આજનો સંકલ્પ : વાંચો ,વંચાવો અને વાંચનને વહેચો …..!!!!!

હમણાં જ ૧લી મેં થી અમદાવાદના આંગણે પુસ્તકમેળો શરુ થશે . આ લખનાર એનો નિયમીત મુલાકાતી છે અને મૂળે પત્રકારજીવ હોવાથી ખરેખર આવા પુસ્તકમેળાઓ કેટલા લાભદાયી છે એનું સત્તત નિરીક્ષણ અને સર્વેક્ષણ કરતા રહેવાની ટેવ છે. મોટાભાગે ‘ લખપતિ કેમ બનશો ?’ થી લઈને ‘ સાચું સુખ શેમાં છે ? ‘ ટાઈપના પુસ્તકો વેચતા અને અથવા તો ૧૦૦ માં ૩ લેખે વેચાતી અંગ્રેજી કે હિન્દી છીછરી નવલકથાઓ વેચનારા સ્ટોલવાળા મેળો પત્યા સુધીમાં ભાડું કાઢી લેતા હોવાનું નોંધ્યું છે અને અનેકો પુસ્તકવિક્રેતા દોસ્તો પાસેથી સાંભળેલું પણ છે . એવું નથી કે ખરેખર પુસ્તક કહી શકાય એવી બુક્સનું વેચાણ કરતા સ્ટોલ પર ભીડ નથી હોતી , હોય છે ને પણ એમાંથી ખરેખર કેટલા લોકો સારા – વાંચવા યોગ્ય – વહેચવા યોગ્ય અને વસાવવા યોગ્ય પુસ્તકો ખરીદતા હોય છે એ તો સ્ટોલવાળા ને એક ને જ ખબર હોય છે …!!! આજે ૨૩ એપ્રિલે ‘ વિશ્વ પુસ્તક દિવસ ‘ છે ત્યારે પુસ્તકો પ્રત્યે આપણે કેટલા પ્રેમાળ અને ગંભીર છીએ એનો જવાબ આગળ લખ્યો એ વાતમાં મહદઅંશે આવી જાય છે . જી હા , દોસ્ત કડવું ભલે લાગે પણ આ જ સત્ય છે ….!!! આપણે વોટ્સઅપ અને ફેસબુક વાંચતા થયા ત્યારથી પુસ્તકોના વાંચન સાથે ટ્રીપલ તલ્લાક લઇ લીધા હોય એવું છે .  ભલે બધાએ નહિ લીધા હોય પણ શોશિયલ મીડિયાનું વાંચન અસલી વાંચનને થોડાઘણા અંશે ભરખી રહ્યું છે એ સ્વીકાર્ય હકીકત તો છે જ …!!!

‘ પુસ્તકો આપણા શ્રેષ્ઠ મિત્રો છે ‘ જેવી સુફિયાણી અને શિષ્ઠ વાતો કરતા આપણે ખરેખર પુસ્તક વાંચન અને પુસ્તક પ્રચારમાં હજુ એટલા શ્રેષ્ઠ નથી જ એ પણ હકીકત છે . હજુ પણ પુસ્તકમેળાઓમાં આપણા પગ રસોઈ – બાળ સાહિત્ય – નવલકથાઓ સુધી જ પહોચ્યા છે . સારા અને વસાવી કે વાંચવા જોઈએ એવા પુસ્તકો માટે રૂપિયા ખર્ચવા હાથ ખિસ્સામાં ઓછો જાય છે . પુસ્તક વાંચવું , વાંચીને કોઈની સાથે એને વહેચવું અને પુસ્તકને કોઈને સપ્રેમ ભેટ આપવું એની પણ એક અલગ જ મજા છે , સંતુષ્ટિ છે ..!!! મલ્ટીપ્લેકસની એક ટીકીટ કે રેસ્ટોરન્ટના એક બીલ જેટલી કિમતમાં જ પુસ્તકો પણ મળે જ છે , પણ……..!!! જો કે આ બધા જ્ઞાની કાર્ય કરતા પહેલા તો પુસ્તક વાંચવાની ટેવ હોવી અનિવાર્ય છે અને એમાં પણ ખરેખર કયું પુસ્તક ‘ વાંચી ‘ શકાય એવું છે કે કયું પુસ્તક ‘ વાંચવું જ ‘ જોઈએ એનું એક પુસ્તક કંઠસ્થ કરવું પડે…!!! ઓસ્કાર વાઈલ્ડે કહેલું કે ‘ સારું અને ખરાબ એવું કોઈ પુસ્તક નથી હોતું , એ તો ક્યા તો સારી રીતે લખાયેલું હોય છે અથવા તો ખરાબ રીતે ‘  ફ્રાન્સીસ બેકને પણ કૈક આવું જ પણ જરા અલગ રીતે કહેલું કે ‘કેટલાક પુસ્તકો માત્ર ટેસ્ટ (ચાખવા) માટે હોય છે, કેટલાક પુસ્તકો સીધા ગળી જવા માટે હોય છે, અને કેટલાક પુસ્તકો ચાવીને પચાવવા જેવા હોય છે.’

આ લખનારને બરાબર યાદ છે અને વાંચકોમાંથી પણ ઘણાને યાદ હશે કે પહેલા તો પ્રાથમિકથી જ શાળામાં અમુક સમયે કોઈ સારા પુસ્તકને વિદ્યાર્થીઓમાં વાંચવા માટે અપાતું અથવા તો અઠવાડિયે એક તાસ એવો જ રહેતો કે જેમાં વર્ગમાં કોઈ એક સારા પુસ્તકના વિવિધ ભાગોનું પઠન વિદ્યાર્થીઓ દ્વારા થતું . આજે તો વિદ્યાર્થી જ પોતાની મેળે મોબાઈલમાં વાંચી લે છે ( શું અને કેવું એ તપાસનો વિષય છે !!! ) પણ બાળપણથી જ વાંચનની ટેવ પાડવા માટે શાળાઓ જ શ્રેષ્ઠ કામ કરી શકે . એસ્થર ડેવિડે એક સચોટ વાક્ય કહેલું કે ‘ આપણે લખતા તો શીખવાડીયે છીએ પણ વાંચતા નહિ “ વાત પણ સાચી છે ને ? પણ વાંચતા કેમ શીખવાડાય ? થોડા સમય પહેલા નરેન્દ્ર મોદીએ ‘ વાંચે ગુજરાત ‘ અભિયાન ચલાવેલું . વાંચવા માટે પ્રોત્સાહિત કરવા પણ અભિયાન ચલાવવું પડે એ જ વાંચન અને પુસ્તકોની કમનસીબી કહેવાય જો કે સરકારી પ્રયત્ન અને ઈરાદો સારો જ હતો .

જો કે સાવ એવું પણ નથી કે આપણે વાંચતા જ નથી , ના ભાઈ ના ..!!! શેરબજારના ચોપાનીયા અને આદિકાળની નોવેલો વાંચતો ગુજરાતી વૈશ્વિક સાહિત્ય પણ વાંચતો થતો જાય છે એ પાછલા થોડા વર્ષોમાં આવેલો નવો ટ્રેન્ડ તો છે જ અને બીજું કે શોશિયલ સાઈટ્સ પર ઈ-બુક્સ પર વધતી જતી હિટ્સ એક સુખદ સંકેત છે કે વી આર રીયલી રીડીંગ પણ હજુયે પુસ્તક લઈને વાંચવું એવો ટ્રેન્ડ આવતા વાર લાગશે એવું લાગે છે . જો કે ઓપોઝીશન એવી દલીલો પણ કરી શકે છે કે ‘ ભાઈ તમારે વાંચે એનું કામ છે કે પુસ્તકો પણ ખરીદે એનું કામ ? ‘ વાત સાચી પણ છે જ કે વાંચન વધવું જોઈએ પછી એ ઓનલાઈન હોય કે ઓફલાઈન ..!! પણ હકીકત એ છે કે પુસ્તકના લીસા પાનાં પર ફરતી આંગળીઓ જેવી મજા સ્ક્રીન પર કર્સર ફેરવવામાં તો ના જ આવે ..!!! ઇવન ધો ઓનલાઈન તો ઓનલાઈન પણ વાંચન થતું રહે એ મહત્વનું છે કેમકે જેમ માર્ક ટ્વેઇને કહેલું છે એમ , ‘ જેઓ વાંચતા નથી તેવા લોકો, જેઓ વાંચી નથી શકતાં તેવા લોકો કરતાં જરા પણ ચડિયાતા નથી.’

માર્કભાઈની જ વાતને આગળ વધારીએ તો જેને વાંચન નો શોખ છે અને જે સાવ વાંચતો નથી એ બે વ્યક્તિની ક્યારેક સરખામણી કરી લેજો , ખબર પડી જશે વાંચનનું મહત્વ શું છે એ …!!! વોટ્સઅપના ફોરવડીયા મેસેજો વાંચવા કે ફેસ્બુકની કોપી-પેસ્ટ વોલપોસ્ટો વાંચવી અને અને એક સારું પુસ્તક વાંચવું એ બંનેમાં હાથી-ઘોડાનો ફેર છે ..!! જી હા અને એમાયે કોઈ સારા પુસ્તકને એકી બેઠકે વાંચી કાઢવાની મજા તો અદ્ભુત છે . મિલ્ટન કહ્યું છે,“ પુસ્તકોમાં આત્માનું જીવન છે, કેમ કે, એમાં જીવનનો વિચાર સાર રહેલો છે.” પુસ્તકોને સજીવ ગણતા એટલે જ મિલ્ટને એમ પણ કહ્યું છે, “પુસ્તકોમાં આત્મા હોય છે. સંદગ્રંથોને કદી નાશ થતો નથી.” સિસરોએ કહ્યું છે, “ ગ્રંથ વગરનું ઘર આત્મા વગરના શરીર જેવું છે.” એટલે કે ઉત્તમ પુસ્તકોને અભાવે મનુષ્ય જ્ઞાનથી વંચિત રહે છે. જ્ઞાન વગરનું જીવન મડદા જેવું નકામું હોય છે. લોકમાન્ય તિલક કહી ચુક્યા છે કે “ હું નરકમાં પણ ઉત્તમ પુસ્તકોનું સ્વાગત કરીશ, કેમ કે તેમનામાં એવી શક્તિ છે કે તે જ્યાં હશે ત્યાં આપોઆપ સ્વર્ગ ખડું થશે.” તો રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું માનવું હતું કે “ સારાં પુસ્તકો આપણી પાસે હોય તો તે પરોપકારી મિત્રની ગરજ સારે છે. ”

ઠીક છે વિશ્વભરના મહાપુરુષો અને અઠંગ વાંચનપ્રેમીઓ તો પુસ્તકો અને એના વાંચન વિષે ઘણું કહી ગયા છે પણ હરીફરીને વાત ત્યાં જ આવીને અટકે છે કે આપણે ખરેખર કેટલું વાંચીએ છીએ ? અથવા તો આપણો પુસ્તક પ્રેમ ક્યાં સુધીનો અને કેટલો છે ? શું રવિવાર અને બુધવારની પુર્તીઓથી આગળ પણ કશુક  આપણે વાંચીએ છીએ ? એટલું જ નહિ પણ વાંચ્યા પછી બીજા લોકોમાં વહેચીયે છીએ ? કે કોઈને વાંચવા પ્રોતસાહિત કરીએ છીએ ? શોશિયલ મીડિયા પર મફત મળતા પુસ્તકો વાંચ્યા પછી એનો વધુ પ્રસાર ને પ્રચાર કરીએ છીએ ? સારા પુસ્તકોની ભલામણ કરીએ છીએ ? અને ખાસ તો બાળકોમાં પુસ્તકો અને વાંચનની ભૂખ જગાડવા શું કરીએ છીએ ? લાયબ્રેરીઓ , ઓનલાઈન બુક સ્ટોર્સ પુસ્તકોથી છલોછલ છે , બસ જરૂર છે તો સારા અને અસરકારક પુસ્તકો વાંચવાની અને વંચાવડાવાની આદત પાડવાની . પુસ્તક વાંચનથી કશું જ ગુમાવવાનું નથી એ સત્ય છે કારણ કે જ્યારે તમે કોઈ સારું પુસ્તક વાંચો છો, ત્યારે ગમે ત્યાં દુનિયામાં જ્ઞાનરૂપી પ્રકાશનો દરવાજો ખૂલે છે.’ વાંચો , વંચાવો અને વાંચનને વહેચવાનો સંકલ્પ કરો એ જ ‘ પુસ્તક દિવસ ‘ ની સાચી ઉજવણી હશે …!!!!

વિસામો :

ગુજરાતના અનેક શહેરોમાં અને આપણા ગાંધીનગરમાં મહિનાના પ્રથમ રવિવારે સવારે ૭:૩૦-૯;૩૦ કલાકે ઘ-૪ સર્કલે ‘ પુસ્તક પરબ ‘ નું આયોજન થાય છે , જ્યાં તમે કોઈપણ ૩ પુસ્તકો નિઃશુલ્ક વાંચવા માટે લઇ જઈ શકો છો , એટલું જ નહિ પણ તમારી પાસે રહેલા પુસ્તકોને બીજાના વાંચન માટે ભેટ આપી શકો છો .

  • અજય ઉપાધ્યાય ( ગાંધીનગર સમાચાર – કોલમ ” રઝળપાટ ” ૨૩ એપ્રિલ ૨૦૧૭ )
Advertisements