લબો પે ઉસકે કભી બદદુઆ નહિ હોતી , બસ એક મા હૈ જો મુજસે ખફા નહિ હોતી …..!!!!!

‘ દેખા કરો કભી અપની માં કી આંખોમે , યે વો આયના હૈ જિસમેં બચ્ચે કભી બુઢે નહિ હોતે “ કોઈ અજ્ઞાત શાયરનો આ દમદાર શેર જ કાફી છે માં ના આખાયે વ્ય્ક્તીચીત્રણ માટે. સહી હૈ ના ભાઈલોગ , માં ની આંખમાં બાળક ક્યારેય બુઢ્ઢો નહિ થાય , ગમે એટલો મોટો ( ઉમરમાં ) કે મહાન ( જીવનમાં ) થઇ ગયું હોય તોય બાળક તો માં પાસે  મરતે દમ તક હમેશા નાનો જ રહેવાનો .માં ચાહે ઘરડી થઇ ગઈ હોય કે યુવાન હોય , એનો હલકો માત્ર સ્પર્શ કાફી છે સંતાનને એ અહેસાસ કરાવવા માટે કે ‘ મૈ હું અભી ‘..!! જી હા માં નું હોવું એ જ એક એવો અહેસાસ છે કે પછી કદાચ ભગવાન છે કે નહિ એનો અહેસાસ કરવાની જરાયે જરૂર રહે જ નહિ ..!! ઇન્ફેક્ટ ભગવાને પણ પ્રેમનું સર્જન કર્યું હશે ત્યારે સૌથી પ્રથમ માતા બનાવવાનું વિચાર્યું હશે ! અરે વિચાર્યું શું કામ ? મા એ જ તો છે ઈશ્વરની પ્રીતીનીધી ….ઈશ્વર જ ગણી લ્યો …!!! એક યહૂદી કહેવત છે કે ઈશ્વર સદેહ બધે પહોંચી શકે નહિ તેથી તેણે માતાનું સર્જન કર્યુ. મા ના ખોળામાં જગત આખાનું સુખ . મકરંદ મુસળેનો શેર છે કે  “ બાને ચરણે પ્રણામ બાકી છે , લાગે છે ચારધામ બાકી છે “ માતાના ચરણ એ જ ચારધામની જાત્રા ….!!!! ક્યાય જાવાની જરૂર જ નહિ ..!!

‘ માં એટલે માં અને બીજા વગડાના વા ‘ જી હા , મા ની તોલે કોઈ ના આવે . મા આ એક શબ્દ બોલતા જ  મોઢું ભરાય જાય , હૈયું ભરાય જાય અને જો મા દુર હોય કે સાવ ના હોય તો આંખ્યું ભરાય જાય એવું અદ્ભુત આવરણ અને યાદ છે મા . એનું કારણ છે કે બાળક બોલતા શીખે ત્યારે પહેલો શબ્દ હોય છે ‘ મા ‘ ..!! ‘ મા ‘ આ એક પ્રથમ બોલાયેલા શબ્દથી બાળકનું વિશ્વ શરુ થાય છે અને સદભાગી હોય એને વર્ષો સુધી અનંત , અસ્ખલિત પ્રેમ અને વ્હાલ મળતું રહે છે . ગમે એટલા મોટા થઇ જાવ કે ગમે એટલા દુર હોવ તો પણ કવિ દુલા ભાયા કાગ કહે છે એમ ‘મોઢે બોલું ‘માં’, સાચેય નાનક સાંભરે;મોટપની મજા, મને કડવી લાગે કાગડા ! ‘ . માં એટલે સદાયે સાથે ચાલતું કવચ , માં એટલે એક એવું અભેદ સુરક્ષાચક્ર કે જેને છેદવું દુનિયાની મુશ્કેલીઓ માટે અઘરું છે . મુન્નવર રાણાનો આ શેર વાંચો ‘ અભી જિન્દા હૈ માં મેરી , મુજે કુછ ભી નહિ હોગા ; મૈ જબ ઘર સે નીકળતા હું દુઆ ભી સાથ ચલતી હૈ ‘ માં ની દુઆ , આશીર્વાદ સદાયે સંતાનો પર વરસતા રહેતા હોય છે , ચાહે મા સદેહે હોય કે ના હોય . સુખડના હાર પાછળ છુપાયેલી મા ની તસ્વીર પાસે હાથ જોડીને ઉભા રહો પછી જોજો ગમે એવી મુશ્કેલીમાંથી માર્ગ નીકળી જશે . એ અજરામર છે , એ શાશ્વત છે …!! મા દેહથી મરતી હોય છે પણ એના આશીર્વાદ તો અમર રહેતા હોય છે …એનું માતૃત્વ સદાયે આપણી સાથે રહેતું હોય છે અને એવી રીતે મા જીવતી હોય છે આપણામાં !! ‘ જબ ભી કશ્તી મેરી સૈલાબ મેં આ જાતી હૈ , માં દુઆ કરતી હુઈ ખ્વાબમે આ જાતી હૈ “..!!

મેં મહિનાના બીજા રવિવારે ‘ મધર્સ ડે ‘ યાની કે ‘ માતૃ દિવસ ‘ ઉજવાય છે ‘ ..ઠીક છે પશ્ચિમી સંસ્કૃતિ મુજબ આ ઉજવણી કરાય પણ આપણે તો મા નો મહિમા અનાદીકાળથી ગાઈએ જ છીએ ને..!! અને મા નું ઋણ ચુકવવા કે ‘ માં આઈ લવ યુ ‘ કહેવા એક દિવસ થોડો કાફી છે ? એના માટે તો જન્મોજન્મ ઓછા પડે ..!! પણ સારું છે કમસે કમ એ બહાને પણ મોમને થેન્ક્સ તો કહી શકો છો …ખોટું શું છે ? હાલાકી આજકાલના કોન્વેન્ટીયા કિડ્સ તો વાતેવાતે થેન્ક્સ કહેતા જ હોય છે પણ મા નું ઋણ , એના વાત્સલ્યની કદર કરી શકે એવા કોઈ શબ્દો હજુ સુધી કોઈ ડીક્ષનરીમા નોંધાયા નથી …!! જો કે માં ક્યા કોઈ દિવસ થેન્ક્સની અપેક્ષા રાખતી હોય છે ? એ તો કશી જ અપેક્ષા વગર કુટુંબ અને ખાસ તો બાળકોની દરકાર રાખ્યે જ જવાની …!! મા , બા . મમ્મી , મોમ , મધર … ચાહે કોઈ નામથી પુકારો પણ અંતે તો અર્થ એક જ થવાનો …વાત્સલ્ય …વહાલ…પ્રેમ…લાગણી …!!!! રવીન્દ્રનાથ ટાગોરે કહ્યું છે કે ‘માનો અર્થ દુનિયાની બધી જ ભાષામાં મા થાય છે “ !! મા એટલે મૂંગા આશીર્વાદ , બોલે ઓછું અને સંતાનની સફળતાની કામના વધારે કરે. તમે એની આંખોમાં વાંચી શકો તો ખબર પડે કે સંતાનના દુખ કે સુખની કેટલી ફિકર કે હરખ એને થાય છે. કોઈ પણ હાલતમાં મા હમેશા પોતાના સંતાનોનો ખ્યાલ અને દરકાર રાખતી રહે છે અને યસ આમાં મોર્ડન મમ્મીઓ પણ આવી જ જાય . જમાનો બદલાયો છે , કદાચ માં થી મમ્મી થવામાં દુનિયાની સાથે ચાલવાને લીધે મોડર્ન મમ્મીઓમાં વાત્સલ્ય થોડું ઓછું થયું હશે પણ બાળકની દરકાર કે સંભાળમાં કોઈ કમી નહિ જ આવી હોય . મિત્ર ભાવેશ ભટ્ટ લખે છે એમ ‘ભલે ભર-ઊંઘમાં હો, તોય થાબડતી એ બાળકને!, જગતની સર્વ માને થાકવામાં જોર આવે છે “

પિતાને કહેતા અચકાતી કોઈ પણ વાત મા ને કહી શકો અને મોટાભાગના બાળકો માતાની જ વધુ ક્લોઝ હોય છે કારણ કે મા બીજા કરતા એના બાળકને નવ મહિના વધુ ઓળખતી હોય છે . બાળકનો ચહેરો જોઇને જ જાણી જાય કે કઈક મુશ્કેલી છે એ મા..!! અને મજાની વાત એ છે કે ગમે એવી અભણ મા પાસે પણ કોઈ પણ મુશ્કેલીનો હલ હાજર જ હોય , રસ્તો કાઢી જ આપે ..!! મા એટલે બચપણથી જ દરેક તકલીફોનો રામબાણ ઈલાજ ..!! અરે બચપણથીજ શુકામ ? છેક સુધીના અઘરા સવાલોની અપેક્ષિત / ગાઈડ એટલે મા..!! મા એટલે અસ્ખલિત , અપાર , અનંત મમતાનો હીંચકો જેના પર તમે જન્મથી મૃત્યુ સુધી એકસરખા આનંદથી ઝૂલી શકો … મા એટલે હૃદયનો ધબકાર., જન્મ્યા ત્યારે મા ના ધબ્કારોએ તમને જીવન આપેલું હોય છે અને એ ધબકારો મા ના ગયા પછી પણ તમારા જીગરમાં ધબક્યા કરે … મા એટલે ઘેઘુર વૃક્ષની છાયા, જેની નીચે તમે સંસારના દુઃખરૂપી તડકાઓથી રાહત મેળવો છો …મા એટલે અમૃતકુંભ, જેમાંથી બચપણથી કશુક નવીન, કશુક અનોખું નીકળ્યા જ કરે …નીકળ્યા જ કરે ….મા એટલે કુટુંબની સૂત્રધાર, આખાયે કુટુંબને મજબુતીથી એક તાંતણે બાંધી રાખે એ મા ….મા એટલે જીવનનું સંગીત, સમજણ નું સંગીત , પ્રેમનું સંગીત …મા એટલે સુખદુ:ખની સાથી….મા એટલે વહાલની પરિભાષા…..મા એટલે અદભૂત શક્તિ…..મા એટલે સર્વસ્વ….પોતામાંથી અનેકોમાં વહેચાઈ જાય એ મા … મા એટલે…..જન્મતા જ સ્ફુરેલો શબ્દ સંચારનો પહેલો અક્ષર…..મા એટલે…..પારણાથી પા પા પગલી સુધીની અને પા પા પગલીથી સમાજની સડકો પર પુરપાટ દોડવાની તાલીમ આપતી યુનીવર્સીટી ….!!!! મા એટલે…………..

મા વિષે તો જેટલું કહો , લખો , બોલો એટલું ઓછું છે પણ આજે મધર્સ ડે – માતૃ દિવસ છે ત્યારે એટલું જરૂર કરજો કે મા પાસે બેસવાનું – વાતો કરવાનું અને એને મદદ કરવાનું વધારજો . મા ની હયાતી હોવી એ શું છે એ જાણવું હોય તો જેની મા નથી એવા કોઈને મળી લેજો –ખ્યાલ આવી જશે કે મા ની હયાતી હોવી એ કેટલી સૌભાગ્યની વાત છે . આજે તો હૂતો-હુતીના ફેમીલીવાલો કોન્સેપ્ટ ચલણમાં છે ત્યારે એટલીસ્ટ આજના દિવસે મા ને કમસે કમ એ વાતનો અહેસાસ કરાવજો કે ભલે જિંદગીની કશ્મકશમાં આપણે બંને દુર પડી ગયા હોઈએ પણ ‘ આઈ લવ યુ મા ‘ ..!!! એને સદા સન્માનીએ. કદી એની આંખોમાં આંસું ન આવે તે જોવા એક સાચા સંતાન બની રહીએ અને ઉદાત્ત જીવન જીવવાનો ગર્વ થાય એવા સંતાન બની રહીએ એ જ સાચો ‘ માતૃદિવસ ‘ ..!! આજે વૃદ્ધાશ્રમો મમતાનો આખરી વિસામો બની જતા જાય છે ત્યારે એની હયાતીમાં એની પાસે બેસી લેજો , એની અમીભરી નજર માણી લેજો , એના મૂંગા આશીર્વાદ અંતરમાં ભરી લેજો પછી એના ગયા પછી કરોડો રૂપિયા ખર્ચવા છતાયે એ ખોળો , એ આશીર્વાદ , એ અમીનજર , એ હુંફ , એ લાગણી , એ નેહ નહિ જ મળે એ હકીકત છે …!!. માતૃદેવો ભવ …!!!

વિસામો :

“ મા , વેકેશન એટલે શું ? “ …..” મને શું ખબર બેટા , હું તો મા છું …!!! “ – વાયા વોટ્સઅપ

  • અજય ઉપાધ્યાય ( ગાંધીનગર સમાચાર – કોલમ ” રઝળપાટ ” ૧૪ મેં ૨૦૧૭ )