સાઈબર જગતનું અંડરવર્લ્ડ ….!!!!!!!

Image result for dark web

સમાચાર : ૧ “ ઈન્ટરનેટ પર જગતના ૧.૨ અબજ વ્યક્તિનો પ્રોફાઈલ-પરિચય કહી શકાય એવી વિગતો સાવ રેઢી હાલતમાં મળી આવી છે. આ વિગતો એક જ સર્વર પર છે અને સર્વર ડાર્ક વેબ સાથે સંકળાયેલું છે. ૧.૨ અબજ વ્યક્તિના પ્રોફાઈલમાં ફોન નંબર, સરનામા, ઈ-મેઈલ, સોશિયલ મીડિયા એકાઉન્ટ સહિતની અનેક વિગતોનો સમાવેશ થાય છે. “  સમાચાર :૨ “ફેસબુકના 26.7 કરોડથી વધારે યુઝર્સની વ્યક્તિગત માહિતી ડાર્ક વેબ પર એક અસુરક્ષિત ડેટાબેસ પર લીક કરવામાં આવી છે. સાઈબર સિક્યોરિટી ફર્મ કોમેરીટેક અને રિસર્ચર બોબ ડિયાચેંકો મુજબ, 267,140,436 ફેસબુક યુઝર્સની આઈડી, ફોન નંબર અને નામ એક ડેટાબેસમાં મળી આવ્યા છે. રિપોર્ટ મુજબ, ડેટાબેસ પર જે લોકોના નામ છે તેમને મેસેજ અથવા ફિશિંગ સ્કીમ્સથી ટારગેટ કરવામાં આવી શકાય છે. “ સમાચાર :૩ “એક સાઈબર સિક્યોરિટી એનાલિસ્ટે કહ્યું કે, ‘ટ્રુ કોલર્સના ભારતીય યુઝર્સના ડેટા કથીત રીતે ડાર્ક વેબ તરીકે ઓળખાતા ઇન્ટરનેટની દુનિયાના અંડરવર્લ્ડ પર રુ. 1.5 લાખ રુપિયામાં વેચાઈ રહ્યો છે. “ જુદા જુદા વર્તમાનપત્રોમાં આવેલા ત્રણેય સમાચાર ભલે આમતો બે-ચાર મહિના જુના છે પણ ધ્યાનથી વાંચતા ત્રણેય સમાચારમાં કોમન એક શબ્દ પર તમારી ને મારી નજર અટકી જાવાની …અને એ શબ્દ છે “ ડાર્કવેબ :….!!!!!

ઉપરના ત્રણેય અને આવા અનેકો સમાચારોમાં ડાર્કવેબનું નામ ચોક્કસ સાંભળવા મળવાનું . ઉપર લખ્યા એ તો નામુનામાત્ર અને જાહેર થઇ ગયેલા કારનામાઓ છે પણ જાહેર ના થયેલા આવા અનેકો કારનામાઓથી ડાર્કવેબ છલોછલ ભરેલું પડ્યું છે . હવે વિચાર એ આવશે કે સાલ્લુ આ ડાર્કવેબ છે શું ? અને ઉપરના અને એના જેવા બીજા સમાચારોથી એક પ્રશ્ન એ પણ થાય કે શું ડાર્કવેબ પર આવી છેતરપીંડી અને ક્રિમીનલ કામ જ થાય છે કે શું ? યસ્સ્સ્સ તો પહેલી નજરે એમ કહી શકાય કે ડાર્કવેબ એ ઈન્ટરનેટની અંધારી આલમ છે ….ક્રિમીનલોનો અડ્ડો છે ….હું ને તમે જે ઈન્ટરનેટ વાપરીએ છીએ એની એક એવી અજાણી બાજુ છે કે જેની મને ને તમને બહુ ખબર નથી અને યા તો ખબર છે તો આપણે ઈન્ટરનેટની એ અંધારી આલમ તરફ જવું લગભગ અશક્ય છે ..!!! અસલમાં ડાર્ક વેબ એ એક એવું છુપાયેલું ઈન્ટરનેટ છે કે જેનો વધારે ઉપયોગ હેકર્સ અને ઓનલાઈન ક્રિમિનલો કરતાં હોય છે. એક્ચ્યુલી આપણે સર્ફિંગ કરીએ ત્યારે જે વિગતો કે માહિતીઓ મળતી હોય છે તે બધી જ ડાર્કવેબ સિવાયની વેબસાઈટોમાંથી મળતી હોય છે. આપણે ધારીએ તો પણ ઈન્ટરનેટની આ અંધારી બાજુ એવા ડાર્કવેબમાં સર્ચ કરી શકતા નથી કેમકે આપણે એના વિષે બહુ જાણતા પણ નથી અને હકીકતમાં આપણને આની બહુ જરૂર પણ પડતી નથી . ધેન વ્હોટ ઈઝ ધીસ ભારાડી ડાર્કવેબ ? લેટ્સ સી ….!!

ઈન્ટરનેટને કુલ ત્રણ ભાગમાં વહેંચાય છે. સર્ફેસ વેબ, ડાર્ક વેબ અને ડિપ વેબ. સર્ફેસ વેબ કે જેને આપણે રેગ્યુલરલી યુઝ કરીએ છીએ , સર્ફ કરીએ છીએ અને જેના માધ્યમથી આપણે માહિતીઓ મેળવીએ છીએ અને જેના માટે કોઈની અનુમતિની જરૂર નથી . ડીપ વેબ બોલે તો એ માહિતીઓ જે ઓપન નથી અથવા તો જેના માટે તમારે કોઈ ચોક્કસ યુઆરએલ પર જવું પડે ને લોગીન થવું પડે . જેમકે જીમેલ , બ્લોગ્સ , સરકારી વેબ્સાઈટ , વૈજ્ઞાનિક સાઈટ કે એવી કોઈ પણ સાઈટ કે જેને એક્સેસ કરવા તમારે જે તે સાઈટના એડમીન ની અનુમતી લેવી પડે . સાદી ભાષામાં જ્યાં તમારે લોગીન કરવું પડે કે બીજી કોઈ ઓળખની માહિતી આપવી પડે એ બધી જ ડીપવેબ . ડાર્કવેબ આ ડીપવેબનો જ એક હિસ્સો છે પણ ફરક એ છે કે એ સામાન્ય બ્રાઉઝરથી એક્સેસ નથી થઇ શકતો . એના માટે ધ ઓનિયન રાઉટર ( TOR ) કે એવા બીજા કોઈ ખાસ બ્રાઉઝરની મદદ લેવી પડે છે . નામ મુજબ જ ધ ઓનિયન રાઉટર માં ડુંગળીના એક પછી એક પડની જેમ આમાં પણ યુઝરનું આઈ.પી. એડ્રેસ સતત બદલતું રહે છે જેથી એને ત્રેસ કરવો મુશ્કેલ બને છે . આમાં સાઈટ પણ ડોટ ઇન કે ડોટ કોમ ને બદલે ડોટ ઓનિયન હોય છે . એટલું જ નહી પણ આ સાઈટ યુઝર્સની ફૂટપ્રિન્ટ એટલી મુશ્કેલ બનાવી દે છે કે એને શોધવો કે એનો પીછો કરવો મુશ્કેલ બની જાય છે . અહિયાં વેબ્સાઈટ હોસ્ટ કરનારની સાથે સાથે યુઝ કરનાર પણ ગુમનામ જ હોય છે . કોણ છે હોસ્ટ અને કોણ છે યુઝર એની કોઈને ખબર જ નથી હોતી . પાછું ડાર્કવેબ હોસ્ટ કરવામાં કોઈ મોટા સેટઅપની જરૂર પણ નથી , માત્ર એક લેપટોપને જ ડાર્કવેબમાં બદલી શકાય છે . હવે આવી ગુમનામ રહેવાની અદ્ભુત સગવડતા હોય તો પછી એનો સૌથી વધુ ફાયદો ક્રિમીનલ જ ઉઠાવે કે નહિ …???

અસલમાં પોતાના જાસૂસો સાથેનો સંદેશાવ્યવહાર ગુપ્ત રહી શકે એ માટે થઈને અમેરિકાએ સાલ ૨૦૦૨ની આસપાસ આ TOR નું નિર્માણ કરેલું . પહેલા આ ફક્ત મીલીટરી અને જાસુસી સંસ્થાઓ જ વાપરતી પછી અમેરિકી સરકારે ઈરાન અને દક્ષીણ કોરિયાના બાગીઓને અમેરિકા સાથે સંદેશવ્યવહાર માટે આ ટેકનીક આપી .બસ ત્યાંથી આ સીસ્ટમ લીક થઈને અપરાધીઓના હાથમાં ગઈ અને હવે તો સાર્વજનિક લોન્ચ પણ થઇ ગઈ છે જેમકે ટૉર એ લોકપ્રિય ફાયરફોક્સ વેબ બ્રાઉઝરનું સંસ્કરણ છે, જે વપરાશકર્તાઓને અજ્ઞાત રૂપે વેબ બ્રાઉઝ કરવાની મંજૂરી આપે છે પણ ભલાઈ એમાં જ છે કે હું ને તમે ત્યાં વિઝીટ જ ના કરીએ . કેમ..? કેમકે ત્યાં દરેક પ્રકારના સાઈબર અપરાધ થઇ રહ્યા છે . જેમકે બાળ તસ્કરી , પોર્નોગ્રાફી , સરકારી કે ખાનગી જાસુસી , ડેટાલીક અને વેચાણ , ડ્રગ્સ નું ખરીદ-વેચાણ , બેન્કિંગ ફ્રોડ , ગેરકાયદે હથિયારોની હેરાફેરી , બીટકોઈન નો વેપાર , અપહરણો , સોનાની ખરીદ-વેચાણ , હથિયારોની ડિલિવરી, કોન્ટ્રાક્ટ કિલર્સ, વસૂલી કરવાથી લઈને બોગસ પાસપોર્ટ, બોગસ ડ્રાઈવિંગ લાઈસન્સ જેવા નકલી સરકારી દસ્તાવેજો ઓર નાં જાને ક્યાં ક્યાં ..!!! આઈએસ જેવા આતંકવાદી ગ્રૂપો પોતાના ગ્રૂપમાં આતંકીઓની ભરતી કરવા માટે અને સંદેશાઓની આપ-લે કરવા માટે પણ આ ડાર્ક વેબનો ઉપયોગ કરી રહ્યાં છે. સાર્વજનિક ઈન્ટરનેટ પર તો પોલીસ પહોચી શકે છે પણ આ ડાર્કવેબની દુનિયામાં જો કોઈ એમનો અંદરનો ફૂટે તો જ માયાજાળ પકડાઈ શકે છે બાકી તો ધમધોકાર આ બધા કામ થાય છે .

એવું નથી કે ડાર્કવેબ પર બધું જ ક્રિમીનલ છે , ત્યાં પણ જાણવા જેવી સાઈટો , પેઈજીસ અને પ્રોફાઇલો છે . ત્યાં પણ એમેઝોન , ફ્લીપકાર્ટની જેમ ઓફરો આપતી વેબસાઈટો છે , ત્યાં પણ એવી ઘણી માહિતીઓ છે જે કામની છે પણ …પણ….પણ…મોટાભાગે બધું ગુપ્ત રાખી અને રહી શકતું હોવાથી ડાર્કવેબનો વધુ ઉપયોગ દુનિયાભરમાં ક્રીમીન્લો – હેકરો – ટેરેરીસ્ટો – ખાનગી જાસૂસો જ કરે છે , ડીપવેબ નો હેતુ વપરાશકારની ગોપનીયતા છે તો એના જ એક નાના હિસ્સા ડાર્કવેબ નો હેતુ ગોપનીયતાથી એક કદમ આગળ એવું બધું જ ગુપ્ત રહે એ છે . ભારતમાં ડાર્ક વેબનો ઉપયોગ ડ્રગ્સ, ચાઈલ્ડ પોર્ન અને પાઈરસી માટે સૌથી વધારે થાય છે, કરુણતા એ છે કે ભારતમાં તો ડાર્કવેબ સામે લડવા કોઈ કાયદો પણ અસ્તિત્વમાં નથી . આનાથી બચાવનો એક જ ઉપાય કે આ અંધારી આલમથી દુર રહો કેમકે ત્યાં હેકર્સ અને બીજા માફિયાઓ તમારો ડેટા ચોરવા તૈયાર જ છે …એક ખોટી ક્લિક અને ગઈ (તમારી ) ભેંસ પાની ( ડાર્કવેબ ) મેં ….!!!

– અજય ઉપાધ્યાય ( ગાંધીનગર સમાચાર – કોલમ ” રઝળપાટ ” ૫ જાન્યુઆરી ૨૦૨૦ )