાઇનઅપને નુકશાન પહોંચસે એ નક્કી છે . જો કે ભારતીય ટીમમાં ઓલરાઉન્ડર્સને લીધે બેટિંગ સ્ટ્રેન્થ વધુ છે પણ જો ટોપ ઓર્ડર ફેલ ગયો એવા સંજોગોમાં મિડલ અને લોઅર મિડલ ઓર્ડર પર વધુ પ્રેશર રહેવાનું અને આ તો ૫૦ ઓવરની મેચ છે એટલે શરૂઆતી ૧૫-૨૦ ઓવરમાં જો ૩-૫ વિકેટ પડે તો ટીમમાં એવા ખેલાડીઓ હોવા ઘટે કે જે સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી શકે  અને એટલે જ શાર્દૂલ , જાડેજા , અક્ષર કે હાર્દિક જેવા ખેલાડીઓ વધુ ઇમ્પોર્ટેંટ બની રહેવાના . ટીમ ડિકલેર થયા પછી ૧૯૮૨ ના વિશ્વવિજેતા કપ્તાન કપિલદેવે સાચું જ કહ્યું કે આ જ અવેલેબલ બેસ્ટ ટીમ છે એમ સમજીને ઊતરો મેદાનમાં અને મહેનત કરો ..!!! વિશ્વકપ વિષે વધુ આવતા લેખોમાં .. ટીલ  ધેન ઓલ ધ બેસ્ટ ભારત (akurjt@gmail.com ) – image ; TOI

  • અજય ઉપાધ્યાય ( ગાંધીનગર સમાચાર – કૉલમ ” રઝળપાટ ” ૧૦ સપ્ટેમ્બર ૨૦૨૩ )