ઓનલાઈન મનોરંજન : અધર ધેન હિન્દી !!

CREDIT: Getty ImagesIt Took Only 3 Weeks for Disney+ to Win the Streaming Wars. Here's ...

 

લોકડાઉન 2.0 ને તમે આ વાંચતાં હશો ત્યારે એક વિકનો સમય બાકી રહી ગયો હશે , લોકડાઉનમાથી નીકળવાનું મન સ્વાભાવિક રીતે મને ને તમને બધાને થતું જ હશે . દુનિયાભરમા કોરોનાના હાહાકારના સમાચારો આપણાં બધા માટે ચિંતાનો વિષય ચોક્કસપણે બની ચૂક્યા છે અને દુનિયાભરની સરકારો એને નાથવા અને એનાથી પ્રજાને બચાવવાના પ્રયાસો પોતપોતાની રીતે કરી રહી છે . સફળ થઈ કે નિષ્ફળ એ તો પછીની વાત છે પણ જ રીતે આપણી સરકારે અને ખાસ કરીને આપણે મુશ્કેલીની આ ઘડીની ગંભીરતા સમજીને કોરોનાને માત આપવા જે પણ પ્રયત્નો કર્યા છે અને એમાં મહદઅંશે સફળ પણ થયા છીએ એની દુનિયાભરમા નોંધ લેવાઈ છે. બીજા ઘણા દેશોની સરખામણીએ કોરોનાને અમુક અંશે રોકવામાં સફળ રહ્યા છીએ છતાં હજુ અમદાવાદ , સુરત , હૈદરાબાદ , થાણે જેવા અનેક શહેરોની બાબતમાં બહુ હરખાવા જેવુ છે નહીં અને જો ત્રીજી સુધીમાં પરિશ્થિતી સુધરશે નહીં તો આવા શહેરોમાં લોકડાઉન લંબાઈ શકે છે – જે જરૂરી પણ છે જ .

ખેર આ કોરોનાકથાને અહી જ અટકાવીને ગયા રવિવારના લેખમાં પ્રોમિસ કર્યા મુજબ ઓનલાઈન પ્લેટફોર્મ પરના અધર ધેન હિન્દી મનોરંજનના મહાસાગરમાં એક ડૂબકી થઈ જાય !!!!! એક જમાનામાં માત્ર દૂરદર્શન પર જ હિન્દી સિવાયની ફિલ્મો અને એ પણ અઠવાડિયામાં એકવાર જ બતાવવામાં આવતી . ચેનલો આવતા ડબ કરેલી ફિલ્મો ( મોટાભાગે સાઉથની ભાષાઓની ) રીલીઝ થતી થઈ , એ પછી યુટ્યુબ અને ઓનલાઈન મનોરંજનનો વ્યાપ વધતાં મનોરંજન રસિયાઓને દુનિયાભરની ભાષાની ફિલ્મો અને મનોરંજન જોવા મળતું થયું . ગયા સપ્તાહે આ જગ્યાએ આપણે ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ પર રીલીઝ થયેલ કે થવા જઇ રહેલ હિન્દી સિરિઝો – ફિલ્મો અને અમુક ગુજરાતી ફિલ્મોની વાત કરેલી . આજના લેખમાં આપણે હિન્દી સિવાયના ઓનલાઈન મનોરંજન વિષે વાત માંડીશું , આમેય આ લોકડાઉનને પસાર કરવાનો  મનોરંજન શ્રેષ્ઠ ઉપાય છે .

સબટાઇટલની સુવિધાને લીધે હવે તો કોઈ પણ ભાષાની ફિલ્મો માણવી મુશ્કિલ નથી રહી એવામાં અમેઝોન પ્રાઇમ પર માત્ર 90 મિનિટની લંબાઈ ધરાવતી પણ અદ્ભુત સિનેમેટોગ્રાફી અને લાજવાબ સાઉન્ડ ડિઝાઇન ધરાવતી મલયાલમ ફિલ્મ ‘ જલીકટ્ટુ ‘ આ લખનારના મતે મસ્ટ વોચ છે . કસાઈના હાથમાથી છ્ટ્કેલ એક ભેંસ આખા એરિયાને માથે લે છે એવી સિમ્પલ વાર્તાને દિગ્દર્શકે જે ખૂબીથી કચક્ડે કંડારી છે અને સોનામાં સુગંધ એવું સુપર્બ મ્યુઝિક અને કેમેરાવર્ક આ ફિલ્મ જોયા પછી રિયલી સંતોષનો ઓડકાર આપે છે . સુપર્બ કેમેરાવર્ક અને હટકે સ્ટોરી જોવી હોય તો પ્રાઇમ વિડીયો પર જ હમણાં રીલીઝ થયેલ અનધર મલયાલમ ફિલ્મ ‘ ટ્રાન્સ ‘ જોઈ લેજો . ધર્મગુરુઓના પાખંડને બેધડક ખુલ્લા પાડતી આ ફિલ્મ રિયલી ઇમ્પ્રેસિંગ છે અને હિન્દી સિવાયની બેસ્ટ ફિલ્મો જોવાવાળા માટે આ ફિલ્મ રિયલી એક વિઝ્યુલી ટ્રીટ છે . સુપરસ્ટાર વિજય સેથુપતિને ટ્રાન્સવુમનના રૂપમાં રજૂ કરતી અને નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ રહેલ તામિલ ફિલ્મ ‘ સુપર ડિલક્સ ‘ રમુજ , સસ્પેન્સ , ડ્રામા અને થ્રીલનો સુપર્બ ડોઝ છે . વિજય સેથુપતિ પરથી યાદ આવ્યું કે માધવન અને વિજયને ચમકાવતી અને વિક્રમ-વૈતાળની વાત નવી સ્ટાઇલમાં રજૂ કરતી ‘ વિક્રમ વેધા ‘ ના જોઈ હોય તો જોઈ કાઢજો . આમ તો 2017 માં રીલીઝ થયેલ આ થ્રીલર હોટસ્ટાર અને યુટ્યુબ બન્ને જગ્યાએ ઉપલબ્ધ છે અને હિન્દી ડબિંગમાં પણ છે .

આપણે આ લેખમાં જૂની અને નવી બન્ને ફિલ્મો-સિરિઝોની વાત એટલા માટે કરીશું કે લોકડાઉન જેટલો સમય આપણને આ અગાઉ ક્યારેય મળ્યો નથી એટ્લે ઘણા બધા લોકોએ જૂની સિરિઝો-ફિલ્મો કદાચ ના જોઈ હોય . થોડી મરાઠી ફિલ્મોની વાત કરીએ તો નેટફ્લિક્સ પર હાજર બાળાસાહેબ ઠાકરેની બાયોગ્રાફિકલ ફિલ્મ ‘ ઠાકરે ‘ તો નેટફ્લિક્સ પર જ નાના પાટેકરની અદ્ભુત અદાકારીવાળી ‘ નટસમ્રાટ ‘ અને નાગરાજ મંજુલે ની સુપરહિટ ‘ સઈરાટ ‘ જોવી ગમશે જ . અત્યારે કોરોનાનો કહેર છે એની જેમ જ નિપાહ વાયરસની વાત કહેતી મલયાલમ ફિલ્મ ‘ વાઇરસ ‘ પણ ડિફરન્ટ મનોરંજન છે તો પ્રાઇમ વિડીયો પર સ્ટ્રીમ થઈ રહેલ અને અભિનેત્રી સાવિત્રિની બાયોપિક એવી તેલેગું/તામિલ બન્ને ભાષામાં રજૂ થયેલ ‘ મહાનટી ‘ માં એક સામાન્ય છોકરીની સુપરસ્ટાર થવાની વાત ખૂબ રસપૂર્વક કહેવાઈ છે .  પ્રાઇમ પર જ તેલુગુ ફિલ્મ ‘ હિટ ‘ થ્રીલર ફીલ્મોના ચાહક માટે હાજર છે. બીજી ભાષાની ફિલ્મોમાં આપણી ગુજરાતી ફિલ્મો કેમ ભુલાઈ ? પ્રાઇમ વિડીયો પર પ્રતીક ગાંધી – દિક્ષા જોશીની સરસ ફિલ્મ ‘ ધૂનકી ‘ અને મનોજ જોશીની સરસ કોમેડી ફિલ્મ ‘ફેરાફેરી – હેરાફેરી ‘ , નર્મદાની પરિક્રમા કરાવતી ધ્રુવ ભટ્ટ ની નોવેલ પરથી બનેલ ‘ રેવા ‘ , મલ્હાર-દીક્ષાની ‘ શરતો લાગુ ‘ સહિત અનેકો ફિલ્મો તમારા મનોરંજન માટે હાજર છે .

સંગીત અને એલ્ટોન જ્હોનના ચાહકો માટે પ્રાઇમ પર એલ્ટોનની જીવનગાથા કહેતી ફિલ્મ ‘ રોકેટમેન ‘ હાજર છે તો નેટફ્લિક્સ પર હમણાં જ રીલીઝ થયેલ અને ક્રિસ હેમ્સવર્થને ચમકાવતી થ્રીલર ‘ એક્સટ્રેકશન ‘ એક્શનના ચાહકોને ગમશે . અંગ્રેજીના ચાહકો માટે પ્રાઇમ પર જ હયું ગ્રાન્ટને ચમકાવતી ડ્રામા ‘ એ વેરી ઇંગ્લિશ સ્કેન્ડલ ‘ હાજર છે તો ‘ સ્લમડોગ મિલિયોનર ‘ ના દેવ પટેલને ચમકાવતી મસ્ત ફૂલગુલાબી આઠ હપ્તાની સીરિઝ ‘ મોર્ડન લવ ‘ પણ જોવી ગમશે . પ્રાઇમ પર જ ઓસ્કાર એવોર્ડ વિજેતા ‘ પેરેસાઇટ ‘ તો જોવી જ રહી . હિન્દીમાં ઉપલબ્ધ આ મસ્ટ વોચ કોરિયન મુવીમાં સમાજના બે છેવાડાના ધ્રુવ આમિર અને ગરીબની વાર્તા એક્દમ સચોટ રીતે અને ખૂબ જ સરળતાથી દર્શાવી છે અને આવા વિશ્વ સિનેમા શા માટે જોવા જોઈએ તે આ સરળ-સિમ્પલ –સચોટ ફિલ્મ જોતાં જ સમજાઈ જશે . ક્રિકેટના શોખીનો માટે પ્રાઇમ પર જ ઓસ્ટ્રેલિયન ક્રિકેટની 8 હપ્તામાં વાત કહેતી ‘ ધ ટેસ્ટ ‘ સિઝન -1 માં ઓસ્ટ્રેલિયન ક્રિકેટની વાત બખૂબી કહેવાઈ છે તો બાસ્કેટબોલ લીજેન્ડ માઈકલ જૉર્ડનની વાત કહેતી સ્પોર્ટ્સ ડોકયુમેંટ્રી ‘ ધ લાસ્ટ ડાન્સ ‘ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ રહી છે. તો છેક 2011 માં રીલીઝ થયેલ પણ અત્યારે જેને લોકો કોરોના સાથે વધુ જોઇન્ટ કરી રહ્યા છે એવી વાઇરસની વાત કહેતી ‘ કોન્ટાજીન ‘ પ્રાઇમ વિડીયો પર જોઈને તમને કોરોંટાઈન – આઇશોલેશન વગેરે બધુ જ યાદ આવશે અને આજની સ્થિતિ સાથે સરખામણી કરવા મજબૂર કરશે !!! નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ રહેલ અને થ્રીલરના રસિયાઓ માટે સ્પેનિશ સીરિઝ ‘ મની હેસ્ટ ‘  ( વિથ ઇંગ્લિશ સબટાઇટલ ) મજા આવે એવી ક્રાઇમ-થ્રીલ-કોમેડીનો સંગમ છે , નેટફ્લિક્સ પર મર્ડર મિસ્ટ્રી અને કોર્ટરૂમ ડ્રામા રજૂ કરતી આવી જ બીજી સીરિઝ છે ‘ ધ ટ્રાયલ ‘ કે જે ઇટાલિયન છે વિથ ઇંગ્લિશ સબટાઇટલ ઓબવિયસલી !!!! ફિલ્મો-સિરિઝોની આ વાત તો ખતમ થાય એમ જ નથી પણ લોકડાઉનના આ અવસરમાં મળેલા સોનેરી ટાઈમનો મનોરંજનથી સદુપયોગ કરવા માટે ઓનલાઈન એક થી એક ચડિયાતા ઓપ્શન્સ અનેક ભાષાની શ્રેષ્ઠ કૃતિઓ સ્વરૂપે ડીઝીટલી અવેલેબલ છે અને આ લખ્યા એ તો માત્ર ઉદાહરણો છે . તમે ખુદ ખોદશો તો હજુ બીજા ઘણાએ મનોરંજનના મોતી આ ઓનલાઈન દરિયામાથી મળી રહેશે , બસ તો દેર કિસ બાત કી હૈ …..?????

– અજય ઉપાધ્યાય ( ગાંધીનગર સમાચાર – કૉલમ ” રઝળપાટ ‘ 26 એપ્રિલ 2020 )