10 Percent Talent, 90 Percent Sob Story: The Success Formula To Crack Every Reality  TV Show!
image courtesy : Indiatimes.com

 
                       માત્ર એક કે બે મિનિટમાં કોઈ ગીતની બે કે ત્રણ લાઇન ગાતા સિંગરો ( આઈ મીન પ્રતિયોગીઓ )……. એ પ્રતિયોગીના અહી સુધી પહોચવા પાછળની ઓડિયો-વિડીયો સ્વરૂપે રજૂ થતી વાર્તા ( મોટાભાગે તો ગરીબી ની વાતો )….એ વાતોને જોતાં-સાંભળતા જ જજીસની ભીની થતી આંખો …..પ્રતિયોગીનું ગીત પૂરું થતાં જ ( મોટાભાગે ) જજીસ દ્વારા થતી વાહવાહી ……ઔર ના જાને ક્યા ક્યા ….???? ઇંડિયન ટેલીવિઝન પર રજૂ થતાં લગભગ બધા જ રિયાલીટી શો નું આ સ્ટાન્ડર્ડ ફોર્મેટ છે. અહી ભલે વાત કોઈ સીંગીંગ રિયાલીટી શો ની કરી હોય પણ આ ક્રાયટેરિયા ડાંસિંગ રિયાલીટી શો ….ગેમ રિયાલીટી શો કે એડવેન્ચર રિયાલીટી શો ને લાગુ પડે છે . ઇંડિયન ટેલીવિઝન પર રજૂ થતાં રિયાલીટી શો ના  લાખો ચાહકો છે અને એમાના મોટાભાગના શો સાથે ઇમોશનલી જોડાયેલા છે . ટીવીના નાના પરદે રિયાલીટી શો માં રજૂ થતાં પ્રતિયોગીઓને પ્રેઝંટ જ એવી રીતે કરાય છે ….એમની ઇમેજ જ એવી રીતે ડેવલોપ કરાય છે કે એ લોકો કોઈ સ્ટારથી કમ નથી લાગતાં …પછી ચાહે કપડાં હોય …શો માં જ એમના લવ અફેર હોય ….એમની ટેલેન્ટની વાતો હોય કે પછી એમના સંઘર્ષની ગાથાઓ …..!!!!!                      
                    
                       રિયાલીટી શો માં પીરસાતા મનોરંજન પર સવાલો સતત ઉઠતાં રહે છે . સોની પર દર વીકએન્ડ આવતા ‘ ઇંડિયન આઇડોલ ‘ નો વિવાદ તાજો જ છે . કિશોરકુમારને ટ્રિબ્યુટના એપિસોડ પર એમના દીકરા અમીતકુમાર કે જે એ એપિસોડમાં ગેસ્ટ હતા એમની ટિપ્પણી ઘણું કહી જાય છે . પૈસા માટે પરાણે વાહવાહી કરવી પડી એવું કબુલ કરનાર અમીતકુમાર પછી તો સોનું નિગમ , અભિજિત સાવંત અને સુનિધિ ચૌહાણે પણ રિયાલીટી શો ની પોલ ખોલતા નિવેદનો આપ્યા . સોનુએ તો ત્યાં સુધી કહેલું છે કે આવા શો માં સ્પર્ધકને એની ટેલેન્ટ નહીં પણ એની દર્દભરી સ્ટોરી પરથી જજ કરાય છે . ઇંડિયન આઇડોલની ચાલુ સિઝનમાં સવાઇ ભાટની ગરીબીની બહુ વાતો થઈ રહી છે બિલકુલ એવી જ રીતે ગઈ સિઝનમાં સની હિંદુસ્તાનીની વાતો થતી હતી . જો કે પછી તો શો ના બચાવમાં હોસ્ટ આદિત્ય અને મનોજ મુંતશિરે પણ સ્ટેટમેન્ટ આપ્યા કે આપવા પડ્યા . જો કે એક અહેવાલ એવો પણ છે કે આ બધુ જ શો ની પબ્લિસિટી માટે વ્યવસ્થિતપણે ડિઝાઇન કરેલું હતું આફ્ટર ઓલ મામલા ટીઆરપી કા હી તો હૈ !!!! . સીંગીંગ રિયાલીટી શો ની વાત કરીએ તો શરૂઆતમાં જે સ્પર્ધકોને નવોદિત કે આપબળે શો માં આવેલા બતાવાય છે એની હકીકત પાછળથી એવી ખૂલે છે કે અસલમા આ સ્પર્ધક ઓલરેડી ક્વોલિફાઇડ સિંગર છે કે વર્ષોથી સીંગીંગ ક્ષેત્રમાં હોય છે અથવા તો સીંગીંગની વ્યવસ્થિત તાલીમ લીધેલા ગાયકો જ છે  . સીંગીંગ રિયાલીટી શો પર તો અગાઉથી રેકર્ડ કરેલા ગીત પર ગાયકો લિપસિંક કરે છે એવા આરોપો પણ લાગી ચૂક્યા છે .                              

                       રોયાલિટી શોઝ અને વિવાદોને હમેશા નાતો રહ્યો છે . કૌન બનેગા કરોડપતીની નવી સિઝન ટૂંક સમયમાં જ સોની પર શરૂ થવાની છે . મહાનાયક અમિતાભ ફરી એકવાર દેવીઓ સજ્જનો સાથે હાજર થવાના છે , પણ આ જ કેબીસી પર પણ સ્પર્ધકોની ગરીબી કે એમના સંઘર્ષની ખોટી વાર્તાઓ બતાવવાનો આરોપ લાગી ચૂક્યો છે . ઈવન કેબીસીની ગઈ સિઝનમાં તો ઓલમોસ્ટ દરેક સ્પર્ધક પાછળ કઈક આવી જ વાર્તાઓ સામેલ હતી . દર્શકોની સહાનુભૂતિ મેળવવાની સાથે સાથે કેબીસી પર ઓડિયન્સ પોલમાં ગોટાળાનો આરોપ પણ લાગી ચૂક્યો છે . ઘણીવાર 40-50 લાખે પહોચનાર સ્પર્ધકને એટલો ઇઝી સવાલ પૂછવામાં આવે કે આપણને પણ નવાઈ લાગે . કેબીસી પર સરકારી નીતિઓને પ્રોત્સાહન આપતા સવાલો પૂછવાનો પણ આરોપ ગઈ સિઝનમાં લાગી ચૂક્યો છે .  આવું જ કઈક કલર્સના પોપ્યુલર શો ‘ બિગ બોસ ‘ માટે પણ છે . જો કે બિગ બોસ તો સ્ક્રીપટેડ શો હોય એમ ચોખ્ખું દેખાઈ આવે છે . ખોટા ઝ્ગડા ….ખોટા લફરા અને ખોટી વાતો જ આ શો ની ટીઆરપી છે . બિગ બોસ માટે તો એમ કહેવાય છે કે ભલે પરદા પર દર્શકોને એમ બતાવાતું હોય કે બિગ બોસના ઘરમાં કોઈ બહારનું આવી નથી શકતું પણ એના પર પણ બહારના લોકો દ્વારા સફાઈ કે રસોઈ કરવાના આરોપો લાગી ચૂક્યા છે . લડાઈ, ઝગડા , ડ્રામા માટે મશહૂર આ શો ને રિયાલીટી ગણવો કે નહીં એ દર્શકો પર છોડી દેવાનું . આ અને કઈક આવા જ આરોપો ઈંડિયાઝ મોસ્ટ વોંટેડ અને એમટીવી સ્પીલ્ટવિલા શો પર પણ લાગ્યા છે .

                         જો કે ઇંડિયન ટેલીવિઝન પર રિયાલીટી શો ની એટલી લોકપ્રિયતા છે અને ખાસ તો ચેનલની તિજોરીમાં એને લીધે અઢળક આવક થાય છે કે લગભગ દરેક ચેનલ પર કોઈ ને કોઈ રિયાલીટી શો આવતા જ રહે છે . રૂપેરી દુનિયાના સિતારાઓ પર એની લોકપ્રિયતાથી અજાણ નથી એટ્લે જ અમિતાભ , અક્ષયકુમાર , શાહરુખ , સલમાન જેવા સિતારાઓ રિયાલીટી શો ને હોસ્ટ કરી ચૂક્યા છે કે દર સીઝને કરી રહ્યા છે . આ લીસ્ટમાં નવું નામ રણવીરસિંહનું પણ ઉમેરાયું છે . કલર્સ ચેનલ પર રણવીર એક ગેમ શો લાવી રહ્યો છે જેમાં ચિત્રોની સીરિઝને ઓળખવાની છે . 25 મી જુલાઈથી શરૂ થનારા આ શો ના 26 એપિસોડ પ્રસારિત થવાનું અત્યારે નક્કી છે . રિયાલીટી શો માં જીતેલા પછી ક્યાં ખોવાઈ જાય છે એ કોઈને ખબર નથી . અભિજિત સાવંત ( ઇંડિયન આઇડોલ-1 વિનર ) , કાઝી તૌકીર ( ફેમ ગુરુકુલ ) , આશુતોષ કૌશિક (રોડીઝ સિઝન 5 ) જેવા કેટલાયે આજે ગુમનામ યા તો ચર્ચામાં નથી તો સામે છેડે રિયાલીટી શોઝે આપણને અરજીતસિંઘ ( ફેમ ગુરુકુલ ) , રાઘવ અને શક્તિ મોહન ( ડાન્સ ઈન્ડિયા ડાન્સ ) , શાંતનુ મહેશ્વરી ( બુગી વુગી ) , અંતરા મિત્રા ( રંગ દે મુજે ગેરુઆ ફેમ ),  નેહા કકકડ ,મોનાલી ઠાકુર ( ઇંડિયન આઇડોલ-2 ) , શ્રેયા ઘોષલ જેવા અનેકો કલાકારો પણ આપ્યા છે .

                       અસલમા આખો ખેલ ટીઆરપીનો છે . ચાહે બિગ બોસ હોય કે ઇંડિયન આઇડોલ કે પછી કોઈ પણ રિયાલીટી શો , જો કોઈ સ્પર્ધકથી ટીઆરપી નથી મળતી તો એને રુખસદ આપી દેવામાં આવે છે . સીંગીંગ રિયાલીટી શો માં ગરીબી અને સંઘર્ષ તો બિગ બોસ જેવામાં એકબીજા સાથે ના ભળતું હોય એવા લોકો કે પછી લગભગ દરેક રિયાલીટી શો માં જજીસના લડાઈ-ઝગડા , રોના-ધોના આવું બધુ બીજું કઈ નહીં પણ ટીઆરપીનો ખેલ જ છે અને આવા રિયાલીટી શોઝને મોટાભાગના કિસ્સામાં દૂરદૂર સુધી સાચા ટેલેન્ટ સાથે કશું જ લાગતું વળગતું નથી હોતું . મેકર્સ કહે જ છે કે લોકોને આવું જ જોવું ગમે છે અને સીંગીંગ શો માં અગાઉથી એસ્ટાબ્લીશ થયેલા ગાયકોને સામેલ કરવામાં કે બિગ બોસ જેવામાં ઓલરેડી વિવાદિત લોકોને લાવવાથી મેકર્સને શો ને લોકપ્રિય બનાવવામાં કે ટીઆરપી વધારવામાં આસાની રહે છે . આફ્ટરઓલ આ બધા જ રિયાલીટી શો મનોરંજક કાર્યક્રમો જ છે પણ સાવ સાદી રીતે જો એને પ્રસ્તુત કરાય તો દર્શકોનો ઉત્સાહ રહે નહીં એટ્લે દરેક શો કઈક ને કઈક ટ્વિસ્ટ સાથે રજૂ કરાય છે જેથી દર્શકોનો ઉત્સાહ અને સહાનુભૂતિ બંને જળવાઈ રહે . શો ને સફળ રાખવા આવું બધુ કરવું જરૂરી છે એટલું તો હવે આવા દરેક રિયાલીટી શો ના મેકર્સ જાણી ચૂક્યા છે એટ્લે દર્શકોનો રસ ટકાવી રાખવા દરહપ્તે નવા નવા ગેસ્ટને બોલવાય છે , વચ્ચે વચ્ચે સ્પર્ધકોના કુટુંબીજનો પણ ડોકાચિયું કરી જાય છે અને સ્ક્રીપ્ટ મુજબ મારો દીકરો કે દીકરી કેટલા સંઘર્ષ પછી અહી પહોચ્યો છે એનું ગુણગાન કરી જાય છે , જજીસના રોના-ધોના , ઝગડા , રિસામણા-મનામણાં, સ્પર્ધકોના આપસી ડ્ખ્ખા વગેરે વગેરે ઓલરેડી સ્ક્રીપ્ટમાં હોય જ છે . રિયાલીટી શો માત્ર ને માત્ર મનોરંજન માટે જોવા જ સહત કે લિયે અચ્છા હૈ બાકી જો એમાં રિયાલીટી શોધવા જાશો તો દુખી જ થવાના ….એટ્લે હવે પછી જ્યારે ટીવી સ્ક્રીન પર નેહા રડવા માંડે તો તમે ના રડતાં !!!

  • અજય ઉપાધ્યાય ( ગાંધીનગર સમાચાર – કૉલમ ” રઝળપાટ ” 6 જૂન 2021 )