બોલો, શું ખાશો ????…..!!!!!

                                         રોજ સાંજ પડે ને લગભગ દરેક ઘરમાં જો સૌથી વધુ મુંજવતો પ્રશ્ન કોઈ હોય કે પછી જે પ્રશ્નના જવાબ મેળવવામાં ઘરના દરેક સભ્યો ઊંધે માથે થઈ જતાં હોય કે પછી જે પ્રશ્નનો જવાબ આપવામાં ભલભલા ગોથે ચડી જતાં હોય કે પછી જે પ્રશ્ન ઘણીવાર ઘરમાં મીઠા ધિંગાણા કરાવી દેતો હોય એ પ્રશ્ન છે ..’ બોલો , ડિનરમાં શું ખાશો ? ‘ છે કે નહીં અઘરો સવાલ ? સાચું કહેજો ? આ એક એવો અઘરો સવાલ છે કે મને ને તમને રોજ સાંજ પડે ને મુંજવી જાય છે . એવું નથી કે ખાલી જેને આ પ્રશ્ન પૂછ્યો હોય એ જ પણ જે આ પ્રશ્ન પૂછતું હોય છે એ પણ મુંજાઇ જાય . જો તમે આ સવાલના જવાબમાં જે વાનગી બનાવવાનું કહો એ બનાવનારનું મન ના હોય એટલું જ નહીં પણ એના મનમાં બપોરના વધેલાનો કઈક સદુપયોગ કરવાનો પ્લાન દિમાગમાં રમતો હોય કે પછી પૂછનારે અગાઉથી શું બનાવવાનું છે એ નક્કી જ કરી લીધું હોય પણ તમને કે ઘરના બીજાઓને માત્ર પૂછવા ખાતર જ પૂછતા હોય એવું પણ બને ..!!!! જે હોય તે.. પણ ‘ બોલો શું ખાશો ?’ આ સવાલ આવી કોઈપણ ટર્મ્સ એન્ડ કન્ડિશન હોવા છતાં પણ તમારા લમણે લાગવાનો.. લાગવાનો .. ને લાગવાનો જ ..!!!!! તમને ભલે આ પહેલો પેરેગ્રાફ વાંચીને હસવું આવતું હોય પણ આ સવાલ ‘ કટપ્પા ને બાહુબલી કો કયું મારા ?’ કરતાં પણ વધુ ખતરનાક અને સસ્પેન્સથી ભરપૂર છે ..!!!!

                                            ઘણા શું છે કે આ બાઉન્સર પ્રશ્નના જવાબમાં ડક કરીને એવો જવાબ આપી દે  કે ‘ છોડને આજ બહારથી કઈક મંગાવી લઈએ ‘.. કિન્તુ.. પરંતુ ..લેકિન… રોજરોજ તો બહારથી ના મંગાવાય ને ભાય.. ક્યારેક ને ક્યારેક તો આ યક્ષપ્રશ્નનો સામનો તો કરવો પડે કે નહીં ?? જો કે પ્રશ્ન પૂછનાર ( પરણિત હોય તો પત્ની જ સ્તો …!!!! અને જ્યાં પત્ની હેડ કુક નાં હોય ત્યાં માતા કે બહેન સમજવું ) એકજેટ આવું જ કહેવાના  ..!!! આ ઉપરાંત પણ ‘ રોજ રોજ બહારનું ખાઈને માંદા  પડવું છે ? ‘ કે પછી ‘ પૈસા મફત આવે છે ?’ આવા વધારાના પ્રશ્નોનો પણ મારો થઈ શકે છે એટલે ડહાપણ એમાં જ છે કે    સર્વાનુમતે ‘ શું ખાશો ? ‘ નું સોલ્યુશન શોધવામાં આવે ..!!!!! હવે આ ‘ સર્વાનુમતે ‘ આ બાબતમાં જરા અઘરું પડી શકે એમ છે .. બીકોઝ તમારે ધારો કે ભાખરી-શાક ખાવા છે પણ આ વાનગીઓના નામ પડતાં તમારા બચ્ચાવ નાકનું ટીચકું ચડાવી દે તો ..??? તમારા ભાખરા – શાક માં એમને  મુદ્દલે જ્યુસ નહીં પાડવાનો . એમની નજર રહેવાની પીઝા.. પાવભાજી.. સેન્ડવીચ કે ફાસ્ટફૂડ ઉપર અને માનો કે એક તબક્કે એ નક્કી પણ થાય તો તમે ‘ ઊંહું ‘ કરીને ઊભા રહેવાના ..!!!! તમે બોલો વઘારેલી ખીચડી તો બચ્ચાવ કહેશે ‘ ઓહ નો ખીચડી ‘ અને બચ્ચાવ બોલે ‘ વડાપાઉ ‘ તો તમે કહેશો ‘ પેટ બગડે ..’..!!!  એક ને સેન્ડવીચ ખાવી હોય તો બીજા ને ઢોસો …!!! એક ને આ ભાવે નહિ ને બીજા ને બીજું …!!! રમખાણ મચી જાય ખાવાના નામે ભાય્સાબ …!!! આમાં બનાવનારનો જ મરો  કે બીજું કાઇ ..????

                                            આપણે ભલે ને એમ કહીએ કે રોટી .. કપડાં અને મકાન મળી જાય એટલે આપણે ભયો ભયો ..!!!! જો કે રોટી અને કપડાં કરતાં આજે સાંજે ભોજનમાં શું મળશે કે શું ખાઈશું એનો સવાલ મનોજકુમારને પણ અકળાવતો હશે એટલે તો ફિલ્મમાં પણ રોટી પર ઓછી રિલ બગાડેલી ..!!! ખેર , વાત એ નથી કે ડિનર લઈશું પણ વાત એ છે કે બધા સમત થાય એવી કઈ વાનગી બનાવશું ? આમ તો શું છે કે આગળ લખ્યું એમ ભલે ને તમને ઘરવાળી તરફથી ઑપ્શનમાં ચાર-પાંચ ડિશોના / વાનગીઓનાં નામ આપવામાં આવે પણ મોટાભાગના કેસમાં તો અંતે ધાર્યું ‘ ઘરવાળી ‘ નું જ થતું હોય છે ..!!! પૂરી ડીશની ડીમાંડમાં હાર્યા પછી જ્યારે ડીશમાં બટાકા-પૌવા કે પછી વઘારેલી ખીચડી આવે ત્યારે એમ જ થાય કે ‘ એપ્રિલ ફૂલ ‘ બની ગયા કે શું ? સાથે સાથે એમ પણ થાય કે અરે બાઈ .. આ જ બનાવવાનું હતું તો શું લેવાને મારો જીવ ખાધો ..??? આમ તો શું છે કે જો નક્કી કરવામાં ગલ્લા-તલ્લાં કર્યા કે પછી જરાક વાર લગાડી તો સમજજો કે તમારો વોટિંગ રાઇટ કેન્સલ ને ઘરવાળીનો વિટો વિજેતા ..!!!!!! જો કે આમાં એમનો વાંક છે જ નહીં કેમકે મોટાભાગની ગૃહિણીઓની એક કોમન કૅમ્પલેન હશે કે રાંધતા વાર નથી લાગતી એનાથી વધુ વાર તો ખાવાનું નક્કી કરવામાં લાગી જાય છે ..એટલે જો જરાક હચું-ડચું  થયાં તો ગયા કામથી !!!

                                          ઘણા ઘરમાં તો શું છે કે હજુ બપોરનું ભોજન પચ્યું ના હોય ત્યાં તો પેપર બહાર પડી જાય કે ‘ બોલો , સાંજે શું ખાશો ?’ અલી બાઈ જપ કે ..!!!! હજુ તો બપોરનું ‘ ય પચ્યું નથી ત્યાં સાંજનું..???? પણ શું છે કે એમનો કોઈ બદઈરાદો નહીં .. એમને એમ કે એક કામ પતે શું ? એમને પણ બીજા કામ હોય કે નહીં ? પણ થાય શું કે હજુ ખાનાર માંડમાંડ બપોરનું ઓહિયા કરીને બેઠું હોય ત્યાં સાંજનું નક્કી કરવું જરા કાઠું તો પડે જ ..!!! પહેલાના જમાનામાં શાંતિ હતી કે લગભગ લંચ અને ડીનરના મેનુ ફિક્સ જ હોય. લંચ હોય તો રોટલી , શાક અને છાસની સાથે અથાણું કે પાપડ . જી હા , દાળ-ભાત તો મેમાન આવે ત્યારે જ બનતા . અને સાંજે વાળું કહેતા ડીનરમાં ખીચડી , રોટલા કે ભાખરી અને દૂધ …..!!! બસ વાત ખતમ …ડીનર ખતમ …!!! પણ શું છે કે જ્યારથી આ જુદા જુદા વ્યંજનોની શોધ થવા લાગી છે ત્યારથી કોઈને આ ટીપીકલ મેનુમા રસ નથી રહ્યો . સાચું કહેજો આ ઉપર લખ્યું એ ફિક્સ મેનુ મારા ને તમારા ઘરમાં અઠવાડિયામાં કેટલીવાર ફોલો થાય છે  ? બપોરનું કદાચ હજુ પણ અમુકઅંશે ફોલો થતું હશે પણ ડિનર ની વાત આવે એટલે ખીચડા-બીચડા અને રોટલા-બોટલા નું નામ પડે ત્યાં તો મોઢા ચડે મોઢા..!!!!!!!

                                     હવે તમે એમ કહેશો કે બૌ ચલાવ્યું હો .. તો વાત સાચી પણ છે કેમકે જમાનો બદલાયો છે તો ખાવાના અને એની સાથે સાથે બનાવવામાં પણ ઘણી છૂટછાંટો  મળતી થઈ ગઈ છે . હવે ફૂલ ફલેઝડ કૂકિંગ ની જગ્યા ઇન્સ્ટન્ટ કુકિંગે લઈ લીધી છે અને એવું જ કાઈકં વાનગીઓની વિશાળ ચૉઈસને લીધે થઈ રહ્યું છે . પહેલા 15-20 લોકોનું સયુક્ત કુટુંબ હતું તો સ્વાભાવિક છે કે બધાના માટે જુદી જુદી રસોઈ બનાવે તો રોટલા ઘડનાર પણ થાકી જાય જ્યારે હવે ઓનલાઈન ફૂડ અને ઉપરથી ઇન્સ્ટન્ટ બનતી વાનગીઓને લીધે ઘરમાં જો 2-3 જુદી જુદી રસોઈ કરવી હોય તો થઈ શકે છે કેમકે આમપણ હવે 15-20 લોકો એક રસોડે જમતા હોય એવું તો કયા કશું રહ્યું જ છે ..!!! એમ છતાં પણ ઝૉમેટા અને સ્વીગામા માતા કે બહેનના હાથના બનાવેલા ભોજન જેવી મજા કયા એટલે હરીફરીને આવશો તો ત્યાં ના ત્યાં જ કે .. એટલે જ તો લાખ ફેસિલિટીઓ છતાં પણ રસોડે રસોડે એક પ્રશ્ન તો ઊભો જ છે ‘ કે બોલો શું ખાશો ?’.  ઘરમાં દરેકને માફક આવે એવી સાંજ કે બપોરની રસોઈ બનાવવી એ ચિંતા તો હજુયે એમ ને એમ ઉભી જ છે . હવે તમને એમ થાય કે આખીએ વાત માત્ર ડિનરની કરી છો તો જત જણાવવાનું કે લંચમાં પણ આ સમસ્યા તો હોય જ છે પણ હજુ ભગવાનની કૃપાથી ભારતીય સંસ્કૃતિમાં બપોરનું સ્ટાન્ડર્ડ ભોજન યથાવત છે એટલે એમાં ગૃહિણીને કે બનાવનારને બહુ મુશ્કેલી પડતી નથી પણ સાચી તકલીફ આ ડિનરવા માં જ થાય છે ..!!!! ભલે ગમે તે હોય પણ આપણે ગરમાગરમ જમવાવાળી પ્રજા છીએ .. આપણે ફ્રીઝ માં ધરબાયેલું કે ઓવનમાં ગરમ કરીને ખાતા બહુ ફાવતું નથી અને એટલે જ હરેક ભારતીય ઘરમાં બધાને માફક અને બધાની સમતિવાળું ગરમાગરમ ભોજન મોટાભાગે રોજ બને જ છે અને નો ડાઉટ આગળ લખ્યું એમ હાથવગા યુટ્યુબ .. રેસીપી શોઝ  અને નવા નવા અખતરા કરવાની ચાનકે  રાંધનાર આ અઘરા પ્રશ્નનો સહેલો ઉકેલ લાવી તો દે જ છે પણ છતાંયે રોજ સાંજ પડે ને ફોનમાં .. રૂબરૂમાં.. મેસેજમાં.. આ પ્રશ્ન અચૂક પૂછે તો ખરો જ ‘ બોલો, શું બનાવું આજે ? ‘ !!!!! ( akurjt@gmail.com  )

  • અજય ઉપાધ્યાય (ગાંધીનગર સમાચાર કૉલમ ” રઝળપાટ ” 12 જૂન 22 )