ઇંતેજાર : ફળ કરતાં વધુ મીઠી છે એની ફીલિંગ…….!!!!!!!

Should You Wait For Someone You Love? Is It Worth It?

                                        ‘ ઇન્તેહા હો ગઈ ઇંતેજાર કી ……આઇ ના કુછ ખબર મેરે યાર કી ….’ શરાબી ફિલ્મનુ આ ફેમસ સોંગ આજે પણ એટલું જ લોકપ્રિય છે પણ આ ગીત એના સંગીત કે કિશોર-આશાની ગાયકીથી વધુ યાદગાર છે એના શબ્દો માટે ..!!! ગીતમાં ગીતકારે જે રાહ જોવાના અને પછી એ ઇંતેજારની ઘડીઓ ખતમ થયા પછીના મીલનની મોજનું મસ્ત વર્ણન કર્યું છે અને એ એટલું તાદશ છે કે કોઈ પ્રિયજન ….કોઈ ઘટના….કોઈ પરિશ્થિતીની વેઇટ કરતાં કે રાહ જોતાં કોઈપણ માટે એ એકદમ બંધબેસતું છે . ઘણીવાર આપણે વાંચતાં કે સાંભળતા હોઈએ છીએ કે ‘ઇંતેજારનો અંત ..’ પણ એ ઇંતેજારની શરૂઆત કે ઇંતેજાર વખતનો સમયગાળો ઇંતેજારના અંત કરતાં પણ વધુ મહત્વનો ….ભાવુક અને વિતાવવામાં અઘરો હોય છે એ તો ઇંતેજાર કરનારને જ ખબર હોય . ‘ સબર કા ફલ મીઠા ‘ કહેતી વખતે સબર કરતી વખતે જે મનોસ્થિતિ કે માઇન્ડ સેટ હોય છે એનાથી જ તો સબર પછી મળતા ફલ કે પછી ઇંતેજાર પછી થતાં મીલન ની મજા બેવડાઈ જતી હોય છે .

                                     ‘ યે ઇંતેજાર કે લમહે બડે અજીબ હોતે હૈ , સિને કી જગહ આંખો મે દિલ ધડકતે હૈ ‘ !!! ઇંતેજાર બોલે તો રાહ જોવાનું જેના નસીબમાં વધુ લખાયેલું હોય છે એ પ્રેમીપંખીડા માટે આ ઇંતેજાર વારંવાર વપરાતો શબ્દ છે અથવા તો એમ કહો ને કે પ્રેમીયુગલોનો આ ફેવરિટ શબ્દ છે …!!!! “ કિતના ઇંતેજાર કરવાયા ?? ‘ થી લઈને ‘ રાહ જોઈ જોઈ ને થાક્યો / થાકી  ‘ આવા વાક્યો પ્રેમમાં પડેલા માટે કોમન છે . એવું નથી કે માત્ર મિલન માટેની પ્રતિક્ષા કરતી વખતે પસાર થયેલા સમયને ઇંતેજારમાં ગણી શકાય પણ એનાથી વિરુધ્ધ કોઈ છોડીને ગયું હોય એના પાછા આવવાના સમયગાળાને પણ ઇંતેજારમાં ગણી શકાય . હા એ વાત અલગ છે કે ભલે બંને વખતના ઇંતેજારનો સમયગાળો જુદો હોય પણ બંનેનો હેતુ તો એક જ રહેવાનો અને છે ‘ મિલન ‘ . યસ , ઇંતેજાર પછીના ખુશનુમા મૌસમની આલબેલ એટ્લે મિલન ની મધુરપ . આ મધુરપ જ તો છે કે જેને લીધે ઇન્સાન ઇંતેજારના આકરા તાપને પણ જીલી શકે છે . આ મિલન જ છે કે જેના વરસવાની રાહમાં ઇન્સાન ઇંતેજારનો આકરો ઉનાળો પણ સહી લે છે અને એ પણ હકીકત છે કે મિલનની મજા એટલી જ વધારે આવવાની જેટલો વધારે ઇંતેજાર…!!!

                                       અચ્છા આગળ આપણે વાચ્યું એમ ‘ સબર કા ફલ મીઠા હોતા હૈ ‘ એ વાત તો સાચી પણ સબર અને ઇંતેજારમાં શું ફરક ? હવે તમે એમ કહેશો કે ભૂરા બન્ને એક જ અલ્યા …..સેમ ટુ સેમ જ કહેવાય …!!!! તો તમારો જવાબ ટોટલ એટ્લે ટોટલ ખોટ્ટો જ ….!!! ના સમજાયું ? ઇંતેજાર એટ્લે કે કોઇની રાહ જોવામાં ઇંતેજારી તો હોય જ છે પણ સાથે સાથે બેસબરી પણ હોય છે . જેને કહેવાય ને કે ઇંતેજાર કરતી વખતે અથરાઈ અથવા તો શુધ્ધ ગુજરાતીમાં અધીરાઇનું પ્રમાણ વધી જાય છે . જરાક દરવાજો ખખડે તો પણ એમ થાય કે ઇંતેજાર ખતમ થયો …!!!  વારેવારે ઘડિયાળમાં નજર નખાઈ જાય અને બોલાઈ પણ જાય કે ‘ અરે અર્ધો કલાક થઈ ગયો ‘ . ઇંતેજારીમાં તો એક મિનિટ પણ યુગ જેવી લાગવા માંડે ..!! ( ઓહહ આ તો શાયરાના થઈ ગયું !!!! ) . આટલી બધી અધીરાઇ કરતી વખતે પણ આપણે જાણતા તો હોઈએ જ છીએ કે માનો કે કોઇની રાહ જોઈએ છીએ તો કાઇ અધીરાઇ કરવાથી એ ઝડપથી આવી નથી જવાનું કે કોઈ ઘટનાની રાહ જોતી વખતે એ ઘટના એના સમયે જ થવાની હોય છે . જો કે આવું જાણવા છતાં પણ આપણી અધીરાઇ ઓછી ના થાય તો સમજવું કે ઇંતેજારમાં સબર બિલકુલ નથી . સબર બોલે તો શાંતિથી રાહ જોવી . ખબર જ હોય કે આપણી ઉતાવળથી કશું વહેલું થવાનું નથી અને જે થવાનું છે કે આવવાનું છે તે એના સમયે જ આવવાનું કે થવાનું છે તો પછી ઉતાવળ કરીને કોઈ ફાયદો ખરો ? એટ્લે જ તો સબર કા ફલ મીઠા કહેવાય છે અને ‘ ઉતાવળે આંબા ના પાકે ‘ એમ કહેવાય છે . સબર અને ઇંતેજારમાં બીજો ફરક એ છે કે સબર માં સમયની કોઈ સીમા નથી હોતી . શાંતિથી હાથ-પગ જોડીને બેસી રહેવું પડે અને રાહ જોઈ રાખવી પડે કેમકે એ ઘટના, વ્યક્તિ કે સંજોગ એના સમયે જ થવાનું . કહેવાય તો ઇંતેજાર જ પણ જરા શાંતિવાળો . ઇંતેજારમાં શું છે કે મોટાભાગે કોઈ ટાઈમ લિમિટ ફિક્સ હોય . જેમ કે કોઈ મળવા આવવાનું હોય તો સમય હોય કે પાંચ વાગે આવું છુ . મતલબ કે પાંચ વાગ્યા પછી આવવાની આશા છોડી શકાય . અથવા તો પાંચ સુધી આગમનની અધીરાઇ ના રાખો તો પણ ચાલે .

                                        ‘ મુજે ખબર થી મેરા ઇંતેજાર ઘરમે રહા , યે હાદ્સા થા કી મૈ ઉમ્રભર સફર મે રહા ‘ !!! ઇંતેજારનો જાદુ ગણો તો જાદુ કે એની અસર ગણો તો અસર પણ એ એવી છે કે ઇંતેજાર અને અધીરાઇ બન્ને એકબીજાના પૂરક જ બની જાય છે . કોઈપણ ઇંતેજારમાં ગમે એટલી સલાહ આપો કે સધિયારો પણ રાહ જોનાર ક્યાં ગણકારવાનો ? કારણ ? કારણ એટલું જ કે ઇંતેજારની સાથે સાથે અધીરાઇ ભળે એનું કારણ એ કે ઇંતેઝાર સાથે સંવેદના અને લાગણીઓ ઉમેરાઈ એટ્લે એ ઇંતેજાર ખરેખર અધીરાઇવાળો જ બને . ઘણા જોવા ખાતર રાહ જોતાં હોય છે અને આવી રાહો જોવામાં કોઈ ફિલિંગ કે લાગણી જોડાયેલી હોતી નથી એટ્લે શું છે કે રાહ જોનાર તો ઠીક પણ જે ઘટના / વ્યક્તિ ઇંતેજાર પછી આવે એની પણ કોઈ ઉત્તેજના રહેતી નથી . આપણે વાત પ્રેમના ઇંતેજાર કે કોઈ ઘટનાના ઇંતેજારની કરી પણ આ બે સિવાય પણ ઇંતેજારના ઘણા બધા પ્રકારો હોય છે!! ક્યારેક કોઈનો ઇંતેઝાર પ્રેમમાં થતો હોય છે , કોઈના આવવાની રાહ જોવી એ પણ ઘણીવાર પ્રેમનો જ એક પ્રકાર – પ્રેમની જ એક અનુભૂતિ બની જતી હોય છે.  તો કોઈવાર કોઇની ચિંતામાં પણ ઇંતેજારની ઘડીઓ લંબાઈ જતી હોય છે આવું જ કઈક કોઈના પર ગુસ્સો આવે અને એ ગુસ્સો ઠાલવવા માટે જે તે વ્યક્તિનો ઇંતેજાર પણ થતો હોય છે . ક્યારેક વ્યગ્રતામા, ક્યારેક કોઈને બતાવી દેવાના અભિમાનમા, ક્યારેક શું હશે એની ઉત્સૂકતામા, ક્યારેક કેવું હશે એની જીજ્ઞાસામા, ક્યારેક બીમારીની પીડામા, ક્યારેક કોઈને મનાવવાના ઇંતેઝારમાં તો ક્યારેક કોઇથી રિસાવવાના ઇંતેજારમાં …..લિસ્ટ લાંબુ થઈ શકે એમ છે અને હા સાથે સાથે એ પણ હકીકત છે કે જેમ દરેક ઇંતેજારનો પ્રકાર જુદો જુદો છે બિલકુલ એમ જ દરેક ઇંતેજારની પરિશ્થિતિમાં ભાવ પણ અલગ અલગ રહેવાનો …..એ ઇંતેજારની રીત પણ અલગ અલગ રહેવાની અને સૌથી અગત્યનું આગળ લખ્યું એમ ઇંતેજાર ઇંતેજારે માનસિકતા – ઇંતેજારની તીવ્રતા પણ અલગ રહેવાની .

                                        ઇંતેજાર આપણાં  જીવનનો એક અહમ હિસ્સો છે અને રહેવાનો છે એટલું જ નહીં પણ ઇંતેજાર વગરની જિંદગી ખાંડ વગરની ચા જેવી ફિક્કી લાગવાની . દરેક ઇંતેજાર જરૂરી નથી કે સારા ફળ લઈને જ આવે , એમ છતાં પણ આપણને ઇંતેજાર કરવો ગમે છે . પ્રેમી ને પ્રેમિકાનો ….પત્નીને પતિનો ….બાળકને માં-બાપનો …પરિક્ષાર્થીને પરિણામનો ….નોકરિયાતને પગારનો ….!!!! આજના ટેક્નોલોજિકલી એડવાન્સ યુગમાં પણ ભલે ને એક જ વિડીયો કોલથી હજારો કિલોમીટરની દૂરી ઝીરો થઈ જતી હોય તો પણ એ વિડીયો કોલની રિંગનો ઇંતેઝાર કરવો ગમે છે ….ગમે છે કે નહીં …??? આપણા  જીવનમાં રોજજે રોજ આ ઇંતેજાર માટેનો સમય આવે જ છે અને  આમ જોઈએ તો  જિંદગીનો ઘણો સમય રાહ જોવા માં વેડફાઈ જતો હોઈ છે. જો કે રાહ જોવામાં જે મજા છે એમાં ડર , રોમાંચ , આતુરતા , ઉત્સુકતા , નારાજગી , ચિંતા , હઠ , પ્રેમ , …….ઓર ના જાણે ક્યાં ક્યાં ભાવોની આવન-જાવન થતી રહે છે અને એટ્લે જ તો ઇંતેઝાર કા ફલ મીઠા હોય કે ના હોય પણ ઇંતેજાર ઓલવેયઝ મીઠો હોય છે જ .  ( akurjt@gmail.com)

  • અજય ઉપાધ્યાય ( ગાંધીનગર સમાચાર – કૉલમ ” રઝળપાટ ” 3 ઓક્ટોબર 2021 )