સોશિયલ મીડિયા પર સટાસટી ….!!!!!

Concept for social media fight Royalty Free Vector Image
Image : VectorStock

                                                ‘ નેકી કર ઔર દરિયા મે ડાલ ‘ નહીં પણ ‘ કુછ ભી કર ઔર સોશિયલ મીડિયા પે ડાલ ‘ આ છે આજનો નવો મંત્ર …!!! બાય ધ વે આને મંત્ર કરતાં મુસીબત કે પછી વળગણ વધુ કહી શકાય એ હદે લોકોના દિમાગમાં સોશિયલ મીડિયા ઘૂસી ચૂક્યું છે . આમ નેકી કર પણ સોશિયલ મીડિયા પર અચૂક ડાલ એ પાછું મસ્ટ થતું જાય છે . પોતાનું સ્ટેટ્સ ભલે ને સાવ તળિયે હોય પણ ફેસબુક કે ઇન્સ્ટા કે બીજા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તો સ્ટેટ્સ ઊંચા માયલું જ મેલવાનું ..!!! ‘ ભાઈ ભાઈ , આકાશના ત્યણ ત્યણ કટકા થઈ જાય એવો ફોટો છે ‘ એવું જ્યાં સુધી કોમેંટમાં ના આવે તો ધૂળ પડી જીવનમાં …આઈ મીન પ્રોફાઇલમાં કે સ્ટેટ્સમાં …!!!! રોલા પડી જાવા જોઈ …..જોનારની આય્ખૂ ચાર થઈ જાવી જોઈ …..બળતણીયાવ ને તાત્કાલીકમાં બરનોલ લેવા દોડવું પડે એવું સ્ટેટ્સ …..ફોટું કે પછી કોમેન્ટ નો કરી હકી તો પછી ફયટ છે એવા પોફાઇલને ………શું કિયો છો ????

                               સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તમે સારા વિચારો …સારી માહિતીઓ …સારા અનુભવો શેર કરી શકો ….એકબીજા સરખા રસવાળા લોકો સાથે કનેક્ટ રહી શકો અને ખાસ તો એના માધ્યમથી એકબીજાને મદદરૂપ થઈ શકો . પણ અત્યારે આ માયલું સાવ ઓછું અને આની વિરુધ્ધનું વધુ થઈ રહ્યું છે .  સોશિયલ મીડિયા પર આજકાલ સૌથી વધુ જો કોઈનું ચલણ હોય તો એ છે ટ્રોલિંગ અને બીજું છે હેટ સ્પીચ કે કોમેન્ટ . સોશિયલ મીડિયા પર ટ્રોલિંગ આમ થતું જાય છે જો કે એ હમેશા ચલણમાં રહ્યું જ છે પરંતુ મોટાભાગે જોવામાં આવે છે કે કોઈ એક સારી એક્ટિવિટી કે પોસ્ટને વધાવતા લોકોની સાથે સાથે એની વિરુધ્ધની કોમેંટ્સ કે પોસ્ટ પણ જોવા મળતી જ હોય છે . ટ્રોલિંગમાં મજા  એ છે કે તમે કોઈપણ આઈ રિપીટ કોઈપણનું ટ્રોલિંગ કરી શકો છો પછી ચાહે એ અમિતાભ હોય કે મોદી …કંગના હોય કે ટ્ર્મ્પ…!!! આ નામ તો માત્ર ઉદાહરણ માટે છે બાકી સોશિયલ મીડિયા પર એક આખી ટ્રોલ આર્મી જ મોજૂદ હોય છે જેનું કામ જ આ હોય છે ટ્રોલ કરવું .અને આ ટ્રોલિંગમા કોઈ આમ આદમી પણ આવી જાય અને ટ્રોલિંગમાં ફેવરનું અને વિરુધ્ધનું આ બંને ટ્રોલિંગ પણ આવી જાય ..!!! ટ્રોલિંગ તો એના પર આધાર રાખે કે કોના ભાથામાં વધુ તીર છે – બોલે તો ગેંગ કેવડી છે અને એની પાસે દારૂગોળો કેટલો છે સામેવાળા પર ફોડવા માટે …!!!! મોટાભાગના ટ્રોલિંગ પર્સનલ એટેક અને અનિધિકૃત માહિતીઓ સાથે થાય છે પણ આમાં પણ ઈંટેલીજંટ જમાત હોય છે જે એક એક ટ્રોલ અક્કલથી અને આધાર પુરાવા સાથે કરે , પણ આવા બહુ રેર છે .                          

                               સોશિયલ મીડિયા સારી વસ્તુ છે, પણ શરત એટલી કે એનો વિવેકબુધ્ધિથી ઉપયોગ કરવામાં આવે . પણ થાય છે શું કે લાઈક કે કોમેંટ્સના આંકડાઓ આ વિવેકબુધ્ધિ ભ્રષ્ટ કરવા પૂરતા છે . જી હા એકવાર દિમાગમાં જો આ બે ચીજ ઘૂસી ગઈ ને તો એમાથી નીકળવું અઘરું છે . વાટકી વહેવાર તો આ વર્ચ્યુલ જગતની વગર કહેલી ક્વોલિફિકેશન છે અને એમાયે હવે તો અલ્ગોરીધ્મનો જમાનો છે ખાસ કરીને ફેસબુક પર , એટ્લે જેટલું સોશિયલ મીડિયાનું ખેતર વધુ ખેડો એટલો વળતો કોમેન્ટ/લાઈકનો પાક વધુ આવે ..!!! ઘણીવાર કોઈ સેલેબ લેખક/કવિ/સ્ટારની આપણી પોસ્ટ પર લાઈક કે કોમેન્ટ જોઈને હરખમાં ઉલળી ના પડતાં …બીકોઝ આ પણ પોતાની પોસ્ટની રીચ વધારવાની એક તરકીબ જ છે . ઘણા તો ઊંધું ઘાલીને એકસાથે 200-300 ને કોમેન્ટ / લાઈક જીંકી દે …..માર્કેટમાં બની રહેવા માટે આ પણ જરૂરી છે . ‘ મારે ફોલોવર ની કઈ પડી નથી ‘ એવું કહેનારાઓ પણ કેટલાયને અંગુઠો ચોટાડી આવે કે ‘ વાહ ‘ …’ બહુ સરસ ‘ જેવી શોર્ટહેન્ડ કોમેન્ટ પેસ્ટી દેતા હોય છે .

                               તમે મનમાં આવે તે ટાઈપ કરીને કોમેન્ટી દ્યો પછી ઘણીવાર એનું શું પરિણામ આવે એની કલ્પના ના હોય . સોશિયલ મીડિયા પર હવે ઇ-ઝગડા કોમન છે , ઇનફેક્ટ ઘણાને જોઈએ તો એમ થાય કે બસ આટલા માટે જ આ ભાઈ/બહેન અહિયાં છે . ખુલ્લા હાથની મારામારીની જેમ ખુલ્લા શબ્દોની કોમેન્ટની કટારીઑ ફરતી હોય છે . અરે ઘણામાં તો ખુલ્લા નહીં પણ બીભત્સ શબ્દો ખુલ્લેઆમ વપરાય છે . કોઈ પણ ચમરબંધી કેમ નથી પણ જો આ કોમેન્ટની ક્ટારીઓ શરૂ થઈ ગઈ તો વાત ક્યાં જઈને અટકશે એનો કોઈ અંદાજો નથી રહેતો . લખતા તો લખાય જાય પણ પછી ઘણા બધા કેસમાં એના પ્ર્ત્યાઘાતરૂપે પોલીસ કેસ કે પછી ક્યાકથી કોંટેક્ટ શોધીને રૂબરૂ ઝગડો થતાં વાર નથી લાગતી અને એનું કારણ એ છે કે આવા કેસમાં મોટાભાગના લોકો આને વર્ચ્યુલ નહીં પણ એક્ચ્યુલ પ્લેટફોર્મ માની લેતા હોય છે . વિચારભેદ અને જડતા વચ્ચે બહુ પાતળી રેખા રહેલી હોય છે અને એ બોર્ડર ક્યારે ઓળંગી જવાય છે એનું ભાન થાય ત્યાં સુધીમાં તો સાઇબર ક્રાઇમ કે પછી ધમકીભર્યા ફોનો ચાલુ થઈ જતાં હોય છે . સોશિયલ મીડિયાના ઝગડાઓ તો છાપે પણ ચડી ચૂક્યા છે .

                                ફેક પ્રોફાઇલ અને એનાથી થતાં આર્થિક , સામાજીક અને શારીરિક ગુનાઓનું તો લિસ્ટ લાંબુ જ થાય એમ છે , લેટેસ્ટમાં ફેક પ્રોફાઇલ બનાવીને પૈસા માગવાનુ કૌભાંડ ઇનથિંગ છે જ. સોશિયલ મીડિયાનો નશો ઘણાને એટલો બધો ચડી જાય છે કે અનાપ-સનાપ કોમેંટ્સ અને પોસ્ટ વધતી જાય છે . વાણીસ્વતંત્રતાને નામે ઢંગધડા વગરના આરોપોની સોશિયલ મીડિયા પર વણજાર લાગી છે .  સોશિયલ મીડિયા ચલાવતી કંપનીઓ યુઝર્સના ડેટાની ચોરી કરે છે એ તો હવે ઉઘાડું સત્ય છે પણ સ્ક્રીનશૉટ અને ઈનબોક્સમાં સ્ફોટક માહિતીઓ આપવાની પ્રવૃતિઓ પણ બેફામ ચાલે છે . બેઝિકલી લોકોને એમ છે કે આટલા વિશાળ સોશિયલ મીડિયાના સમુદ્રમાં આપણને કોણ શોધવાનું છે ? પણ ત્યાં જ એ લોકો માર ખાય છે . સાઇબર સેલ વહેલું મોડુ એના સુધી પહોચી જ જાય છે આમ છતાં પણ કોઈ યુઝર્સની ઔચિત્યભંગ , વિનયભંગ અને આબરૂનું સરેઆમ ધોવાણ કરતી પોસ્ટો , કોમેંટ્સો બેરોકટોક આવતી રહે છે . ઓલમોસ્ટ મફત ઇન્ટરનેટ અને સસ્તા સ્માર્ટફોનોના પ્રતાપે કોઇની આબરૂનું ધોવાણ કરતી પોસ્ટોના કેસમાં મજાની વાત એ છે કે જેના વિષે આ ચાલતું હોય એના કદાચ ના ખબર હોય તો એક આખી સ્ક્રીનશૉટ ગેંગ પણ અહી હાજર છે . પ્રતિબંધિત વિડિયોઝ , ફોટાઓ અને સાચી કે ખોટી પોસ્ટો , અફવાઓના પડિકાઓ અને આપવીતીની દાસ્તાનો બધુ જ જથ્થાબંધ ભાવે રોજજેરોજ સોશિયલ મીડિયામાં ઠલવાતું રહે છે અને પૂરઝડપે ફેલાતું રહે છે . આમાં ભાગ્યે જ કોઈ યુઝર્સ બચી શકે અને ઉપરથી ‘ મે પણ કઈક કહ્યું ‘ કે ‘ હું પણ આમાં જાણું છુ ‘ નો નશો . સોશિયલ મીડિયા પર હેટ સ્પીચ કે કોમેન્ટ પણ એટલી જ વ્યાપક છે . કોઇની વાતથી સહમત ના હોય એવું બને પણ પછી ‘ તારી ખોટી જ છે ‘ એ સાબિત કરવાનું જ્નુન ઘણીવાર ભાન ભૂલવી દે છે . ઘણા લોકોને તો ‘ બદનામ હુએ તો ક્યાં હુઆ , નામ તો હુઆ ‘ જેવુ હોય છે અને આમાં મોટમોટા સેલીબ્રિટિ પણ આવી જાય . કોઈનો વિરોધ કરવામાં ‘ કોપી-પેસ્ટ ‘ થતી કોમેંટોનો કોઈ અંત નથી હોતો અને પછી બે ભાગમાં વહેચાતું આ ઇ-યુધ્ધ ક્યારે ખુન્નસ અને પર્સનલ દુશ્મની પર પહોચી જાય છે એની ખબર પણ નથી પડતી . સોશિયલ મીડિયા પર એવું ઘણું છે જે જ્ઞાનવર્ધક છે , મજા આવે એવું છે , નવું છે , ગમતું છે અને એટ્લે જ સોશિયલ મીડિયાના ઉપયોગ વખતે મહત્વનુ છે તમારી લાગણીઓને કંટ્રોલ કરવાનું . નથી ગમતું એને ઇગ્નોર કરીને ગમતાનો ગુલાલ કરી શકો તો આ સોશિયલ મીડિયા પર થતી સટાસટીનો ભાગ બનતા અટકી જશો નહિતર જો એકવાર આની આદત પડી ગઈ કે મેંટાલિટી જ એવી થઈ ગઈ તો ડીપી માં લાગેલો ફોટો ક્યારે પોલીસના રેકોર્ડમાં લાગી જશે એની ખબર પણ નહીં રહે …!!!

  • અજય ઉપાધ્યાય ( ગાંધીનગર સમાચાર – કૉલમ ” રઝળપાટ ” 13 જૂન 2021 )